બાલમનોવિજ્ઞાન

જન્મ પૂર્વેના તબક્કાથી માંડીને તરુણાવસ્થાના શરૂઆતના તબક્કા (13–14 વર્ષની ઉંમર) સુધીના શિશુ અને બાળકના વર્તનના સળંગ વિકાસનો અભ્યાસ કરતું વિજ્ઞાન. વીસમી સદીની શરૂઆતમાં તેનો આરંભ થયો. મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. મનુષ્યના અસ્તિત્વને આવરી લેતું સમગ્ર વર્તન. હવે મનુષ્યના સમગ્ર વર્તનનો અભ્યાસ એટલે ગર્ભાધાનથી જન્મ અને જન્મથી મૃત્યુ સુધીના વર્તનનો અભ્યાસ. વર્તનનાં મૂળ વારસો અને વાતાવરણ પર આધારિત છે. ગર્ભાધાન અને જન્મ સમય સુધીના લાંબાગાળામાં બાળક ઉપર ઘણી અસરો પડે છે. જેવી કે માતાપિતા તરફથી મળેલાં જનીન, તેના વડે મળેલાં જૈવિક લક્ષણો કે જે જૈવિક લક્ષણો પ્રમાણે બાળક માતાના ઉદરમાં મળેલા વાતાવરણ પ્રમાણે વિકસે છે.

બાલમનોવિજ્ઞાન મનોવિજ્ઞાનની એક શાખા છે પરંતુ અમુક અંશે સ્વતંત્ર પણ છે. સામાન્ય મનોવિજ્ઞાનમાં જાતીય લાગણી અથવા લૈંગિક લાગણી(sex)ને માનવીના મનોવિકાસ તથા મનોવલણોમાં ઘણું મહત્વ અપાય છે. સામાન્ય રીતે નાના બાળકને માટે લૈંગિક ભાવનાનું ખાસ મહત્વ હોતું નથી. તે અંગૂઠો ચૂસતું હોય તો એનો અર્થ ધાવણ છોડાવવાને લીધે તેને અસલામતી લાગે છે, તે વડીલોની આજ્ઞાને માને છે કેમ કે તે તેના ભલામાં છે એવું તે સમજી શક્યું છે.

બાળકનું સર્જન કુદરતની દેન છે, પરંતુ તેના વિકાસમાં સમાજનું ઘણું મહત્ત્વ છે. માટે બાલમનોવિજ્ઞાન એક પ્રકારની જૈવીય-સામાજિક વિદ્યા અથવા એક પ્રકારનું પ્રાકૃતિક વિજ્ઞાન છે. તેના વિકાસમાં જીવવિદ્યા, સમાજવિદ્યા અને નૃવંશવિદ્યાના નિષ્ણતોએ ફાળો આપેલો છે. તે એક પ્રકારે સૈદ્ધાંતિક તેમજ વ્યાવહારિક વિદ્યા એમ બંને પ્રકારનું વિજ્ઞાન છે. તેથી તે ફક્ત બાળકના વર્તનનો વિકાસ કેવી રીતે થાય છે તે માત્ર સમજાવતું નથી પરંતુ તેની સમસ્યાઓનો ઉકેલ પણ દર્શાવે છે. બાલમનોવિજ્ઞાનના વિકાસમાં શિક્ષણશાસ્ત્રીઓએ ઘણો અગત્યનો ફાળો આપેલો છે.

સમાજમાં બાળકનું મહત્વ ઘણું છે. પહેલાંના જમાનામાં પણ હતું. પરંતુ પહેલાંના સમયમાં વારસદાર તરીકે તેનું વધુ મહત્વ હતું. હવે તે બાબત ઉપરાંત વ્યક્તિના વ્યક્તિના મૂળભૂત પાસા તરીકે તેનું વધારે મહત્વ છે. બાળક છ વર્ષનું થાય ત્યાં સુધીમાં પુખ્તવયની વ્યક્તિનાં વ્યક્તિત્વલક્ષણોનો વિકાસ તેનામાં થઈ ગયો હોય છે અને તેથી બાળકના વર્તનની સમજ તેના ઉપરથી આગાહી અને તે પ્રમાણે તેના વર્તનને નિયંત્રિત કરવામાં આવે તો બાળકનો યોગ્ય વિકાસ થાય છે. તેથી જ તંદુરસ્ત બાળકનું મહત્વ દર્શાવતા કહ્યું છે કે ‘child is the father of man.’

અગાઉ બાળકો વિશે ઘણા ખોટા ખ્યાલો હતા. બાલમનોવિજ્ઞાનના અભ્યાસથી બાળક વિષેના ખોટા ખ્યાલો દૂર થયા છે. જેવા કે બાળકને કંઈ સમજ ન પડે તેનો જેમ ઉછેર કરવો હોય તેમ કરી શકાય. વૉટ્સને પણ કહ્યું હતું કે ‘મને કોઈ પણ દસ બાળકો આપો તો તેને જેવા કહેશો તેવા બનાવી આપીશ’ – પરંતુ આ બાબત બાલમનોવિજ્ઞાનની ર્દષ્ટિએ પોકળ પુરવાર થઈ છે. બાળખ વારસામાં જે સુષુપ્ત શક્તિઓ લઈને આવે છે, તેનો વિકાસ વાતાવરણ દ્વારા થાય છે. કેટલીક પશ્ચિમી પ્રજાઓ અને તેમનામાંના નિષ્ણાતો માનતા હતા કે બાળક પુરુષ-સ્ત્રીના પાપનું ફળ છે. કેટલાક વળી એમ માનતા કે બાળક એક નાનો માનવી છે. તે તેને મળતા વારસાને અનુરૂપ રહીને જ વિકાસ કરે છે. એવું પણ મનાતું હતું કે જુદાં જુદાં બાળકો એક રીતે જ વિકસે છે તેથી દરેક બાળકને એક જ રીતે ઉછેરવું જોઈએ એમ મનાતું હતું. મોટી ઉંમરની વ્યક્તિ અને નાના બાળકને સમાન ગણીને તેની સાથે વ્યવહાર કરવાની વૃત્તિ રહેતી. ‘સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ઘમઘમ’ એવો ખ્યાલ આપણે ત્યાં પ્રવર્તતો હતો. હાલ તેમના વિષેની માન્યતાઓમાં ઘણો તફાવત આવેલો છે. હવે બાળકને ભવિષ્યની પુખ્ત વ્યક્તિના વિકાસનું પ્રથમ ચરણ મનાય છે. તેને એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે સ્વીકારવામાં આવે છે. હવે એવું પણ સમજાયું છે કે તેના વિકાસમાં તેને મળતા જનીની વારસા ઉપરાંત તેની આસપાસના વાતાવરણનો પણ મહત્વનો ફાળો છે. જનીની વિકૃત ન આવે તેવું સાચવી શકાય છે. પરંતુ જનીની વારસાને બદલવાનું શક્ય નથી. તેથી યોગ્ય વાતાવરણનું સર્જન કરવાથી બાળકનું યોગ્ય ઘડતર થઈ શકે છે તે સમજાયું છે. દરેક બાળક પોતાની આગવી વિશેષતા ધરાવે છે તેવું પણ હવે સ્વીકારાતું થયું છે. તેમના વિકાસ માટે અલગ અલગ તરાહ હોય, તેમના ગમા-અણગમાને આધારે તેને ભણાવવાના વિષયો અને તેની પદ્ધતિ નક્કી કરવાનું સૂચવાય છે. આમ દરેક બાળકમાં વ્યક્તિગત તફાવતો હોય છે અને તેથી તેમના વિકાસમાં વ્યક્તિગત ધ્યાન આપવું જરૂરી ગણાય છે.

(1) બાલમનોવિજ્ઞાનનો અભ્યાસ : બાલમનોવિજ્ઞાનના અભ્યાસમાં વિવિધ બાબતોને આવરી લેવાય છે. બાળકનાં વૃદ્ધિ, વિકાસ અને વારસા (આનુવંશિકતા) કેવાં છે તેનો તેમાં અભ્યાસ કરાય છે. બાળકના જન્મપૂર્વે માતાનું આરોગ્ય કેવું હતું, તે કઈ દવાઓ લેતી હતી, તેનો આહાર કેવો હતો તે સમગ્ર બાબતો બાળકના માનસિક વિકાસને અસર કરે છે. ગર્ભનો યોગ્ય વિકાસ થાય તે જરૂરી ગણાય છે. જન્મ પછીનું બાળકનું સ્વાસ્થ્ય અને તેનું પર્યાપ્ત પોષણ તેના માનસિક વિકાસમાં મહત્વનાં પરિબળો બને છે. શરીરનાં અંગો મોટાં થાય તેને વૃદ્ધિ કહે છે, જ્યારે તેની કાર્યક્ષમતામાં થતા વધારાને વિકાસ કહે છે. તેની ઊંચાઈ, વજન, શરીરના અવયવો અને દેહધાર્મિક ક્રિયાઓનો યોગ્ય અને સમયસરનો વિકાસ થવો જરૂરી ગણાય છે. બાળકના હલનચલનની ક્રિયાઓનો વિકાસ, વાણીનો વિકાસ તથા સામાજિક વ્યવહારનો વિકાસ પણ મહત્વ ધરાવે છે. જુદી જુદી વયે સામાન્ય રીતે જોવા મળતાં વૃદ્ધિ અને વિકાસનાં સ્તર તથા કક્ષાને ઓળખી કાઢવામાં આવ્યાં છે. તેમને વૃદ્ધિ અને વિકાસનાં માર્ગાંતર ચિહ્નો (milestones) કહે છે. આ ઉપરાંત બાળકને થતી માંદગી અને ઉદભવતી શારીરિક ખામીઓ પણ તેના પર મનોવૈજ્ઞાનિક અસરો કરે છે.

બાળકનાં વર્તનમાં પ્રેરણા(motivations)નું સ્થાન અને મહત્ત્વ ઘણું છે. ભૂખ, તરસ, જિજ્ઞાસા, ક્ષમતાપ્રાપ્તિ, સામાજિક માન-સન્માન, આત્મગૌરવ વગેરે વિવિધ પ્રકારની પ્રેરણાઓ તેના વર્તનને ઘડે છે. વિવિધ પ્રકારના આવેગો (impulses) પણ એક પ્રકારની બળવાન પ્રેરકશક્તિ તરીકે કાર્ય કરે છે, દા.ત., પ્રેમ, ક્રોધ, ભય વગેરે. તેઓ એક પ્રકારની મનોદૈહિક ઉશ્કેરાટની અવસ્થાઓ છે. જુદી જુદી ઉંમરે જુદા જુદા આવેગો સક્રિય હોય છે. તેમનો વિકાસ અને તેમની અભિવ્યક્તિ બાલમનોવિજ્ઞાનના અભ્યાસના ક્ષેત્રમાં ખાસ સ્થાન ધરાવે છે. બાળકની બધી ઇચ્છાઓ પૂરી થતી નથી. કેટલીક વખત તે પરસ્પર વિરોધી હોય છે તો ક્યારેક તે બે ગમતી વસ્તુમાંથી કોઈ એકની પસંદગી કરવામાં મુશ્કેલી અનુભવે છે. તેમાંથી ઉદભવતી હતાશા અને વંચિતતાની વૃત્તિ અને તેની અભિવ્યક્તિનો પણ અભ્યાસ કરાય છે. હતાશાને પરિણામે બાળક કાં તો તેનું અનુકૂલન ગુમાવીને અસંતોષ વ્યક્ત કરે છે અથવા તો તેને સહન કરે છે. આવી વિવિધ મનોવૈજ્ઞાનિક બાબતોને બાલમનોવિજ્ઞાનના અભ્યાસમાં આવરી લેવાય છે. બાળકની ભાષાનો વિકાસ, બાળકના આવેગોનો વિકાસ, બાળકનો બૌદ્ધિક વિકાસ, બાળકનો સામાજિક વિકાસ, બાળકના વ્યક્તિત્વનો વિકાસ વગેરે વિવિધ પાસાંને પણ તેમાં આવરી લેવાય છે. બાળક ઊર્મિઓના આવેગમાં ક્રિયાઓ કરે છે. તેથી માતા, પિતા કે અન્ય વડીલો તેને તેવું કાર્ય કરતાં રોકે છે. તેમની આ પ્રકારની સત્તા તેના હિતમાં હોય છે. પરંતુ તે બાળક પર એક પ્રકારે શિસ્ત લાદે છે. શાળાએ જતા બાળક પર તેના શિક્ષક પણ શિસ્ત લાદે છે. શૈક્ષણિક પ્રક્રિયા દ્વારા તેનામાં સ્વયંશિસ્ત પણ સ્ફુરે છે. બાળકના જીવનમાં આવતી કે લદાતી શિસ્તનું મહત્વ, તેને અનુભવવા મળતું સત્તાનું નિયંત્રણ તથા તે તરફનો તેનો પ્રતિભાવ પણ બાલમનોવિજ્ઞાનમાં સમજવામાં આવે છે. તોફાની, હઠીલું અને આક્રમક બાળક સમસ્યાઓ સર્જે છે તેથી તેનો વિકાસ રૂંધાય છે. તેવું થતું અટકાવીને બાળકનું માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તેનો વિકાસ સરળ અને સુયોગ્ય ઢબે થતો રહે તેવી સ્થિતિ સ્થપાય તેવો બાલમનોવિજ્ઞાનનો ઉદ્દેશ હોય છે.

બાળપણ એ જીવનનો અગત્યનો સમય છે. તે સમયે જો વિકાસની પ્રક્રિયામાં કોઈ રુકાવટ આવે તો તેની અસર સમગ્ર જીવન પર્યંત રહે છે. બાળકનો વિકાસ માન્ય અને પ્રમાણિત ધોરણો(standards)થી થયો છે કે નહિ તે બાલમનોવિજ્ઞાનના અભ્યાસ દ્વારા જાણી શકાય છે. તેની મદદથી બાળકની શારીરિક અને સામાજિક જરૂરિયાતોના માનસિક પાસાની પણ જાણકારી મળે છે. વળી તે સમસ્યારૂપ બાળકોના વર્તનનાં કારણોમાં ઊંડા ઊતરીને તેના માનસિક અસમતુલનને દૂર કરવામાં મદદરૂપ થાય છે. આમ અનેક રીતે બાલમનોવિજ્ઞાનનો અભ્યાસ ઉપયોગી છે.

