બાલમજૂરી : સગીર વયની વ્યક્તિ પાસેથી વેતનના બદલામાં કરાવવામાં આવતો શ્રમ. અર્થ : બાળકની વ્યાખ્યા અલગ અલગ કાયદાઓના હેતુ માટે અલગ અલગ રીતે કરવામાં આવી છે. (મિનિમમ વેજિઝ ઍક્ટ, ક. 2બી – બી મુજબ) ચૌદ વર્ષથી નીચેની ઉંમરની વ્યક્તિને બાળક ગણવામાં આવે છે. બાળકો એમનાં માબાપનું કાર્ય કરે તેને ‘સેવા’ ગણવામાં આવે છે; પરંતુ કુટુંબના ભરણપોષણના માટે નાણાં કમાવાના હેતુથી માબાપ પોતાના બાળકને અન્યત્ર કામે મોકલે અને જે તે સંસ્થા, ઉદ્યોગ, કે કારખાનાનો માલિક બાળક પાસેથી એની મરજીમાં આવે તેટલો સમય કામ લે, એને ઓછું વેતન આપે, એના સ્વાસ્થ્યની દરકાર ન કરે ત્યારે, સમગ્ર સંદર્ભ બદલાઈ જવાથી એ બાબત બાલમજૂરીમાં પરિણમે. આમાં બાળકનું શોષણ થાય છે. બાલમજૂરીની વ્યાખ્યા ક્યાંય આપી નથી. પરંતુ આવી મજૂરી એ માનવઅધિકારોના વૈશ્વિક ઘોષણાપત્ર/ખતપત્ર ‘યુનિવર્સલ ડેક્લેરેશન ઑવ્ હ્યૂમન રાઇટ્સ’(UDHR)ના અનુચ્છેદોની વિરુદ્ધ છે, કેમ કે બાળકોને પણ પુખ્ત ઉંમરની વ્યક્તિઓને છે તેવા અધિકારો છે. યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બ્લીએ 10મી ડિસેમ્બર 1948ના રોજ ઠરાવ નં. 217-એ. (iii)થી આ હક્કને જાહેર કર્યા છે અને સ્વીકાર્યા છે. તા. 20-11-1989ના રોજ ભારતે પણ બાળકોના અધિકારો અંગેના સંધિનામાને અનુમોદન આપ્યું છે.
દારુણ ગરીબી, બેરોજગારી, નિરક્ષરતા જેવાં કારણોએ બાલમજૂરીના અનિષ્ટનો ઉદભવ થયો છે અને તેમની પાસેથી કામ કરાવનાર માલિકો આવાં બાળકોનું ભરપટ્ટે શોષણ કરે છે.
31મી માર્ચ 1931ના રોજ કરાંચીમાં ભરાયેલા રાષ્ટ્રીય કૉંગ્રેસના અધિવેશનમાં મહાત્મા ગાંધીએ ‘રાજકીય અને આર્થિક અધિકારો’ પર વીસ મુદ્દાનો એક ઠરાવ પસાર કરાવ્યો હતો. એમાંનો એક મુદ્દો હતો બાલમજૂરીની નાબૂદીનો. તે પછી ઘણા વખત સુધી કશુંય નક્કર થયું નહિ.
