બારસિંગા (swamp deer) : શ્રેણી સમખુરી (artiodactyla), અધ:શ્રેણી પેકોરાના સેર્વિડે કુળનું તૃણાહારી સસ્તન પ્રાણી. બે શિંગડાં ધરાવતા અને સામાન્યપણે ‘હરણ’ નામે ઓળખાતા આ પ્રાણીનું પ્રત્યેક શિંગડું છ શાખાવાળું હોવાને કારણે તેને બારસિંગા કહેવામાં આવે છે. શાસ્ત્રીય નામ Cervus unicolor. અંગ્રેજી નામ swamp deer (કળણ હરણ). ભારતમાં તેની બે જાતિ જોવા મળે છે : એક જાતિ આસામ-હિમાલય અને ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે, જ્યારે બીજી જાતિ મધ્ય પ્રદેશમાં. કાન્હા અને દૂધવા રાષ્ટ્રીય ઉદ્યાનમાં તે સવિશેષ જોવા મળે છે.

બારસિંગા

બારસિંગાની લંબાઈ 1.2 મીટર જેટલી હોય છે. તેની ગરદન લાંબી અને વાળયુક્ત હોય છે. વાળ પાતળા અને ઊનના તાંતણા જેવા હોય છે. નર પ્રાણીનું વજન લગભગ 225થી 250 કિગ્રા. હોય છે. બારસિંગા સમૂહમાં રહે છે અને અન્ય હરણોની માફક (જેમ કે, સાંભર) તે રાત્રે ચારો ચરતું નથી. તે દિવસ દરમિયાન પોતાનો ચારો ચરે છે.

શિંગડાંની બાબત બારસિંગા અન્ય હરણોની સરખામણીમાં વિશિષ્ટતા ધરાવે છે. હરણની લગભગ ચાલીસ પ્રજાતિ છે, જેમાં ફક્ત બે પ્રજાતિમાં નર પ્રાણીમાં શિંગડાં ઊગતાં નથી, જેમાં ચીનના જલહરણ (water deer) અને હિમાલયના કસ્તૂરીમૃગનો સમાવેશ થાય છે. કૅનેડા અને યુરોપમાં રહેતાં રેનડિયરની જાતિમાં માદામાં પણ શિંગડાં હોય છે. બારસિંગામાં નર પ્રાણી ભરાવદાર અને આકર્ષક શિંગડાં ધરાવે છે, જ્યારે માદામાં તેનો અભાવ હોય છે. તેના ઉપર કોઈ આવરણ કે ભીંગડાં હોતાં નથી. બારસિંગાનાં શિંગડાં ઘણી વખત એક મીટરથી વધુ લંબાઈ ધરાવતાં હોય છે. આ હરણનાં શિંગડાંનો વિકાસ ઝડપથી થતો હોય છે. તે દર વર્ષે ખરી પડે છે અને નવાં ઊગે છે.

હરણોની દુનિયામાં ગંધ અને તરંગ-ગ્રાહી અવયવો સારી રીતે વિકાસ પામેલા હોય છે. ગંધની લાગણી અને તરંગોના માધ્યમ દ્વારા તે ઊંચા ઘાસમાં રહેવા છતાં મિત્ર કે શત્રુ, પ્રતિદ્વંદ્વી, પ્રેયસીની ઉપસ્થિતિ જેવાનો ખ્યાલ મેળવી શકે છે. દિશા અને અંતરનો ખ્યાલ પણ તે સરળતાથી જાણી શકે છે. વળી પોતામાં રહેલી વિશિષ્ટ ગ્રંથિઓ દ્વારા ગંધ-તરંગો મોકલી પોતાનું સ્થાન, ઉપસ્થિતિ તેમજ પ્રતિક્રિયાનો ખ્યાલ બીજા સાથીને તે પહોંચાડી શકે છે. એક કે બે કિલોમીટર દૂર ચરતી પુખ્ત માદાને ગંધ દ્વારા ઓળખવી તે નર પ્રાણી માટે સરળ વાત હોય છે. પ્રણયની આતુરતા તેમજ તીવ્રતા ગંધ-તરંગો દ્વારા તુરત જ જાણી શકાય છે. નર બારસિંગા પોતાના ક્ષેત્રમાં માદાને આકર્ષવા તેમજ પોતાના નર પ્રતિદ્વંદ્વીને દૂર રહેવા માટેની ચેતવણી આપવા માટે વૃક્ષો, ઝાડીઓ અને જમીન પર વિશિષ્ટ પ્રકારના રસનો સ્રાવ કરે છે, જેને સૂંઘીને બીજા નર હરણો જાણી લે છે કે આ ક્ષેત્રના નર હરણ ઉંમર અને કદમાં તેનાથી ચઢિયાતા છે કે નહિ. આ જાણ્યા પછી તે નક્કી કરે છે કે તે ક્ષેત્રમાં ચરી રહેલી માદાઓને સંવનન કરવું યોગ્ય છે કે નહિ. વળી એ જ રીતે માદા હરણ દૂર ચરતા નર હરણમાંથી કયા નર હરણના ક્ષેત્રમાં (ઘરમાં) સારો ઘાસચારો છે તેમજ કયાનો સહવાસ સારો છે તે જાણ્યા પછી તે કઈ બાજુ જવું તે નક્કી કરે છે.

