બાલકલ્યાણ : બાળકના સર્વાંગી વિકાસને સ્પર્શતી વિભાવના. વિશ્વના તમામ દેશોમાં વસતાં બાળકો વિશ્વના ભાવિ નાગરિકો અને સમાજવ્યવસ્થાના પ્રણેતાઓ છે. શારીરિક, માનસિક તથા સામાજિક રીતે સ્વસ્થ બાળકો વિશ્વની સાચી સંપત્તિ છે. યુનોએ તથા વિશ્વના તમામ દેશોએ બાલકલ્યાણનું આયોજન કરેલ છે. બાલકલ્યાણ અંગેના ખ્યાલ બાળકના સર્વાંગીણ વિકાસ સાથે સંકળાયેલ છે. માનવ- કલ્યાણની તમામ પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે બાલકલ્યાણની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરે છે અને સામાજિક ગુણવત્તા સુધારવામાં મદદરૂપ બને છે.
બાળક કોને ગણવા તે માટે કોઈ સાર્વત્રિક વ્યાખ્યા નથી. ફૅક્ટરી ઍક્ટ, પ્લાન્ટેશન ઍક્ટ અથવા ચિલ્ડ્રન્સ ઍક્ટ જેવા કેટલાક કાયદાઓ પ્રમાણે 14 અથવા 15 વર્ષના અથવા 16 કે 18 વર્ષની વયની વ્યક્તિને બાળક ગણવામાં આવે છે.
કુટુંબ અને તેનું વાતાવરણ બાળકના શારીરિક, માનસિક તથા સામાજિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. બાળકને લાગણી, પ્રેમ, પોષણ, સલામતી, હૂંફ, સંભાળ વગેરે કુટુંબમાંથી મળી રહે છે. બાળકને કુટુંબના અગત્યના ઘટક તરીકે ગણવામાં આવે છે. શરૂઆતનાં વર્ષોમાં બાળકનો શારીરિક, માનસિક તથા સામાજિક વિકાસ કુટુંબના નેજા હેઠળ થાય છે. સામાજિક સંસ્થા તરીકે કુટુંબ બાળકલ્યાણનાં સ્વરૂપ અને વ્યાપને નક્કી કરે છે તથા સામાજિક વાતાવરણને સુધારે છે.
પ્રાચીન યુગમાં ધર્મભાવનાને લીધે બાળકોને સહાય આપવામાં આવતી હતી. સંયુક્ત પરિવારની પ્રથામાં બાળકને સ્નેહ-પ્રેમ ભરપૂર મળતાં હતાં. જો કોઈ સમસ્યા ઉદભવતી તો કુટુંબના સભ્યો તરફથી બાળકોને સુરક્ષા મળી રહેતી. એટલે બાળકની ભાવનાને કોઈ નુકસાન પહોંચતું ન હતું. અને તેની લગભગ તમામ સુવિધાઓ સચવાતી હતી; પરંતુ ઉદ્યોગીકરણ અને શહેરીકરણ, જેવી પ્રક્રિયાને લીધે પરિવારનું વિભાજન થવા લાગ્યું, જેને લીધે ધીમે ધીમે વિભક્ત કુટુંબોની સંખ્યા વધી. ઔદ્યોગિક ક્રાંતિ, શહેરીકરણ, યાંત્રિકીકરણ સાથે સંચાર- માધ્યમોમાં વધારો થયો. ગ્રામીણ લોકો રોજીરોટી માટે શહેરો તરફ સ્થળાંતર કરવા લાગ્યા, અને શહેરના ગીચ અને ગંદા વિસ્તારોમાં વસવાટ કરવા માંડ્યા. પરિણામે બાળકોનાં શિક્ષણ અને સ્વાસ્થ્ય પર માઠી અસર થઈ. બાળકો બીમારી અને કુપોષણ જેવી સમસ્યાઓનો ભોગ બનતાં ગયાં. સ્ત્રીઓને પણ રોજગારી મળવા લાગી. પરિણામે બાળકોની મૂળભૂત જરૂરિયાતો ન સંતોષાતાં તેઓ અમાનવીય અને દયનીય દશામાં જીવન વ્યતીત કરવા લાગ્યાં. શહેરીકરણને લીધે વ્યક્તિલક્ષિતા અને સ્પર્ધાત્મકતા ફૂલીફાલી, ખેતીપ્રધાન અર્થ-વ્યવસ્થાની અવનતિ થઈ, પરંપરાગત સંગઠનોને બદલે નવાં સંગઠનો વિકાસ પામ્યાં. અપૂરતી સગવડોને લીધે જીવનધોરણ નીચું ગયું. આની સૌથી સીધી અને વિપરીત અસર બાળકો ઉપર પડી.
