બાયઝૅન્ટાઇન કળા (સ્થાપત્ય, શિલ્પ અને ચિત્ર) : ઈ. સ. 390માં મહાન રોમન સામ્રાજ્ય પૂર્વ અને પશ્ચિમ – એવા બે વિભાગમાં વિભાજિત થયા પછી બાયઝૅન્ટાઇન તરીકે ઓળખાતા વિસ્તારમાં પાંગરેલી સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રની કળા. પશ્ચિમ વિસ્તારમાં બર્બર જાતિઓનાં આક્રમણો થતાં રહ્યાં, તો પૂર્વ વિસ્તાર ખ્રિસ્તી કળાનું કેન્દ્ર બન્યો. ત્યાં પંદરમી સદી સુધી ખ્રિસ્તી સત્તા જળવાઈ રહી. એ ગાળા દરમિયાન રોમન સમ્રાટ કૉન્સ્ટન્ટાઇને ઈ. સ. 327માં સ્થાપેલ બાયઝૅન્ટાઇન સામ્રાજ્યનું પાટનગર કૉન્સ્ટૅન્ટિનોપલ આ કળાનું કેન્દ્ર બની રહ્યું. ઈસુની ચોથીથી છઠ્ઠી સદી સુધીમાં ખ્રિસ્તી કળા ભૂમધ્ય સમુદ્રના પશ્ચિમી તટવર્તી પ્રદેશોમાં ફેલાઈ ચૂકી હતી. અહીં ગ્રીક અને એશિયાઈ એવી મિશ્ર લાક્ષણિકતા ધરાવતી કળા વિકસતી હતી.

ઈ. સ.ની છઠ્ઠી સદીમાં બાયઝૅન્ટાઇન સામ્રાજ્યનો તથા ર્દશ્યકળાઓનો વિસ્તાર થવા માંડ્યો. સમ્રાટ જસ્ટિનિયને વડલ જાતિ પાસેથી આફ્રિકાના પ્રદેશો જીત્યા અને ત્યાં કેટલાંક દેવળો બંધાવ્યાં. ગૉથ જાતિ પાસેથી ઇટાલી જીતી લીધું; પછી રાવેન્ના ખાતે સાન વિતાલે, સાન આપોલિનારે જેવી વિખ્યાત બેસિલિકન ઇમારતો રચાઈ. આ ઉપરાંત હોલી એપૉસ્ટલ્સ, સાન સર્જિયસ અને ખાસ તો સાન્તા સોફિયા જેવાં મહાન દેવળો બંધાયાં. ભૂમધ્ય દેશો અરબોએ જીતી લીધા તે દરમિયાન બાયઝૅન્ટાઇન કળામાં મૂર્તિ પરનો ઝોક ઘટ્યો. એનાં મૂળ જસ્ટિનિયનના મૃત્યુ પછી ખ્રિસ્તી ધર્મમાં મૂર્તિપૂજકો અને મૂર્તિભંજકો વચ્ચે સોએક વર્ષ લગી જાગેલા વિવાદમાં છે. ઈ. સ. 726ના શાહી ફરમાનમાં ધાર્મિક આકૃતિઓના નિષેધનો આદેશ છે; પણ સાધુઓ એની વિરુદ્ધ હતા; તેથી આકૃતિપરક અને આકૃતિવિરોધી એવા ઑર્થોડૉક્સ અને કૅથલિકના નામે બે સંપ્રદાયો પણ છૂટા પડ્યા.

કૉન્સ્ટૅન્ટિનોપલ નગરનું ભવ્ય કૅથીડ્રલ ‘સાન્તા સોફાયા’. પાછળથી તુર્કી મુસ્લિમ વિજેતાઓ દ્વારા ચાર મિનાર ઉમેરી આ કૅથીડ્રલને મસ્જિદમાં ફેરવી નાંખવામાં આવ્યું.