બાલમનોવિજ્ઞાનના અભ્યાસ માટે વિવિધ પ્રકારના અભિગમો વાપરવામાં આવેલા છે. પોલ મ્યુસેન નામના મનોવૈજ્ઞાનિકે મુખ્ય બે અભિગમને દર્શાવ્યા છે : વર્ણનકારી અભિગમ (descriptive approach) અને સમજૂતીકારક અભિગમ (explanatory apporach). વર્ણનકારી અભિગમમાં વિકાસના તબક્કાઓનું વર્ણન કરાય છે, જ્યારે સમજૂતીકારક અભિગમમાં કાર્ય તથા કારણનો અભ્યાસ કરીને બાળકના વિકાસ કે વર્તનમાં જો કોઈ વિષમતા હોય તો તેને સમજવામાં આવે છે. બીજા એક મનોવૈજ્ઞાનિક હોરેસ બી. ઇંગ્લિશના મત પ્રમાણે બાલમનોવિજ્ઞાનને રોજેરોજના વ્યવહારમાં ઉપયોગી બનાવીને સ્વસ્થ મનવાળું અને સુંદર રીતે શીખતું બાળક કેવી રીતે બને તે માટે માતા, પિતા તથા શિક્ષકને ઉપયોગી માહિતી અને અભિગમ પ્રાપ્ત થયા હોવા જોઈએ. આ ઉપરાંત મનોવૈજ્ઞાનિક માપનની ર્દષ્ટિએ બીજા બે પ્રકારના અભિગમો પણ વપરાશમાં છે. એકસરખા વયજૂથનાં વિવિધ બાળકોના અભ્યાસને આડછેદી અભિગમ (cross sectional approach) કહે છે. જ્યારે વય વધતી જાય ત્યારે થતા મનોવૈજ્ઞાનિક ફેરફારોના અભ્યાસને લંબકાલીન અભિગમ (longitudinal approach) કહે છે.

(2) અભ્યાસપદ્ધતિઓ : બાળકનાં વિકાસ અને વર્તનના અભ્યાસ માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાંની કેટલીક વધુ ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓમાં અનૌપચારિક નિરીક્ષણની પદ્ધતિ, નિયંત્રિત નિરીક્ષણની પદ્ધતિ, વર્તનવર્ણનની, પ્રાસંગિક અહેવાલોની પદ્ધતિ, પ્રશ્નાવલિની પદ્ધતિ, મુલાકાતની પદ્ધતિ, તુલના કે મૂલ્યાંકનની પદ્ધતિ, વિચારક્ષેપણની પદ્ધતિ, પ્રયોગની પદ્ધતિ, મનોદૈહિક અભ્યાસોની પદ્ધતિ તથા ચિકિત્સાલક્ષી કિસ્સાના અભ્યાસની પદ્ધતિનો સમાવેશ થાય છે. બાળકના રોજબરોજના વર્તન સંબંધી સાહજિક રીતે જ કરવામાં આવેલું નિરીક્ષણ અનૌપચારિક નિરીક્ષણ કહેવાય છે. તે અવ્યવસ્થિત અને અમુક અંશે અવૈજ્ઞાનિક હોવાથી આ પદ્ધતિનું મૂલ્ય ઓછું છે. ક્યારેક તેમાં અગત્યની બાબતો ધ્યાન બહાર રહી જાય છે. નિયંત્રિત નિરીક્ષણ સભાનતાપૂર્વક અને પસંદગીપૂર્વક કરવામાં આવે છે. તેનું અગાઉથી આયોજન કરાયેલું હોય છે. તેથી તેમાં ચોકસાઈ પણ હોય છે. વળી તે તાલીમબદ્ધ નિરીક્ષકો દ્વારા થતું હોય છે. તેથી તેનાં પરિણામોને પ્રમાણભૂત માનવામાં આવે છે. વર્તનવર્ણનની પદ્ધતિમાં બાળક વિશે તેનાં માતાપિતા કે વાલી દ્વારા વર્ણન કરાતું હોય છે. જો માતાપિતાએ માહિતી તટસ્થતાથી આપી હોય તો તે માહિતી ઘણી મૂલ્યવાળી ગણાય છે. બાળકના વર્તનના અનૌપચારિક નિરીક્ષણ પરથી કોઈ ચોક્કસ પ્રસંગની નોંધ તૈયાર કરવામાં આવે અને તેને આધારે તારણો કઢાય તો તેને પ્રાસંગિક અહેવાલની પદ્ધતિ કહે છે. બાળકના વર્તનની પ્રાસંગિક નોંધ ખરેખર તેના જીવનમાં બનેલા બનાવની નોંધ હોય છે. તેના આધારે બાળકને સંપૂર્ણ રીતે સમજવામાં મદદ મળે છે. પ્રશ્નાવલિ પદ્ધતિમાં ત્રણ પ્રકારે પ્રશ્નો પુછાય છે. અનેક વ્યક્તિઓની માન્યતા જાણવા માટેના પોલ પ્રશ્નો, પહેલેથી ઉત્તરો તૈયાર કરીને ન આપ્યા હોય અને જાતે ઉત્તર નક્કી કરીને ઉત્તર આપવા પડે તેવા મુક્ત પ્રશ્નો કે અગાઉથી નિશ્ચિત ઉત્તરો આપેલા હોય અને તેમાંથી પસંદગી કરીને ઉત્તર આપવાના હોય તેવા ઉત્તરના વિકલ્પની પસંદગી કરવાના પ્રશ્નો. ચેક લિસ્ટની પદ્ધતિમાં પ્રશ્નોને બદલે ચોક્કસ પ્રકારના વર્તનનું વર્ણન કરાયેલું હોય છે. તેમાં જે સાચી માહિતી હોય તેના પર નિશાની કરવાની હોય છે. આ પદ્ધતિની ઉપયોગિતાનો આધાર ઉત્તર આપનારાની પ્રામાણિકતા પર રહેલો છે. મુલાકાતની પદ્ધતિમાં રૂબરૂ વાતચીત કરાય છે, તેમાં મુલાકાત લેનારની આવડત મહત્વની ગણાય છે. વળી તે ખર્ચાળ અને ઘણો સમય માંગી લેતી પદ્ધતિ છે. વ્યક્તિગત કિસ્સા માટે આ પદ્ધતિ સારી છે. પરંતુ તેને આધારે સર્વસાધારણ તારણો નીકળતાં નથી. તુલના કે મૂલ્યાંકનની પદ્ધતિમાં બાળકના વર્તનનાં લક્ષણો અને વ્યક્તિત્વગુણોનું મૂલ્યાંકન કરી તેની શ્રેણી અથવા કક્ષા નક્કી કરાય છે. વિચારક્ષેપણની પદ્ધતિમાં પોતાના વિચારો અને લાગણીઓને અન્ય પર આરોપવાની ક્રિયા કરાય છે. બાળકને શાહીનાં ધાબાંવાળો કાગળ આપીને તેમાં તે શું જુએ છે તેનું વર્ણન કરવાનું કહેવાથી તે પોતાના વિચારોને અનિશ્ચિત અર્થવાળા ચિત્રમાં આરોપીને કોઈ સમજૂતી આપશે. તેણે વ્યક્ત કરેલા વિચારોનું અર્થઘટન કરવાનું કાર્ય અઘરું છે. આ કસોટીને રોર્શ(Rorschach)નાં શાહીનાં ધાબાંની કસોટી કહે છે. આ રીતે બાળકે દોરેલા ચિત્ર પરથી, તેણે પૂરેલા રંગો પરથી, તેણે કરેલા કોઈ વર્ણન પરથી, તેના શબ્દસાહચર્ય પરથી, તેણે કરેલી પાદપૂર્તિ પરથી, તેણે કરેલા કાર્ય પરથી કે તેણે ભજવેલા મનોનાટ્ય (psychodrama) પરથી પર અર્થઘટનો કરાય છે. આ સર્વે કસોટીઓને વિચારક્ષેપણની કસોટીઓ કહે છે. આ પદ્ધતિનો ઉપયોગ તાલીમ લીધેલા મનોવૈજ્ઞાનિકો દ્વારા જ થઈ શકે છે. નિયંત્રિત વાતાવરણમાં કરાતા મનોવૈજ્ઞાનિક પ્રયોગો વિશ્વસનીય પરિણામો આપે છે. બાળકના માનસિક તેમજ શારીરિક વિકાસના અભ્યાસને મનોદૈહિક અભ્યાસ કહે છે. તેના વડે બાળકના ઉછેરમાં યોગ્ય માર્ગદર્શન આપી શકાય છે. ચિકિત્સાલક્ષી કિસ્સાના અભ્યાસની કસોટીમાં જે તે બાળકનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરાય છે. બાળકના વિકાસ પર અસર કરતાં અનેક પરિબળોનો તેમાં ચોકસાઈપૂર્વક અભ્યાસ કરાય છે.

અભ્યાસ પદ્ધતિઓ : કોઈપણ વિજ્ઞાનને તેના વિષય-વસ્તુની માહિતી મેળવવા માટેની પદ્ધતિઓ હોય છે. તેવી રીતે બાલમનોવિજ્ઞાનના અભ્યાસની વિવિધ પદ્ધતિઓ છે. દા.ત., નિરીક્ષણ પદ્ધતિ, પ્રશ્નાવલિ પદ્ધતિ, મુલાકાત પદ્ધતિ, વ્યક્તિગત ઇતિહાસ પદ્ધતિ,

વારસો અને વાતાવરણ વચ્ચેની આંતરક્રિયા

પ્રક્ષેપણ પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિ વ. જુદી જુદી વય જૂથ અને જુદી જુદી પ્રબુદ્ધિકક્ષા અલગ અલગ પદ્ધતિ માટે ઉપયોગી બને છે. બધા જ પ્રકારની અભ્યાસપદ્ધતિઓ બધાં બાળકોને એકસરખી ઉપયોગી બનતી નથી. કારણ કે જુદી જુદી વય અને કક્ષા તેમજ જુદી જુદી ભાષા, સંસ્કૃતિ માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે છે. કેટલીક વખત બેત્રણ પદ્ધતિઓનો સાથે ઉપયોગ પણ કરવો પડે છે. દા.ત., બાળક બોલી ન શકતું હોય કે બુદ્ધિકક્ષા નીચી હોય ત્યારે ફક્ત નિરીક્ષણ અને પ્રયોગ કામ લાગે છે. પ્રશ્નાવલિ પદ્ધતિ કામ લાગતી નથી. જુદી જુદી ભાષા અને સંસ્કૃતિવાળાં બાળકો હોય ત્યારે પણ નિરીક્ષણ અગત્યનું બને છે. નિરીક્ષણ પણ ઘણા પ્રકારે થાય છે. સાદું નિરીક્ષણ, નિયંત્રિત નિરીક્ષણ, ક્ષેત્રનિરીક્ષણ, વિ. પેલગૃહ દ્વારા બાળકને ચોક્કસ વાતાવરણમાં રાખી તેનું નિરીક્ષણ કરી શકાય છે. પ્રક્ષેપણ અને મુક્ત સાહચર્ય દ્વારા બાળકના મનના ભાવ પણ જાણી શકાય છે.

(3) શિસ્ત અને સત્તા તરફની બાળકની પ્રક્રિયા : બાળકના વર્તન પર મુકાયેલા અંકુશને શિસ્ત કહે છે. અંકુશ બે પ્રકારનો હોય છે : વિધાયક અને નિષેધાત્મક. કોઈના પણ વર્તન ઉપર અંકુશ રાખવા માટે સત્તા જોઈએ. બાળકના કિસ્સામાં આ સત્તા સૌપ્રથમ તેનાં માતાપિતા પાસે હોય છે. તેઓ તેની બધી જરૂરિયાતો પૂરી પાડે છે, તેને પ્રેમ કરે છે અને તેને સુરક્ષા પણ આપે છે. તેથી બાળક એમને પ્રેમ કરે છે અને એમની સત્તાને સ્વીકારે છે. મોટું થયેલું બાળક તેના માતાપિતા પર વિવિધ જરૂરિયાતો માટે અને સુરક્ષા માટે ઓછો આધાર રાખતું થાય છે. ક્યારેક કૌટુંબિક કે અન્ય કારણોસર માતાપિતા અને બાળક વચ્ચે પ્રેમનો સંબંધ પૂરતો ઘનિષ્ઠ હોતો નથી. તે સમયે બાળકને તેના પરનાં નિયંત્રણો ગમતાં નથી, તે તેનો વિરોધ કરે છે. આમ, તેના મનમાં માતાપિતા માટે વિરોધભાવ ઉદભવે છે. કુટુંબમાં માતાપિતા કેવી રીતે પોતાની સત્તા ચલાવે છે તેના ઉપર બાળકોની સત્તા તરફ જોવાની ર્દષ્ટિનું નિર્માણ થાય છે. અતિશય કડક શિસ્તના આગ્રહી કુટુંબનાં બાળકોના મનમાં સત્તા પ્રત્યે વિરોધભાવ પેદા થયેલો હોય છે. તેનાથી વિપરીત રીતે જે કુટુંબોમાં પ્રેમનું બંધન વધુ હોય છે ત્યાં બાળક સત્તાને અધીન રહેતું થાય છે. પરંતુ પ્રેમ વગરની સત્તા હોય ત્યાં તેને મુશ્કેલી પડે છે. યોગ્ય પ્રકારનો તથા યોગ્ય પ્રમાણમાં કરાતો પ્રેમ અને યોગ્ય પ્રમાણ અને પ્રકારમાં રખાતો અંકુશ હોય છે. ત્યાંનાં બાળકોની સત્તા તરફ જોવાની ર્દષ્ટિ પણ યોગ્ય પ્રકારની બને છે. આપખુદના નેતૃત્વ, લોકશાહી નેતૃત્વ અને નેતૃત્વ વગરના વાતાવરણમાં બાળકો કેવી રીતે કામ કરે છે તેનો અભ્યાસ થયેલો છે. એમાં લોકશાહી નેતૃત્વ શ્રેષ્ઠ માલૂમ પડ્યું છે. સત્તાને લીધે વિધેયાત્મક અને નિષેધાત્મક પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે. સત્તાને અધીન ન વર્તાયું હોય ત્યારે ક્યારેક દોષની લાગણી ઉદભવે છે. તેને કારણે બાળકને સુધરવાની તક સાંપડે છે પરંતુ ક્યારેક તેનામાં દોષભાવનાની તીવ્ર લાગણી પેદા થાય તો તે બાળકને બગાડે છે. કુટુંબમાં વડીલો બાળકને સામાજિક શિષ્ટાચાર તથા નૈતિકતાની વિભાવના શીખવે છે. આમ, તેઓ સામાજિક સંસ્કૃતિના વાહકો બને છે. લોકશાહી કુટુંબમાં વડીલો બાળકના હિતને ધ્યાનમાં રાખીને તથા તેનો સહાકર મેળવીને તેના વર્તન ઉપર યોગ્ય અંકુશ રાખે છે. શિસ્ત બહારથી લાદવામાં આવે છે, જ્યારે સ્વયંશિસ્ત અંદરથી સ્ફૂરે છે. એ એક વિધાયક સદગુણ છે. યોગ્ય પ્રકારની શિસ્ત સ્વયંશિસ્તમાં પરિણમે છે. વડીલ યોગ્ય નેતૃત્વ બતાવે અને તેવું સામાજિક વાતાવરણ નિર્માણ કરી શકે તો બાળકો સ્વયંસ્ફુરિત શિસ્તથી પોતાના વર્તન ઉપર નિયંત્રણ રાખતાં શીખે છે. આમ બાળકને સ્વયંશિસ્ત શીખવી શકાય છે. સારી શિસ્ત ધીમે ધીમે લોપ પામે છે અને તેમાંથી બાળક સ્વયંશિસ્ત શીખે છે.

