બાબી, જવાંમર્દખાન (જ. –; અ. 1765) : બાબીવંશનો ગુજરાતનો સૂબો. બહાદુરખાન બાબી ઈસુની સત્તરમી સદીની શરૂઆતમાં અફઘાનિસ્તાન છોડી હિંદ આવ્યો હતો. એણે એના પુત્ર શેરખાન બાબીને શાહજહાંના પુત્ર મુરાદબક્ષ સાથે ગુજરાત મોકલ્યો હતો. શેરખાનનો પુત્ર ઝફરખાન ઘણો શક્તિશાળી હતો. ઝફરખાનના પુત્ર મહમૂદ શેરને ઈ. સ. 1716માં ‘ખાનજહાન જવાંમર્દખાન’નો ઇલકાબ આપીને રાધનપુરના સૂબા તરીકે નીમવામાં આવ્યો હતો. 1723માં એેને બીજી કેટલીક જાગીરો આપવામાં આવી હતી અને 1725માં એને ગુજરાતનો સૂબો બનાવવામાં આવ્યો હતો; પરંતુ ચાર વર્ષ પછી વાલોર કોળીના હાથે તેનું ખૂન થયું. એના અવસાન પછી એના મોટા પુત્ર કમાલુદ્દીનખાનને ગુજરાતનો ‘નાયબ સૂબો’ બનાવી તેને ‘જવાંમર્દખાન’નો ઇલકાબ આપવામાં આવ્યો. એ પછી એને ગુજરાતનો સૂબો પણ બનાવવામાં આવ્યો.
કમાલુદ્દીનખાન ઉર્ફે જવાંમર્દખાન બાબી જ્યારે ગુજરાતનો સૂબો હતો ત્યારે પેશ્વાનો ભાઈ રઘુનાથરાવ અને દામાજીરાવ ગાયકવાડ મરાઠી લશ્કર લઈને અમદાવાદ આવી પહોંચ્યા. જવાંમર્દખાન પણ એ વખતે પાલનપુરથી અમદાવાદ આવ્યો. મરાઠાઓની સ્થિતિ નબળી બનતાં એમણે કમાલુદ્દીન સાથે 1757માં સંધિ કરી અને રાધનપુર, સમી, મુજપુર, પાટણ, વડનગર, વીસનગર તથા વિજાપુર પરગણાંઓ ઉપર જવાંમર્દખાનની સત્તાનો સ્વીકાર કર્યો. એ પછી શંભુરામ અને રોહિલા પઠાણે મરાઠાઓ સામે બળવો કરતાં એમાં બાબી જવાંમર્દખાનનો હાથ છે એવી શંકાથી રાધનપુર, સમી અને મુજપુર સિવાયની જવાંમર્દખાનની જાગીરો જપ્ત કરવામાં આવી. જોકે રાધનપુર–સમી ઉપર જવાંમર્દખાનની સત્તા ચાલુ રહી અને ત્યાં એણે પોતાનો રાજવંશ સ્થાપ્યો. બાબી જવાંમર્દખાનનું ઈ. સ. 1765માં અવસાન થયું ત્યારે તેને ગજુદ્દીનખાન અને નઝમુદ્દીનખાન નામના બે પુત્રો હતા. એના પછી ગજુદ્દીનખાન રાધનપુરની ગાદીએ આવ્યો અને 48 વર્ષ રાજ્ય કરી 1813માં મૃત્યુ પામ્યો હતો.
મુગટલાલ પોપટલાલ બાવીસી