બાયજૂ રવીન્દ્રન્ (જ. 1980, અઝીકોડ, કુન્નૂર, કેરળ) : શૈક્ષણિક સ્ટાર્ટ અપ બાયજૂ’સના સ્થાપક અને બાયજૂ’સના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર-સીઈઓ.
આ બાયજૂ રવીન્દ્રન્ મૂળ કેરળના કુન્નૂર જિલ્લાસ્થિત અઝીકોડ ગામના. બાયજૂ રવીન્દ્રનનું પ્રારંભિક શિક્ષણ અઝીકોડમાં જ મલયાળમ માધ્યમની શાળામાં થયું. આ શાળામાં બાયજૂનાં માતા શોભનવલ્લી ગણિતનાં શિક્ષિકા હતાં. પિતા રવીન્દ્રન્ ભૌતિકવિજ્ઞાનના શિક્ષક તરીકે કાર્યરત હતા. મલયાળમ શાળામાં ભણવાને કારણે બાયજૂનું અંગ્રેજી કાચું કહી શકાય એ હદે નબળું હતું, પણ અંગ્રેજીમાં ક્રિકેટ કૉમેન્ટરી સાંભળી સાંભળીને બાયજૂએ અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવી લીધું. કુન્નુર ગવર્નમેન્ટ કૉલેજ ઑફ એન્જિનિયરિંગમાંથી બી.ટેક. કર્યું. સ્નાતક થયા બાદ બાયજૂએ સર્વિસ એન્જિનિયર તરીકે યુકેની એક શિપિંગ કંપનીમાં કામ કરવા લાગ્યા. નોકરીના સમયગાળા દરમિયાન બાયજૂને રજાઓમાં ભારત આવવા જવાનું થતું. આવી જ રજાઓમાં બાયજૂ ભારત આવ્યા ત્યારે, એમણે પોતાના કેટલાક મિત્રોને આઇઆઇએમ- ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ મૅનેજમેન્ટની પ્રવેશપરીક્ષાની તૈયારી કરવામાં મદદ કરી. બાયજૂ રવીન્દ્રને પોતે પણ આઇઆઇએમની પ્રવેશપરીક્ષા આપી. બાયજૂએ પરીક્ષામાં 100 પર્સેન્ટાઇલ સ્કોર કર્યો. બાયજૂને લાગ્યું કે પોતે પુરુષાર્થના નહીં, પણ પ્રારબ્ધના જોરે જ પાસ થયો છે. એથી બાયજૂએ ફરી એક વાર પુરુષાર્થના બળે આઇઆઇએમની પ્રવેશપરીક્ષા આપી. પુરુષાર્થ અને પ્રારબ્ધ બંને પરસ્પર ભળેલાં હતાં. બાયજૂએ ફરી વાર 100 પર્સેન્ટાઇલ સ્કોર કર્યો.
નાની ઉંમરમાં પોતાની આગવી ઓળખ ઊભી કરીને મિસાલરૂપ બનવું એ કાંઈ નાનીસૂની સિદ્ધિ નથી. આ વિધાન પુરવાર કરવા આધુનિક યુગના શિક્ષક બાયજૂ રવીન્દ્રનનું ઉદાહરણ આપી શકાય. 41 વર્ષની ઉંમરમાં બાયજૂએ પોતાના કૌશલ્યથી દુનિયાભરના કરોડો વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રદાન કરીને ભણવામાં સહાય કરી; એટલું જ નહીં, પોતાની આ જ આવડતને બળે વ્યાપારની દુનિયામાં પણ નવા આયામ સર કર્યા છે. બાયજૂએ પોતાનું શૈક્ષણિક સ્ટાર્ટઅપ બાયજૂ’સ શરૂ કર્યું. એણે એટલી સફળતા મેળવી કે 120 જેટલા દેશોમાં બાયજૂના અંદાજે 15 કરોડ સબસ્ક્રાઇબર્સ છે. એમાંથી 70 લાખ કરતાં પણ વધુ પેઇડ સબસ્ક્રાઇબર્સ છે. આ કંપની લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓને સારી રીતે ભણવામાં અને સૌથી મહત્વપૂર્ણ પરીક્ષાઓ માટે તૈયારી કરવામાં મદદરૂપ થાય છે.
