બામ્બૉચિયાન્તી : રોજિંદા જીવનપ્રસંગોને લગતી ચિત્રશૈલી. આ શબ્દનું પગેરું પીટર વાન લેર (આશરે 1595–1642) નામના ડચ ચિત્રકારને અપાયેલા ઉપનામમાં મળે છે. તેઓ 1625ની આસપાસ રોમમાં સ્થાયી થયા હતા અને શારીરિક ખોડખાંપણવાળા હોવાથી ‘ઇલ બામ્બૉચિયો’ એટલે મૂર્ખ તરીકે તેઓ ઓળખાતા હતા. ‘બામ્બૉચિયાન્તી’ શબ્દ તેમનાં ચિત્રો માટે પ્રયોજાયો હતો. એ ચિત્રોમાં ખેડૂતો તથા શેરી-પાત્રોનું ચિત્રણ હતું, તેથી કેટલાક કલાકારો અને વિવેચકોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો, કારણ કે એ વિરોધી-વર્ગ ચિત્રકલા વિશે એવું મંતવ્ય ધરાવતો હતો કે પ્રશિષ્ટ આદર્શો અને નૈતિક વિષય-વસ્તુનું જ કલાપ્રવૃત્તિમાં પ્રધાન નિરૂપણ હોય. પછીથી જે ચિત્રકારોની ચિત્રશૈલીમાં કૅરૅવૅગિયોની શૈલીનો નિસર્ગવાદ પ્રતિબિંબિત થતો હતો તે સૌ કલાકારો ડચ તેમજ ફ્લેમિશ ચિત્રકારોના જૂથના કેન્દ્રસ્થાને રહ્યા. એ સૌ ચિત્રકારો સત્તરમી સદીના રોમના જીવનનાં નિમ્ન કોટિનાં પાસાંને ચિત્રવિષય બનાવતા હતા અને તેમાં રાચતા પણ હતા. સત્તાવાર કે અધિકૃત કલાવર્તુળોમાં તેમને સ્વીકૃતિ કે સમર્થન મળતાં ન હતાં; કારણ કે એ વર્તુળો આ ચિત્રકારોની કળાને અવનત કોટિની માનતાં હતાં; પરંતુ અંગત રીતે આ કલાકારોને સારું સમર્થન અને પ્રોત્સાહન મળતાં રહ્યાં હતાં. તળપદા અને નિમ્ન સ્તરના જીવનના વિષય-વસ્તુને આલેખવામાં અને આદર્શરંગી પાત્ર-પ્રસંગોને ઉવેખવામાં બામ્બૉચિયોની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં પ્રવર્તેલ આ પ્રકારની ચિત્રશૈલીના પુરોગામી બની રહ્યા.
મહેશ ચોકસી