(4) બાળકની ગેરવર્તણૂક અને શિક્ષા : એક અભ્યાસ મુજબ જુદા જુદા 50 પ્રસંગોમાંથી 36 પ્રસંગોમાં માતાપિતાએ બાળકને ખોટી રીતે રોક્યું હતું અથવા હુકમ કરીને ધાર્યું કાર્ય કરાવ્યું હતું. જ્યારે ફક્ત 14 વખત બાળકની ઇચ્છાને રોકવી જરૂરી જણાઈ હતી. આમ, દરેક વખતે કોઈ વડીલ કહે તે યોગ્ય જ હોય છે તેવું નથી. માતાપિતાની આવી ખોટી આપખુદી બાળકને બંડખોર બનાવે છે. એનો અર્થ એવો નથી કે બાળક ઉપર કોઈ બંધન ન મૂકવું જોઈએ. વડીલોએ સત્તાનો ઉપયોગ કરવો તો જોઈએ પણ એમણે તેનો ઉપયોગ તેમના હિત ખાતર કરવો જોઈએ અથવા તો તે બીજાઓને નુકસાન ન કરે તે હેતુથી કરવો જોઈએ એવું મનાય છે. બાળક પર વડીલો પોતાની માન્યતાઓ અને ધ્યેયો ઠોકી ન બેસાડે તેવું ખાસ જોવાનું સૂચવાય છે. સત્તાનું યોગ્ય બંધન બાળકની ક્ષમતા અને શક્તિને યોગ્ય દિશામાં વાળે છે. જોકે ગમે તેટલું સચવાય તોય શિસ્તની બાબતમાં સત્તા સામે સંઘર્ષ થવાના પ્રસંગો બને જ છે. તેથી તેવે સમયે યોગ્ય પ્રકાર અને યોગ્ય પ્રમાણની શિક્ષાની જરૂર પડે છે. શિક્ષાની અસર મર્યાદિત અને નકારાત્મક હોય છે. તે ક્રિયાને તત્કાળ અટકાવવાનું કામ કરે છે. તેથી બાળક પર એની ખરાબ અસર ન પડે અને તેનામાં ખોટા પ્રત્યાઘાતો ન પડે તેમ હોય તો જ શિક્ષા કરવી જોઈએ એવું મનાય છે. શિક્ષા નિષેધાત્મક છે માટે તે ક્રિયાને અટકાવે છે. તેનાથી કોઈ વિધાયક કાર્ય કે અસર ઉદભવતાં નથી. વિધાયક અસર ઉપજાવવા માટે અન્ય ઉપાયો યોજવા પડે છે. તે કારણસર શિક્ષાનો બને એટલો ઓછો ઉપયોગ કરવાનું સૂચવાય છે. જોકે શિક્ષાને કારણે બાળક પોતાના પર અંકુશ કેળવતાં શીખે છે. શિક્ષા શાબ્દિક હોય કે શારીરિક, તેની મુખ્ય અસર માનસિક હોય છે. શિક્ષા બે વ્યક્તિઓ વચ્ચેની આંતરક્રિયા છે. નાનું બાળક ઘણી વખત શિક્ષાનો હેતુ સમજતું નથી પણ તેનાથી થતી પીડા તેને સત્તાનો વિરોધી બનાવે છે. માતાપિતા બાળકને સ્નેહ અને સુરક્ષા આપે છે તેથી મોટેભાગે વિરોધી ભાવ થતો નથી પરંતુ શિક્ષકના કિસ્સામાં તેવું બનતું નથી અને તેથી બાળક વિરોધી બને છે. જોકે ક્યારેક તાત્કાલિક ધોરણે કોઈ ખોટી બાબત અટકાવવી હોય તો શિક્ષા તરત પરિણામ આપતી પ્રક્રિયારૂપ કાર્ય થઈ જાય છે. જોકે તત્કાલ શિક્ષા કરવામાં આવેગજન્ય અતિરેક કે ભૂલ થવાની સંભાવના રહે છે. શિક્ષાના પ્રમાણ અને પ્રકાર અંગે કોઈ ચોક્કસ સૂચનો શક્ય નથી. વળી જેટલી કડક શિક્ષા તેટલી તે વધુ અસરકારક એવું પણ નથી. બાળકની ભૂલ કે ગુનાની તીવ્રતા અને પ્રવર્તમાન સંજોગોને આધારે તથા બાળકની માનસિક સ્થિતિ અને માનસિક બંધારણ સાથે તે સુસંગત હોવી જરૂરી છે. શિક્ષાની આનુષંગિક અસરો વિશે પણ ધ્યાન રાખવું જરૂરી ગણાય છે. શિક્ષા કરવાનો અર્થ બાળકનો અસ્વીકાર કરવો એવો થતો નથી. તેથી તેને કદાપિ એવું ન લાગવું જોઈએ કે તેના તરફનો પ્રેમ ઘટ્યો છે. શિક્ષાના વિરોધમાં બાળક પ્રતિઆક્રમક ન બની જાય તે ખાસ જોવું જોઈએ. શિક્ષા ફક્ત અવરોધક પ્રક્રિયા છે અને તે વિધાયક પ્રક્રિયા નથી તેવી તેની મર્યાદા સતત યાદ રાખવી જરૂરી ગણાય છે. તેથી શિક્ષા કરી કશુંક પણ કરતા બાળકને અટકાવ્યા પછી તેને જે યોગ્ય કાર્ય હતું તે કરવા તરફ પ્રેરવા માટે યોગ્ય અનુકાર્ય કરવું જોઈએ એવું સૂચવાય છે. શિક્ષા કેમ કરી તે તરત સમજાવવું શક્ય હોતું નથી કેમ કે તે સમયે બાળકમાં રોષની લાગણી હોય છે. તેથી તેને સૌપ્રથમ શાંત પડવા દેવાય છે અને પછી તેને આનંદ થાય કે સંતોષ થાય તેવી પ્રવૃત્તિ કરાય છે. ક્યારેક બાળકની ગેરવર્તણૂકનું કારણ વાજબી પણ હોય છે તેથી ભલે તેની વર્તણૂકને માટે શિક્ષા કરવામાં આવેલી હોય તો પણ તેના વાજબી વિરોધને સ્વીકારીને જરૂરી સુધારો કરવો પણ આવશ્યક ગણાય છે. શિક્ષાની જરૂરને બદલે સ્વયંશિસ્તનું નિર્માણ થાય તેવાં પગલાં લેવાં ઉપયોગી રહે છે.

(5) શારીરિક વૃદ્ધિ અને વિકાસનું સ્વરૂપ : શરીર કે તેનાં અંગો અને અવયવોના કદમાં થતા વધારાને વૃદ્ધિ કહે છે, જ્યારે તેમના કાર્યમાં થતા સુધારાને વિકાસ કહે છે. બાળકોમાં સતત વૃદ્ધિ થયા કરે છે. તેમાં વ્યક્તિગત તફાવતો જોવા મળે છે. પરંતુ તે ચોક્કસ રીતે થાય છે અને તેના પર બહારનાં પરિબળોની પણ અસર રહે છે. ગર્ભાધાન સમયથી બાળકને માતાપિતા પાસેથી 23 રંગસૂત્રોની જોડ મળે છે તે તેનો જૈવિક વારસો છે. ક્રો અને ક્રોએ જૈવિક વારસાના સિદ્ધાંતો રજૂ કર્યા છે. તેમણે જણાવ્યું છે કે પરિપક્વતાનો ઢાળ સામાન્ય રીતે દરેક જાતિ માટે સમાન હોય છે. તેમના વિકાસમાં આનુવંશિકતા ઉપરાંત વાતાવરણની પણ અસર રહે છે. જૈવિક વારસાને કારણે ચોક્કસ પ્રકારના શારીરિક અને માનસિક લક્ષણો ઉદભવે છે. તેને કારણે કેટલાક રોગો થવાની સંભાવના પણ વધે છે અથવા કેટલાક રોગો સામે રક્ષણ પણ મળે છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું પોષણ કરે તેવું વાતાવરણ અને ઊંચી કક્ષાની આવેગલક્ષી સ્થિરતા હોય તો અનેક રોગો સામે રક્ષણ પણ મળે છે. જન્મપૂર્વના વિકાસને અસર કરતી બાબતોમાં માતાની તંદુરસ્તી અને રોગો, માતાનું પોષણ, માતાપિતાની વય, નુકસાનકારક ઔષધો અને એક્સ-કિરણો સાથે સંસર્ગ, આવેગકારી અનુભવો, કેફી પદાર્થોનું સેવન, પ્રતિકૂળ વાતાવરણની પરિસ્થિતિઓ વગેરેનો સમાવેશ થાય છે. બાળકનાં વૃદ્ધિ અને વિકાસના માર્ગસૂચકોની યાદી બનાવાયેલી છે જેના દ્વારા બાળકની વૃદ્ધિ અને વિકાસ બરાબર અને સમયસર થયાં છે કે નહિ તે જાણી શકાય છે. બાળકની વૃદ્ધિ અને વિકાસ લગભગ ચોક્કસ ક્રમમાં થાય છે. કોઈક બાળક એકાદ ક્રમમાં આઘું પાછું થાય. પરંતુ લગભગ બધાં બાળકોમાં સરખો વિકાસનો ક્રમ હોય છે. દા.ત., બાળક પહેલાં બેસતાં શીખે, પછી જ ચાલે છે. પ્રથમ માથાનો વિકાસ પછી જ પગનો હોય છે. તેનો અર્થ એવો નથી કે એક તરફનો વિકાસ હોય ત્યારે બીજી બાજુનો વિકાસ બંધ હોય છે. પંરતુ ધીમો હોય છે. બાળકનો વિકાસ માથાથી પગ તરફ, અંદરથી બહાર તરફ, આખા અંગના વર્તનથી વિશિષ્ટ ઉપાંગ તરફ વગેરે.

(6) વારસો અને વાતાવરણ : વ્યક્તિના જીવનમાં વારસો અને વાતાવરણ બંને અગત્યનાં છે. બંનેનું સરખું મહત્વ છે. તે બાળકના જીવનની ધરી છે. બંને સાથે સાથે જ હોય છે. ગર્ભાધાન સમયે બાળકને માતાપિતા તરફથી ત્રેવીસ ત્રેવીસ રંગસૂત્રોનો વારસો મળે છે. વારસામાં વુદ્ધિ, રંગ, ઊંચાઈ, શરીરનો બાંધો, આંખ અને વાળનો રંગ, રોગો મળે છે. વારસો પણ કોઈ વાતાવરણમાં જ મળે છે. વારસાના લક્ષણ પ્રમાણે વારસાની અસરો ઝિલાય છે. વારસામાં જીવન દરમિયાન કોઈ વધારો થતી નથી. જ્યારે વાતાવરણમાં ઘણા ફેરફારો હોય છે.

કોઈપણ બે વ્યક્તિ કે બાળક બિલકુલ એકસરખાં નથી હોતાં. તેનું કારણ રંગસૂત્રો છે. દરેક રંગસૂત્રમાં લગભગ 300 જનીન હોય છે. તેમજ બાળકને મળતું વાતાવરણ એકદમ પણ અગત્યનું છે. જોડિયા બાળકો પણ બિલકુલ એક સરખાં હોતાં નથી. કારણ કે વારસો સરખો હોય પણ વાતાવરણ એકસરખું હોતું નથી. માતાના ઉદરમાં પણ તેનું સ્થાન અલગ અલગ હોય છે. જન્મ બાદ તો ઘણા પ્રકારનું વાતાવરણ અસર કરે છે. તેથી સૃષ્ટિ ઉપરની કોઈપણ બે વ્યક્તિ એકસરખી હોતી નથી.

(7) શારીરિક રોગ અને ક્ષતિઓની મનોવૈજ્ઞાનિક અસરો : શારીરિક રોગ અને ક્ષતિઓ બાળકના વિકાસમાં અવરોધ કરે છે. તેને લીધે બાળક અભ્યાસમાં અને રમતગમતમાં પાછળ પડે છે અને ક્યારેક તેનો સામાજિક સંપર્ક પણ ઘટે છે. એ તેના મિત્રોથી છૂટો પડે છે. ખોડખાંપણને લીધે તે લઘુતાગ્રંથિ અનુભવે છે. બીજાં બાળકો પણ તેના તરફ તુચ્છકારપૂર્વક વર્તે એવું પણ બને છે. કોઈ તેમના તરફ વધુ પડતો દયાભાવ પણ બતાવે. તેથી બાળક લાચારી અનુભવે અને તેના આત્મગૌરવને ઠેસ પહોંચે છે. માતાપિતા તથા તેના શિક્ષકોએ તેમની તરફ ખાસ ધ્યાન આપવું જોઈએ એવું મનાય છે. તેઓને અકસ્માતો તથા રોગ થવાની સંભાવના વધુ હોય છે. અકસ્માત, માંદગી, કુપોષણ, ચેતાતંત્રને ઈજા, જોવા કે સાંભળવાની ક્ષતિ વગેરે વિવિધ તકલીફો તેમના વિકાસને અવરોધે છે. જો બાળક તોતડાતું હોય તો તેને સામાજિક અનુકૂલનમાં મુશ્કેલી પડે છે. હાથ-પગની ખોડવાળાં બાળકોની શારીરિક પ્રગતિ અવરોધાય છે પણ તેઓ અન્ય બાબતોમાં વિકાસ કરી શકે છે. તેથી તેમને વધારાની સગવડો આપવાથી, અને તેમના તરફ પ્રેમાળ વર્તન દાખવવાથી તેમનો વિકાસ જળવાઈ રહે છે.

(8) બાળકોમાં આવેગ અને લાગણીઓ : કોઈ પદાર્થ અથવા પરિસ્થિતિ તરફ ઉદભવતી પ્રતિક્રિયાને કારણે જો પ્રતિભાવ આપવાની પ્રેરણા થઈ આવે તો તેને આવેગ કહે છે. આ પ્રતિક્રિયામાં આવેગકારક પ્રસંગ, આવેગનો માનસિક અનુભવ, શરીરમાં થતા ફેરફારો તથા બહાર દેખાતાં તેનાં ચિહ્નોનો સમાવેશ થાય છે. આવેગ એ મન અને શરીરની ઉશ્કેરાટ(excitement)ભરી સ્થિતિ છે. જન્મસમયે શિશુ ફક્ત સામાન્ય શારીરિક ઉશ્કેરાટનાં ચિહ્નો બતાવે છે. પરંતુ ત્યારપછી દુ:ખ, સુખ, બીક, ઘૃણા, ગુસ્સો, સ્નેહ, દ્વેષ, આનંદ, શરમ, ચિંતા, નિરાશા, અદેખાઈ, આશા અને અન્ય આવેગો ઉદભવે છે. ઉંમર, અનુભવ અને વાતાવરણ પ્રમાણે આવેગ સર્જતા પ્રસંગો બદલાય છે અને આવેગની અભિવ્યક્તિમાં પણ ફરક પડે છે. માતા અને બાળક વચ્ચેનો પ્રેમનો આવેગ નૈસર્ગિક છે. ભય પણ એક એવો પ્રાકૃતિક આવેગ છે. આમ કેટલાક પ્રકારના આવેગોનો ઉદભવ કુદરતી અથવા આંતરિક હોય છે. પરંતુ ઘણા આવેગો શીખવાની પ્રક્રિયા વડે પ્રાપ્ત થાય છે. શીખવાની પ્રક્રિયાને લીધે બાળકના આવેગમાં ઘણો ફેરફાર થાય છે. શિક્ષણ ઉપરાંત સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યનો પણ આવેગના ઉદભવ સાથે સંબંધ છે. આવેગ-સર્જનમાં સાંસ્કૃતિક અને શૈક્ષણિક પરિબળો ઉપરાંત સામાજિક, આર્થિક વગેરે વિવિધ પરિબળોની પણ અસર હોય છે. સામાજિક રીતરિવાજ અને રૂઢિઓ, નૈતિકતાના ખ્યાલો, સામાજિક શિષ્ટાચાર વગેરે આવેગસર્જનમાં મહત્ત્વનું કાર્ય કરે છે. આમ, બાળક આવેગો શીખે પણ છે.

આવેગપ્રેરક પદાર્થ બદલાય એટલે તેની અભિવ્યક્તિ પણ બદલાય. નાનું બાળક ગુસ્સો કરે ત્યારે મોટેથી બોલે કે ધમપછાડા કરે પણ મોટું બાળક મોં મચકોડીને જતું રહે. આમ પરિપક્વતા આવે, શૈક્ષણિક સ્તર બદલાય એટલે આવેગની અભિવ્યક્તિ પણ બદલાય છે. બાળકમાં વિવિધ પ્રકારના આવેગો સર્જતાં અને તેની અભિવ્યક્તિને અસર કરતાં કેટલાંક પરિબળો છે; જેમ કે, અભિસંધાન (conditioning) અથવા સાહચર્ય, આસપાસનું વાતાવરણ, જીવનનો કોઈ પ્રબળ પ્રસંગ, અનુકરણ, ભાષાજ્ઞાન, આવેગ ઉપર અંકુશ મેળવવાની તાલીમ, રમતગમત અને નાટ્યાત્મક પ્રવૃત્તિઓ વગેરે. કોઈ પ્રસંગ, પદાર્થ કે વ્યક્તિના સંસર્ગમાં આવવાથી જો સતત પીડાકારક કે સુખદ અનુભવ થતો રહે એટલે તેવા પ્રસંગ કે પદાર્થ સાથે કે તે વ્યક્તિ સાથે એક પ્રકારના અનુભવનું માનસિક જોડાણ થાય છે. તેને અભિસંધાન કહે છે. ગણિતના દાખલા ગણવામાં વર્ગની અંદર વાંરવાર ભૂલો થવી, શાળામાંના નકશામાંથી વિસ્તાર ઓળખવામાં ભૂલ થવાથી બેઇજ્જત થવું કે હિન્દીના શિક્ષક દ્વારા ભૂલ થાય તો વારંવાર અપમાનજનક રીતે લડવું વગેરે સ્થિતિઓ જે દુ:ખદ અનુભવ સર્જે છે તે એક પ્રકારના અભિસંધાન દ્વારા જે તે વિષય માટે સૂગ કે આંતરિક વિરોધ સર્જે છે. ફરી તે વિષયનો સંપર્ક થાય ત્યારે બાળકનું વર્તન આ અભિસંધાન દ્વારા સર્જાતા આવેગવાળું હોય છે. તેનાથી વિપરીત રીતે જો પૂર્વસંસર્ગ ન થાય તો કેટલીક વખત યોગ્ય આવેગનું સર્જન થતું અટકી જાય છે. જેમ કે મર્ફી અને હોરેસ ઇંગ્લિશના એક અભ્યાસમાં નોંધવામાં આવ્યું હતું કે ભારતીય બાળકોને કૌટુંબિક હૂંફ અને પ્રેમ ખૂબ મળે છે. તેથી તેઓના શરૂઆતના જીવનમાં વિપરીત કે આક્રમક પ્રસંગો ઓછા બને છે. તે કારણે તેવા પ્રસંગોએ તેઓ પોતાના આવેગોનો કાબૂમાં રાખવાનું શીખી શકતા નથી. આમ, આવેગ સર્જતું વાતાવરણ પણ મહત્વનું કાર્ય કરે છે. વ્યસન ખોટું છે એવું બાળકને ખબર હોવાથી તે છુપાવે છે પરંતુ તે જ્યારે તેને અનુરૂપ સોબત મળે એટલે તેની લતે ચડે છે. તેવું જ અનુકરણ બાબતે છે. મોટી વ્યક્તિનું અનુકરણ કરીને ગુસ્સે થયેલું બાળક વાસણ ફેંકતાં શીખે છે. પદાર્થ, પ્રસંગ કે વ્યક્તિગત જેવા ભૌતિક સંબધમાં આવતી વસ્તુઓ કરતા શબ્દો દ્વારા ઉદભવતી સંવેદનાઓ વધુ પ્રબળતાથી આવેગો સર્જે છે. તેથી ભૂતિયું ઘર જોયેલું ન હોય પણ વાર્તામાં સાંભળેલું હોય તો તે પછી તે કોઈ અંધારામાં અવાવરી જગ્યાએ એકલું હોય તો તે તેને માટે ભયજનક બને છે. આમ, શબ્દોની ઘણી મોટી અસર છે. જેમ શબ્દો આવેગકારક છે તેમ તેઓ તેની અસરને ઘટાડવામાં ઘણા ઉપયોગી અને અસરકારક પણ બને છે. હિંમતના બે શબ્દો બાળકનો ભય દૂર પણ કરે છે. ગાંધીજીને રામનામે અંધકારમાંથી પસાર થવાની શક્તિ આપી હતી એ એક જાણીતો દાખલો છે. તેવી રીતે વારંવાર બોલાતા દેશભક્તિ દર્શાવતા શબ્દો (જેમ કે ‘વંદે માતરમ્’, ‘જયહિંદ’ વગેરે) દેશભક્તિ પ્રેરે છે. ઊંચે દોરડા પર ચાલવાના પ્રયોગમાં ભયના આવેગ પર કાબૂ લેવા માટે ક્રમશ: વધતી જતી ઊંચાઈએ ચાલવાની તાલીમ આપવાથી ભય ઘટે છે. રતમગમતમાં ભાગ લેતું બાળક જીત, હાર, ઈજા, આક્રમણ વગેરે વિવિધ સંજોગોમાં આવેગો પર કાબૂ રાખતાં શીખે છે. નાની ઉંમરે શાળાસભામાં બોલવા માટે ઊભું કરાતું બાળક મોટી વયે ભાષણ આપતાં ડરતું નથી. અજાણી વસ્તુથી નાટક દ્વારા માહિતગાર કરીને તેવી વસ્તુથી ડરતું અટકાવી શકાય છે. આ બાબતનો ઉપયોગ કરીને આવેગો પર કાબૂ મેળવવા નાટ્યચિકિત્સા (play therapy) પણ કરાય છે. આમ, વિવિધ રીતે બાળકને આવેગની અભિવ્યક્તિમાં પરિપક્વતા મેળવવાનું શીખવી શકાય છે.

આવેગ એટલે સમગ્રતયા ક્ષુબ્ધ કરતો તીવ્ર અનુભવ. આવેગની હાજરીમાં શરીરની બધી ક્રિયાઓ અસ્તવ્યસ્ત બની જાય છે. જોકે બાળકના આવેગો ક્ષણિક હોય છે. વ્યક્તિ અને બાળકનાં હકારાત્મક અને નકારાત્મક એમ બંને પ્રકારના આવેગો હોય છે. હકારાત્મક આવેગોનું જીવનમાં મુખ્ય સ્થાન છે. પરંતુ નકારાત્મક આવેગો પણ અમુક અંશે જરૂરી હોય છે. દા.ત., ઈર્ષ્યા, દ્વેષ, ક્રોધ, દુ:ખ વગેરે. વગેરે. ઘણી વખત ઈર્ષ્યા, દ્વેષથી બાળક આગળ વધે છે. તેનો વિકાસ થાય છે. દા.ત., પોતાના સહાધ્યાયીનો પ્રથમ નંબર આવ્યો તો પોતે પણ તે માટે કોશિશ કરશે. બીજાના જેવું પોતે કરી શકે તે માટે પ્રયત્ન કરશે. આમ તેની સુષુપ્ત શક્તિઓ ખીલે છે. પરંતુ તે ભાવ સ્થિર ન થાય તે ધ્યાન રાખવું જોઈએ. તેની કક્ષા કે માત્રા ન વધી જાય તે જરૂરી છે. લાગણી અને આવેગથી જ જીવંતતા લાગે છે. તેના વગરની વ્યક્તિ રોબૉટ જેવી ગણાય છે. જો કે કોઈપણ બાળક આવેગ અને લાગણી વગરનું હોતું નથી. જીવનનું સંચાલન જ આ પ્રકારના ભાવ પર આધારિત હોય છે. પ્રેરણા સાથે આવેગો સંકળાયેલા હોય છે. લાગણી અને આવેગમાં કક્ષાનો જ તફાવત છે. કોઈપણ ભાવની સામાન્ય અસર એ લાગણી અને તેની કક્ષા-માત્રા વધતી જાય તેમ તે આવેગનું સ્વરૂપ ધારણ કરે છે.

કેટલીક વ્યક્તિઓ આવેગની અભિવ્યક્તિ રૂપે બાળક જેવું કે અપરિપક્વ વર્તન કરે છે. દા.ત., મોટો માણસ ભૂખ લાગે ત્યારે રડવા બેસે. વ્યક્તિની વયને અનુરૂપ એવી રીતે આવેગની અભિવ્યક્તિ થાય તો તેને આવેગિક પરિક્વતા કહે છે. શારીરિક પ્રતિક્રિયાને બદલે પ્રતીકાત્મક પ્રતિક્રિયા દ્વારા આવેગની અભિવ્યક્તિ કરવી, આવેગ ઉપર વિચારનું પ્રભુત્વ હોવું અને આવેગ ઉપર યોગ્ય સંયમ રાખવો એ આવેગિક પરિપક્વતાનાં લક્ષણો છે. વર્તનના કેટલાક દોષોને લીધે માણસની આવેગિક અપરિપક્વતા તરત દેખાઈ આવે છે. જેમ કે, દંભ કે ખોટો ડોળ કરવો, પોતાના અયોગ્ય વર્તનનો બચાવ કરવો, પોતાના દોષ છુપાવવા, બીજાના દોષ શોધવા, કલ્પનાઓ અને દિવાસ્વપ્નમાં રાચવું, વારંવાર ગુસ્સે થવું, નિંદા કરવાની ટેવ હોવી, દ્વેષ કરવો, બરાબર ન કહેવાય તેવું વર્તન હોવું વગેરે વર્તનદોષો અપરિપક્વતા સૂચવે છે. કોઈ કોઈ વાર પુખ્ત વ્યક્તિ તેના આવેગ ઉપર અંકુશ મૂકે છે પણ બાળક પોતાના આવેગને ક્ષોભ વગર અને માનસિક મોકળાશથી વ્યક્ત કરે છે. આવેગ પણ જરૂરી છે. તે જીવનને રસમય બનાવે છે. ક્યારેક તે તેમને રક્ષણ પણ આપે છે તથા તેમની અભિવ્યક્તિને સુધારે છે. તેથી બાળકમાં વિધાયક અથવા ઉપયોગી આવેગોનો વિકાસ થાય તે પણ જરૂરી વાત ગણાય છે. રોજેરોજના પ્રસંગોમાં બાળકને પોતાના આવેગને એની પોતાની રીતે વ્યક્તિ કરવાની છૂટ હોવી જોઈએ. માતાપિતા કે શિક્ષકોએ પોતાના ગમા-અણગમાને બાળકો ઉપર ઠોકી બેસાડવા ન જોઈએ. વિચાર-સ્વાતંત્ર્યની માફક લાગણીની અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય પણ મહત્વનું ગણાય. બાળક પોતાની લાગણી એવી રીતે વ્યક્ત કરે કે જેથી બીજાની લાગણીને ઠેસ ન પહોંચે એ જોવું પર્યાપ્ત ગણાય છે.