કાળે કરીને પ્રૉટેસ્ટન્ટ અને સવિશેષ પ્યુરિટન એવો ધર્માકૃતિ-વિરોધી ફાંટો પડ્યો અને એમાંના મૂર્તિભંજકોએ ચિત્રશિલ્પો નષ્ટ પણ કર્યાં. પેગન સાંસ્કૃતિક અસર હેઠળ ખ્રિસ્તી ધર્મમાં મૂર્તિપૂજા સહજ રીતે વિકસી હતી, પણ યહૂદી પરંપરામાં રહેલા ધર્માકૃતિનિષેધને કારણે મૂર્તિનો નિષેધ કરતી વિચારણા પણ પ્રવર્તતી હતી. પૂર્વની અસર હેઠળ બાયઝૅન્ટાઇન કળામાં સુશોભનતત્વોએ આગળ પડતું સ્થાન લીધું. ઈસુની નવમીથી અગિયારમી સદીના મૅસિડોનિયન વંશના શાસન દરમિયાન આકૃતિપ્રધાન કળાનો પુનર્જન્મ થયો. આ સમયની ઉત્તમ નમૂનારૂપ રચના તરીકે ગ્રીસનું સાન લ્યૂક દેવળ ગણાય છે. બાયઝૅન્ટાઇન કળા પશ્ચિમ ઇટાલીના વેનિસ સુધી વિસ્તરી. સાન માર્કોનું દેવળ, બારમી સદીમાં સિસિલી ખાતેનાં તથા પાલેર્મોનાં અને મૉન્તેરિયાલેનાં મોઝેક ચિત્રોને પ્રતિનિધિરૂપ રચનાઓ તરીકે ઓળખાવી શકાય. આ કળા છેક રશિયા સુધી વિસ્તરી. આર્મેનિયામાં પથ્થરમાં દેવળો કંડારવામાં આવ્યાં. એશિયા માઇનરના કાપાડૉકિયામાં પ્રચલિત બાયઝૅન્ટાઇન ર્દશ્યકળાની પરંપરાથી જુદી પડે એવી કારુણ્યસભર ખ્રિસ્તી કળાનાં સર્વપ્રથમ પગરણ થયાં. તેરમી-ચૌદમી સદીમાં સર્બિયા અને બલ્ગેરિયા સુધી વિસ્તરેલી આ કળાપરંપરામાં આકૃતિપ્રધાન સંયોજનો અને ફ્રેસ્કો-ચિત્રો રચાયાં.

