બાર્કર, અર્નેસ્ટ (જ. 1874, ચેશાયર; અ. 1960, ઇંગ્લૅન્ડ) : રાજ્યશાસ્ત્રના પ્રાધ્યાપક અને વિચારક. તેમણે ઑક્સફર્ડમાં અભ્યાસ કર્યો તેમજ ત્યાંની ઘણી કૉલેજોમાં ફેલો તરીકે કામ કર્યું હતું. તેમણે લંડનની કિંગ્ઝ કૉલેજના આચાર્ય (1920–27) તથા રાજ્યશાસ્ત્રના પ્રાધ્યાપક (1928–39) પદ દરમિયાન કેમ્બ્રિજમાં સેવાઓ આપી હતી.

તેઓ બહુસમુદાયવાદી શાખાના વિચારક અને તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી હતા. તેમના મતે રાજ્યે મંડળો કે સંસ્થાઓ સર્જ્યાં નથી, પણ સમાજના વિકાસની સાથોસાથ તે ક્રમશ: સહજ રીતે વિકસ્યાં છે. તેમના મતે રાજ્ય પણ અન્ય સંગઠનો જેવું એક સંગઠન છે. રાજ્ય ઉપલા સ્તરનું સંગઠન હોવાથી વધુમાં વધુ તેને સંગઠનોનું સંગઠન કહી શકાય. મંડળો, સંસ્થાઓ કે સંગઠનો સમાજના પ્રારંભકાળમાં રચાયેલા પાયાના એકમો છે. આથી રાજ્યને આવા એકમોના અધિકાર અને કાર્યક્ષેત્રનું નિયંત્રણ કરવાની કે તેનાં કાર્યોમાં હસ્તક્ષેપ કરવાની કોઈ સત્તા હોઈ શકે નહિ. તેનું કાર્ય વધુમાં સમાજનાં અન્ય સંગઠનોને પરસ્પર તેમજ રાજ્યની સાથે સમતલ કક્ષાએ લાવવા પૂરતું મર્યાદિત હોઈ શકે છે. રાજ્યે વિવિધ એકમોના સમવાયી તંત્ર તરીકે કાર્ય કરવાનું છે. વળી તે પોતે પણ એક સંગઠન હોવાથી અન્ય મંડળો પાસેથી તે પોતાના પ્રત્યે વધુ કે ઉત્તમ વફાદારીની અપેક્ષા ન રાખી શકે તેમજ અન્ય પર આધિપત્યનો દાવો પણ ન કરી શકે. વળી સમાજ સમવાયી છે, આથી રાજ્યની સત્તા પણ સમવાયી રહેવી જોઈએ. રાજ્યનું કાર્ય સંગઠનો વચ્ચે સંકલન અને સહકાર ઊભો કરવાનું છે; જે દ્વારા સમાજની ત્રુટિઓ નિવારી તે સમગ્ર સમુદાયોને ર્દઢ ને મજબૂત બનાવી શકે એમ બાર્કરનું માનવું છે.

તેમના મતે રાજ્ય અને અન્ય સંગઠનો વચ્ચે ઊભા કરવામાં આવેલ તફાવત અવાસ્તવિક અને ભ્રામક છે. સાર્વભૌમત્વના સિદ્ધાંતને રાજ્યશાસ્ત્રમાંથી દેશવટો આપવો જોઈએ, એવી તેમની માન્યતા હતી. તેઓ માનતા કે રાજ્ય નહિ, પણ નાગરિકો અંતિમ અને આખરી છે અને તેથી રાજ્યના નિર્ણયોની નૈતિકતા તપાસવાનો હક્ક નાગરિકો ધરાવે છે. કાયદો રાજ્યનું નહિ, પણ સમાજની જરૂરિયાતનું સર્જન છે, એથી કાયદાને બળ સાથે જોડવાને બદલે સામાજિકતા સાથે જોડવો જોઈએ. તેમની ર્દષ્ટિએ વ્યક્તિવાદ અને સમાજવાદ વચ્ચે માત્ર નામનો જ તફાવત છે. વ્યક્તિત્વના પૂર્ણત્વને હાંસલ કરવા સમાજવાદ આવશ્યક છે. વ્યક્તિવાદ અને સમાજવાદ બંને વિકાસ ને ઉત્કર્ષ પર ભાર મૂકે છે અને તેથી તે બંને પરસ્પરના પૂરક છે.

તેમના ‘રિફ્લેક્શન્સ ઑન ગવર્નમેન્ટ’ (1942) તથા ‘પ્રિન્સિપલ્સ ઑવ્ સોશિયલ ઍન્ડ પોલિટિકલ થિયરી’ (1951) ગ્રંથો નોંધપાત્ર છે.

રક્ષા મ. વ્યાસ