(9) બાળકનો ભાષાવિકાસ : જે માધ્યમ દ્વારા માણસો પરસ્પર વિચારોનું વહન કરે છે અને ઇચ્છાઓ અને લાગણીઓની અભિવ્યક્તિ કરે છે તેને ભાષા કહે છે. મોંના હાવભાવ, શરીરના હાવભાવ તથા બોલાયેલા, સંભળાયેલા, લખાયેલા અને વંચાયેલા શબ્દો દ્વારા વિચારો, લાગણીઓ તથા ઇચ્છાઓની, માહિતીની આપલે (પ્રત્યાયન) થાય છે. તે બધાને ભાષાની સંકલ્પનામાં આવરી લેવાય છે. બહેરીમૂંગી વ્યક્તિ દ્વારા થતું પ્રત્યાયન પણ ભાષાનો એક પ્રકાર જ છે. બાળકના ભાષાવિકાસમાં તેના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસનું ઘણું મહત્વ છે. તેથી તેના ભાષાવિકાસનો એના સર્વાંગીણ વિકાસનો દ્યોતક છે. ભાષાવિકાસના વિવિધ તબક્કાઓ છે. જન્મ સમયે પ્રથમ રુદન કરીને નવજાત શિશુ વિશ્વ સાથે પ્રથમ પ્રત્યાયન કરે છે. આશરે ત્રીજા અઠવાડિયાને અંતે બાળક જુદા જુદા પ્રકારનું રુદન કરતું થાય છે. તેથી ભૂખ લાગવી, પેટમાં દુખવું, પેશાબ થવો વગેરે જુદી જુદી સ્થિતિઓમાં તેના રુદનમાં ફરક પડવા માંડે છે. શાબ્દિક ભાષાના વિકાસમાં શારીરિક વિકાસ, જેમ કે તેનું સ્વરયંત્ર, ફેફસાં, જીભ અને દાંતનો વિકાસ થવો જરૂરી છે. બીજા કે ત્રીજા મહિને આ અવયવોના વિકાસને કારણે તે વર્ણઉચ્ચારો કરવાની શરૂઆત કરે છે અને અકસ્માતે ‘અ, આ’ જેવાં ઉચ્ચારણો કરે છે. પ્રથમ તે મોઢું ખુલ્લું રાખીને ફેફસામાંથી બહાર આવતા શ્વાસ વડે ઉચ્ચારે છે તેથી સ્વરોનાં ઉચ્ચારણો થાય છે. ક્યારેક તે મોં બંધખોલના ઝાટકા સાથે ‘પ્પ, મ્મ, બ્બ’ જેવા ઓષ્ઠીય વ્યંજનોનાં ઉચ્ચારણો પણ કરે છે. ત્રીજાથી આઠમા મહિનાના ગાળામાં બાળક બબડાટ (babbling) કરે છે. તેમાં તે ‘દ-દા’માંથી દાદા, ‘મ-મા’માંથી કે મા કે મમ્મી, ‘બ-બા’માંથી બા, ‘પ-પા’માંથી પપ્પા જેવાં ઉચ્ચારણો કરે છે જે ભાષામાં શબ્દો રૂપે સમાવિષ્ટ થયેલાં છે. આ સમયે તે હાવભાવની ભાષાનો પણ ઉપયોગ કરે છે; જેમ કે, માના સ્તન તરફ કે બાટલી તરફ મોં ફેરવવું, મા પાસે હાથ ઊંચા કરીને તેડી લેવા જણાવવું, અજાણી વ્યક્તિ બોલાવે તો મોઢું ફેરવવું વગેરે. જેમ જેમ શાબ્દિક ભાષાનો વિકાસ થતો જાય તેમ તેમ હાવભાવની ભાષાનો ઉપયોગ ઘટતો જાય છે. નવ મહિનાનું બાળક ‘આવજો’નો અર્થ સમજે છે અને 12મે મહિને તે તેવું સમજીને બોલે પણ છે. નવથી 14 મહિનાની ઉંમરે તે પ્રથમ શબ્દો બોલે છે. આ સમયગાળામાં તે નવા નવા શબ્દોના અર્થો સમજે છે અને પોતાનું શબ્દભંડોળ બનાવવા માંડે છે. વીસ મહિને કે તેથી મોડી ઉંમરે પ્રથમ શબ્દ બોલતાં બાળકો મંદબુદ્ધિના હોવાની સંભાવના રહેલી છે. શરૂઆતમાં તે શબ્દોનું સામાન્યીકરણ કરીને એ જ શબ્દ બીજી તેના જેવી વસ્તુ કે વ્યક્તિ માટે વાપરે છે. પરંતુ સમય જતાં તે અલગ અલગ વસ્તુ કે વ્યક્તિ માટે અલગ અલગ શબ્દો વાપરતું થઈ જાય છે. પ્રથમ તે નામ શીખે અને પાછળથી તે ક્રિયાપદો શીખે છે. ત્યારબાદ વિશેષણોનો ક્રમ આવે છે. બીજા વર્ષને અંતે વાક્યમાં કર્મને જોડે છે. તે સમયે ‘મારું’ ‘તારું’ જેવાં સર્વનામોનો અર્થ સમજે છે, પરંતુ સામાન્ય રીતે ત્રીજા વર્ષે તે જાતે સર્વનામોને વાક્યોમાં વાપરવા માંડે છે. આમ, બાળક વાક્યરચના કરતાં શીખે છે.

ભાષાના ઉપયોગનાં 4 પાસાં છે. પહેલાં બાળક બીજાં શું કહે છે તે સમજે છે. તે પછી તે બીજાના શબ્દો સાંભળી પોતાનું શબ્દભંડોળ એકઠું કરે છે. ત્યારબાદ તેના પ્રયોગો કરતાં કરતાં પોતે શબ્દોનાં ઉચ્ચારણો શીખે છે અને આમ, તે શબ્દો બોલવા લાગે છે. છેલ્લે તે વાક્યરચના શીખે છે અને વાક્યો બોલે છે. બાળક-બાળક વચ્ચે શબ્દભંડોળની બાબતમાં ઘણો તફાવત હોય છે. પરંતુ સામાન્ય રીતે પ્રથમ વર્ષે તે 3 શબ્દો જાણે છે, દોઢ વર્ષે 20 શબ્દો, બે વર્ષે 250, ત્રણ વર્ષે 900, છ વર્ષે 2500 શબ્દો જાણે છે. બાર વર્ષે તે સમજવા માટે 30,000 શબ્દો અને વાપરવા માટે 10,000 શબ્દો પર કાબૂ ધરાવે છે. બાળક પ્રથમ એક કે બે શબ્દોનાં વાક્યો બોલે છે. તે બીજે વર્ષે નાના સવાલો પણ પૂછે છે. તે 3 શબ્દોનાં વાક્ય બોલે છે અને અનેક પ્રકારની વાક્યરચનાઓ કરવાની શરૂઆત પણ કરે છે. દા.ત., આજ્ઞાર્થ વાક્યો. ત્રણ વર્ષે તે બહુવચનનો ઉપયોગ કરે છે, ભૂતકાળનો ઉપયોગ કરે છે અને તે વાતચીત કે વાચાળતાના તબક્કામાં પ્રવેશે છે. તે સમયે તે સતત બોલ્યા કરે છે. ચાર વર્ષે તેનું વ્યાકરણ સુધરેલું હોય છે અને તે સમયે તે સ્પષ્ટ બોલી શકતો હોવાથી શાળાએ જવા જેટલી ક્ષમતા મેળવે છે. 6થી 12 વર્ષની વયે શાળામાં તેને નવું વાતાવરણ મળે છે જે તેના શબ્દભંડોળને વધારે છે, તેનાં વાક્યોને લાંબાં કરે છે અને પરિચિત વસ્તુ, પ્રસંગ કે વ્યક્તિ પર ટૂંકું બોલી 12 વર્ષનું બાળક મોટી વ્યક્તિની માફક બોલી શકે છે.

બાળક બોલતાં શીખે તે પહેલાં વસ્તુનો અર્થ, તેનો ઉપયોગ વગેરે સમજે છે. ભાષાવિકાસમાં બાળક સાથેની વાતચીત મુખ્ય ભાગ ભજવે છે. બાળક નાનું હોય ત્યારથી તેની સાથે વાતો કરવી જોઈએ. ન સમજે તો પણ નાની નાની વાર્તાઓ કહેવી જોઈએ. આ બધું ભાષાશિક્ષણના ભાગરૂપ બને છે. સાચાં ઉચ્ચારણો શીખવવાં તે જરૂરી છે. બાળકની સાથે કાયમ તેની કાલી-ઘેલી ભાષામાં જ વાતો કરવાથી તેનાં ઉચ્ચારણોમાં ફેરફાર થતો નથી. બાળક પોતાની માતૃભાષા બરોબર શીખે પછી જ બીજી ભાષા શીખવવી. એ આમ ન કરવાથી બાળક ભાષામાં મૂંઝવણ અનુભવે છે. ભાષાના વિકાસનો આધાર માનસિક વિકાસ પર છે.

ભાષાનો વિકાસ ક્રમશ: થાય છે. તેને અસર કરતાં પરિબળોમાં બાળકની વૃદ્ધિનો સામાન્ય દર, તેની બુદ્ધિમત્તા, બાળકનું લિંગ (છોકરીઓ વહેલી બોલવા માંડે છે.), બાળકના કુટુંબનું સામાજિક-આર્થિક સ્તર તથા અન્ય કેટલાંક પરિબળોનો સમાવેશ થાય છે. જોડકાં બાળકો, દ્વિભાષી કુટુંબો કે પરપ્રાંતમાં રહેતાં બાળકોનો ભાષાવિકાસ મંદ રહે છે. વારસાગત પરિબળો તથા શાલેય વાતાવરણ, પડોશમાં બોલાતી ભાષા તથા મિત્રો દ્વારા બોલાતી ભાષાની પણ ભાષાવિકાસ પર અસર પડે છે. બોલવાની ક્રિયામાં ક્યારેક કેટલાક દોષો જોવા મળે છે; જેમ કે, અક્ષરમાં હેરફેર, ઉચ્ચારણમાં હેરફેર, એક શબ્દમાં બીજો શબ્દ ભળી જતાં ઉદભવતી અસ્પષ્ટ વાણી, તોતડાવું વગેરે. તેનાં કારણોમાં બોલવાનું શારીરિક તંત્ર (body mechanics : મોં, જડબું, દાંત, જીભ, શ્વસનમાર્ગ વગેરે) બરાબર ન હોય, કુટુંબમાં કે શાળામાં ધાકનું વાતાવરણ હોય, બાળકના આવેગવિકાસમાં ખામી હોય, બાળક પોતાને સુરક્ષિત ન માનતું હોય એવાં વિવિધ પરિબળોનો સમાવેશ થાય છે. ક્યારેક તોતડાપણું વારસાગત હોય છે. તે સમયે તેનો ઉપચાર મુશ્કેલ હોય છે.

વિકાસનાં બીજાં પાસાં સાથે વાચનક્ષમતાનો વિકાસ સંકળાયેલો છે. તેમાં ઘરના તથા શાળાના વાતાવરણની ઘણી અસર પડે છે. શિક્ષકના વર્ગવાચનની ઢબ વિદ્યાર્થીના વાચનની ઢબ અને અસરકારકતા પર પોતાની છાપ પાડે છે. વર્ગમાં અને અન્યત્ર મોટેથી વાચન કરવાથી વાચનક્ષમતા અને ઉચ્ચારશુદ્ધતા વધે છે. આમ, વિદ્યાર્થીઓને જો મૌખિક કાર્યનો વ્યવસ્થિત કાર્યાનુભવ આપવામાં આવે તો તેઓ બહુ અસરકારક વાચન કરી શકે છે. તે માટે સુંદર છાપકામવાળા અને બાળકને રસ પડે એવાં વિષય અને રજૂઆતવાળાં પુસ્તકો વસાવીને તેનો બાળક ઉપયોગ કરે તે ખાસ જોવાવું જોઈએ એમ મનાય છે. બાળકના આવેગો તેના વાચનને અસરગ્રસ્ત કરે છે. તેવી રીતે તેની ર્દષ્ટિ, શ્રવણ કે ઉચ્ચારણમાં કોઈ ક્ષતિ હોય તો તે પણ તેની વાચનક્ષમતા પર અવળી અસર કરે છે. અઢારમા મહિને બાળક ચિત્ર ઓળખે છે. 2 વર્ષે તે પરિચિત વ્યક્તિ કે વસ્તુનાં ચિત્રો ઓળખે છે. 4થી 5 વર્ષ દરમિયાન તે ઘણા અક્ષરો ઓળખે છે. પાંચ વર્ષના બાળકને યોગ્ય કાર્યાનુભવ આપવામાં આવે તો તે જોડાક્ષર વગરના શબ્દો વાંચી શકે છે. વાંચવાની યોગ્ય તાલીમ, ઘરમાં અને નિશાળમાં બાળકનાં રુચિ અને અનુભવને સ્પર્શે એવાં યોગ્ય છપાઈવાળાં પુસ્તકો, બાળકનાં આવેગલક્ષી વલણો વગેરે વાચનવિકાસમાં ભાગ ભજવે છે. લેખન-કૌશલ્યમાં લેખનક્રિયાના આખા તંત્રનો સમાવેશ થાય છે. અક્ષરોનું જ્ઞાન, તેમને લખવાની ક્ષમતા, શબ્દભંડોળ, શબ્દોની જોડણી, શબ્દના અર્થનું જ્ઞાન, વાક્યરચના વગેરે અંગો લેખનક્રિયા માટે આવશ્યક છે.

(10) બાળકની બુદ્ધિ : બૌદ્ધિક ક્રિયાઓ કરવાની ક્ષમતાને બુદ્ધિ કહે છે. આપણે રોજબરોજના વ્યવહારમાં બૌદ્ધિક ક્રિયા કોને કહેવાય છે તે આપણે જાણીએ છીએ. તેથી કયું બાળક બુદ્ધિશાળી છે અને કોણ મંદબુદ્ધિનું છે તે ઓળખી શકીએ છીએ. તેના આધારે આપણે બુદ્ધિની વ્યાખ્યા એવી કરીએ. ઉંમર વધે તેમ બુદ્ધિક્ષમતા પણ વધે છે. વીસથી તેવીસ વર્ષ સુધી બુદ્ધિક્ષમતાની વૃદ્ધિ થાય છે. પણ જન્મથી બાળકને જે બુદ્ધિક્ષમતા મળી હોય છે તેમાં સુધારો થઈ શકે છે કે કેમ એ વિવાદાસ્પદ છે. અગાઉ એવું મનાતું હતું કે તેમાં સુધારો શક્ય નથી. આધુનિક સંશોધનો પ્રમાણે બુદ્ધિમાં પણ વધતેઓછે અંશે સુધારો થઈ શકે છે. બુદ્ધિ સાથે સંલગ્ન વિભાવનાઓમાં બુદ્ધિકસોટીઓ, માનસિક ઉંમર અને બુદ્ધિ-અંકની વિભાવનાઓનો સમાવેશ થાય છે. બુદ્ધિમાપન કરવા માટે કરાતી કસોટીઓને બુદ્ધિકસોટીઓ કહે છે. તેમાં તર્કક્ષમતા, સ્મરણક્ષમતા, કારણ-કાર્ય-સંબંધ સમજવાની ક્ષમતા, ગાણિતિક ક્ષમતા તથા કલ્પના કરવાની ક્ષમતા જેવી બૌદ્ધિક ક્ષમતાઓને આવરી લેવાય છે. સૌપ્રથમ બુદ્ધિકસોટી બિને અને સિમોને (Binet and Simon) બનાવી હતી. હાલ જે તે પ્રકારની ક્ષમતાના માપન માટે અલગ અલગ બુદ્ધિકસોટી બનાવવામાં આવે છે. બાળક જે અધિકતમ વર્ષની ઉંમરને માટે તૈયાર કરેલી કસોટી સફળતાપૂર્વક પસાર કરે તેને તેની માનસિક (psychological) અથવા બૌદ્ધિક ઉંમર (age of intelligence) કહે છે. તેની વિભાવના બિને શોધી હતી. બાળકની જન્મથી કેટલો સમય પસાર થયો છે તે જણાવતી ઉંમરને કાળલક્ષી અથવા સમયલક્ષી (chronological age) કહે છે. તેનાથી માનસિક કે બૌદ્ધિક ઉંમર અલગ પડી શકે છે. જો 8 વર્ષની સમયલક્ષી ઉંમરનો બાળક 10 વર્ષના બાળક માટે બનાવેલી કસોટી સફળતાથી પસાર કરી શકે તો તેની માનસિક ઉંમર 10 વર્ષની કહેવાય છે. આનાથી વિપરીત પણ હોઈ શકે. માનસિક ઉંમર ભાગ્યા સમયલક્ષી ઉંમર, ગુણ્યા 100 કરીને જે અંક મળે તેને એ બુદ્ધિ-અંક કહેવાય છે. ઉપર જણાવેલા દાખલામાં દર્શાવેલું બાળક 8 વર્ષની સમયલક્ષી ઉંમર ધરાવે છે અને 10 વર્ષના બાળક જેટલી બુદ્ધિ ધરાવે છે માટે તેનો બુદ્ધિ-અંક 10  8  100 = 125 થાય. હવે જો બુદ્ધિ-અંક સુધરે એટલે બુદ્ધિ વધી એમ માનીએ તો બુદ્ધિ વધી શકે છે એમ કહેવાય. આધુનિક સંશોધનો બતાવે છે કે બુદ્ધિ-અંક લગભગ 20 જેટલો વધી શકે છે. બુદ્ધિસુધારમાં કુટુંબની અનુકૂળ આર્થિક તથા સામાજિક સ્થિતિ, ઘર અને શાળામાં બુદ્ધિને પ્રોત્સાહિત કરતું વાતાવરણ, શિક્ષકની શીખવવાની પદ્ધતિ અને શરીરની તંદુરસ્તી ભાગ ભજવે છે. બાળકની બુદ્ધિ કસાય તેવાં કાર્યો, રમતો કે વાચનસામગ્રી આપવાથી તેની બુદ્ધિક્ષમતા વધે છે. બાળકને ફક્ત માહિતી આપવાથી તેની બુદ્ધિની કક્ષા વધતી નથી. બાળક જાતે કૂટપ્રશ્ન ઉકેલે તેવું શીખવવા માટે જરૂરી ધીરજ કે કૌશલ્યનો જો શિક્ષકમાં અભાવ હોય તો તે બાળકની બુદ્ધિક્ષમતાના વિકાસમાં અવરોધજન્ય પરિસ્થિતિ બને છે. જાતિ (લિંગ) કે વંશ સાથે બૌદ્ધિક ક્ષમતાને કોઈ સંબંધ છે કે નહિ તે સાબિત થયેલું નથી. હોરેસ જણાવે છે કે બુદ્ધિ-અંક ખરેખર બુદ્ધિનું માપ કાઢવાની પદ્ધતિ નથી પરંતુ તેના દ્વારા બાળકની બુદ્ધિનો કેટલો વિકાસ થયો છે તે જાણી શકાય છે. બુદ્ધિની વૃદ્ધિને બદલે બુદ્ધિનો વિકાસ કહેવું વધુ સુસંગત ગણાય છે.