બાલમજૂરી (નિષેધ અને નિયમન) અધિનિયમ, 1986 : બાલમજૂરીથી થતું બાળકોનું શોષણ અટકાવવાને માટે તથા એનું નિયંત્રણ કરી નિયમન કરવા માટે બાલમજૂરી (નિષેધ અને નિયમન) અધિનિયમ, 1986 – ‘ધ ચાઇલ્ડ લેબર (પ્રોહિબિશન ઍન્ડ રેગ્યુલેશન) ઍક્ટ, 1986’ – ઘડવામાં આવ્યો, જે સમગ્ર ભારતમાં હાલ અમલમાં છે. એની ક. 2માં ‘બાળક’ની વ્યાખ્યા આપવામાં આવી છે અને કયા ધંધાઓમાં અને પ્રક્રિયાઓમાં બાલમજૂરો રાખવાનો નિષેધ છે, તે ક. 3ની અનુસૂચિમાં જણાવ્યું છે. બાલમજૂરોના કામના કલાકો, સમય અને રજા વગેરેનું નિયમન (ક. 6,7,8) આ કાયદાથી થાય છે. કલમ 3ની જોગવાઈઓથી વિરુદ્ધ વર્તીને બાળકને કામે રાખનાર માલિકો દંડ અને કેદની શિક્ષાને પાત્ર ઠરે છે.
પ્રથમ ગુના માટે ત્રણ માસથી ઓછી નહિ, પણ એક વર્ષ સુધીની મર્યાદાવાળી કેદની શિક્ષા અથવા રૂપિયા 10,000થી 20,000 સુધીની રકમના દંડની શિક્ષા અથવા તો આ બંને શિક્ષાઓ ગુનેગાર માલિકને ફટકારી શકાય. [ક. 14(1)]. બીજા એવા જ ગુના માટે છ માસથી ઓછા સમયની નહિ, પરંતુ બે વર્ષ સુધીની કેદની શિક્ષા થઈ શકે છે. [ક. 14(2)].
આ કાયદાના અસરકારક અમલ માટે કેન્દ્ર સરકારે અને ગુજરાત સરકારે નિયમો બનાવ્યા છે. બધી જ રાજ્ય સરકારોએ રાજ્યવાર આવા નિયમો બનાવવાના હતા. પરંતુ આ કાયદો બનાવ્યા પછી આઠ વર્ષ વીત્યાં ત્યાં સુધી એક પણ રાજ્ય સરકારે આ અંગેના નિયમો બનાવ્યા નહોતા. અત્યારે પણ ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને કર્ણાટક સહિત સાત રાજ્ય સરકારોએ જ આ માટે સ્થાનિક નિયમો બનાવ્યા છે; બાકીનાં રાજ્યોએ આ માટે કશો જ રસ દાખવ્યો નથી. સુપ્રીમ કૉર્ટે આપેલા એક ચુકાદાના પરિણામે હવે આ વિશે જાગૃતિ આવી છે અને બાલમજૂરોની મોજણીનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
આ વિશે વિવિધ કાયદાઓ : ભારતમાં બાલમજૂરી પર પ્રતિબંધ મૂકતા અને બાળકોનું શોષણ અટકાવતા જે વિવિધ કાયદાઓ ઘડવામાં આવ્યા છે તે સંક્ષેપમાં નીચે મુજબના છે : (1) ભારતનું બંધારણ : બંધારણનું એ હાર્દ (spirit) છે કે બાળકોને કારખાનાંઓમાં કે ઉદ્યોગોમાં કામે લગાડવાં નહિ, કારણ કે બચપણ એ તેમનો ઘડતરકાળ (formative period) છે. તેઓ 14 વર્ષ પૂરાં ન કરે ત્યાં સુધી તેમને ફરજિયાત ભણાવવાં જોઈએ. બંધારણની કલમ 15 (3) પ્રમાણે સ્ત્રીઓ અને બાળકોના લાભાર્થે કરેલા કાયદાઓ સાર્વત્રિક રીતે માન્ય ગણાશે અને ભેદભાવના કારણે તેને પડકારી શકાશે નહિ. કલમ અથવા અનુચ્છેદ 24 મુજબ કોઈ પણ જોખમકારક કામકાજમાં 14 વર્ષથી નીચેના બાળકને નોકરીએ રાખી શકાશે નહિ. કલમ અથવા અનુચ્છેદ 39ની જોગવાઈઓ પ્રમાણે બાળકની નાની ઉંમરનો ગેરલાભ ઉઠાવી, તેમની ગરીબીને કારણે તેમનું શોષણ કરી શકાશે નહિ. બંધારણના અનુચ્છેદ 45 પ્રમાણે બંધારણના અમલથી 10 વર્ષની અંદરના સમયમાં 14 વર્ષથી નીચેનાં બાળકોને માટે નિ:શુલ્ક અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરવાની રાજ્યની ફરજ છે. અનુચ્છેદ 47 પ્રમાણે બાળકોના પોષણનું સ્તર અને જીવનધોરણ ઊંચાં લાવવાં એ પણ રાજ્યની ફરજ રહેશે.