સ્થાપત્ય : પશ્ચિમ એશિયાઈ દેશોમાં આરંભના તબક્કે ખ્રિસ્તી દેવળો બાયઝૅન્ટાઇન શૈલીમાં બંધાવાં શરૂ થયાં. ગ્રીસ, બેથલહેમ, સિરિયા, આનાતૉલિયા (હાલનું તુર્કી) તથા ટ્યૂનિશિયાના પ્રદેશોમાંથી મળતાં બૅસિલિકન દેવળના અવશેષો આ વાતની સાક્ષી પૂરે છે. અહીં બધે જ લાકડાના ઢળતા છાપરા જેવી છત હતી. જોકે આનાતોલિયા ખાતેનાં દેવળ ગોળાકાર સુરંગ જેવી છત ધરાવતાં હતાં; પરંતુ બાયઝૅન્ટાઇન સ્થાપત્યનું ખરું સર્જન તો વૃત્તાકાર શૃંગ કે ઘુમ્મટ ધરાવતા મધ્યવર્તી ભૂ-આયોજનવાળા દેવળના સ્થાપત્યમાં જોવા મળે છે. અનેકવિધ કમાનો ધરાવતી દીવાલ પર ગોળ ઘુમ્મટની રચના તથા વર્તુળાકાર દીવાલને સમાંતર વર્તુળાકાર પ્રદક્ષિણા-પથની રચના આ સ્થાપત્યના હાર્દ સમાન હતી. કૉન્સ્ટૅન્ટિનોપલ ખાતેના સાન સર્જિયસ અને રાવેન્ના ખાતેના સાન વિતાલે તથા સિરિયામાં આવેલ સેન્ટ જ્યૉર્જ ઇસરાનાં દેવળ આનાં ઉદાહરણો છે. ત્યારબાદ સુરંગાકાર નાની કમાનોની હારમાળાવાળી ઉપરનીચે બે દીવાલો પર આધારિત અનેક પ્રકારના નાના ઘુમ્મટો અને તેના પર મોટા ઘુમ્મટો આમ એકબીજા પર આધારિત વૃત્તાકાર કેન્દ્રવર્તી સંયોજનની વિશિષ્ટ શૈલી બાયઝૅન્ટાઇન સ્થાપત્યમાં વિકસી. આનો ઉત્તમ નમૂનો કૉન્સ્ટન્ટિનોપલનું પ્રખ્યાત સાન્તા સોફિયા દેવળ છે. અહીં મધ્યવર્તી આયોજનની તથા બેસિલિકન લાક્ષણિકતાઓનો સમન્વય થયો છે. સમ્રાટ જસ્ટિનિયને ઈ. સ. 522થી 537 દરમિયાન આ દેવળ બંધાવવા માંડ્યું હતું. આનાતોલિયન સ્થપતિઓ ઍન્થેનિયસ અને ઇસોડૉરસના માર્ગદર્શન હેઠળ 10 હજાર કારીગરો તેના નિર્માણમાં રોકાયેલા હતા. સામ્રાજ્યના દરેક પ્રાંતમાંથી ચણતર અને સુશોભનની કીમતી સામગ્રી એકઠી કરવામાં આવી હતી. ઈ. સ. 558ની આસપાસ આ ભવ્ય ઇમારતની ઊંચી છત તૂટી પડતાં ઇસોડૉરસના ભત્રીજા ઇસાડૉરના માર્ગદર્શન હેઠળ 170 ફૂટ ઊંચા અને 100 ફૂટના વ્યાસવાળા ઘુમ્મટની રચના કરવામાં આવી હતી. તેના ઘુમ્મટનો ત્રિભુજ ભવ્ય સ્તંભોવાળી 4 મોટી કમાન પર આધારિત હતો : પૂર્વ–પશ્ચિમે બે અર્ધગોળ ઘુમ્મટનો આધાર લેવાયો હતો. આ ઘુમ્મટોને સુરંગાકાર અનેકવિધ ગોખવાળી દીવાલનો આધાર હતો. તેને બે બાજુ ગૅલરી પણ જોડવામાં આવી હતી. આમ 250 ફૂટ લાંબી અને 253 ફૂટ પહોળી આ વિશાળ ઇમારત રોમન અને એશિયાઈ સ્થાપત્યમાં ગ્રીક લાક્ષણિકતારૂપે પ્રગટે છે. અહીં કદ ઘટાડી ગ્રીક સ્થપતિઓએ સંવાદિતા અને આકર્ષક સપ્રમાણતા સિદ્ધ કર્યાં. વળી એકસરખી 4 ભુજા ધરાવતી (ગ્રીક) ક્રૉસની વિભાવનાને લક્ષમાં રાખીને સંપૂર્ણ કેન્દ્રવર્તી ભૂઆયોજન પણ સિદ્ધ કર્યું. એશિયા માઇનર અને આર્મેનિયામાં પથ્થરનો ઉપયોગ થતો હતો; એ સિવાય ઘણુંખરું બાયઝૅન્ટાઇન સ્થાપત્ય ઈંટો વડે થતું હતું. ઘુમ્મટો, જાડી દીવાલો અને ખંડોવાળા આ સ્થાપત્યમાં સાદાઈ હતી. અલંકરણ-સુશોભન બહાર નહિ, પણ અંદરના વિભાગોમાં થવા લાગ્યું. આને કારણે મોઝેકની આકર્ષક અલંકૃત અભિવ્યક્તિ થઈ શકી અને આંતરિક વિશાળતાને કારણે અંદર પ્રવેશનારા ભાવિકો ભૌતિક જગતથી ભિન્ન એવા દિવ્ય જગતની અનુભૂતિ કરવા શક્તિમાન થયા.

