બાબુલ : પારલૌકિક પ્રેમની કથા કહેતું લોકપ્રિય હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1950, સમય : 142 મિનિટ, શ્વેત અને શ્યામ; નિર્માણસંસ્થા : સની આર્ટ પ્રોડક્શન; નિર્માતા-દિગ્દર્શક : એસ. યુ. સની; પટકથા : અઝ્મ બાઝિદપુરી; ગીત : શકીલ બદાયૂની; સંગીત : નૌશાદ; છબીકલા : ફલી મિસ્ત્રી; કલાકારો : નરગિસ, દિલીપકુમાર, મુનાવર સુલતાના, અમર, એ. શાહ, જાનકીદાસ, એચ. પહાડી, વિનોદ ઇસ્માઈલ, જુગનુ ચાંદબાલા, સીમા, મેહર, રાજબાલા, ખુરશીદ.

બે યુવતી અને એક યુવાન વચ્ચેના કરુણાંત પ્રણયત્રિકોણ ઉપર આધારિત આ ચલચિત્ર ઘણું લોકપ્રિય પુરવાર થયું હતું. કથાનાયક અશોક નવો ટપાલી છે. જૂના ટપાલીની પુત્રી બેલા અને જમીનદારની પુત્રી ઉષા અશોકને ચાહે છે. અશોક ઉષાને સંગીત શીખવે છે. બેલા ઉષાને તેના માર્ગમાંથી ખસી જવા ચેતવે છે. કથા અસાધારણ કરુણ અંતમાં પરિણમે છે. ચિત્રનાં બારેય ગીતો ખૂબ જ લોકપ્રિય બન્યાં હતાં, જેમાં ‘મિલતે હી આંખેં દિલ હુઆ દીવાના કિસી કા’, ‘દુનિયા બદલ ગઈ, મેરી દુનિયા બદલ ગઈ’, ‘મેરા જીવનસાથી બિછડ ગયા’, ‘છોડ બાબુલ કા ઘર, મોહે પી કે નગર, આજ જાના પડા’ ઉલ્લેખનીય છે.

પીયૂષ વ્યાસ