બાબી, શેરખાન : ગુજરાતના સૂબેદાર મુરાદબક્ષનો મદદનીશ. ગુજરાતના બાબી વંશનો મૂળ પુરુષ બહાદુરખાન બાબી ઈસુની સત્તરમી સદીની શરૂઆતમાં અફઘાનિસ્તાનથી હિંદ આવ્યો હતો. ઈ. સ. 1654માં મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાના પુત્ર મુરાદબક્ષને ગુજરાતના સૂબા તરીકે નીમ્યો ત્યારે બહાદુરખાને પોતાના પુત્ર શેરખાન બાબીને તેની સાથે ગુજરાત મોકલ્યો હતો. શેરખાન શૂરવીર, સાહસિક અને બુદ્ધિશાળી હતો. તેથી ગુજરાતના સૂબા મુરાદબક્ષે એની નિમણૂક ચુંવાળ પરગણાના થાણદાર તરીકે 1663માં કરી. એ સમયે આ વિસ્તારમાં ગુનાખોર પ્રવૃત્તિઓ કરતા માથાભારે ચુંવાળ કોળીઓની મોટી વસ્તી હતી. એમને અંકુશમાં રાખવા માટે શેરખાન જેવા શક્તિશાળી અધિકારીની જરૂર હતી. શેરખાને એ કાર્ય સારી રીતે પાર પાડ્યું.
શેરખાનને ચાર પુત્રો હતા. એમાં પ્રથમ પુત્ર મહમૂદ મુબારિઝખાનની 1674માં કડીના સૂબા તરીકે નિમણૂક થઈ. બીજો પુત્ર મહમૂદ મુઝફ્ફર પણ એ વખતે કડીનો સૂબો હતો. ત્રીજા પુત્ર ઝફરખાનની ઈ. સ. 1690માં એના પિતાની જગ્યાએ ચુંવાળના થાણદાર તરીકે નિમણૂક થઈ. આ ઝફરખાન ઘણો પરાક્રમી હતો. એના વંશજો ભવિષ્યમાં જૂનાગઢ, રાધનપુર, વાડાસિનોર અને બાંટવાના રાજ્યકર્તા બન્યા હતા અને ત્યાં એમના રાજવંશની સ્થાપના કરી હતી. ચોથા પુત્ર બઝાખાનના વંશજો જૂનાગઢ રાજ્યની સત્તા નીચે આવેલી રાણપુરની જાગીરના જાગીરદાર બન્યા હતા. ઝફરખાને ચુંવાળ પરગણામાં જે સારી કામગીરી કરી તેને લીધે તેને ‘સફદરખાન’નો ઇલકાબ આપવામાં આવ્યો; એટલું જ નહિ, પરંતુ પાટણ ખાતે ‘નાયબ સૂબા’ તરીકે એની નિમણૂક થઈ હતી. ભવિષ્યમાં દુર્ગાદાસ રાઠોડ સામેની એની સફળ કામગીરીથી ખુશ થઈને ઔરંગઝેબે એને ‘પાટણનો સૂબો’ બનાવ્યો હતો. આમ, શેરખાન બાબીના ચારેય પુત્રો શક્તિશાળી પુરવાર થયા હતા.
મુગટલાલ પોપટલાલ બાવીસી