રાવેન્નાના ‘સાન વિતાવે’ દેવળની ભીંત પર સમ્રાટ જસ્ટિનિયન અને સમ્રાજ્ઞી થિયોડૉરાના વૃંદને આલેખતું મોઝેક ચિત્ર

શિલ્પ : બાયઝૅન્ટાઇન કળામાં શિલ્પકૃતિઓ ગૌણ બની ગઈ. સ્તંભશીર્ષ અને કઠેડા પર નાની નાની સપાટી પર ઉપસાવેલી (relief) શિલ્પકૃતિઓ અને દફનપેટીઓ પર શારડીથી કરેલ કોતરણીઓ જ ચાલુ રહી. ટાંકણા કે હથોડીનો કસબ ઘટી ગયો. સમય જતાં સપાટી પર ઉપસાવેલી શિલ્પકૃતિઓ પણ ઓછી થઈ ગઈ. રોમન સ્તંભશીર્ષમાં થોડા ફેરફારો થતાં થતાં છઠ્ઠી સદીમાં તો બાયઝૅન્ટાઇન સ્તંભશીર્ષ ઊંધા પિરામિડ જેવું થઈ ગયું. તેના પર મોઝેકના અલંકરણથી વિશેષ કશું કરવામાં આવતું ન હતું.

આમ છતાં, હાથીદાંત અને સુવર્ણમાં ઉપસાવેલી શિલ્પકળા જીવંત રહી ખરી. પાંચમી-છઠ્ઠી સદી દરમિયાન હાથીદાંતના કોતરકામમાં પણ ઉપસાવેલી શિલ્પકૃતિઓની ધારોને બુઠ્ઠી કરી દેવાની ગ્રીક પદ્ધતિ પણ ધીમે ધીમે વ્યાપક થતી જોવા મળે છે. અહીં આકૃતિમાં સ્થગિતતા પ્રવેશે છે. રાવેન્ના ખાતે બિશપ મૅક્સિમિયનના સિંહાસન પર જોવા મળતાં સપાટી પરનાં ઉપસાવેલાં શિલ્પો એનાં પ્રમાણરૂપ છે.

ચિત્રકળા : મોઝેક વડે થયેલાં ભીંતચિત્રોને બાયઝૅન્ટાઇન કળાની મુખ્ય અભિવ્યક્તિ ગણી શકાય.