(11) બાળકોનાં પ્રેરકબળો : જે આંતરિક ઇચ્છાશક્તિથી વ્યક્તિ કે બાળક કોઈ કાર્ય કરવા પ્રેરાય છે તેને પ્રેરણા કહે છે. બાળકના વર્તનની પાછળ કામ કરતી પ્રેરણાઓ પુખ્ત વયની વ્યક્તિની પ્રેરણાઓ કરતાં અલગ પ્રકારની હોય છે. તેથી તેમને સમજવી ક્યારેક મુશ્કેલ બને છે. પરંતુ તે જાણવું બહુ અગત્યનું છે. તેની પ્રેરણાઓ કઈ છે તે જાણવાથી તેના વર્તનમાં કોઈ કચાશ હોય તો તે દૂર કરવી સહેલી અને શક્ય બને છે. મૅક્ડૂગલે દર્શાવ્યું છે કે મનુષ્યના વર્તન પાછળ કેટલાંક જન્મજાત પ્રેરકબળો હોય છે. તે આખી માનવજાત માટે સમાન છે, દા.ત., ભૂખ. મૅક્ડૂગલે મૂળ 8 પ્રેરણાઓની સૂચિ આપી છે જેને તેઓ ક્રમશ: વધારીને 18 પ્રેરણાઓ સુધી લઈ ગયા. શરૂઆતમાં તેમણે તેને સહજ વૃત્તિઓ (instincts) તરીકે વર્ણવી છે. પરંતુ છેલ્લે તેમણે તેને સહજ વલણો(innate propensities)ને નામે ઓળખાવી છે. મૂળભૂત વૃત્તિઓ આસપાસના વાતાવરણ, ઉપલબ્ધ પદાર્થો કે ભાવનાઓ જોડે જોડાય છે. પ્રેમની વૃત્તિ માતૃભૂમિ કે માતૃભાષા સાથે જોડાય છે અને દેશભક્તિ એક પ્રકારની પ્રેરણા બને છે. હાલ મૅક્ડૂગલનો સહજવૃત્તિનો સિદ્ધાંત સ્વીકારાતો નથી. હાલ વર્તનના પ્રમુખ પ્રેરકબળ તરીકે જરૂરિયાત(need)ને ગણવામાં આવે છે. કેટલીક જન્મજાત જરૂરિયાતો હોય, કેટલીક વાતાવરણજન્ય જરૂરિયાતો હોય, તો કેટલીક તેમના મિશ્રણ સ્વરૂપની પણ હોય. પરંતુ આવું તેમનું વર્ગીકરણ કરાતું નથી.

શરૂઆતમાં તેનામાં ફક્ત શારીરિક પ્રેરણાઓ જોવા મળે છે, જે ખરેખર તો તેની શારીરિક જરૂરિયાતો પણ હોય છે. ભૂખ, તરસ, મળમૂત્રનું વિસર્જન, હલનચલન, ઊંઘ વગેરે તેની શારીરિક જરૂરિયાતો છે. ધીરે ધીરે બાળકમાં કુતૂહલ (જિજ્ઞાસા), સૌંદર્યર્દષ્ટિ, સ્વતંત્રતાની વૃત્તિ, પ્રશંસા પામવાની વૃત્તિ વગેરે માનસિક જરૂરિયાતો પણ ઉત્પન્ન થાય છે. પાછલી 2 પ્રેરણાઓ બાળકના સામાજિક વિકાસની દ્યોતક છે. બાળકની મોટાભાગની શારીરિક પ્રેરણાઓ તેમની જન્મજાત જરૂરિયાતો પર આધારિત હોય છે. તેમને આંતરિક પ્રેરણાઓ કહે છે. જોકે બાળકની મોટાભાગની જરૂરિયાતો વાતાવરણજન્ય હોય છે. તેનાથી સર્જાતી પ્રેરણાઓને બાહ્ય પ્રેરણા કહે છે. આમ જરૂરિયાતોના બે પ્રકારોને આધારે પ્રેરણાઓ પણ 2 પ્રકારની છે : આંતરિક અને બાહ્ય.

આંતરિક પ્રેરણા એટલે સીધી પ્રેરણા. એ આપણને સીધી રીતે આપણા લક્ષ્ય તરફ કામ કરવા પ્રેરે છે. દા.ત., બાળકને ભૂખ લાગે તે તેની આંતરિક પ્રેરણા છે જે તેને ખોરાક કે દૂધ મેળવવાને માટે પ્રેરે છે. દૂધ માતા પાસેથી કે બાટલીમાં મળે છે તે જાણ્યા (શીખવાની પ્રક્રિયા) પછી તે માતા કે દૂધની બાટલી તરફ મોં ફેરવે છે. આ તેની વાતાવરણજન્ય અને શીખેલી પ્રેરણા ગણાય છે. બાહ્ય કે વાતાવરણજન્ય પ્રેરણા જે સીધી રીતે લક્ષ્ય માટે કામ કરવાની પ્રેરણા આપતી નથી પણ તે બીજા માધ્યમ દ્વારા લક્ષ્ય માટે કામ કરવાની પ્રેરણા આપે છે, દા.ત., બાળકને ગૃહકાર્ય કરવું ગમતું નથી પણ પિતા કહે છે કે જો તે ગૃહકાર્ય પૂરું કરશે તો તેને બહાર ફરવા લઈ જશે. તેથી ફરવાના શોખને કારણે, પરંતુ ગૃહકાર્ય કરવાની ઇચ્છા કે પ્રેરણા ન હોવા છતાં તે ગૃહકાર્ય કરવા પ્રેરાશે. ક્રિયા કરવા માટે આંતરિક પ્રેરણા હોય તો તે આદર્શ અને ઇચ્છનીય સ્થિતિ છે પરંતુ તેવું હંમેશાં હોતું નથી. બાહ્ય પ્રેરણા આંતરિક પ્રેરણા જેટલી જ અસરકારક હોય છે. ક્યારેક બાહ્ય પ્રેરણા આંતરિક પ્રેરણા પણ સર્જે છે. તેથી આપણે બાહ્ય પ્રેરણાનો ઉપયોગ કરીએ છીએ. બાહ્ય પ્રેરણાને પ્રલોભન અથવા પ્રોત્સાહન પણ કહે છે. ક્યારેક તે આદેશ, વિનંતી કે સૂચનાના સ્વરૂપે પણ હોય છે. કેટલાંક સર્વસામાન્ય પ્રલોભનો અથવા બાહ્ય પ્રેરણા પર અસરકર્તા પરિબળો છે. તે મોટેભાગે સફળ રહેતાં હોવાથી તેમને વિશ્ર્વસનીય અથવા સામાન્ય પ્રલોભનો પણ કહે છે.

પ્રલોભનોની સૂચિ ઘણી લાંબી અને અંતવિહીન છે. સામાન્ય રીતે આદેશ, પ્રલોભન કે પ્રોત્સાહન રૂપે જોવા મળતી બાહ્ય પ્રેરણાઓમાંની કેટલીક પ્રેરણાઓ આ પ્રમાણે છે : આદેશ, વિનંતી, સૂચન, શિક્ષણજન્ય અભિરુચિ, પ્રગતિનું જ્ઞાન, ટેવ, નવીનતા, કંઈ કરી બતાવવાની ઇચ્છા અથવા મહત્ત્વાકાંક્ષા, પુરસ્કાર અને શિક્ષા, હરીફાઈ (બે વ્યક્તિ વચ્ચે થાય ત્યારે) અને સ્પર્ધા (કોઈ વિચાર કે વસ્તુ માટે થાય ત્યારે), કદરદાની, પ્રશંસા કે શાબાશી મેળવવાની ઇચ્છા, જૂથમાં સ્વીકાર (acceptance) થાય તેની ઇચ્છા (સમૂહમાં સ્વીકાર, જૂથના સભ્ય થવાની ઇચ્છા), બીજાને અનુરૂપ થવાની ઇચ્છા અથવા બીજા કરે તેવું કરવાની (અનુકરણની) ઇચ્છા, બીજા તરફ સહાનુભૂતિ, આક્રમકતાની વૃત્તિ, સદગુણી બનવાની ઇચ્છા વગેરે. આ સર્વે પ્રેરક બળો વડે એક પ્રકારની જૂથભાવના વિકસે તેવા ઘર કે શાળાના વાતાવરણને મનોવૈજ્ઞાનિક આબોહવા કહે છે. તે બાળકના મનોવૈજ્ઞાનિક વિકાસ માટે ઘણી ઉપયોગી નીવડે છે. જોકે અહીં વ્યક્તિગત તફાવતો પણ જોવા મળે છે. માતાપિતા, વડીલ કે શિક્ષક સાથેના સંબંધ તથા આદેશની રજૂઆત પ્રમાણે તેની સફળતા નિર્ભર છે. સ્પષ્ટ, વિધાયક અથવા હકારાત્મક, વિશ્વાસ ઉત્પન્ન કરતા, નિશ્ચિત સ્વરૂપો એટલે કે શંકા ઉત્પન્ન ન કરે એવા, સુસ્પષ્ટ માર્ગદર્શન આપતા, શાંતિ અને સહૃદયતાથી અપાયેલા આદેશો (વિનંતી કે સૂચન) વધુ પ્રમાણમાં સ્વીકારાય છે. અભિરુચિના સિદ્ધાંતમાં બાળકને ગમે તે ભણાવવાની વાત નથી પરંતુ તેને શીખવાલાયક વિષયને રસપ્રદ બનાવવો જરૂરી ગણાય છે. આમ શિક્ષણનો ધ્યેય પૂરો કરવા માટે અભિરુચિ બંધાય તેને મહત્વ અપાય છે. પ્રગતિ કે ક્ષતિનું જ્ઞાન તરત આપવામાં આવે તો જ તે સફળ રહે છે. ઘરે પણ સમયપત્રક બનાવીને કામ કરવાથી કે એકનું એક કામ રોજ કરવાથી (રોજ વહેલા ઊઠવું) તે કામની ટેવ પડે છે. તે શિક્ષણની પ્રક્રિયામાં લાભકારક બને છે. નવીનતા બાળકને કુતૂહલ જગાડે છે. બીજા બાળક કે બીજી વ્યક્તિથી આગળ નીકળી જવાની ક્રિયાને હરીફાઈ કહે છે. કોઈ એક વસ્તુ મેળવવા, વહેલી મેળવવા કે કોઈ એક કૃતિ સર્જવા કે વધુ સારી સર્જવા માટે કરાતી ક્રિયાને સ્પર્ધા કહે છે. તેથી હરીફાઈમાં સામે વ્યક્તિ હોય છે. સ્પર્ધામાં સામે કૃતિ હોય છે. બાળકમાં 2 વર્ષની ઉંમરથી સ્પર્ધાની ભાવના વિકસે છે. જૂથસ્પર્ધા કરતાં વ્યક્તિગત સ્પર્ધામાં પ્રેરણા વધુ બળવાન હોય છે. હરીફાઈનો અતિરેક દ્વેષ સર્જે છે, જ્યારે સ્પર્ધાનો અતિરેક તણાવ સર્જે છે. ક્યારેક સ્પર્ધામાંથી નબળાં બાળકો ખસી જવાની વૃત્તિ ધરાવે છે. સ્પર્ધાની સાથે અમુક અંશે હરીફાઈ પણ ઉમેરાઈ હોય તો વધુ સારું પરિણામ મળે છે. સ્વસ્પર્ધા(પોતે જે પહેલાં કર્યું હતું તેનાથી વધુ સારું કરી બતાવવાની ભાવના)ની પ્રક્રિયા ક્યારેક ઘણું સારું પરિણાવ લાવી આપે છે. પ્રલોભનોની સૂચિ ઘણા મનોવૈજ્ઞાનિકો અને શૈક્ષણિક મનોવૈજ્ઞાનિકોએ બનાવેલી મૅક્ડૂગલે 18 સહજવૃત્તિઓની યાદી બનાવી હતી. ફ્રૉઇડે જાતીય (લૈંગિક) વૃત્તિને વધુ મહત્વ આપ્યું હતું. ઍડલરે પ્રભુત્વ મેળવવાની ઇચ્છાને અગત્યની ગણી તથા 32 પ્રલોભનોની યાદી બનાવી. બાળકની મશ્કરી કરવાથી, કટાક્ષ કરવાથી, કે કદરની ઊણપ હોય તો તે નકારાત્મક પરિણામો લાવે છે. પ્રશંસા, માર્ગદર્શન કે ખાનગીમાં અપાયેલો ઠપકો ઘણી વખત વિધાયક પરિણામ સર્જે છે. બાળકની પ્રેરણાઓ પ્રચ્છન્ન અથવા છુપાયેલી હોય છે અથવા તે સ્પષ્ટપણે પ્રદર્શિત કરી શકતું નથી તેથી તેના વર્તનનાં કારણો અને તેની પાછળની પ્રેરણા કઈ છે તે શોધી કાઢવી અઘરી પડે છે. તેને કારણે તેના વર્તનદોષોને દૂર કરવામાં ક્યારેક તકલીફ પડે છે.