પ્રણયકાલની શરૂઆત ઑક્ટોબર માસથી થાય છે. કામવાસનાની તીવ્રતા અને જવાનીની મદમસ્તી ઉંમર, સ્વર, ગંધ અને ઘાસચારા પ્રત્યેની અરુચિ પરથી જાણી શકાય છે. સપ્ટેમ્બર માસથી નર બારસિંગા ખાવાપીવા તરફ ઉદાસીનતા દર્શાવે છે અને પુખ્ત યૌવનસભર માદાની શોધમાં નીકળી પડે છે અને પોતાના પ્રણયનાદ શરૂ કરે છે. તે પોતાની ગરદન થોડા થોડા સમયના અંતરે ઊંચી કરી અવાજ કરે છે, જેથી દૂર ચરતી માદાઓ તે અવાજ સાંભળી શકે. માદાને જો સંમતિ દર્શાવવી હોય તો તે કિંચ કિંચ જેવો ધીમો અવાજ કરે છે. આમ આખું વાતાવરણ પ્રણયનાદથી મધુર બની જાય છે. આ મધુર સંગીતમય વાતાવરણમાં નર પોતાની પ્રેયસી તરફ પ્રયાણ કરે છે. તે તરફ જતાં તે પોતાનો અવાજ બંધ કરી દે છે. તેવા સમયે બીજો કોઈ નર (પ્રતિદ્વંદ્વી) માદા તરફ જવાનો પ્રયત્ન કરે તો તે બંને વચ્ચે શક્તિનું પ્રદર્શન થાય છે. પ્રભુતાની આ લડાઈમાં બારસિંગાનાં શિંગડાં અવરોધરૂપ બને છે.

સંવનનની ક્રિયા માટે બારસિંગા ઊંચા ઘાસનાં મેદાનોમાં જ્યાં એક મીટર જેટલું પાણી ભરેલું હોય તેવી જગ્યા પસંદ કરે છે. પ્રભાવી પુખ્ત નર આઠથી દસ માદાઓ સાથે સહવાસ કરે છે. આ ક્રિયામાં કોઈ પ્રાકૃતિક સંકેત હોય તેવું જણાય છે, કેમ કે નરની સંખ્યા કરતાં માદાની સંખ્યા વધારે હોય છે. બારસિંગા પાણી તેમજ ઘાસવાળી જગ્યા સંવનન માટે પસંદ કરે છે, તેથી તેને ‘કળણ હરણ’ પણ કહે છે. સંવનનની ક્રિયા લગભગ બેથી ત્રણ માસ સુધી ચાલે છે.

આ પ્રાણીનાં માંસ, ચામડું અને શિંગડાંનો ઉપયોગ બહુ થતો હોવાથી તેના શિકાર વધુ થાય છે. વળી વાઘ અને સિંહનો તે પ્રિય ખોરાક છે. તેથી આ પ્રાણીની સંખ્યામાં ઘણો ઘટાડો જોવા મળે છે. આ પ્રાણીને નષ્ટપ્રાય (extinct) પ્રાણીઓની યાદીમાં મૂકવામાં આવ્યું છે. આ પ્રાણીની જાળવણી રાખવી તે મનુષ્યના હાથમાં અને હિતમાં છે.

અરુણ રામશંકર ત્રિવેદી