આઈઆઈએમ બે હાથ પહોળા કરીને આવકાર આપતી મુદ્રામાં પ્રવેશદ્વાર ખોલીને બાયજૂના સ્વાગત માટે તૈયાર હતી, પણ બાયજૂએ સાંબેલું વગાડવાનો સંકલ્પ કર્યો. કોચિંગ ક્લાસ શરૂ કરવાનો નિર્ણય લીધો. અહીંથી બાયજૂનો સફળ વ્યાવસાયિક બનવાની સફરનો આરંભ થયો. બાયજૂ રવીન્દ્રને છાત્રોના નાનાં નાનાં ગ્રૂપને કોચિંગ આપવાથી પોતાની વ્યાવસાયિક સફરનો આરંભ કર્યો. બાયજૂની ભણાવવાની રસાળ શૈલીને કારણે એમના વિદ્યાર્થીઓની સંખ્યામાં લગાતાર વધારો થતો ગયો. પરિણામે બાયજૂનું નાના કમરાનું કોચિંગ મોટા કમરામાં થવા લાગ્યું. પણ થોડા જ વખતમાં મોટો કમરો પણ નાનો પડવા લાગ્યો. એથી બાયજૂએ ઑડિટોરિયમ-સભાગૃહમાં ભણાવવાનું શરૂ કર્યું. પણ સભાગૃહ પણ સાંકડું પડવાને લીધે એક વાર તો એવો સમય આવ્યો કે બાયજૂને સ્ટેડિયમમાં ભણાવવાની નોબત આવી ગયેલી.
બાયજૂએ ખૂબ ઓછા મૂડીરોકાણ સાથે પોતાના કોચિંગ ક્લાસની શરૂઆત કરેલી. કહેવાય છે કે જરૂરિયાત એ આવિષ્કારની જનની છે ! છાત્રોની વધતી સંખ્યાને જોઈને બાયજૂએ એક જ સ્થળેથી પોતાના તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો વિચાર કર્યો. 2009માં CATની પરીક્ષા માટે ઑનલાઇન વીડિયો બેઝ્ડ લર્નિંગ પ્રોગ્રામ શરૂ કર્યા.આ જ વર્ષમાં બાયજૂ’સની વિદ્યાર્થિની રહી ચૂકેલી દિવ્યા ગોકુલનાથ સાથે લગ્ન કર્યાં. 2011માં બાયજૂએ પત્ની દિવ્યા સાથે મળીને THINK&LEARN સ્ટાર્ટઅપ લૉન્ચ કર્યું. આ બાયજૂની પેરેન્ટ કંપની છે.
દીવામાંથી દીવો પ્રકટે એમ કંપનીમાંથી કંપની ઊભી થતી ગઈ, બાયજૂએ 2015માં પોતાનું ફલેગશિપ પ્રોડક્ટ બાયજૂ’સ-ધ લર્નિંગ એપ લૉન્ચ કર્યું. આ એપ બાયજૂ માટે ગેમચેન્જર સાબિત થઇ. સ્માર્ટફોનની વધતી લોકપ્રિયતા વચ્ચે બાયજૂની એપ પણ લોકપ્રિય થતી ગઈ. જોતજોતામાં એપ લોકપ્રિય થઈ ગઈ. બાયજૂની લર્નિંગ એપ ઑનલાઇન એજ્યુકેશનલ કન્ટેન્ટ-શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવે છે. કેટલીક સામગ્રી વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે, પણ એડવાન્સ લેવલ માટે ફી ચૂકવવી પડે છે. બાયજૂએ એક વાર કહેલું કે, ‘વોલ્ટ ડિઝનીએ મનોરંજન માટે જે રીતે કામ કર્યું છે, એ રીતે હું દેશની શિક્ષણવ્યવસ્થા માટે કામ કરવા માંગું છું.’