(12) વંચિતતા અને હતાશા : ઇચ્છા પૂરી ન થાય તેને વંચિતતાની સ્થિતિ કહે છે. તેમાં વ્યક્તિની જરૂરિયાતો સંતોષાયેલી હોતી નથી. જ્યારે બાળકની જરૂરિયાત ન સંતોષાય અને તેમાં વિઘ્ન કે અવરોધ આવે અથવા તો તેની જરૂરિયાત સંતોષવામાં ખૂબ વિલંબ થતો હોય છે, ત્યારે તેનામાં ખૂબ હતાશા ઉદભવે છે. ગર્ભમાં વિકસતા જતા બાળકને જો પોષકતત્વો  પૂરતા પ્રમાણમાં ન મળે તો પોષણની વંચિતતા ત્યારથી જ શરૂ થઈ જાય છે. વંચિતતા એક એવી પરિસ્થિતિ છે કે જેમાં વ્યક્તિ તેની જરૂરિયાતો સંતોષાવાથી દૂર રહી જાય છે, માતાપિતાના સ્નેહથી વંચિત બાળકોનો વિકાસ રૂંધાતો હોય છે. તે સમયે તેનામાં આવેગલક્ષી અસંતુલન, ગુનાઇત વર્તન અને આક્રમકતા વિકસે છે. બાળકમાં હતાશા ઉદભવે ત્યારે કેવી અસરો જોવા મળે છે તેને લગતો એક પ્રાયોગિક અભ્યાસ બાર્કર, ડેમ્બો અને લ્યૂઇને કર્યો છે. 3થી 4 વર્ષની ઉંમરનાં 30 બાળકો ઉપર કરવામાં આવેલા પ્રયોગો પરથી એવું તારવવામાં આવ્યું હતું કે હતાશાને લીધે બાળકોમાં પીછેહઠ જન્મી હતી. આ અસર તાત્કાલિક હતી. રાઇટના પ્રયોગમાં હતાશાને પરિણામે પીછેહઠ ઉપરાંત અપરિપક્વતા પણ જોવા મળી હતી. પરંતુ તેમના વર્તનમાં એક સુધારો પણ જોવા મળ્યો હતો. હતાશા ઉદભવ્યા પછી કેટલાંક બાળકોમાં સહકારની ભાવના વધી હતી અને તેઓ એકબીજાં સાથે વધુ નિકટતાથી વર્તતાં હતાં.

હતાશાને લીધે બાળકમાં આક્રમક વર્તન જન્મે છે. સંખ્યાબંધ પ્રયોગો પરથી એ સિદ્ધ થયું છે. ડોલાર્ડ અને તેમના સહયોગીઓએ હતાશા-આક્રમકતાનો સિદ્ધાંત આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે આક્રમકતા પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે અસ્તિત્વમાં આવે છે. મનોવૈજ્ઞાનિક ઇંગ્લિશના મતે બાળકો રોંજિદા જીવનમાં થોડી હતાશા સહન કરતાં શીખે તેવું ખાસ જોવું જોઈએ કેમ કે જીવનમાં નિષ્ફળતા અને અસંતોષનો અનુભવ વારંવાર થતો રહે છે. તેથી તેને સહન કરીને યોગ્ય પ્રતિભાવ સર્જવાની ક્ષમતા ઉત્પન્ન થાય તે પણ જરૂરી ગણાય છે; આમ થાય તો તેઓ હતાશાને લીધે બાહ્ય કે આંતરિક રીતે આક્રમક ન બનતાં હતાશા પ્રત્યે સર્જનાત્મક વર્તન કરી શકે.

વંચિતતાની સ્થિતિ થાય ત્યારે બાળકો તેને પહોંચી વળવા પ્રયત્ન કરે છે. કેટલાક ખુશામત કરે તો કેટલાક આજીજી કરે. કો’ક આક્રમક બને તો કો’ક ધાકધમકીનો આશરો પણ લે છે. કેટલાક તનાવથી જન્મતી હતાશાને કારણે રડે છે, અંગૂઠો ચૂસે છે તો નાનાં બાળકો ઊંઘી જાય છે. કેટલાંક બાળકો અવેજીરૂપ કોઈ અન્ય ક્રિયા કરવા માંડે છે કે અન્ય પ્રવૃત્તિમાં જોડાય છે. એક અભ્યાસમાં જણાયું છે કે 30 બાળકોમાંથી 22 બાળકોએ તેમની સર્જનાત્મકતા અને પરિપક્વતા (વ્યક્તિત્વની સ્થિરતા) ગુમાવી હતી. સતત ચાલુ રહેતી હતાશાને લીધે બાળકમાં મનોવિકાર ઉદભવે છે. આ અંગે મનોવિશ્લેષકો જણાવે છે કે બાળપણમાં બાળકની મૂળભૂત જરૂરિયાતો જો ન સંતોષાય તો તેનાથી ઉદભવથી હતાશા પાછળથી તેઓમાં કેટલાક માનસિક રોગો રૂપે વિકસીને બહાર આવે છે. સમસ્યારૂપ (problem child) ગણાતું બાળક દીર્ઘકાલીન વંચિતતાનું શિકાર બનેલું હોય છે. બાળકને હતાશાની પરિસ્થિતિમાંથી બચાવવા માટે તેની વિધેયાત્મક અસરો ઉદભવે તે માટે માતાપિતા અને શિક્ષકોએ ખાસ ધ્યાન આપવું પડે છે. બાળક જો જાતે સમસ્યા હલ કરવા પ્રયત્ન કરતું થાય તો તે નવું કૌશલ્ય પ્રાપ્ત કરે છે. આ રીતે હતાશાજન્ય પરિસ્થિતિમાંથી બહાર લાવીને તેને તેનો વિકાસ સાધવામાં મદદરૂપ થઈ શકાય છે. લાંબા ગાળાની વંચિતતા અને હતાશાની અસરને લીધે વર્તનનો વિકાર થાય છે અથવા તેમાં વિચલન (deviation) આવી જાય છે. વંચિતતાને લીધે બાળકમાં પ્રતિકૂળ વલણો જન્મે છે. કઠોર જીવનરીતિની મદદથી બાળકમાં હતાશાને સહન કરવાની ક્ષમતા વિકસે છે એવું પ્રયોગો અને અભ્યાસોમાં સાબિત થયેલું નથી. એવું નોંધાયું છે કે નીચલા સામાજિક અને આર્થિક દરજ્જામાંથી આવતાં બાળકોમાં હતાશા સહન કરવાની ક્ષમતા ઓછી હોય છે. હતાશાની સ્થિતિમાં બાળક સાથે કેવી રીતે વર્તવું જોઈએ તે માટે કેટલાક મનોવિદ્ શિક્ષણશાસ્ત્રીઓએ સૂચનો કરેલાં છે. તે પ્રમાણે માતાપિતા અને તેના શિક્ષકે બાળકમાં આત્મવિશ્વાસ વધે તેવાં કાર્યો અને વાતાવરણનું સર્જન, હતાશાની સ્થિતિમાં બાળક અવેજીરૂપ કોઈ અન્ય પ્રવૃત્તિમાં જોડાય તેવી પરિસ્થિતિનું નિર્માણ તથા બાળકને વાસ્તવિકતાનો ખ્યાલ આવે તે માટેનો સભાન પ્રયત્ન વગેરે ક્રિયાઓ કરવી જોઈએ એવું મનાય છે.

(13) વ્યક્તિત્વનો વિકાસ : બાળક પોતાની શારીરિક અને માનસિક જરૂરિયાતો સંતોષવા માટે જે રીતો અપનાવે છે તેનાથી તેની વિશિષ્ટ પ્રકારના વર્તનની ભાત(pattern)નું નિર્માણ થાય છે. વિવિધ પરિસ્થિતિઓમાં વિવિધ પ્રકારનું વર્તન હોય છે. આવાં વિવિધ પ્રકારનાં વર્તનોની બધી પ્રકારની ભાતના સુગ્રથનને વ્યક્તિત્વ કહે છે. વ્યક્તિત્વની પ્રેરણાઓ, આવેગો, મૂલ્યો, આદર્શો તથા આકાંક્ષાઓને વ્યક્ત કરવા માટેના વર્તનની ટેવો અને ભાત એક રીતે નિરંતર, સુગ્રથિત અને આંતરસંબંધિત હોય છે. તે એક સતત ચાલતી પ્રક્રિયા છે, જે વ્યક્તિત્વનું બંધારણ ઘડે છે. બાળકની ઉંમર વધે તેમ તેનું વ્યક્તિત્વ બદલાય છે. તે તેની વયના સર્વસામાન્ય વર્તનની ભાતરૂપ હોય છે. ઑલ્પોર્ટે વ્યક્તિત્વની આપેલી વ્યાખ્યામાં વ્યક્તિનાં શારીરિક અને માનસિક લક્ષણોના તંત્રના સુગ્રથનને તેનું વ્યક્તિત્વ કહે છે, જેને લીધે તે પરિસ્થિતિ સાથે અનુકૂલન સ્થાપી શકે છે. વ્યક્તિત્વનો અભ્યાસ ચાર રીતે થાય છે : વર્ગીકરણ દ્વારા, વિશ્લેષણ દ્વારા, વ્યક્તિત્વની સમગ્રતાના અભ્યાસ દ્વારા અને વ્યક્તિના વિકાસક્રમના અભ્યાસ દ્વારા. ઉંમર વધે એટલે છોકરા-છોકરીઓમાં ભેદ દેખાવા માંડે છે. મહત્વાકાંક્ષી માતાપિતા પોતાનાં બાળકોને સાહસ કરવા માટે વધુ તક અને છૂટ આપે છે. તેથી આવાં બાળકો તણાવવાળાં, ચિંતા કરનારાં, સ્પર્ધાળુ તથા આક્રમક બને છે. સામાજિક, કૌટુંબિક અને સાંસ્કૃતિક અસરોને કારણે બાળક પર આવેગી દબાણો પણ વધે છે. શરીર અને સ્વભાવનાં લક્ષણો પ્રમાણે કરાતા વર્ગીકરણમાં કફપ્રધાન, પિત્તપ્રધાન અને વાયુપ્રધાન એવાં આયુર્વેદમાં જૂથો છે. હિપોક્રેટસે આશાવાદી, નિરાશાવાદી, તરત ગુસ્સે થઈ જનાર તથા લાગણીશૂન્ય એવા શારીરિક દેખાવને આધારે વિભાગો કર્યા હતા. યુંગે અંતર્મુખી અને બહિર્મુખી એવા પ્રકારો વર્ણવ્યા છે. વ્યક્તત્વ કયાં કયાં લક્ષણોનું બનેલું છે તેના અભ્યાસને વ્યક્તિત્વવિશ્લેષણ કહે છે. બાળકના વિકાસના તબક્કા પ્રમાણે વ્યક્તિત્વ બદલાય છે. તેનો તે રીતે પણ અભ્યાસ કરાય છે. વાતાવરણમાંની પરિસ્થિતિ બાળકના સમગ્ર વ્યક્તિત્વને કેવી અસર કરે છે. તેમાં વ્યક્તિત્વ-ગતિકી(personality dynamics)ના સામાન્ય નિયમોને શોધી કાઢવાનો અભિગમ રખાયો છે. વ્યક્તિત્વ સ્થિર પણ છે અને ગત્યાત્મક પણ છે. નવજાત શિશુને પણ વ્યક્તિત્વ હોય છે. વ્યક્તિત્વ એટલે શારીરિક અને માનસિક લક્ષણોનું ગુંફન. કોઈપણ બે વ્યક્તિનું વ્યક્તિત્વ એકસરખું હોતું નથી. વ્યક્તિત્વ પર પોષાક, નામ, સામાજિક સ્તર, આર્થિક પાસું વગેરે ઘણાં પરિબળો ભાગ ભજવે છે.

વ્યક્તિત્વની વૃદ્ધિ : 1થી 3 વર્ષની વયે પણ વ્યક્તિત્વના તફાવતો દેખાય છે. આ ઉંમરમાં પણ કેટલીક વર્તન-ટેવો આકાર લે છે, જે ઓછાવત્તા પ્રમાણમાં સ્થિર બને છે અને વ્યક્તિત્વનો પાયો નંખાય છે. અનુભવ અને વાતાવરણને લીધે તેમાં ફેરફાર પણ થાય છે. મોટેભાગે ત્રીજા વર્ષથી વર્તનની સ્થિરતા સ્થપાય છે. કેટલાંક બાળકોમાં તે 12–13 વર્ષની ઉંમરે જોવા મળે છે. તેનો આધાર તેઓ કઈ ઉંમરે સામાજિક સલામતી અનુભવે છે તેના ઉપર છે. બાળકના વ્યક્તિત્વમાં ‘સ્વ-સંકલ્પના’ (પોતાના વિશેનો ખ્યાલ) કેન્દ્રસ્થાને હોય છે. શાળાએ જવાની ઉંમર પહેલાં(3થી 6 વર્ષ)ના વ્યક્તિત્વ પર સામાજિક સંબંધોની અસર પડે છે. તે માતા તરફ વધુ ખેંચાય છે. જો પિતાને કારણે માતા તરફથી કોઈ વિલંબ થાય તો પિતા તરફ વિરોધ પણ ઉદભવે છે. આ ઉંમરમાં પણ તે ઘરના લોકો સાથે જ સંબંધમાં આવે છે તેથી ઘરના લોકો અને તેને વિશે જેવું બોલે છે તે અનુસાર તેનો પોતાના વિશેનો ખ્યાલ બાંધે છે. ઘરની તાલીમપદ્ધતિ પણ બાળકના વ્યક્તિત્વ ઉપર અસર કરે છે. કુટુંબમાંની કડક શિસ્ત તેને બળવાખોર બનાવે છે. જન્મનો ક્રમ પણ એના ઉપર અસર કરે છે. કુટુંબમાંના સૌથી મોટા બાળક તરફ વધુ ધ્યાન અપાય છે. તેને જવાબદારીનું ભાન પણ વધુ રહે છે. નાનાં બાળકો ખુશમિજાજી, આરામપ્રિય, શાંત અને વધુ મિત્રો ધરાવતાં હોય છે. માતાપિતાનાં વલણોની અસર બાળક ઉપર થાય છે, આ ઉંમરમાં વ્યક્તિત્વ વધુ સ્થિર થાય છે. છતાં પરિપક્વતા વિકસવાને કારણે અને વાતાવરણને લીધે તેમાં ફેરફાર થાય છે.