બાળકોનાં કલ્યાણ માટે કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ મહત્વનાં કાર્યો કર્યાં છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાએ બાલકલ્યાણક્ષેત્રે ચળવળ ચાલુ કરી, જેની બાલસુરક્ષા, વૃદ્ધિ અને બાલકલ્યાણ પર સારી અસર પડી. યુનિસેફ, એફ.એ.ઓ.; એ.આર.ઈ., તથા વિશ્વ આરોગ્ય સંસ્થાએ બાળકોના પોષણક્ષમ આહારના ક્ષેત્રે અગત્યનાં પગલાં લીધાં તથા પૂરક પોષણ કાર્યક્રમને અમલમાં મૂક્યો. 1956માં જિનીવામાં રાષ્ટ્રસંઘે બાળકોના અધિકાર સંબંધી ઘોષણા કરી. તેમાં 16 વર્ષની વયનાં બાળકોનો સમાવેશ કર્યો હતો.
આઝાદી પહેલાં બાળકોના રક્ષણાર્થે કેટલાક કાનૂનો પસાર કરવામાં આવ્યા હતા; દા.ત., (1) ‘એપ્રેન્ટિસ ઍક્ટ 1850’, જેના અન્વયે 10થી 16 વર્ષનાં બાળકોને ઉદ્યોગ શીખવી શકાય છે. (2) ‘ધ ગાર્ડિયન ઍન્ડ વૉર્ડ્ઝ ઍક્ટ 1890’, જેના અન્વયે ઓછી ઉંમરનાં બાળકોની સંભાળ માટે સંરક્ષકોની નિયુક્તિ કરી શકાય છે. (3) ‘રિફૉર્મેટરી સ્કૂલ ઍક્ટ 1897’, જેના હેઠળ 15 વર્ષની વયના બાલગુનેગારોને જેલમાં ન મોકલતાં શાળામાં મોકલવાની વ્વયસ્થા કરવામાં આવી. (4) ‘ચાઇલ્ડ મેરેજ પ્રિવેન્શન ઍક્ટ 1921’, જેના અન્વયે બાલલગ્ન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. (5) ‘ઇન્ડિયન મર્ચન્ટ શિપિંગ ઍક્ટ 1923’, જેના અન્વયે 14 વર્ષથી ઓછી વયનાં બાળકોને જહાજો પર મજૂરી કરવા દેવા પર પ્રતિબંધ મૂક્યો. (6) ‘ધ ચિલ્ડ્રન પ્લેજિંગ ઑવ્ લેબર ઍક્ટ 1933’ જેના અન્વયે બાલમજૂરી કરવા દેવા પર પ્રતિબંધ મુકાયો. (7) ‘ધી એમ્પ્લૉયમેન્ટ ઑવ્ ચિલ્ડ્રન ઍક્ટ 1938’, જેની હેઠળ ઉદ્યોગ તથા કારખાનાંઓમાં બાળકોને કામ કરવા દેવા પર પ્રતિબંધ મૂક્યો. (8) આ ઉપરાંત બાલઅધિનિયમ, બૉસ્ટલે સ્કૂલ તથા સુધારક વિદ્યાલયના કાયદાઓ પસાર કરવામાં આવ્યા.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ બાલકલ્યાણક્ષેત્રે સીમાચિહ્નરૂપ કાર્ય કર્યું હતું. ભારતીય બંધારણે બાળકોનાં શિક્ષણ અને સંરક્ષણને પ્રાધાન્ય આપ્યું. બાળકોની સુરક્ષા અને કલ્યાણને લગતા કાયદાઓનો અમલ કરવામાં આવ્યો. જવાહરલાલ નેહરુએ બાળકો માટેની કલ્યાણસેવાનો પ્રારંભ કર્યો. આયોજન પંચે પ્રથમ પંચવર્ષીય યોજનાથી બાળકોની જરૂરિયાતોને અગ્રિમતા આપીને બાલકલ્યાણક્ષેત્રે આયોજિત અને વ્યવસ્થિત અભિગમ અપનાવ્યો અને બાલકલ્યાણ-કાર્યક્રમો શરૂ કર્યા. બીજી પંચવર્ષીય યોજનામાં આ સેવાઓને વધુ વિસ્તૃત બનાવી. 