બારપેટા : આસામ રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 19´ ઉ. અ. અને 91° 00´ પૂ. રે. ની આજુબાજુનો કુલ 3,245 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ભુતાન, પૂર્વમાં નલબારી જિલ્લો, દક્ષિણ સરહદે બ્રહ્મપુત્ર નદી તથા કામરૂપ અને ગોલપાડા જિલ્લા, તેમજ પશ્ચિમે બોંગાઈગાંવ અને કોકરાઝાર જિલ્લા આવેલા છે. જિલ્લામથક બારપેટા ગુવાહાટીથી પશ્ચિમે 145 કિમી. અંતરે આવેલું છે, તે વૈષ્ણવધર્મની પરંપરાગત સંસ્કૃતિનું મથક છે તથા કાષ્ઠકલાકૌશલ્ય અને હાથીદાંતની ચીજવસ્તુઓ માટે જાણીતું છે.

ભૂપૃષ્ઠ : બ્રહ્મપુત્ર નદીની ઉત્તરે આવેલા આ જિલ્લાને ત્રણ કુદરતી વિભાગોમાં વહેંચી શકાય છે : (1) નદી નજીકનો પ્રદેશ, (2) મધ્યનો મેદાની પ્રદેશ અને (3) ભુતાનની ટેકરીઓ નજીકનો કચારી દુઆર્સ. નદીની ઉત્તરે આવેલી કેટલીક ટેકરીઓ નદીના પ્રદેશને વિભાજિત કરે છે. અહીં બધે જ નાની નાની ટેકરીઓ આવેલી છે. આ પ્રદેશ અગાઉ તો પંકવાળો રહેતો હતો તેમજ વર્ષાઋતુ દરમિયાન પૂરથી છવાઈ જતો હતો, પરંતુ બહારથી સ્થળાંતર કરીને આવેલા વસાહતીઓએ તેને નવસાધ્ય કર્યો છે અને ત્યાં શણ અને ડાંગરની ખેતી શરૂ કરી છે. મધ્યના મેદાની વિસ્તારમાં પણ ઘણા ચોકિમી.માં ખેતરો પથરાયેલાં છે. અહીં વાંસનાં ઝુંડ, સોપારીનાં વૃક્ષો તથા અન્ય ફળાઉ વૃક્ષો જોવા મળે છે. ખેતરોની વચ્ચે વચ્ચે આવેલાં આ ઝુંડ જંગલોના ટાપુઓ જેવાં લાગે છે. તેમાં આવેલાં ખેડૂતોનાં ઘર ઢંકાઈ જાય છે.

બારપેટા જિલ્લો

જળપરિવાહ : જિલ્લાની દક્ષિણ સરહદે વહેતી બ્રહ્મપુત્ર અહીંની મુખ્ય નદી છે. પર્વતો અને ટેકરીઓમાંથી નીકળતી ઘણી નદીઓ અને ઝરણાંથી આ જિલ્લો ગૂંથાયેલો છે. બ્રહ્મપુત્રના ઉત્તરકાંઠે મળતી મુખ્ય નદીઓમાં માનસ, બરનાડી અને પગલાદિયાનો સમાવેશ થાય છે, આ ત્રણ નદીઓ ઉપરાંત ભુતાનમાંથી નીકળીને આવતી, ઓછું મહત્વ ધરાવતી ઘણી નાની નદીઓ પણ છે. માનસ અને બરનાડીની વચ્ચે છીછરી નદીઓની ગૂંથણી જોવા મળે છે, તે બધી મેદાની પ્રદેશમાં સર્પાકારે વહે છે અને બ્રહ્મપુત્રને મળે છે.

ખેતી : ત્રણે મોસમમાં લેવાતો અહીંનો મુખ્ય કૃષિપાક ડાંગર છે. આ ઉપરાંત અહીં મકાઈ, ઘઉં, અન્ય ધાન્ય પાકો તથા થોડા પ્રમાણમાં બાજરી, કઠોળ અને તેલીબિયાં પણ થાય છે. નદીઓનું પ્રમાણ સારું હોવાથી અહીં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ છે. જિલ્લામાં ગાય, બળદ, ભેંસ, ઘેટાં, બકરાં, ઘોડા, ટટ્ટુ, ડુક્કર, મરઘાં અને બતકાંનું  પશુપાલન થાય છે. પશુઓ માટે જરૂરી પશુદવાખાનાં, ચિકિત્સાલયો અને ઉછેરકેન્દ્રો તથા મરઘાં-બતકાંનાં ફાર્મ આવેલાં છે.

ઉદ્યોગ-વેપાર : અહીં ખાદ્ય-પેદાશો, લાકડાં અને તેની પેદાશો તથા ખનિજ-પેદાશોના ઉદ્યોગો આવેલા છે. જિલ્લામાં આશરે 678 જેટલા નાના પાયા પરના ઉદ્યોગો ચાલે છે. અહીં હાથસાળ-ઉત્પાદક-કેન્દ્રો, હાથસાળ તાલીમી સંસ્થાઓ તથા કેન્દ્રો, અને વણાટ વિસ્તૃતિ સેવા એકમો પણ આવેલા છે.

