બાનું : સામા પક્ષ સાથે પોતે કરેલ સોદાનો અમલ અવશ્ય કરવામાં આવશે એની ખાતરી કરાવવા ધંધાકીય વ્યવહારમાં અપાતી રકમ. ધંધામાં થતા વ્યવહારો અનેક પ્રકારના હોય છે, જેમ કે રોકડ, શાખ, ક્રમિક ચુકવણી, ભાડાપટ્ટા, જાંગડ વેચાણના વ્યવહારો. આ વ્યવહારો પૈકી જેનો અમલ ભાવિમાં કરવાનો હોય તેવા વ્યવહારના પક્ષકારો પૈકી કોઈક વાર ખરીદનારને તો કોઈક વાર વેચનારને સામો પક્ષ ભવિષ્યમાં સોદાનો અમલ કરશે જ તેની ખાતરી જોઈતી હોય છે. સંબંધિત પક્ષકારે સોદાની કિંમતના નક્કી કરેલા પ્રમાણ જેટલી રકમની આગોતરી ચુકવણી કરીને આ ખાતરી આપવાની હોય છે. ખાતરી માટે આપવામાં આવતી આ રકમ ‘બાનું’ કહેવાય છે. સામાન્યત: ખરીદનાર નીચેના સંજોગોમાં ‘બાનું’ ચૂકવે છે.
જમીન, મકાન, યંત્રો જેવી ઘણી ઊંચી રકમનાં રોકાણોવાળી મિલકતોના સોદા પ્રસંગે વેચનારને ખાતરી મળતી નથી કે મિલકતોનો કબજો અને માલિકી ખરેખર ખરીદનારને આપવાનાં થશે ત્યારે ખરીદનાર તેની પૂરેપૂરી રકમ ચૂકવશે કે કેમ. આવી પરિસ્થિતિમાં વેચનાર સોદો કરવાના સમયે મિલકતની કિંમતના અમુક ટકા અગાઉથી માગે છે. ખરીદનાર જો તે આપે તો જ સોદો વેચનારને બંધનકર્તા રહેશે તેવી સમજ પણ ઊભી થાય છે.
ભવિષ્યમાં જેનો અમલ થવાનો છે તેવા સોદા કરનાર પક્ષો પૈકી કેટલીક વાર ખરીદનારને શંકા જાય કે વેચનાર ભવિષ્યમાં અમલ કરશે કે કેમ. ખરીદનારને વેચનાર પાસેથી અમલ કરવાની ખાતરી જોઈએ છે. ખાસ કરીને ટેન્ડરો દ્વારા જ્યારે સોદા કરવાના થાય છે ત્યારે આવી શંકા સવિશેષ થતી હોય છે. આ સોદાઓ પૈકી બાંધકામ જેવી પ્રવૃત્તિમાં કોન્ટ્રાક્ટર નક્કી કરેલ સમયમાં માંગેલું બાંધકામ કરી આપશે કે કેમ તેની શંકા થતી હોય છે. આવા પ્રકારના સોદાઓમાં ટેન્ડર ભરતી વખતે અને જેનું ટેન્ડર સ્વીકારાય છે તે પ્રસંગે બાનાની રકમ માંગવામાં આવે છે. ટેન્ડર ભરનાર બાનાની રકમ ભરે એટલે ખાતરી મળે છે કે ટેન્ડરની વિગત પ્રમાણે ટેન્ડર ભરનાર કામ કરવા માટે શક્તિશાળી છે અને ઇચ્છુક છે. જેનું ટેન્ડર મંજૂર થાય છે તે ટેન્ડરની રકમના નક્કી કરેલ ટકા બાના તરીકે આપી પૂરેપૂરી ખાતરી આપે છે કે પોતે કૉન્ટ્રાક્ટની શરત પ્રમાણે કામ કરી આપશે. જો કોન્ટ્રાક્ટર કામ કરવામાં નિષ્ફળ જાય તો બાનાની રકમ જપ્ત કરવામાં આવે છે અને તે કાયદેસર ગણાય છે.
કોન્ટ્રાક્ટરે અધૂરું છોડેલું કામ બીજા પાસે કરાવી લેતાં જો વધારાનો ખર્ચ થાય તો તે મૂળ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલ લઈ શકાય છે. આ વસૂલ લેવાની રકમમાંથી ‘બાના’ જેટલી રકમ બાદ કરવાની થાય છે.
બાનું આમ ભવિષ્યમાં સોદા પાર ઊતરશે તેની ખાતરી આપવાનું સાધન બને છે. પક્ષકારો કાયદેસરના સોદા કરતા હોય છતાં જો કોઈ પક્ષકાર સોદા પ્રમાણે વર્તન ન કરે તો તેને માટે અદાલતનો આશરો જ ઉપાય તરીકે રહે છે. કેટલીક વાર સોદાની રકમ ઓછી હોય છે તેથી અદાલતી કાર્યવાહી નુકસાનકારક બને છે, અદાલતોમાંથી ન્યાય મળતાં વિલંબ થાય છે અને જો મળે તોપણ તે ખૂબ લાંબા સમયે મળે છે. ધંધાદારીઓનું મુખ્ય કાર્ય ધંધો કરવાનું હોય છે. તેથી પણ તેમને અદાલતી કાર્યવાહી પોષાતી નથી. આ બધી તકલીફોનો બાનાથી અંત આવે છે. કાયદેસરના કરારને પૈસાનું બળ મળે છે. બાનું આપનાર સમજે છે કે જો એ વ્યવહારનો અમલ નહિ કરે તો બાનાની રકમ જેટલી ખોટ જશે. તેથી તે સોદાનો અમલ કરે તેવી સંભવિતતા ઘણી વધી જાય છે. આમ બાનું વેપારમાં થતા સોદાના અમલીકરણને શક્ય તેમજ સરળ બનાવે છે.
અશ્વિની કાપડિયા