રોમન સમયમાં પથ્થરના ચૂરાને ચૂના સાથે ભેળવી મોઝેકની કપચીઓ જડવાનું મિશ્રણ તૈયાર કરવામાં આવતું. આ વિવિધ કપચીઓ રંગબેરંગી પથ્થરની, આરસની, કાચની કે પકવેલી માટી પર ઢળેલા કાચની પણ હોય. મોઝેકના કસબમાં વપરાતું મિશ્રણ થોડું તૈલી હોવાથી જાડું બનતું અને થિજાવાની કે સુકાવાની પ્રક્રિયા થોડી ધીમી રહેતી. આ દરમિયાન રંગીન ટુકડાઓને આકૃતિ પ્રમાણે ગોઠવવાનો અને જડવાનો સમય મળી રહેતો. આ જાડું મિશ્રણ પથ્થરના ટુકડાઓને પૂરતો આધાર આપતું અને તેમને દાબીને સરખી સપાટી કરવામાં અનુકૂળતા રહેતી. જોકે જુદાં જુદાં બિંદુઓથી પ્રકાશ ઝીલવા માટે ટુકડાઓને સાવ સપાટ રખાતા નહોતા. રોમન સમયમાં રંગીન આરસ કે કાચ જડેલ માટીના ટુકડાઓથી જ કામ ચલાવી લેવામાં આવતું, જ્યારે બાયઝૅન્ટાઇન સમયમાં આ સામગ્રીનો વિપુલ ઉપયોગ થવા માંડ્યો તેથી તેના ઉત્પાદન માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને સાદી પણ ચોક્કસ પ્રકારની રીતો વિકસાવાઈ હતી. કાચના ઉત્પાદન માટેની સામગ્રીને ઉકાળી પિગળાવવામાં આવતી. તેમાં જે તે ધાતુના ઑક્સાઇડને પ્રવાહી સ્વરૂપમાં ઉમેરી તેમાં રંગ ભેળવવામાં આવતા. પ્રવાહીને એક ચોરસ ઘન ઇંચના બીબામાં ઢાળવામાં આવતું. આ ટુકડાઓમાં રંગ એટલો સરસ રીતે પ્રસરી જતો કે લાલ રંગ માટે માણેક અને લીલા માટે નીલમના ભૂકાને કાચ સાથે ભેળવવામાં આવે છે એવી માન્યતા પણ પ્રચલિત થયેલી. સૅફાયર બ્લૂ માટે કોબાલ્ટ ઑક્સાઇડ, લીલા રંગ માટે કૉપર ઑક્સાઇડ તથા લાલ રંગ માટે તાંબાને ઓગાળવામાં આવતાં. સોનેરી અને રૂપેરી મોઝેક માટે સોનારૂપાના વરખ પારદર્શક કાચના ટુકડામાં મૂકવામાં આવતા. એ જ રીતે મોઝેક બનાવવા માટે અકીક, જેડ અને મોતીની છીપનો પણ ઉપયોગ થતો. દરેક રંગમાં ઑક્સાઇડનું પ્રમાણ વત્તુંઓછું કરીને દરેક રંગની જુદી જુદી ઝાંય તૈયાર કરવા માટે આ સમયના રસાયણવિજ્ઞાને સિદ્ધિ મેળવી હતી. પ્રત્યેક રંગની આવી ઝાંય ધરાવતા મોઝેક વડે પદાર્થ કે માનવઆકૃતિના ચિત્રણમાં દળ કે ગોળાઈનો ભાસ ઊભો કરવામાં અનુકૂળતા રહેતી. આ રીતે મોઝેક અનેકવિધ ઝાંયવાળી કલાત્મક અભિવ્યક્તિ માટેનું સમૃદ્ધ માધ્યમ બની રહ્યું. ઈસુની પાંચમી અને છઠ્ઠી સદી દરમિયાન ઇટાલીનું રાવેન્ના નગર મોઝેકના ઉત્પાદન અને તેની કળાત્મક અભિવ્યક્તિ માટેનું પ્રમુખ કેન્દ્ર થઈ રહ્યું. કૉન્સ્ટૅન્ટિનોપલના દરિયાઈ સંસ્થાનરૂપે આ નગરે પૂર્વની સાંસ્કૃતિક અસરોને પશ્ચિમ સુધી વિસ્તારી. સાન વિતાલે, સાન ઍપોલિનેર અને નુઓવોનાં દેવળોમાં મોઝેક ભીંતચિત્રો વિખ્યાત છે. આ સિવાય સાન્તા સોફિયા, સાન માર્કો અને ગ્રીસનાં અનેક દેવળોમાં મોઝેકની કળાના ઉત્તમ નમૂનાઓ સચવાયા છે. રાવેન્ના નગરની પડતી પછી મોઝેકનું ઉત્પાદનકેન્દ્ર વેનિસ બન્યું અને બેકાર કારીગરો વેનિસ ખાતે ઈ. સ. 979માં સ્થિર થયા. પાછળથી એટલે કે ગૉથિક સમયમાં આ કારીગરો રંગીન કાચના ઉત્પાદનક્ષેત્રે અને રંગ-રસાયણક્ષેત્રે વધુ ફાળો આપતા થયા. રંગરસાયણની આ લીલા પુનરુત્થાનકાળ દરમિયાનના ચિત્રકારોમાં પણ ઊતરી આવી.