6થી 14 વર્ષનાં બાળકો માટે નિ:શુલ્ક તથા ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરવામાં આવી. કેન્દ્ર સરકારે કેન્દ્રીય સમાજ સલાહકાર બૉર્ડની રચના કરી માતૃ અને બાલકલ્યાણક્ષેત્રે કાર્ય કરતી સ્વૈચ્છિક સંસ્થાઓને મદદ કરી. તેમાં શિશુસંભાળ, ઘોડિયાઘર, આંગણવાડી, બાલવાડી, પૂરક પોષણ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ કર્યો, તથા બાલવિકાસ, ગૃહકલ્યાણ તથા કુટુંબકલ્યાણ કેન્દ્રો જેવી પ્રવૃત્તિઓને આવરી લેવામાં આવી. ત્રીજી પંચવર્ષીય યોજનાથી આ સેવાઓનો વ્યાપ વધારવામાં આવ્યો. ત્યારપછીની તમામ પંચવર્ષીય યોજનાઓમાં બાલકલ્યાણ-પ્રવૃત્તિઓને વધારે વિસ્તૃત બનાવવામાં આવી. આ દરમિયાન વિવિધ તજ્જ્ઞોની સમિતિઓની રચના અને નિમણૂક કરવામાં આવી; જેવી કે ભોરે સમિતિ (1943); સારજન્ટ સમિતિ (1944), હેલ્થ સર્વે ઍન્ડ પ્લાનિંગ કમિટિ (1954) : ચાઇલ્ડ કેર કમિટિ (1960), કમિટિ ઑન પ્રોગ્રામ્સ ફૉર ચાઇલ્ડ વેલ્ફેર (1968) તથા સ્ટડી ગ્રૂપ ઑન ધ પ્રીસ્કૂલ ચાઇલ્ડ (1972) વગેરે. આ તમામ સમિતિઓએ બાળકોની જરૂરિયાતો અને સમસ્યાઓને આવરી લેતી આંકડાકીય માહિતી એકત્ર કરીને બાળકોને લગતા કાયદાઓની પ્રવર્તમાન અસરકારકતા તપાસીને લાંબા ગાળાના આયોજનરૂપે જરૂરી સુધારાવધારા સૂચવ્યા.
બાલસેવાના ક્ષેત્રમાં યુનિસેફ, ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ ચાઇલ્ડ વેલફેર, ઇન્ડિયન રેડક્રૉસ સોસાયટી, ઑલ ઇન્ડિયા વિમેન્સ કૉન્ફરન્સ, બાલ્કનજી બારી, ‘ધ ચિલ્ડ્રન એઇડ’ જેવી સંસ્થાઓએ પાયાનું અને રચનાત્મક કામ કર્યું છે. વળી ગાંધીજી ઉપરાંત ગિજુભાઈ બધેકા, જુગતરામ દવે, તારાબાઈ મોડક, મૂળશંકર ભટ્ટ, નાનાભાઈ ભટ્ટ જેવાં કર્મશીલોએ શિક્ષણક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું છે. સરકારે નૅશનલ ચિલ્ડ્રન્સ બૉર્ડની રચના કરી તથા નૅશનલ પૉલિસી ફૉર ચિલ્ડ્રનનો ઠરાવ કર્યો અને રાષ્ટ્રીય બાલનીતિની જાહેરાત કરી. વળી, નૅશનલ ચિલ્ડ્રન ફંડની રચના તથા બાલકલ્યાણક્ષેત્રે કાર્ય કરતા કાર્યકરોની તાલીમ માટે અસરકારક માળખાની રચના કરી. ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસિઝની યોજના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં અમલમાં મૂકવામાં આવી, જે આજે પણ ચાલુ છે.
બાલકલ્યાણ-સેવાઓ બાળકો તથા કિશોરોના શારીરિક, માનસિક અને સામાજિક કલ્યાણ સાથે સંકળાયેલી છે. બાલકલ્યાણ હેઠળનો કાર્યક્રમ બાળક તથા તેના કુટુંબ માટેનો બહુવિધ કાર્યક્રમ છે. પશ્ચિમના દેશોમાં બાળકોના વિકાસને ધ્યાનમાં રાખીને બાલકલ્યાણ-સેવાઓનું સંકલન કરવામાં આવે છે. ભારતમાં બાલકલ્યાણની સેવાઓ માટે મિશનરીઓ તથા સરકારે અનેકવિધ પ્રયાસો કર્યા છે. સ્વૈચ્છિક સંગઠનોએ પણ અત્યાર સુધી આ દિશામાં આવકારદાયક પ્રયત્નો કર્યા છે.
