બાયોસૅટલાઇટ : આ નામની અમેરિકાની ઉપગ્રહશ્રેણીના ત્રણ ઉપગ્રહો પૈકીનો કોઈ પણ એક ઉપગ્રહ. આ ઉપગ્રહોનો ઉદ્દેશ વજનવિહીનતા(શૂન્ય ગુરુત્વાકર્ષણ)નો, કૉસ્મિક વિકિરણનો તથા પૃથ્વી પર છે તેવી 24 કલાકની લયબદ્ધતાની ગેરહાજરીમાં વનસ્પતિ તથા સૂક્ષ્મજીવાણુથી માંડીને મોટાં સસ્તન પ્રાણીઓ (primates) ઉપર થતી જીવવૈજ્ઞાનિક અસરોનો અભ્યાસ કરવાનો હતો. આ પ્રકારની અંતરીક્ષ પ્રયોગશાળામાં દૂર-માપન ઉપકરણો રાખવામાં આવ્યાં હતાં, જેની મદદથી તેમાં રાખેલા નમૂનાની પરિસ્થિતિ વિશે જાણકારી મળતી હતી. બાયોસૅટલાઇટ-1 (1966) પાછો મેળવી શકાયો નહોતો. બાયોસૅટલાઇટ-2 (1967) સંપૂર્ણત: સફળ થયો હતો. તેમાં જુદા જુદા જીવવૈજ્ઞાનિક પ્રયોગો કરવામાં આવ્યા હતા, જેમાંનો એક જંતુ(insect)ની સંતતિ (off-spring) ઉપર અંતરીક્ષના આયનીકારક (ionizing) વિકિરણથી પ્રેરિત વિકૃતિ (mutation) વિશેનો હતો. બાયોસૅટલાઇટ-3(1969)માં તાલીમ પામેલા વરાહપુચ્છ (pigtail) વાંદરાને પૃથ્વીની કક્ષામાં મૂકવામાં આવ્યો હતો. આ પ્રયોગ 31 દિવસ સુધી ચાલવાનો હતો, પણ પ્રાણી અસ્વસ્થ થવાથી એ પ્રયોગ ટૂંકાવી નાખવામાં આવ્યો હતો.
પરંતપ પાઠક