બારભૈયા, બિહારીલાલ છોટાલાલ

January, 2000

બારભૈયા, બિહારીલાલ છોટાલાલ (જ. 6 એપ્રિલ 1927) : ગુજરાતના ચિત્રકાર. તેમણે શાંતિનિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગમાં ડિપ્લોમા મેળવ્યો હતો. આ પછી 1964–65માં અમેરિકા જઈ આયોવા સ્ટેટ યુનિવર્સિટીમાંથી સ્પેશિયલ સર્ટિફિકેટ ઇન એપ્લાઇડ આટર્સ મેળવ્યું. અમેરિકામાં આ અભ્યાસ દરમિયાન તેમને ‘ફૉર્ડ ફાઉન્ડેશન’ ફેલોશિપ પણ મળેલી.

ભારતમાં વૈયક્તિક પ્રદર્શનો : બારભૈયાએ તાજ આર્ટ ગૅલેરી, મુંબઈમાં 1968, ’69, ’70, ’71, ’72, ’73, ’74, ’76, ’78, ’80, ’81, ’84, ’86 અને ’88માં તથા શાંતિનિકેતનમાં 1951માં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં.

બારભૈયાએ ભીંતચિત્રોના ક્ષેત્રે નીચે મુજબ પ્રદાન કર્યું છે :

 સાલ

ભીંતચિત્ર

1950 પશ્ચિમ બંગાળના શાંતિનિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીમાં ‘બુદ્ધનું મહાનિર્વાણ’
1955 થી 1956 નવી દિલ્હીના બિરલા હાઉસમાં જયપુરી પદ્ધતિથી કૃપાલસિંહ શેખાવતના સંગાથમાં ‘મહાત્મા ગાંધીનું જીવન’
1959 નવી દિલ્હીના પાર્લમેન્ટ હાઉસ પર પૅનલ નં. 63 પરનું ‘મીરાં, સુરદાસ, તુકારામ’
1960 પાલનપુરની એક શાળામાં ‘રામવનવાસ’
1965 જયપુર રેલવે સ્ટેશન પર જયપુરી પદ્ધતિથી કૃપાલસિંહ શેખાવતે કરેલ ‘ગણગોર ઉત્સવ’ ભીંતચિત્રમાં સહકાર
1999 વડોદરાના એક રહેઠાણમાં ‘સૂર્ય’

ભારત બહાર વૈયક્તિક પ્રદર્શનો : 1964માં આયોવાની આયોવા સ્ટેટ યુનિવર્સિટીની હોમ ઇકોનૉમિક્સ કૉલેજ–ઍમ્સ ખાતે; 1965માં આયોવાના ડૅમૉઇન આર્ટ સેન્ટર ખાતે અને અલબામાની અર્બન યુનિવર્સિટીની સ્કૂલ ઑવ્ આર્કિટેક્ચર ઍન્ડ આર્ટ્સ ખાતે; 1976માં હોલૅન્ડના મડૂરોડામ ખાતે, 1988માં અમેરિકાની યુનિવર્સિટી ઑવ્ ઇલિનૉઇના ‘સ્ટુડિયો આર્ટ’ ખાતે તથા 1994માં અમેરિકાની આયોવા સ્ટેટ યુનિવર્સિટીની કૉલેજ ઑવ્ ડિઝાઇન–ઍમ્સ ખાતે તેમણે પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં હતાં.

વળી ભારતમાં વિવિધ સમૂહ-પ્રદર્શનોમાં 1951થી 1968 સુધી ભાગ લીધો હતો, જેમાં બૉમ્બે આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સ સોસાયટી, ઑલ ઇન્ડિયા આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સ સોસાયટી તથા ગુજરાત, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશની લલિતકલા અકાદમીઓનો સમાવેશ થાય છે.

બારભૈયાનાં ચિત્રો તેમજ લેખો ‘કુમાર’, ‘ઇલસ્ટ્રેટેડ વીકલી ઑવ્ ઇન્ડિયા’, ‘ઑનલુકર’, ‘અંગના’, ‘કલ્ચર ફોરમ’, ‘ડિઝાઇન’, ‘જાપાન ટાઇમ્સ’, ‘ધર્મયુગ’, ‘નવનીત’, ‘ફેમિના’, ‘ઇવ્ઝ વીકલી’ અને ‘સ્વાધ્યાય’ વગેરે સામયિકોમાં છપાયેલાં છે.

ગુજરાત યુનિવર્સિટીની અમદાવાદ ખાતે આવેલી બી. ડી. કૉલેજમાં 1962થી 1967 સુધી અને સૂરતની વિદ્યામંદિર સોસાયટીની ઝેડ. એફ. વાડિયા વિમેન્સ કૉલેજમાં 1966થી 1976 સુધી મુલાકાતી પ્રાધ્યાપક તરીકે શિક્ષણ પ્રદાન કર્યું. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ હોમ સાયન્સમાં 1951થી 1987 સુધી રીડર તરીકે તેમણે સેવાઓ આપી હતી.

બિહારીલાલ છોટાલાલ બારભૈયા

1952થી 1962 સુધી કાપડ પર મીણ વડે ચિત્રણ કરવાની પ્રાચીન બાટીક કલા પર તેમણે સંશોધન કર્યું. આ ઉપરાંત તેમાં નૂતન પ્રયોગો પણ કર્યા. 1964માં આ સંશોધન અને નૂતન પ્રયોગોનું વિવરણ કરતું બારભૈયાએ લખેલ પુસ્તક ‘બાટીક’ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત થયું છે.

1964–65 દરમિયાન તેમણે અમેરિકાનાં વિવિધ રાજ્યોની મુલાકાત લીધેલી. 1967–68માં બારભૈયાએ જાપાનની મુલાકાત લીધી હતી અને બાટીક પર પ્રવચન-નિર્દેશન (lecture-demonstration) આપ્યાં હતાં. આ ઉપરાંત 1988માં અમેરિકાની ઇલિનૉઇ યુનિવર્સિટીમાં પણ પ્રવચન-નિર્દેશન આપ્યાં હતાં. 1976માં તેમણે હોલૅન્ડની મુલાકાત પણ લીધેલી.

‘બાઉલ ભજનિક’ (બાટીક અને રેખા) : કલાકાર બિહારીલાલ બારભૈયા

અમિતાભ મડિયા