બામકો : પશ્ચિમ આફ્રિકાના માલી દેશમાં નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું તેનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 12° 39´ ઉ. અ. અને 8° 00´ પ. રે. પર તે નાઇજર નદીના કાંઠે આવેલું છે. 1880માં જ્યારે તે ફ્રેન્ચોને કબજે ગયું ત્યારે આ સ્થળ મર્યાદિત વસ્તી-સંખ્યા ધરાવતા ગામડા રૂપે હતું. 1908માં ફ્રેન્ચ સુદાનની અગાઉના એક સંસ્થાનનું પાટનગર બનેલું; તે પછી ચાર વર્ષે ડાકર–નાઇજર રેલમાર્ગની એક શાખા રૂપે કેયસ–બામકો રેલમાર્ગ ખુલ્લો મુકાયો. આજે આ શહેર નાઇજર નદીની બંને બાજુ તરફ વિસ્તરેલું છે. અહીંથી નાઇજર નદી દક્ષિણમાં આવેલા કૌરુસા (ગીની) સુધીના 360 કિમી.ના અંતર સુધી મધ્ય જૂનથી મધ્ય ડિસેમ્બરના ગાળા દરમિયાન નૌકાની અવરજવર માટે અનુકૂળ બની રહે છે. અહીંથી ઉત્તર તરફ આશરે 1,400 કિમી. દૂર ગાઓ સુધી વહાણવટા માટે સોતુબા પ્રપાતની આજુબાજુ નહેર ખુલ્લી મુકાયેલી છે. નાઇજર પર 1960માં પુલ બાંધવામાં આવ્યો છે. આ શહેરમાં હવાઈ મથક પણ છે.
બામકો શહેરમાં મોટું ધમધમતું બજાર છે, વનસ્પતિ-ઉદ્યાન છે, પ્રાણીસંગ્રહાલય છે, કારીગરોની વસાહતો છે, તેમજ સંશોધન-સંસ્થાઓ છે. અહીં ચાર કૉલેજો છે. માલીનાં ઔદ્યોગિક સાહસો પૈકી ઘણાં-ખરાં અહીં સ્થપાયેલાં છે. બામકો 1960–70ના અરસામાં દુકાળગ્રસ્ત હતું. તે ગ્રામીણ વસ્તીના સ્થળાંતરથી ત્રણગણું થઈ ગયું છે. તેની વસ્તી 6,46,000 (1991) જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા