બારોટ, કાનજી ભૂટા (જ. આસો સુદ એકમ વિ. સં. 1975 ઈ.સ. 1919 ટીંબલા, અમરેલી જિલ્લો, અ. 28 સપ્ટેમ્બર 1990, વિ. સં. 2045 ચલાલા) : ગુજરાતી લોકસાહિત્યના બારોટી શૈલીના છેલ્લા વાર્તાકથક અને લોકવાર્તાકાર.
પિતા ભૂટાભાઈ ગેલાભાઈ બારોટ અને માતા અમરબાઈ. કર્મભૂમિ ચલાલા. તેમણે પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો.
બાળપણમાં પિતા સાથે યજમાનોને ત્યાં જતા અને પિતા વાર્તાઓ કહેતા તે સાંભળતા. પિતાનું અવસાન થતાં મોટા બાપુ સુરા બારોટને ત્યાં ઉછેર થયો. કાનજીભાઈને વાર્તાકથનની પરંપરા વારસામાં મળી. તેમને બાળપણથી વૈરાગ્યની ધૂન લાગી હતી.
કાનજીભાઈ સિસોદિયા મેર અને વાળા કાઠીના વહીવંચા બારોટ હતા. તેમણે વંશાવળીના ગાન સાથે પૂર્વજોના પરાક્રમની કથા કહેવાનું શરૂ કર્યું. સિતાર સાથે વાર્તા કહેવાની તેમની રીત અનોખી હતી. તેમનું વાર્તાકથન ગામડાંઓ પૂરતું મર્યાદિત હતું. કાનજીભાઈનો પરિચય ‘ઊર્મિ-નવરચના’ના સંપાદક જયમલ્લભાઈ પરમાર સાથે થયો. એમણે કાનજીભાઈને આખા ગુજરાતમાં ઓળખતા કર્યા. કાનજીભાઈએ સંશોધન કરીને વાર્તાઓ લખી. તેમની વાર્તાઓ આકાશવાણીના માધ્યમથી આખા ગુજરાતમાં પહોંચી હતી.
તેમણે વાર્તાના માધ્યમથી લોકજાગૃતિ અને લોકશિક્ષણનું અનોખું કાર્ય કર્યું હતું. વાર્તામાં સામાજિક દૂષણો અને કુરિવાજોનો સમાવેશ કરી તેને દૂર કરવા માટે પ્રયત્નો કર્યા હતા. સમયમર્યાદા પ્રમાણે વાર્તાકથન કરવાની કળા તેમને હસ્તગત હતી. તેમની વાર્તાઓ ‘ઊર્મિ-નવરચના’માં પ્રગટ થઈ હતી. 1939માં તેઓ થોડો સમય સાબરમતી આશ્રમમાં રહ્યા હતા.
તેમનું ભારત સરકારના ભારતીય સંગીત નાટક અકાદમી દ્વારા તા. 10 જાન્યુઆરી, 1987ના રોજ લખનૌમાં રાષ્ટ્રપતિ આર. વેંકટરામનના હસ્તે ઍવૉર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તા. 18 માર્ચ 2002માં કાગ ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.
તેમની વાર્તાકથનની કૅસેટ્સ બહાર પડી છે. ‘જીથરો ભાભો’ નામની તેમની પ્રસિદ્ધ વાર્તા પરથી ગુજરાતી ચલચિત્ર બન્યું હતું. સંત મૂળદાસ સ્વામી, આઈ લીરબાઈ, મેર નાગાર્જુન સિસાદિયા અને દશ દાનેવ દર્શન વગેરે તેમનાં પુસ્તકો છે.
તેમણે ઈ.સ. 1969માં ગાંધી શતાબ્દી મહોત્સવ નિમિત્તે દિલ્હીમાં રાષ્ટ્રપતિભવનમાં, પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના નિવાસસ્થાને તેમજ મુખ્ય સમારંભમાં દેશના અનેક મહાનુભાવોને વાર્તાકથન દ્વારા મંત્રમુગ્ધ કર્યા હતા.
તેમણે છેલ્લી વાર્તા થાનના નવરાત્રી કાર્યક્રમમાં કહી હતી. તેમનું અવસાન હૃદયરોગના હુમલાથી થયું.
અનિલ રાવલ