બારોટ, સારંગ (જ. 4 એપ્રિલ 1919, વિજાપુર; અ. 5 ફેબ્રુઆરી 1988) : ગુજરાતી નવલકથાકાર, નાટ્યકાર અને વાર્તાકાર. મૂળ નામ ડાહ્યાભાઈ દોલતરામ બારોટ. ગુજરાતી સાહિત્યમાં ‘સારંગ બારોટ’ તરીકે જાણીતા છે.
તેમનો અભ્યાસ મેટ્રિક. ત્યાર પછી વડોદરામાં આવેલી કલાભવન ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ફોટોગ્રાફી અને બ્લૉકમેકિંગનો ડિપ્લોમા મેળવ્યો. ’41–50 દરમિયાન મુંબઈમાં ફિલ્મક્ષેત્રે આસિસ્ટન્ટ કૅમેરામૅન તરીકે અને ત્યારબાદ થોડો સમય પ્રેસ-ફોટોગ્રાફર અને રિપૉર્ટર તરીકે પણ કાર્ય કર્યું.
લેખનની શરૂઆત 1950થી થઈ તેમ કહી શકાય. તેમનું સવિશેષ પ્રદાન નવલકથાક્ષેત્રે છે. તેમની નવલકથાઓમાં સમાજ અને સાંસારિક પ્રશ્નો અગ્રસ્થાને રહ્યા છે. તેમની નવલકથાઓ ‘અગનખેલ’ (1952), ‘નંદનવન’ (1953), ‘બાદલછાયા’ (1954), ‘કુર્યાત્ સદા મંગલમ્’ (1955), ‘શ્યામ સૂરજનાં અજવાળાં’ (1970), ‘ધીરા સો ગંભીર’ (1980) મહત્વની છે.
તેમણે વાર્તાસંગ્રહો પણ આપ્યા છે : ‘અક્ષયપાત્ર’ (1952), ‘મોહનાં આંસુ’ (1952), ‘વિમોચન’ (1953), ‘કોઈ ગોરી, કોઈ સાંવરી’ (1954), ‘મેઘમલ્હાર’ (1963) અને ‘ગુલબંકી’ (1967) વગેરે.
‘પ્રેમસગાઈ’ (1967) અને ‘એક ડાળનાં પંખી’ (1979) તેમનાં નાટકો છે.
નલિની દેસાઈ