પ્રાથમિક શાળા દરમિયાન (6થી 12 વર્ષની વય) બાળકના વ્યક્તિત્વમાં તેની વિકસતી જતી સામાજિક ક્ષિતિજ અસર ઉપજાવે છે. તે શિક્ષકો અને સમોવડિયા સાથે સંબંધમાં આવે છે. તે ઘણા મિત્રો બનાવે છે. જાતીય (લૈંગિક) વૃત્તિ ઉદભવી હોતી નથી. તેના વ્યક્તિત્વના વિકાસ પર ઘરના સામાજિક દરજ્જાની અસર પડે છે. તેના શરીરમાંની અંત:સ્રાવી ગ્રંથિના સ્રાવને લીધે આવેગલક્ષી સમસ્યાઓનું નિર્માણ થાય છે. વ્યક્તિત્વ વધુ સ્થિર બને છે. ‘આદર્શ-સ્વ’નો ખ્યાલ વિકસે છે. વીરપૂજન(hero worship)ની ભાવના વિકસે છે. તે અનુકરણ કરીને સાચું બોલે, ચોરી ન કરે પણ તેનામાં નૈતિકતાનો વિચાર વિકસેલો હોતો નથી. ઉપરનાં સામાજિક સ્તરનાં બાળકો મહત્ત્વાકાંક્ષી, વર્ચસ્વ અને જવાબદારી ઇચ્છતાં હોય છે. નીચલા સામાજિક સ્તરનાં બાળકો અલ્પસંતોષી, દબાયેલાં કે આક્રમક-બંડખોર બને છે. અંત:સ્રાવી ગ્રંથિઓના ફેરફારના કારણે આ ઉંમરનાં બાળકો ક્યારેક ઝડપથી ગુસ્સે થતાં, ઉત્સાહ વગરનાં, ચિંતાવાળાં, આવેગની જડતા અને સુસ્તીવાળાં હોય છે. જો તેમનામાં શારીરિક ખામી હોય તો તે તરફ તેઓ વધુ સંવેદનશીલ હોય છે. બાળક સ્વાવલંબી બને છે અને બધું જાતે કરવા ઇચ્છે છે. તેને સલામતી અને હૂંફની જરૂર હોય છે. આ ઉંમરે વ્યક્તિત્વ વધુ સ્થિર બને છે. તેઓ શિક્ષકો, ઐતિહાસિક પાત્રો તથા સમોવડિયાની અસરમાં આવે છે.

કિશોરાવસ્થાની પ્રારંભિક વયે (12થી 15 વર્ષે) જાતીય વૃત્તિ તીવ્ર બને છે. તેના આદર્શો અને ગમા-અણગમા બદલાય છે. કુમાર-કુમારીઓમાં જુદાં જુદાં લક્ષણો દેખાય છે. આ તણાવ અને દબાણ અનુભવવાનો સમયગાળો છે, તેથી માનસિક સંઘર્ષ શરૂ થાય છે. મિત્રોને પ્રેમ કરે છે. સદગુણો અને આદર્શોની સંકલ્પના બદલાય છે. 12–13 વર્ષે જોવા મળતી માતૃપિતૃભક્તિ 15મા વર્ષે તેને બાલિશ લાગે છે. પુખ્ત પુરુષ કે સ્ત્રીના આદર્શોને પાળવા ઇચ્છે છે. તે નેતૃત્વ લેવા તત્પર થાય છે. 12 વર્ષનો છોકરો બંડખોર બને છે. તે નિર્ભય, સાહસિક, કાર્યશીલ અને રમતગમતમાં કુશળ બને છે. પૌરુષ ગુણો બતાવવા મથે છે. તણાવ અને સંઘર્ષને કારણે ક્યારેક બેજવાબદારીભર્યું વર્તન કરે છે, આક્રમકતા દર્શાવે છે, અસલામતી અનુભવે છે અને દિવાસ્વપ્નો જુએ છે. વ્યક્તિત્વ ઉપર અસર કરતાં પરિબળો બે જાતનાં હોય છે : બાળકના પોતાના શારીરિક અને માનસિક ગુણદોષો તથા બહારના વાતાવરણનાં પરિબળો. શરીરનો આકાર, દેખાવ, શરીરની હલનચલનશીલતા, સ્નાયુશક્તિ, બુદ્ધિમત્તા, વિશિષ્ટ આવડતો (aptitudes), આવેગ-શીલતા વગેરે આંતરિક પરિબળો છે. બાહ્ય પરિબળો રૂપે ઘર, શાળા, શાળાનાં બીજાં બાળકો, સંસ્કૃતિ, ધર્મ, બાળકની રમતગમતો અને તેના શોખના વિષયો – આ બધાંની અસર બાળકના વ્યક્તિત્વ ઉપર થાય છે. બાળકના વ્યક્તિત્વવિકાસમાં કુટુંબનું ઘણું મહત્વ છે. બાળકનું જેમાં યોગ્ય મહત્ત્વ હોય, ઓછા ઝઘડા થતા હોય, બીજાં બાળકોને જોખમી ન હોય તેવી, બાળકને અપાતી સ્વતંત્રતા હોય, માતાપિતા પક્ષે મનમેળ હોય, જરૂર પૂરતો પૈસો હોય અને પડોશીઓ સાથે મનમેળ હોય તો તેવા કુટુંબમાં બાળવ્યક્તિત્વનો યોગ્ય વિકાસ થાય છે.

(14) રમતો અને રમકડાં : બાળકના જીવનમાં રમતનું ખાસ મહત્વ છે. તેના દ્વારા શારીરિક વિકાસ, ભાષાવિકાસ, વ્યક્તિત્વવિકાસ, સમુદ્ર રમતો દ્વારા સામાજિક વિકાસ અને સુક્ષુપ્ત શક્તિઓનો વિકાસ થાય છે. આપ-લે(give and take)ની વૃત્તિ કેળવાય છે. તેથી તે સામાજિક બને છે.

(15) પરિપક્વતા : વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા ત્રણે એકબીજા સાથે સંકળાયેલાં છે અને પરસ્પર પૂરક છે. પરિપક્વતા એ જે તે કાર્ય કરવા માટેની સ્થિતિ છે. સામાન્ય રીતે સમાજમાં પરિપક્વતા 18થી 20 વર્ષે ગણાય છે. પરંતુ મનોવિજ્ઞાનમાં તેનો અર્થ ખૂબ વિસ્તૃત છે. બાળકનો જન્મ થાય તે પણ તે કાર્ય માટેની પરિપક્વતા કહેવાય. તેવી જ રીતે તે બોલે, બેસે, ચાલે, દોડે, શીખે તે બધીજ ક્રિયાઓ તે તે કાર્ય માટેની શારીરિક અને માનસિક તૈયારી થાય ત્યારે જ બને છે. તે તેની પરિપક્વતા કહેવાય. આ પરિપક્વતાની ક્રિયા પણ જીવનભર ચાલ્યા કરે છે. કોઈપણ કાર્ય શારીરિક અને માનસિક પરિપક્વતા વગર થઈ શકતું નથી.

(16) શિક્ષણ : બાળક કઈ રીતે શીખે છે ? શિક્ષણની ક્રિયા પણ જન્મથી મૃત્યુ સુધીની છે. જે શીખે છે. તે જ જીવે છે. શિક્ષણના પણ બે પ્રકાર છે. ઔપચારિક અને અનૌપચારિક – ઔપચારિક શિક્ષણ બાળકને આપવામાં આવે છે. અક્ષરજ્ઞાન, શાબ્દિક જ્ઞાન, કાર્યકુશળતાનું જ્ઞાન – આ બધાં ઔપચારિક છે. તે બધાં બાળકની પરિપક્વતા સાથે શીખવવામાં આવે છે. જ્યારે અનૌપચારિક શિક્ષણ રોજબરોજના વ્યવહારમાંથી તે શીખે છે. સાંભળીને, જોઈને બાળક ઘણું ઘણું શીખી શકે છે.

બાળક અને વ્યક્તિ કેવી રીતે શીખે છે. તે અંગે પાવલૉવ, સ્કીનર, થોર્નડાઇક, કોહલર અને કોફેકા નામના મનોવૈજ્ઞાનિકોએ પ્રયોગ કરી પુરવાર કરી બતાવ્યું છે. પાવલૉવે-અભિસંધાન સિદ્ધાંન્ત (conditionary theory) આપ્યો, કૂતરા ઉપર પ્રયોગ કર્યો. પ્રાણીને શીખવવા માટે તેને ભૂખ્યું રાખવામાં આવે છે. કારણ કે તે મૂળભૂત પ્રેરણા છે. ભૂખ્યો કૂતરો ખોરાક જોઈ, ખોરાક મેળવવાની ક્રિયા કરે છે. તે સાથે પાવલૉવે લાઇટ અને અવાજનું અહીંયાં સંધાન કર્યું અને પછી કૂતરો લાઇટ અને અવાજ થવાની સાથે ખોરાક મળશે તેમ શીખે છે અને લાળ પેદા થાય છે. આમ બાળક પણ અભિસંધાન કરે છે. દા.ત., બાળકને મંદિર લઈ જઈએ ત્યારે આપણે ભગવાનને પગે લાગીએ ત્યારે તે પણ પગે લાગે છે અને પછી મંદિર આવતાં તે પગે લાગવાની ક્રિયા કરતો થઈ જાય છે. સ્કીનરે ઉંદર અને બિલાડી પર પ્રયોગ કરી પ્રયત્ન અને ભૂલ દ્વારા કેવી રીતે શિક્ષણ પ્રાપ્ત થાય છે તે બતાવ્યું છે. જેમ જેમ પ્રયત્નો વધે તેમ તેમ સમય અને ભૂલનું પ્રમાણ ઘટે છે તે દર્શાર્વ્યું છે.

કોહલર અને કોફકાએ આપ-સૂઝી(antiation)નો પ્રયોગ ચિમ્પાંઝી ઉપર કર્યો. રૂમમાં કેળાં લટકાવી લાકડી અને ટેબલ મૂક્યાં. થોડા પ્રયત્નો ચીમ્પાંઝીએ કર્યા અને તેને આત્મસૂઝ થાય છે અને ટેબલ પર ચઢી લાકડી વડે કેળાં મેળવે છે.

જોકે બધા જ પ્રકારે શીખવાની પ્રક્રિયા ચાલતી હોય છે. તેમાં કોઈ એક પદ્ધતિ એક પ્રકારના શિક્ષણ માટે હોય છે એવું નથી. અભિસંધાનમાં પણ પ્રયત્ન અને ભૂલ (trial and error) રહેલાં છે અને આત્મસૂઝમાં પણ અભિસંધાન, પ્રયત્ન અને ભૂલ રહેલાં છે.

(17) માનસિક સ્વાસ્થ્ય અને વિકસતું બાળક : બાળક મૂળભૂત રૂપે દુષ્ટ અથવા મૂળભૂત રીતે સારી મનોવૃત્તિનું હોતું નથી. તેની મનોવૃત્તિઓ, વર્તન, ટેવો વગેરે પૂરેપૂરી વારસાગત હોતી નથી. તેથી તેના ઘડતરમાં અને ઉછેરમાં યોગ્ય વાતાવરણ આપવાનું સૂચવાય છે. હોરેસ બી. ઇંગ્લિશના મત પ્રમાણે માનસિક સ્વાસ્થ્ય એ એક સતત ચાલતું વ્યક્તિત્વનું સુસમાયોજન અથવા સ્વાનુભૂતિ (adjustment) છે. તે સ્વ-પ્રકટીકરણ (self-perception) સાધે છે. કાર્લ મેનિંજર માને છે કે જગત સાથે, બીજી વ્યક્તિઓ સાથે ઘણું, અસરકારક અને સુખ આપે એવું સમાયોજન હોય તો તેને માનસિક સ્વાસ્થ્ય કહે છે. ડૉ. એડોલ્ફ મેયરે અમેરિકામાં ‘સોસાયટી ફૉર મેન્ટલ હેલ્થ’ નામની સંસ્થા સ્થાપી છે. તેમણે માનસિક સ્વાસ્થ્યની ચળવળ શરૂ કરી હતી. ધીમે ધીમે તે વિશ્વવ્યાપી બની. તેમાં અભ્યાસપદ્ધતિ, પરિબળો અને સંશોધનો પર ભાર મુકાયો. તેમાં માતાપિતા અને શિક્ષકોને માર્ગદર્શન આપવું, માનસિક સ્વાસ્થ્યનું સંરક્ષણ કરવું અને મનોવિકારો થતા ઘટાડવા એ 3 ક્ષેત્રોનો સમાવેશ કરાયો છે. તેના વડે બાળકમાં અનુકૂળ મનોવલણો કેળવાય અને તેની આવેગિક ટેવો સુધરે તે માટેનું માર્ગદર્શન અપાય છે. તે માનસિક અને સામાજિક પરિબળોની સમજૂતી આપે છે. માનસિક સ્વાસ્થ્યની ર્દષ્ટિએ જોતાં લહેરી, ચક્રમ, વિચિત્ર વર્તન, સૌમ્ય મનોવિકાર (neurosis), તીવ્ર મનોવિકાર (psychosis) વગેરેને વિચલિત વર્તન (deviant behavior) કહે છે. તેનાં કારણોમાં ઘરની પ્રતિકૂળ પરિસ્થિતિઓ, અવાસ્તવિક તીવ્ર આવેગશીલતા, ઉત્પ્રેરણાઓ અને ઇચ્છાઓનું દમન વગેરેનો સમાવેશ થાય છે. તંદુરસ્ત મનનાં લક્ષણોમાં સલામતીની ભાવના, સ્વાવલંબનની ભાવના, આત્મશ્રદ્ધા, સ્વ-સ્વીકાર તથા પર-સ્વીકારની ભાવના, જવાબદારીની ભાવના, ધ્યેયલક્ષિતા, સમસ્યા-ઉકેલનું માનસિક વલણ વગેરે વ્યક્તિગત મૂલ્યોનો સમાવેશ થાય છે.

ઈન્દિરા ઘનશ્યામ જોશી

શિલીન નં. શુક્લ