બાલકૃષ્ણ, નંદમુરી (જ. 10 જૂન 1960, ચેન્નાઈ) : ‘પદ્મભૂષણ’ પારિતોષિક-વિજેતા, અભિનેતા, ફિલ્મનિર્માતા, આંધ્રપ્રદેશની વિધાનસભામાં ધારાસભ્ય સહિત વિવિધ ક્ષેત્રોમાં પ્રદાન કરનાર સમાજસેવક. તેમના પિતા આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ અભિનેતા એન. ટી. રામારાવ. માતા બસાવતારકમ ગૃહિણી. દંપતીને આઠ પુત્ર અને ચાર પુત્રીઓ. તેમાં નંદમુરી બાલકૃષ્ણ પાંચમા પુત્ર. ચાહકોમાં બાલૈયા કે NBK તરીકે પ્રસિદ્ધ.
પ્રારંભિક જીવન ચેન્નાઈમાં પસાર કર્યું અને કિશોરાવસ્થામાં હૈદરાબાદમાં સ્થળાંતરણ કર્યું. હૈદરાબાદમાં નિઝામ કૉલેજમાંથી વાણિજ્યપ્રવાહમાં સ્નાતકની ડિગ્રી મેળવી. બાળપણથી જ બાળકલાકાર તરીકે ફિલ્મોમાં કામ કર્યું હોવાથી ફિલ્મોમાં અભિનયને મુખ્ય જીવનકાર્ય બનાવ્યું. વર્ષ 1974માં 14 વર્ષની વયે ફિલ્મ ‘તાતમ્મા કાલા’(પરદાદાનું સ્વપ્ન)ની સાથે ફિલ્મ કારકિર્દી શરૂ કરી. ફિલ્મમાં તેમણે એક યુવાન કિશોર વિદ્યાર્થીની ભૂમિકા અદા કરી, જે ખેડૂતોના કલ્યાણ માટે મૂળભૂત સુવિધાઓથી વંચિત પોતાના ગામમાં આધુનિક ટૅક્નિક લઈને આવે છે.
પિતા એનટીઆરના માર્ગદર્શનમાં શરૂઆતી સિનેમાજીવનમાં ટોચના અભિનેતા તરીકે ભગવાન રામ, કૃષ્ણ, અર્જુન, અભિમન્યુ, નારદ જેવી યાદગાર ભૂમિકાઓ અદા કરી. સાથે સાથે શ્રી કૃષ્ણ દેવરાય, ગૌતમીપુત્ર સાતકર્ણી, વેમુલવાડ ભીમા કવિ, સિદ્ધૈયા અને સલીમ જેવાં ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં પાત્રો ભજવ્યાં. ઉપરાંત સામાજિક ફિલ્મોમાં પણ અમિટ છાપ છોડી. પોતાના પિતાના પગલે ચાલીને પૌરાણિક, ઐતિહાસિક, સામાજિક, બાયોપિક વગેરે દરેક પ્રકારની ફિલ્મોમાં અભિનય કરીને તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં વિશિષ્ટ સ્થાન ઊભું કર્યું.
16 વર્ષની વયે સુપરહિટ હિંદી ફિલ્મ ‘યાદોં કી બારાત’ની તેલુગુ રિમેક ‘અન્નદામ્મુલા અનુબંધમ્મ’માં પોતાના પિતા રામારાવના ભાઈની ભૂમિકા અદા કરી. 1984માં ‘સહાસમે જીવિથમ્’માં મુખ્ય અભિનેતા તરીકે કારકિર્દી શરૂ કરી. વર્ષ 2024માં તેમણે તેલુગુ ફિલ્મઉદ્યોગમાં 50 વર્ષની સફર પૂર્ણ કરી હતી. આ સફરમાં 100થી વધારે તેલુગુ ફિલ્મોમાં અભિયન કર્યો. તેલુગુ ફિલ્મઉદ્યોગમાં પ્રદાન કરવા બદલ ભારત સરકારે વર્ષ 2025માં દેશનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘પદ્મભૂષણ’ એનાયત કર્યો.
