બાલરામાયણ : (નવમી સદી) સંસ્કૃત ભાષાના નાટ્યકાર રાજશેખરે રચેલું નાટક. દસ અંકોનું બનેલું આ બૃહત્કાય નાટક રામાયણની કથાને વર્ણવે છે. પ્રથમ અંકમાં મિથિલામાં જનક રાજાએ પુત્રી સીતાને પરણાવવા માટે શિવધનુષ્ય પર બાણ ચડાવવાની શરત મૂકી છે તેથી રાવણ પોતાના પ્રધાન પ્રહસ્ત સાથે ત્યાં આવે છે, પરંતુ શિવધનુષ્યને ફેંકી દે છે. આથી જનક રાજા ગુસ્સે થતાં સીતાના પતિ બનનારનું ડોકું કાપવાની પ્રતિજ્ઞા લે છે અને પરશુરામ પાસે તેમનું શસ્ત્ર પરશુ મેળવવા માટે એક રાક્ષસને મોકલે છે. બીજા અંકમાં પરશુરામ ગુસ્સે થઈ રાવણને મારવા આવતાં બંને વચ્ચે કલહ થાય છે. શિવના આદેશથી ભૃંગિરિટિ બંનેને શાંત પાડે છે. ત્રીજા અંકમાં રામે કરેલા તાડકાવધ બાદ લંકામાં રાવણની સમક્ષ ‘સીતાસ્વયંવર’ નામનું નાટક ભજવવામાં આવે છે. રામ ધનુર્ભંગ કરીને સીતાને પરણતાં ઉત્તેજિત થયેલા રાવણને આ નાટક હોવાનું કહી પ્રતિહારી શાંત પાડે છે. ચોથા અંકમાં મિથિલામાં શિવધનુષ્યભંગ કરનારા રામ પર પરશુરામ ગુસ્સે થાય છે. પરશુરામે આપેલા વૈષ્ણવ ધનુષ્ય પર લક્ષ્મણ બાણ ચઢાવે છે અને રામ સાથેના યુદ્ધમાં પરશુરામની હાર થાય છે. પાંચમા અંકમાં પરશુરામનો પરાજય થતાં રાવણ સીતાના અપહરણની ઇચ્છા વ્યક્ત કરે છે. રાવણને ખુશ કરવા સીતાને બદલે ગળામાં મેના બેસાડેલી યંત્રજાનકી સખી સિંદૂરિકા સાથે હાજર થાય છે. આમ છતાં વિરહમાં ઉન્મત્ત અને અશાંત બનેલા રાવણને શૂર્પણખાનું નાક કાપવાના સમાચાર વધારે ગુસ્સે કરે છે. છઠ્ઠા અંકમાં ઇન્દ્રને મળવા ગયેલા દશરથ અને કૈકેયીને સ્થાને રાક્ષસ માયામય છદ્મદશરથ અને શૂર્પણખા છદ્મકૈકેયી બની રામને વનવાસની આજ્ઞા આપે છે. પાછા ફરીને અસલી દશરથ અને કૈકેયીના સમજાવવા છતાં રામ વનમાં જાય છે. જટાયુનો દૂત ચિત્રશિખંડ રાવણે કરેલા સીતાહરણ અને જટાયુવધના સમાચાર દશરથને આપે છે. તેથી તેઓ ગંગાયમુનાના સંગમના સ્થળે પ્રયાગમાં પ્રાણત્યાગ કરી સ્વર્ગમાં જાય છે. સાતમા અંકમાં દશરથના મૃત્યુના સમાચાર સાંભળી રામ સમુદ્રને પરાજિત કરી સેતુ બાંધે છે. આથી રાવણ યંત્રજાનકીનું મસ્તક કાપી સમુદ્રમાં ફેંકે છે. એ પછી રાવણનો પુત્ર મેઘનાદ વગેરે યુદ્ધ શરૂ કરે છે. આઠમા અંકમાં પ્રતિનિધિ યુદ્ધમાં અંગદ રાક્ષસ નરાંતકને હાર આપે છે, છતાં રાવણ યુદ્ધ કરે છે. એમાં કુંભકર્ણ, મેઘનાદ વગેરે વીરો મૃત્યુ પામે છે. નવમા અંકમાં રામ રાવણનો વધ કરે છે. દસમા અંકમાં રામ પુષ્પક વિમાનમાં અયોધ્યા જાય છે અને તેમનો રાજ્યાભિષેક થાય છે. દીર્ઘ કદનું અને નવીન કલ્પનાથી ભરેલું આ નાટક પથરાટવાળું છે. તે નાટક કરતાં ઊર્મિકાવ્ય જેવું વધુ લાગે છે. અવનતિકાળના સંસ્કૃત નાટકનું ઉદાહરણ આ બાલરામાયણ પૂરું પાડે છે.
પ્ર. ઉ. શાસ્ત્રી