કારખાનાનો કાયદો : આ કાયદાની કલમ 67, 68, 69, 70, 71 અને 75નો સારાંશ જોઈએ તો, કારખાનામાં 14 વર્ષથી નીચેની વયનાં બાળકોને કામે રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે; 14 અને 15 વર્ષની વચ્ચેના બાળકને અમુક શરતે જ કામે રાખી શકાય અને 17 વર્ષથી નીચેની વયના બાળકને રાત્રે કામ પર બોલાવી શકાય નહિ.
1952નો ખાણ ઉદ્યોગને લગતો માઇન્સ ઍક્ટ પણ બાળકોને કામે રાખવાનો નિષેધ કરે છે. (ક. 45). આ કાયદા પ્રમાણે ખાણમાં શ્રમિક તરીકે બાળકોની હાજરી વર્જ્ય છે. એટલું જ નહિ, પરંતુ જ્યાં કામ ચાલતું હોય ત્યાં તેમની હાજરી પણ વર્જ્ય ગણવામાં આવે છે અને જ્યાં સુધી 16 વર્ષ પૂરાં થાય નહિ ત્યાં સુધી બાળક ખાણમાં જમીનની નીચે કામ કરી શકશે નહિ.
બગીચા ઉદ્યોગને લગતો પ્લાન્ટેશન લેબર ઍક્ટ, 1951 12 વર્ષથી નીચેનાં બાળકોને કામે ન રાખવાનું અને 15થી 18 વર્ષનાં બાળકોને જો પ્રમાણિત કરેલાં હોય તો જ કામે રાખવાં એમ દર્શાવે છે. એ જ પ્રમાણે મર્ચન્ટ શિપિંગ ઍક્ટ, 1958 તથા મોટર ટ્રાન્સપૉર્ટ વર્કર્સ ઍક્ટ, 1961માં પણ બાળકોને કામે રાખવા માટે નિષેધ કરવામાં આવેલ છે. ચિલ્ડ્રન (પ્લેજિંગ ઑવ્ લેબર) ઍક્ટ, 1993 મુજબ બાળકનાં માબાપ એને કામે મોકલતાં હોય તો આ વિષેનો લેખિત કરાર માબાપ અને કામે રાખનાર શેઠ/માલિક વચ્ચે કરેલો હોવો જોઈએ. એપ્રેન્ટિસિઝ ઍક્ટ, 1961 હેઠળ તાલીમ માટે પણ 14 વર્ષથી નીચેની વયના બાળકને અયોગ્ય ગણ્યું છે. બીડી ઍન્ડ સિગાર વર્કર્સ (કંડિશન્સ ઑવ્ એમ્પ્લૉયમેન્ટ) ઍક્ટ, 1966 પ્રમાણે કોઈ પણ બાળકને ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરવા દેવાતું નથી અને 14થી 18 વર્ષની વચ્ચેનાં બાળકોને સાંજના 7થી સવારના 6 વાગ્યા સુધીમાં કામ પર રોકવા પર પ્રતિબંધ છે. શૉપ્સ ઍન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ઍક્ટ તથા પ્રિવેન્શન ઑવ્ બેગરી ઍક્ટ પણ આવા પ્રતિબંધો મૂકે છે.