ભારતમાં વિવિધ યોજનાઓ હેઠળ બાળકોના કલ્યાણ માટેના કેટલાક કાર્યક્રમો ચાલે છે. તેમાં કંઈક અંશે બીજા દેશોની યોજનાઓની અસર જોવા મળે છે : (1) સામાન્ય બાળકોના કલ્યાણની સાથે આરોગ્યસેવા તથા શિક્ષણને જોડી દેવામાં આવ્યાં છે. રમતગમત, અનૌપચારિક શિક્ષણ તથા પૂર્વ પ્રાથમિક શિક્ષણને બાલકલ્યાણ-પ્રવૃત્તિ સાથે સાંકળી લઈને તેને વધુ સઘન બનાવાઈ છે. (2) વિકલાંગ, ક્ષતિયુક્ત, મંદબુદ્ધિ, બહેરાંમૂંગાં તેમજ અંધ બાળકો માટે ખાસ પ્રકારના સંકલિત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે અને તે બાળકોને માટે તબીબી સેવાઓની જોગવાઈ પણ કરવામાં આવી છે. (3) સામાજિક રીતે બાધાગ્રસ્ત નિરાધાર, તિરસ્કૃત, અપરાધી, શોષિત અને કિન્નાખોરીનો ભોગ બનેલાં બાળકો સાથે મોટાભાગની બાલકલ્યાણ-પ્રવૃત્તિઓને જોડી દેવામાં આવી છે. (4) બાલકલ્યાણક્ષેત્રે કાર્ય કરતા કાર્યકરો માટે તાલીમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. (5) અભ્યાસ, સંશોધન તથા વહીવટી બાબતો માટે નાણાકીય સહાય આપવાની બાબત સ્વીકારવામાં આવી છે. (6) ગુનાઇત માનસ ધરાવતાં બાળકો માટે માર્ગદર્શન-કેન્દ્રની સેવા આપવાનું ઠરાવવામાં આવ્યું છે. (7) ગ્રામીણ અને આદિવાસી વિસ્તારનાં બાળકોનાં સર્વાંગી વિકાસ માટે કુટુંબ અને બાલકલ્યાણ-ઘટકોની રચના કરવામાં આવી છે. (8) કાર્ય કરતી મહિલાઓનાં બાળકોની જાળવણી માટે ઘોડિયાઘરની યોજના અમલમાં મૂકવામાં આવી છે. (9) જે કુટુંબમાં બાળક ન હોય તેના પરિવારો માટે બાળકને દત્તક લેવાની યોજના અમલમાં મૂકવાનું ઠરાવવામાં આવ્યું છે. (10) કુંવારી માતા માટે જૂથમાં રહેવાની વ્યવસ્થા વિચારવામાં આવી છે. (11) વિવિધ ધાર્મિક સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, વિશ્વબંધુત્વની ભાવનાવાળાં સંગઠનો તથા કેટલાંક સરકારી સંગઠનો દ્વારા બાલકલ્યાણ-પ્રવૃત્તિઓ વિકસાવવાનું ઠરાવવામાં આવ્યું છે.
આમ આવી અનેક બાબતોને બાલકલ્યાણ સાથે સાંકળી લેવામાં આવી છે. આના સંકલન માટે બાલકલ્યાણ પરિષદની રચના પણ કરવામાં આવી છે. બાલકલ્યાણ-સેવાઓની જોગવાઈ બાળકોને એમના જ ઘરમાં અથવા અન્યત્ર કેટલીક સંસ્થાઓમાં પણ મળી રહે એવી યોજના કરવામાં આવી છે. રિમાન્ડ હોમ, ઑબ્ઝર્વેશન હોમ, સર્ટિફાઇડ સ્કૂલ, આફટર કેર હૉસ્ટેલ, ફીટ પર્સન સંસ્થાઓ, ડિસ્ટ્રિક્ટ શેલ્ટર તથા સ્ટેટ હોમ વગેરેની વ્યવસ્થા બાળકોના પુન:સ્થાપન તથા કલ્યાણ માટે કરવામાં આવી છે. વિશ્વનાં તમામ રાષ્ટ્રોની સરકારોએ તથા યુનોએ બાલકલ્યાણ-કાર્યક્રમોનું આયોજન કર્યું છે. વીસમી સદીને બાલયુગ તરીકે તથા 1979ના વર્ષને આંતરરાષ્ટ્રીય બાલવર્ષ તરીકે ઊજવ્યું તેની પાછળનો હેતુ બાળકોના સર્વાંગી વિકાસ અને કલ્યાણનો રહ્યો છે.
હર્ષિદા દવે