બાયજૂએ મનોરંજનના માધ્યમથી શિક્ષણ આપવાનું કામ બખૂબી કર્યું. બાળકોને ભણાવવા ઍનિમેટેડ વીડિયો, ગેમ્સ અને સ્ટોરીઓની મદદ લીધી. બાળકોમાં પ્રખ્યાત હોય એવાં કાર્ટૂન પાત્રોના માધ્યમથી ભણાવવાનું શરૂ કર્યું. પોતાની એપમાં ડિઝનીની જેમ જ ધ લાયન કિંગના સિમ્બા, ફ્રોઝનના અન્ના અને અન્ય પાત્રોના માધ્યમથી વિદ્યાર્થીઓને અંગ્રેજી અને ગણિત શીખવ્યું. બાયજૂ’સ કિંડરગાર્ટન-કેજીથી માંડીને બારમા ધોરણ સુધીનાં બાળકો માટે ઑનલાઇન લર્નિંગ ક્લાસ ઉપલબ્ધ કરાવે છે. ઉપરાંત એન્જિનિયરિંગ કૉલેજ, મેડિકલ કૉલેજ અને સિવિલ સર્વિસની પ્રવેશ પરીક્ષા માટે પણ પ્રશિક્ષણ ઉપલબ્ધ કરાવે છે.
બાયજૂ’સ ભારતની સૌથી મોટી એજયુકેશન ટૅકનૉલૉજી કંપની બની ગઈ. બાયજૂની આસફળતાની નોંધ લેતાં ‘ફોર્ચ્યુન’ સામયિકે લખેલું કે, બાયજૂ રવીન્દ્રને દુનિયાને દેખાડી દીધું છે કે, વિશાળ પાયા પર સફળ ઑનલાઇન એજ્યુકેશન કંપની ઊભી કરવી એ સંભવ છે. બાયજૂએ બાયજૂ’સ માટે શાહરૂખ ખાન અને રિતિક રોશન જેવા સુપર સ્ટારને બ્રાન્ડ ઍમ્બેસૅડર બનાવ્યા. અન્ય કંપનીઓને ખરીદી લઈને બાયજૂ’સનું વિસ્તરણ પણ કર્યું. ઑગસ્ટ, 2020માં ટેક કંપની ‘વ્હાઇટ હેટ જુનિયર’નું અધિગ્રહણ 300 મિલિયન ડૉલરમાં કર્યું. જાન્યુઆરી, 2021માં દેશની જાણીતી ઑનલાઇન કોચિંગ કંપની ‘આકાશ એજ્યુકેશનલ સર્વિસ લિમિટેડ’નું 900 મિલિયન ડૉલરમાં અધિગ્રહણ કર્યું. જુલાઈ, 2021માં 150 મિલિયન ડૉલરમાં ‘ટોપર’નું અધિગ્રહણ કર્યું. જુલાઈ, 2021માં જ સિંગાપુર બેઝ્ડ ‘ગ્રેટ લર્નિંગ’નું 600 મિલિયન ડૉલરમાં અને અમેરિકાના કૅલિફૉર્નિયાસ્થિત ડિજિટલ રીડિંગ પ્લૅટફૉર્મ ‘એપિક’નું અધિગ્રહણ 500 મિલિયન ડૉલરમાં કર્યું. ડિસેમ્બર, 2021માં ઑસ્ટ્રિયાના મૅથ્સ લર્નિંગ એપ ‘જિયોજેબ્રા’ને 100 મિલિયન ડૉલરમાં ખરીદી લીધું.
બાયજૂ’સે કેટલીક ચડતીપડતી પણ જોઈ. જોકે સારામાઠા દિવસો વચ્ચે બાયજૂએ બાયજૂ’સને માત્ર ભારતનું જ નહીં, દુનિયાનું પણ સૌથી મોટું એજ્યુટેક સ્ટાર્ટઅપ બનાવવાની ઉપલબ્ધિ હાંસલ કરી છે. પોતાની કારકિર્દીમાં બહેતરીન કામ કરવા બદલ બાયજૂને કેટલાક પુરસ્કારોથી સન્માનિત કરાયા છે. 2019માં મનોરમા ન્યૂઝ મેકર પુરસ્કાર, 2020માં બિઝનેસ ટ્રાન્સફૉર્મેશન ઍવૉર્ડ અને અર્ન્સટઍન્ડ યંગ ફાઇનાલિસ્ટ એન્ટરપ્રોન્યોર ઑફ ધ યર, 2020માં ‘ફોર્ચ્યુન’ સામયિકની અન્ડર 40 પત્રિકામાં સામેલ અને 2021માં એન્ટરપ્રોન્યોર ઑફ ધ યર ફોર્બ્સ ઇન્ડિયા લીડરશિપ ઍવૉર્ડથી બાયજૂ રવીન્દ્રનને સન્માનિત કરાયા હતા.
ટીના દોશી