મધ્યયુગના સોનેરી મોઝેકથી ઝળહળતાં અંત:સ્થલોવાળાં આ દેવળો બહારથી બિન-અલંકૃત, સાદી ઇમારતો જેવાં લાગે છે. આ દેવળોની અંદર ન જઈએ. ત્યાં સુધી અંદરની સમૃદ્ધિનો તો કશો ખ્યાલ જ આવે નહિ.

મોઝેકની કપચી–ખાસ કરીને સોનેરી વરખવાળી – જુદા જુદા ખૂણે કાપેલી–ગોઠવેલી હોવાથી તે જુદા જુદા સ્થળેથી ઝબકી ઊઠે તેવી અત્યંત પ્રભાવશાળી બને છે. આમાં ટુકડાઓ અને સમગ્ર સ્વરૂપની પણ આશ્ચર્યજનક જુગલબંધી રચાય છે અને ટુકડાઓ વચ્ચેના અવકાશની અવનવી ભાત આકૃતિને મોહક બનાવે છે.

પ્રારંભિક ખ્રિસ્તી કાળની કેટલીક લાક્ષણિકતાઓ બાયઝૅન્ટાઇન યુગમાં પણ ચાલુ રહી. અહીં મોટાભાગે દ્વિપરિમાણી આલેખનો થતાં અને પરિપ્રેક્ષ્યને લગતાં સૂચનો જોવા મળતાં નહિ. ક્ષિતિજરેખા સૂચવવાનો પ્રયાસ જણાતો ન હતો. વળી માનવપાત્રોની ગોઠવણી હારબદ્ધ કે બંને બાજુએ સમતોલ જોવા મળે છે. આના ઉદાહરણ માટે રાવેન્નાના સાન વિતાલેના દેવળનું સમ્રાટ જસ્ટિનિયન અને સમ્રાજ્ઞી થિયોડૉરાના વૃંદ મોઝેકનો નિર્દેશ કરી શકાય.

આ ચિત્રમાં સમ્રાટ હાથમાં મોટું સોનેરી પાત્ર લઈને ઊભા છે. તેમની બાજુમાં નગરના આર્ચબિશપ મૅક્સિમિયન ઊભા છે. તેમની પાછળ થોડે દૂર સહાયક પાદરીઓ અને મહેલના રક્ષકો આલેખાયેલા છે. જમણી બાજુએ સમ્રાજ્ઞીની બાજુમાં પણ પાદરી અને પાત્રો સરખી સંખ્યામાં ગોઠવાયેલાં છે. પાત્રોના ચહેરા માત્ર સામેથી આલેખાયેલા છે. અને મોઝેકના ટુકડાઓ વડે ચહેરામાં આછી ઘેરી ઝાંયનો ઉપયોગ કરી નાક, કપાળ, ગાલ અને દાઢીની ગોળાઈ સૂચવાઈ છે. તેથી ચહેરામાં દળનું પરિમાણ ઉમેરાય છે. કાળા કે ઘેરા રંગના મોઝેકથી આલેખાયેલી આંખોની જાડી રેખા કે નાકની દાંડીની રેખા પ્રમાણમાં વધુ ધ્યાન ખેંચે છે. પ્રમાણ કરતાં મોટી આંખો વ્યક્તિને પ્રભાવશાળી દેખાડે છે. મહત્ત્વની વ્યક્તિઓના ચહેરા વફાદારીપૂર્વક આલેખાયેલા હોવાથી વ્યક્તિચિત્રણની ર્દષ્ટિએ આ નિરૂપણો આધારભૂત હોવાનું મનાય છે.

