બાર્કલા, ચાર્લ્સ ગ્લોવર (Barkla, Charles Glover)
January, 2000
બાર્કલા, ચાર્લ્સ ગ્લોવર (Barkla, Charles Glover) (જ. 7 જૂન 1877, વિડનેસ, યુ.કે.; અ. 23 ઑક્ટોબર 1944, એડિનબરા, સ્કૉટલૅન્ડ) : મૂળભૂત તત્વોના લાક્ષણિક રૉન્ટજન વિકિરણ(X-rays)ની શોધ માટે 1917નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની.
ચાર્લ્સ બાર્કલાએ લિવરપુલ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રારંભિક શિક્ષણ મેળવ્યા બાદ લિવરપુલ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. સર ઑલિવર જ્યૉર્જના માર્ગદર્શન હેઠળ શરૂઆતમાં ગણિતશાસ્ત્ર અને ત્યારબાદ ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1899માં તેમને કેવેન્ડિશ પ્રયોગશાળામાં પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી જે. જે. થૉમસનના માર્ગદર્શન હેઠળ સંશોધનકાર્ય કરવાની તક મળી. તે દરમિયાન તેઓએ વિવિધ પદાર્થો તથા વિવિધ પહોળાઈ(જાડાઈ)ના તારમાં વીજચુંબકીય તરંગોની ગતિનો અભ્યાસ કર્યો. દોઢેક વર્ષ અહીં પસાર કર્યા બાદ તેમનો સંગીત પ્રત્યેનો પ્રેમ તેમને કિન્ગ્સ કૉલેજ, કેમ્બ્રિજ લઈ ગયો. તેમણે કેમ્બ્રિજ બદલી મેળવી, જેથી તેઓ અહીંના ચૅપલ ક્વૉયરમાં ગાઈ શકે. ચાર્લ્સ બાર્કલાનો અવાજ અત્યંત સુંદર હતો અને જ્યારે પણ તેઓ સંગીતનો કાર્યક્રમ રજૂ કરતા, ત્યારે સભાગૃહ શ્રોતાઓથી ભરેલું રહેતું. તેમણે 1903માં સ્નાતકની પદવી તથા 1907માં અનુસ્નાતકની પદવી મેળવી. 1913માં યુનિવર્સિટી ઑવ્ એડિનબરામાં ‘નેચરલ ફિલૉસૉફી’ના પ્રાધ્યાપક તરીકે તેમની નિમણૂક થઈ. જીવનપર્યંત આ પદ પર તેઓ કાર્યરત રહ્યા હતા.
બાર્કલાએ ક્ષ-કિરણ પ્રકીર્ણન તથા ક્ષ-કિરણ વર્ણપટદર્શકના નિયમોના વિકાસ અને શોધનની મહત્વની પ્રગતિ સાધી. ક્ષ-કિરણ એટલે એક્સ-રે. ક્ષ-કિરણોના દ્રવ્યમાં થતા વહન અંગેના સિદ્ધાંતો તથા ખાસ કરીને દ્વિતીય કોટિના ક્ષ-કિરણોના ઉત્તેજનો પર વિશેષ સંશોધનો કર્યાં હતાં. મૂળભૂત તત્વોનાં લાક્ષણિક ક્ષ-કિરણોની શોધ માટે તેમને 1917માં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો. આ જ વર્ષમાં તેમને બ્રિટિશ રૉયલ સોસાયટીનો હ્યુજીસ ચંદ્રક પણ પ્રાપ્ત થયો.
1922થી 1938નો સમયગાળો તેમણે ‘હર્મિટેજ ઑવ્ બ્રેડ’માં પસાર કર્યો, જે દક્ષિણ-પશ્ચિમ એડિનબરામાં આવેલું છે. તેમના માનમાં ચંદ્ર પર એક ગર્તનું નામકરણ થયું છે, જે બાર્કલા ગર્ત (crater) તરીકે ઓળખાય છે.
પૂરવી ઝવેરી