બારપેટા જિલ્લામથકથી ઉત્તર તરફ આવેલું બારપેટા રોડ વેપારવણજનું મોટું મથક છે. અહીં લાકડા પર અને હાથીદાંત પરના કોતરકામવાળી હસ્તકારીગરીની ચીજો મળે છે. ગુવાહાટીથી 75 કિમી. અંતરે આવેલા સાર્થવાડીમાં હસ્તકૌશલ્યની તેમજ પિત્તળની ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે. સોરભોગ દૂધ અને દૂધની પેદાશો માટે જાણીતું નગર છે.

પરિવહન : બારપેટા રોડ જિલ્લાનું મુખ્ય રેલમથક છે. બહારી અને ખોલાબંધ અહીંનાં નદીબંદરો છે. બારપેટા રોડ માનસ અભયારણ્ય માટેનું પ્રવેશદ્વાર ગણાય છે. જિલ્લામાં કુલ 1,395 કિમી. લંબાઈના માર્ગો છે. તે પૈકી 59 કિમી.ના રાષ્ટ્રીય ધોરીમાર્ગો, 101 કિમી.ના રાજ્યમાર્ગો અને 1,235 કિમી.ના અન્ય માર્ગો છે. 1,395 કિમી. પૈકી 197 કિમી.ના પાકા અને 1,198 કિમી.ના કાચા માર્ગો છે. રાજ્ય પરિવહન નિગમની બસસેવા અહીંનાં  મોટાભાગનાં નગરોને સાંકળી લે છે.

પ્રવાસન : આસામમાં મોટામાં મોટું ગણાતું ‘બારપેટા સત્ર’ નામનું વૈષ્ણવ મંદિર આ જિલ્લામાં આવેલું છે. આ મંદિરની સ્થાપના મહાપુરુષ શ્રી માધવદેવના શિષ્ય શ્રી મથુરાદાસ બુરહા આતાએ કરેલી છે. પટબોસી નામનું બીજું એક મંદિર બારપેટાના દક્ષિણ છેડા પર આવેલું છે. આ ઉપરાંત બારપેટા નગરની ઉત્તરે સુંદરીદિયા સત્ર શ્રી માધવદેવે બનાવેલું છે. દોલયાત્રા દરમિયાન હજારો યાત્રાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. આ વિસ્તારમાં હિમાલયની તળેટીમાં આવેલી ભુતાન હારમાળામાં ગુવાહાટીથી વાયવ્યમાં 175 કિમી.ને અંતરે માનસ નદી નજીક માનસ વન્યજીવન અભયારણ્ય આવેલું છે. આ અભયારણ્ય વાઘ માટે જાણીતું છે અને તે અપ્રતિમ કુદરતી સૌંદર્ય ધરાવે છે. જિલ્લામાં વારતહેવારે મેળાઓ ભરાય છે. વૈષ્ણવો અહીંના વૈષ્ણવ સંતોના જન્મદિન તથા પુણ્યતિથિઓ ઊજવે છે.

વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 13,85,659 જેટલી છે. તે પૈકી 7,14,677 પુરુષો અને 6,70,982 સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 12,88,341 અને 97,318 જેટલું છે. ધર્મવિતરણ મુજબ અહીં હિન્દુઓ : 5,57,929; મુસ્લિમ : 7,76,974; ખ્રિસ્તી : 3,558; શીખ : 80; બૌદ્ધ : 119; જૈન : 603; અન્યધર્મી : 46,070 તથા ઇતર : 326 છે. અહીં આસામી ભાષા બોલાય છે. જિલ્લામાં શિક્ષિત લોકોની સંખ્યા 4,71,886 જેટલી છે; તે પૈકી 2,96,976 પુરુષો અને 1,74,910 સ્ત્રીઓ છે, જ્યારે ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ અનુક્રમે 4,09,933 અને 61,953 જેટલું છે. 1991 મુજબ અહીંનાં 1,046 ગામડાં પૈકી 963 ગામડાંમાં શિક્ષણ-સુવિધા છે. બાકીનાં ગામડાંના વિદ્યાર્થીઓ નજીકનાં નગરોમાં અભ્યાસ માટે જાય છે. મોટાભાગનાં નગરો અને ગામડાંઓમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સગવડ છે. બારપેટા ખાતે 14 જેટલી કૉલેજો છે. જિલ્લામાં 4 હૉસ્પિટલો, 35 પ્રાથમિક સ્વાસ્થ્યકેન્દ્રો , 19 ચિકિત્સાલયો, 9 ગ્રામીણ કુટુંબકલ્યાણ-નિયોજન-કેન્દ્રો તેમજ 351 ઉપકેન્દ્રો આવેલાં છે. જિલ્લાને વહીવટી સરળતા માટે બે ઉપવિભાગોમાં, 8 મંડળોમાં, 8 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. અહીં 7 નગરો તથા 1,077 ગામડાં (31 વસ્તીવિહીન) આવેલાં છે. અહીંનાં બધાં જ નગરોની વસ્તી 1 લાખથી ઓછી છે.

ઇતિહાસ : આ જિલ્લો નજીકના ભૂતકાળમાં કામરૂપ જિલ્લાનો એક ઉપવિભાગ હતો. કામરૂપ મૂળ તો બંગાળનો ઈશાન ભાગ હતો અને આખીય બ્રહ્મપુત્ર ખીણને આવરી લેતો હતો. આ વિસ્તાર પર અહોમ સહિતના ઘણા રાજવંશોએ શાસન કરેલું. 1864નું ભુતાન યુદ્ધ કામરૂપના ઐતિહાસિક ભૂતકાળની મહત્વની ઘટના ગણાય છે.

ગિરીશભાઈ પંડ્યા