રાવેન્ના ખાતેની એક મહત્વની ચિત્રકૃતિ ‘પવિત્ર જ્વાળામાં પ્રવેશતા પહેલાં સૅન્ડલ ઉતારતા પયગંબર મોઝિઝ’ રંગવિધાન, ગ્રીકપ્રભાવિત આકૃતિઘનતા અને પરિપ્રેક્ષ્યરહિતતાને કારણે આકર્ષે છે. સૅન્ડલ ઉતારવાની જગ્યાની પૃષ્ઠભૂમિકામાં ડુંગરો અવકાશમાં સંકોચાઈ નાના નાના થતા નિરૂપવાને બદલે તેમને એકમેકની ઉપર આલેખ્યા છે. જ્વાળાઓનું સૂચન કેસરી, પીળા રંગનાં છૂટાંછવાયાં ઝૂમખાં દ્વારા પ્રતીકાત્મક રીતે થયું છે. આકાશને ભૂરા, ડુંગરને લીલા, જ્વાળાઓને કેસરી તથા પીળા મોઝેકમાં આલેખી વચ્ચોવચ્ચ સફેદ પોશાકમાં નીચા વળી સૅન્ડલ કાઢતા મોઝિઝની આકૃતિ કોઈ ગ્રીક યુવાનની યાદ અપાવી જાય છે.

આ રીતે અહીં પૂર્વની એશિયાઈ અને પશ્ચિમની ગ્રીકોરોમન સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. આમ બાયઝૅન્ટાઇન સામ્રાજ્ય રોમન સામ્રાજ્યનું સીધું વારસદાર તો બન્યું જ, પણ વિશ્વનું સૌપ્રથમ ખ્રિસ્તી રાજ્ય પણ બની રહ્યું. સમ્રાટ કૉન્સ્ટન્ટાઇને બાયઝૅન્ટિયમ નગરની સ્થાપના વખતે ગ્રીક દેવી અથીના અને ઈસુ ખ્રિસ્ત – એમ બંનેનું આલેખન કરાવ્યું હતું. ત્યારપછી પ્રશિષ્ટ ગ્રીક પરંપરા અને ખ્રિસ્તી સાંપ્રદાયિક શ્રદ્ધાનો સમન્વય હંમેશા ટકી રહ્યો.

બાયઝૅન્ટાઇન સમયમાં મોઝેક ઉપરાંત ભીંતચિત્રો પૂર્વ ગ્રીસ અને આનાતૉલિયામાં સારી એવી સંખ્યામાં થયાં. અહીં પોથીચિત્રોની પરંપરા પણ જીવંત હતી. એ ઉપરાંત રશિયા અને પૂર્વ યુરોપના પ્રદેશોમાં લાકડા પર નાનાંમોટાં ધર્મચિત્રો ચીતરવાની પરંપરા છેક ઓગણીસમી સદી સુધી જીવંત રહી. ગ્રીસના માઉન્ટ ઍથૉસ નામના ટાપુ પર જ્યાં માત્ર પુરુષ સાધુઓ જ રહે છે ત્યાં આવાં પૂજાચિત્રો હજુ થાય છે. પૂજાચિત્રોમાં ઈસુ-મેરીનાં સામેથી આલેખાયેલાં ચિત્રો થયાં અને તે ચિત્રો દેવળમાં મુકાયાં કે ઘરમાં ગોખલે રહ્યાં. એમાં મહાન રશિયન કળાકાર આન્દ્રેઇ રૂબ્લેવ અદ્વિતીય ગણાય છે. આ ઉપરાંત ખ્રિસ્તી કથાઓનાં કથનાત્મક ચિત્રોની મહત્વની પરંપરા પણ સ્થાપિત થઈ. પાછળથી ગૉથિક અને પુનર્જાગરણકાળની કળા માટે આ પરંપરા અમૂલ્ય પુરવાર થઈ

અમિતાભ મડિયા