બાલમજૂરીનું પરિણામ : બાલમજૂરો જે ધંધો કે પ્રક્રિયામાં રોકાયેલા હોય છે તે પ્રમાણેના અનેક રોગોના તેઓ શિકાર બને છે; દા.ત., બાંધકામમાં રોકાયેલા બાલમજૂરોને ખસ, ખરજવું, ચામડી તતડી જવી, ગળાનો દુખાવો થવો, ટી.બી જેવા રોગો થાય છે. અકીક ઉદ્યોગમાં અને હીરા ઘસવાના કામમાં રોકાયેલાઓને શ્વાસના રોગો, ટી.બી., સાંધાનો અને કમરનો દુખાવો અને કૅન્સર થાય છે. સામાન્ય રીતે આંખના, છાતીના અને શ્વાસના રોગો તેમને થતા હોય છે.
બાલમજૂરો વિશે સેન્સસના આંકડાઓ : ભારતની સુપ્રીમ કૉર્ટે 1991ના એક ચુકાદામાં નિર્દિષ્ટ કરેલા આંકડાઓ પ્રમાણે ઑર્ગેનાઇઝ્ડ સેક્ટરના બાલમજૂરોના આંકડાઓનો અંદાજ 10,70,749નો છે. 1983માં ભારતના આયોજન પંચે તારવેલા અંદાજ પ્રમાણે 5થી 14 વર્ષની વચ્ચેના બાલમજૂરોની સંખ્યા 1,73,60,000 અને 10થી 14 વર્ષની વચ્ચેના બાલમજૂરોની સંખ્યા 1,57,00,000 છે; પરંતુ એક બિનસરકારી સંસ્થાના અંદાજ પ્રમાણે કુલ બાલમજૂરોની સંખ્યા 4 કરોડ 40 લાખથી 10 કરોડ સુધીની છે. આમાંના 2 કરોડ 50 લાખ તો વેઠ કે ગુલામી-ખતથી કરારબદ્ધ એવા બાલમજૂરો છે. બાલમજૂરીના આ અનિષ્ટની તીવ્રતા રાજ્યે રાજ્યે અને રાજ્યમાં પણ હરેક વિસ્તારમાં અલગ અલગ હોય છે. દર વર્ષે બાલમજૂરોની સંખ્યા 1 %થી ઉપર વધતી જાય છે અને એમાંના 50 % બાલમજૂરો 5થી 14 વર્ષની વયજૂથના હોય છે, જેઓ શાળામાં જતા નથી.
સંસ્થાઓ : બાલમજૂરો માટે કામ કરી છૂટવા ઉત્સુક એવી 70 જેટલી સંસ્થાઓએ એકત્ર થઈને ‘કૅમ્પેઇન અગેઇન્સ્ટ ચાઇલ્ડ લેબર’(CACL) નામની સંસ્થા સ્થાપી છે. બાલમજૂરો માટે કાર્ય કરતા આ મિશનમાં ભારતનાં 12 રાજ્યોની 700 જેટલી સંસ્થાઓ અને ટ્રેડ યુનિયનો જોડાયાં છે. (અમદાવાદ, વડોદરા, સાબરકાંઠા, મુંબઈ, પુણે, બૅંગ્લોર અને ભુવનેશ્વરમાં બાલમજૂરો માટે સારું કાર્ય થઈ રહ્યું છે.)
પ્રશ્નો : ભારતમાં જેમ બાલલગ્ન નિષેધનો કાયદો હોવા છતાં બાલલગ્નો છડે-ચોક થાય છે, તેમ બાલમજૂરીના નિષેધના કાયદા હોવા છતાં બાલમજૂરોની સંખ્યા વધતી જ જાય છે. જેમ સમય વીતે છે તેમ આ સળગતો પ્રશ્ન વિકટ અને ઉકેલી ન શકાય તેવો જટિલ બનતો જાય છે.
ભાનુપ્રસાદ મ. ગાંધી