બાટિક-કલા : કાપડ પર મીણ વડે રંગકામ કરવાની પદ્ધતિ. પ્રવાહી મીણ કાપડ પર લગાડવામાં આવે છે. આ પછી કાપડને પ્રવાહી રંગમાં બોળવાથી કાપડ પર મીણ લાગ્યું હોય ત્યાં રંગ લાગતો નથી અને
મીણ લાગ્યું ન હોય ત્યાં રંગ લાગે છે. આ સાદી ટૅકનિક વડે કાપડ પર રંગકામ કરવાની પદ્ધતિ પ્રાચીન સુમેર અને ઇજિપ્તમાં પ્રચલિત હતી. પાછળથી આ ટૅકનિક ચીન, જાપાન, ભારત તથા ઇન્ડોનેશિયામાં પ્રસરી. સાતમી સદીમાં ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર આ ટૅકનિકનો વિકાસ તેની ચરમ સીમાએ પહોંચ્યો અને તેણે એક લલિત કળાનું રૂપ ધારણ કર્યું. ‘બાટિક’ જાવાનીઝ ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘મીણ વડે ચીતરવું’. સત્તરમી સદીની મધ્યમાં ડચ વેપારીઓ આ કલાને હોલૅન્ડ લઈ આવ્યા અને સુતરાઉ કાપડ ઉપરાંત ઊનનાં વસ્ત્રો, હાથીદાંત, સિરામિકનાં વાસણો અને ઘાસની બનાવટની ચીજવસ્તુઓને પણ મીણ વડે ચીતરવાનો નવો ચીલો પાડ્યો.
જાવાનીઝ બાટિક : જાવામાં તેરમી સદી સુધી માત્ર રાજવી ખાનદાનની વ્યક્તિઓ જ બાટિકથી ચીતરેલ વસ્ત્રો પહેરતી. ચૌદમી સદીથી જાવાની આમ જનતા પણ બાટિક પહેરતી થઈ ગઈ. જાવાનાં પ્રણાલીગત વસ્ત્રો બાટિક વડે ચીતરાતાં થયાં : સેરોંગ (કમરથી પાની સુધી વીંટાળીને પહેરવાનું સ્ત્રીઓનું વસ્ત્ર), સેંગ ડોગ (બાળકને પીઠ પર બાંધવા માટે વપરાતું સ્ત્રીઓનું વસ્ત્ર), કેમબાન (વક્ષ:સ્થળ ઢાંકવા માટેનું સ્ત્રીઓનું વસ્ત્ર) અને સેરોંગ કંપાલા (માથે ફાળિયાની માફક બાંધવાનું સ્ત્રીઓનું વસ્ત્ર).
પદ્ધતિ : સુતરાઉ કાપડની સૌપ્રથમ કાંજી કાઢી નાંખવામાં આવે છે. પછી તેને ગરમ પાણીમાં ધોવામાં આવે છે. પછી હાથપગ વડે ગૂંદી પાણીમાં તારવીને તેને વાંસના ડંડા પર લટકાવી સૂકવવામાં આવે છે. ત્યારબાદ અળશીના કે સિંગના તેલમાં 6થી 12 દિવસ તેને બોળી રાખવામાં આવે છે. આટલે સુધીની સમગ્ર પ્રક્રિયા 40 દિવસ ચાલે છે. આ પદ્ધતિમાં વપરાતી કાંજી ચોખાનાં છોતરાંમાંથી અને કેળના વૃક્ષના થડમાંથી બનાવવામાં આવે છે. આટલી પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી લાકડાના મોટા ટુકડા કે કાપેલા થડ પર કાપડને મૂકી લાકડાની હથોડી વડે તેને જોરથી કૂટવામાં આવે છે; તેથી કાપડ વધુ સુંવાળું બને છે.
રેશમી કાપડને ગૂંદવામાં કે કૂટવામાં આવતું નથી. તેને સિંગતેલમાં બે સપ્તાહ બોળી રાખવામાં આવે છે. પાણીમાં ધોઈ તેનું તેલ કાઢ્યા બાદ તેને વાંસના ડંડા પર નહિ, પણ જમીન પર પાથરેલી સાદડી પર સૂકવવામાં આવે છે.
જાવાના બાટિકમાં પરંપરાથી ત્રિકોણ, ચોરસ, ગોળ, લંબગોળ, સ્વસ્તિક, કુંતલ (spiral) જેવા ભૌમિતિક આકારોથી બનતી સંકુલ ડિઝાઇનો તથા અરબસ્તાન, ભારત અને ચીનની અસરથી આવેલી દેવહુમા (phoenix), લતાપર્ણો, જળતરંગો, હાથી, મોર, પોપટ અને ડ્રૅગનની આકૃતિઓ જોવા મળે છે.
