બારિક, સૌરીન્દ્ર (જ. 1938, ઓરિસા) : ઊડિયા સાહિત્યકાર. તેમની ‘આકાશ પરિ નિબિડ’ નામની કૃતિને 1988ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ. એ.ની ડિગ્રી મેળવી છે. ત્યારપછી તેઓ ભુવનેશ્વરની બી. જે. બી. કૉલેજમાં અંગ્રેજીના રીડર તરીકે જોડાયા.
તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘સામાન્ય કથન’ 1975માં પ્રગટ થયો. તેમના અન્ય 3 કાવ્યસંગ્રહો છે : ‘ઉપભારત’, ‘આકાશ પરિ નિબિડ’ તથા ‘ગુનુ ગુનુ ચિત્રપટ’. આ ઉપરાંત તેમણે સાહિત્યિક વિવેચનાનાં 3 પુસ્તકો પ્રગટ કર્યાં છે. 1980માં તેમને ઓરિસા સાહિત્ય અકાદમી ઍવૉર્ડ તથા 1987માં વિષુવ મિલન ઍવૉર્ડ મળ્યા હતા.
પુરસ્કૃત કૃતિ 72 કાવ્યોનો સંચય છે. ભાષા-શૈલીની સહજતા, ઉત્કટ ઊર્મિશીલતા તથા ‘આકાશ જેવી સઘન’ સંરચના–એ આ કાવ્યોની વિશેષતા છે. આ કાવ્યોમાં કવિની નિષ્ઠાપૂર્વકની ઊંડી ચિંતનપરાયણતા તથા માનવતાવાદી દૃષ્ટિ જીવનના કેટલાક ગૂઢાર્થો પ્રગટ કરે છે. કવિ મનુષ્ય, તેની ભાવનાઓ તથા તેના જીવન વિશે ઊંડી સમજદારી ધરાવે છે. તેથી તે સર્વના નિરૂપણમાં તેઓ આત્મસંયમ અને તાટસ્થ્ય જાળવી શક્યા છે.
મહેશ ચોકસી