સિનેમાની દુનિયાની સાથે પિતાને અનુસરીને રાજકારણમાં પણ સક્રિય થયા. પિતા એનટીઆરએ 1982માં તેલુગુ દેશ પાર્ટી(TDP)ની સ્થાપના કરી પછી બાલકૃષ્ણએ રામારાવ અને પછી ચંદ્રાબાબુ નાયડુ માટે દરેક ચૂંટણીમાં પ્રચાર કર્યો. વર્ષ 2014 સુધી સક્રિય રાજકારણથી દૂર રહ્યા. એ જ વર્ષે આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં TDPના ઉમેદવાર તરીકે હિંદુપુર વિધાનસભાબેઠક પરથી ચૂંટણી લડ્યાં અને ધારાસભ્ય બન્યા. ત્યાર બાદ 2019 અને 2024માં સતત ત્રણ ટર્મથી આ જ બેઠક પર ધારાસભ્ય તરીકે કાર્યરત છે. બાલાકૃષ્ણ નંદમુરી પરિવારના ત્રીજા રાજકારણી છે. તેમના અગાઉ તેમના મોટા ભાઈ નંદમુરી હરિકૃષ્ણ અને એ અગાઉ તેમના પિતા એનટીઆર આ બેઠક પર ધારાસભ્ય હતા. તેમણે આ વિસ્તારમાં માળખાગત સુવિધાઓના વિકાસને વેગ આપ્યો છે, ઐતિહાસિક લેપાક્ષી મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે. આ વિસ્તારમાં પીવાના સ્વચ્છ પાણીની ઉપલબ્ધતામાં વધારો કરાવવામાં અને સરકારી હૉસ્પિટલને અદ્યતન બનાવવામાં પ્રશંસનીય કામગીરી કરી છે. કોવિડ-19 સંકટ દરમિયાન પણ તેમણે નાગરિકોની સેવામાં કોઈ કચાશ રાખી નહોતી.
અભિનેતા અને રાજકારણીની સાથે સમાજસેવક તરીકે પણ પ્રશંસનીય કામગીરી કરીને સમુદાયમાં સારી ચાહના મેળવી. વર્ષ 2010માં બસવતારકમ ઇન્ડો-અમેરિકન કૅન્સર હૉસ્પિટલ ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, હૈદરાબાદના અધ્યક્ષ બન્યા. ત્યાર બાદ તરત જ તેમણે ઓછી આવક ધરાવતા અને ગરીબ પરિવારોને કૅન્સરની મોંઘી સારવાર સેવાઓ નજીવા દરે કે મફતમાં ઉપલબ્ધ કરાવીને સમાજમાં સ્વાસ્થ્યસેવા પ્રત્યે અસાધારણ પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરી. આ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના તેમના પિતા એનટીઆરએ કૅન્સરપીડિતોની સેવા કરવાના ઉદ્દેશ સાથે કરી છે.
ફિલ્મઉદ્યોગમાં પ્રદાન કરવા માટે એનટીઆર નૅશનલ ઍવૉર્ડ, ટીએસઆર નૅશનલ ઍવૉર્ડની સાથે ફિલ્મફેર ઍવૉર્ડ સાઉથમાં બેસ્ટ ઍક્ટરનો ઍવૉર્ડ આઠ વાર મેળવ્યો. ઉપરાંત આવકવેરા વિભાગે સૌથી વધુ કરચુકવણી કરનાર કરદાતાને એનાયત થતો ‘સમ્માન ઍવૉર્ડ’ પણ મળ્યો છે.
વર્ષ 1982માં 22 વર્ષની વયે વસુંધરા દેવી સાથે લગ્ન કર્યા અને ત્રણ સંતાનો ધરાવે છે.
કેયૂર કોટક