પરંપરાથી જાવાની બાટિક પદ્ધતિના ત્રણ પ્રકાર ચાલ્યા આવે છે : (1) જૅન્ટિન્ગ : આ પદ્ધતિમાં જૅન્ટિન્ગ નામના સાધન વડે કાપડ પર મીણ લગાવવામાં આવે છે. જાવાનીઝ ભાષામાં ‘જૅન્ટિન્ગ’નો અર્થ ‘વાંકું વળેલું’ થાય છે. વાંસના હૅન્ડલવાળું પ્યાલાના આકારનું આ પાત્ર તાંબાનું બનેલું હોય છે અને તેનું તળિયું એક બાજુએ ઢળતું હોય છે, જ્યાંથી ટ્યૂબ આકારની નળી બહાર નીકળે છે. ઘણી વાર આવી એકથી વધુ નળીઓ પણ બહાર નીકળે છે. કલાકાર બાજુમાં સળગતી સગડી કે સ્ટવ પર મીણને સતત પીગળેલી અવસ્થામાં રાખે છે અને જૅન્ટિન્ગમાં પીગળેલું મીણ લઈ કોલસા કે પેન્સિલથી કાપડ પર અગાઉ કરેલી ડિઝાઇન પર તેને લગાવે છે. કાપડની એક બાજુએ આ પ્રમાણે મીણ ભર્યા પછી કાપડને ઉલટાવીને તે જ ડિઝાઇનની દર્પણઆકૃતિ (mirror-image) પર મીણ લગાવવામાં આવે છે. આ પછી કાપડને પીપમાંના રંગના પ્રવાહીમાં બોળવામાં આવે છે. ડિઝાઇન પર બંને બાજુએ મીણ લગાડ્યું હોવાથી ત્યાં રંગ જઈ શકતો નથી. જ્યાં મીણ ન લાગ્યું હોય ત્યાં રંગ જઈને કાપડના તે ભાગને રંગીન બનાવે છે. આ સિદ્ધાંત પર બાટિક-કલાનું નિર્માણ થયેલું છે. એકથી વધુ રંગોની ડિઝાઇન સર્જવા માટે આ પછી કાપડને પીપમાં રંગના પ્રવાહીમાં બોળવામાં આવે છે. ડિઝાઇન પર બંને બાજુએ મીણ લગાડ્યું હોવાથી ત્યાં રંગ જઈ શકતો નથી. જ્યાં મીણ ન લાગ્યું હોય ત્યાં રંગ જઈને કાપડના તે ભાગને રંગીન બનાવે છે. આ સિદ્ધાંત પર બાટિક-કલાનું નિર્માણ થયેલું છે. એકથી વધુ રંગોની ડિઝાઇન સર્જવા માટે આ પછી કાપડને મીણ કાઢ્યા વિના ફરી નવું મીણ લગાડી નવા રંગના પ્રવાહીમાં ડુબાડવું પડે છે. આમ ઉપરા છાપરી રંગોની સંયુક્ત અસરથી અનેકરંગી ડિઝાઇન પ્રાપ્ત થાય છે. આના વિકલ્પે રંગમાં બોળી મીણ કાઢી નાંખી નવેસરથી મીણ લગાડીને પછીથી નવા રંગમાં બોળવાની પરંપરા પણ અસ્તિત્વમાં છે.
(2) જાપ (TJAP) : ધાતુના પતરાના બ્લૉકની મદદથી થતા બાટિકને ‘જાપ’ કહે છે. આ બ્લૉક તાંબાના પતરાની પટ્ટીઓને ઝારણ કરી બનાવેલા હોય છે. 1850માં બ્લૉક વડે બાટિક કરવાની પદ્ધતિ અસ્તિત્વમાં આવી. પાથરેલા કાપડને પ્રવાહી મીણથી તરબોળ કરી બ્લૉક વડે રંગ લગાવવાથી વિશિષ્ટ છાપ ઊપસે છે.
(3) તિરાડ (crack) : કાપડ ઉપર લગાડેલું મીણ સુકાયા પછી આ મીણમાં જાણીબૂજીને તિરાડો પાડવામાં આવે છે. આ પછી કાપડને પ્રવાહી રંગમાં ડુબાડતાં મીણ વચ્ચે રહેલી તિરાડોમાં પણ રંગ પ્રસરે છે. તેથી મીણ કાઢી કાપડ ધોયા પછી તિરાડો અનુસારની રંગની ભાત ઊપસે છે.
ભારતમાં બાટિક : પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં બાટિકનું પ્રચલન હોય તેવા સીધા અને આડકતરા નિર્દેશો મળે છે. પરંતુ પરંપરાઓ ટકી નથી. તેમજ મૂળ નમૂનાઓમાંથી પણ કંઈ બચ્યું નથી.
આધુનિક ભારતમાં બાટિકનું આગમન 1910 તથા 1915 વચ્ચે શાંતિનિકેતનમાં થયું. બાટિકના ફ્રેંચ કલાકાર મા મ્યુ(MON MIEUX)એ આ સમયમાં શાંતિનિકેતનમાં પ્રતિમાદેવી ટાગોરને બાટિક કલા શિખવાડી. પ્રતિમાદેવીએ 1923માં અન્ય ફ્રેંચ કલાકાર આંદ્રે કાર્પેલ્સ સાથે શાંતિનિકેતનની મહિલાક્લબમાં બાટિકનું શિક્ષણ આપવું શરૂ કર્યું. આ કલાકાર મહિલાઓએ બાટિક કલાનો પ્રસાર બંગાળ ઉપરાંત ગુજરાત, રાજસ્થાન અને મસુલીપટ્ટણમમાં કર્યો.
હાલના વિશ્વમાં મેક્સિકો, પેરુ, આફ્રિકાના સોનિન્કે, બામ્બારા અને ઇજિપ્ત, મધ્ય એશિયાના તુર્કમૅનિસ્તાન, ઉઝબેકિસ્તાન, ભારત અને પાકિસ્તાન તથા એશિયામાં જાપાન, ચીન અને થાઇલૅન્ડમાં બાટિક કલા અસ્તિત્વમાં છે. ઇન્ડોનેશિયાનાં મહત્વનાં કેન્દ્રોમાં જામ્બી, પાલેમ્બાન્ગ, સોલો, પેકાલોન્ગોન, તાસિકમાલજ, પાલ્મીરા, માડોએરા, જોગજાકાર્તા, સોયરાકાર્તા અને સેમારાન્ગનો સમાવેશ થાય છે.
બિહારી બારભૈયા
અમિતાભ મડિયા