બાપ્તિસ્મા : ખ્રિસ્તી ધર્મમાં પ્રવેશવા માટેનો સ્નાનવિધિ. ‘બાપ્તિસ્મા’ શબ્દ મૂળ ગ્રીકમાંથી આવેલ છે અને ગ્રીકમાં એનો અર્થ ‘સ્નાન’ થાય છે. તેથી બાપ્તિસ્મા એટલે ‘સ્નાનસંસ્કાર’. આ સંસ્કાર સ્વીકાર્યાથી ભક્ત ખ્રિસ્તી ધર્મસંઘમાં પ્રવેશ પામે છે. ખ્રિસ્તી ધર્મસંઘમાં કુલ 7 સંસ્કારો છે, તેમાંનો સૌથી પહેલો તે સ્નાનસંસ્કાર. આ સંસ્કાર સ્વીકાર્યા પછી જ ખ્રિસ્તી બનેલા ભક્તને અન્ય સંસ્કારો મળી શકે છે. આ સંસ્કારમાં પવિત્ર કરેલા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. ભૂતકાળમાં પુખ્ત ઉંમરના ભક્તને પાણીમાં ડૂબકી મરાવવામાં આવતી. હાલમાં નવજાત શિશુને ધર્મસંઘમાં પ્રવેશ આપવામાં આવે છે ત્યારે તેના માથા પર પવિત્ર પાણી રેડવામાં આવે છે. પાણી જેમ શરીરનો મેલ ધુએ છે તેમ આ વિધિ પાપનો મેલ ધુએ છે. સ્નાનસંસ્કાર લેનાર જો પુખ્ત વયનો હોય તો એનાં પાપ સમજી શકાય. પણ નવજાત શિશુના પાપનો પ્રશ્ર્ન રહે. નવજાત શિશુનું પાપ ‘મૂળ પાપ’ કહેવાય છે. મૂળ પાપ એટલે શિશુને પોતાનાં માબાપ તરફથી વારસામાં મળતી પ્રભુ વિરુદ્ધ જવાની વૃત્તિ, ઇચ્છા. આ સિવાય શિશુ એવી દુનિયામાં જન્મ લે છે, જ્યાં પ્રભુ વિરુદ્ધ જીવવાનો એક પ્રવાહ જોવા મળે છે. નવજાત શિશુને મળનાર આ વારસાનું, આ પરિસ્થિતિનું પ્રક્ષાલન કરવામાં આવે છે. આ સાથે જ શિશુનું નામ પાડવામાં આવે છે અને એ નામ લઈને પુરોહિત એ શિશુને માથે પવિત્ર પાણી રેડતાં (એનો અભિષેક કરતાં) બોલે છે : ‘નામ, હું તને પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે સ્નાનસંસ્કાર કરાવું છું.’ આમ પ્રક્ષાલનની ક્રિયા સાથે જ પ્રભુ આ શિશુના અંતરમાં અધિકારપૂર્વક સ્થાન ગ્રહણ કરે છે અને તેથી શિશુને પ્રભુની ઇચ્છા મુજબ ચાલવામાં એની કૃપા-સહાય મળે છે.
આ સંસ્કારની વિધિ સામાન્ય રીતે પુરોહિત, નવજાત શિશુ, એનાં માબાપ અને એનાં ધર્મમાબાપની હાજરીમાં કરવામાં આવે છે. નવજાત શિશુ પ્રભુમાં એટલે કે પિતા, પુત્ર અને પવિત્ર આત્મામાં પોતાની શ્રદ્ધા હોવાનું કબૂલે છે; પણ એ શિશુ હોવાને લીધે એના વતી એનાં માબાપ પ્રભુમાં શ્રદ્ધા હોવાનું કબૂલ કરે છે. શિશુને તે પછી માબાપ એમની આ શ્રદ્ધા મુજબ ઉછેરશે. માબાપને પોતાની આ ફરજ યાદ કરાવવાનું કામ, માબાપ તેમની આ ફરજ ન ચૂકે તેની કાળજી રાખવાનું કામ ધર્મમાબાપ કરે છે. ધર્મમાબાપ પડોશમાં રહેતાં પતિપત્ની કે અન્ય ઓળખીતાં પણ હોઈ શકે છે. નવજાત શિશુ જન્મ પછી જો મરવાની અણી પર હોય, પુરોહિતને–પાદરીને બોલાવવા સુધીની રાહ જોવાય એમ ન હોય તો કોઈ પણ ખ્રિસ્તી ભક્ત એ શિશુને સ્નાનસંસ્કાર કરાવી શકે છે.
કેટલાક ખ્રિસ્તી સંપ્રદાયો પુખ્ત વયની વ્યક્તિઓને જ સ્નાનસંસ્કાર આપે છે, શિશુઓને આપતા નથી. હિંદુઓમાં બાળકનો નામકરણવિધિ અને ઉપનયન-સંસ્કાર, પારસીઓમાં કસ્તી બાંધવાનો વિધિ, મુસલમાનોની સુન્નતની ક્રિયા, શીખોમાં કાંસકી, કિરપાણ, કડું વગેરે ધારણ કરવાનો વિધિ બાપ્તિસ્માના વિધિને મળતાં આવે છે. સંત જૉન ધ બાપ્ટિસ્ટ પાસે ઈશુ ખ્રિસ્ત આ વિધિ કરાવવા ગયા હતા, પરંતુ નિષ્પાપ એવા ઈશુને જોઈને સંત જૉન ઈશુના ચરણમાં નમી પડ્યા હતા.
જેમ્સ ડાભી