બાઝેં, આન્દ્રે (જ. 8 એપ્રિલ 1918, એન્જર્સ, ફ્રાન્સ; અ. 1958) : ચલચિત્ર-સમીક્ષક અને વિચારક. ચલચિત્રોમાં વાસ્તવવાદી શૈલીના પ્રણેતા ગણાતા આન્દ્રે બાઝેંએ 40 વર્ષની જિંદગીમાં ખૂબ ઓછાં વર્ષ કામ કર્યું. પણ તેમનું કામ ખૂબ પ્રભાવશાળી રહ્યું. 1945થી 1950ના ગાળામાં તેઓ ચલચિત્રજગત પર છવાયેલા રહ્યા. ઇટાલિયન નવવાસ્તવવાદના રંગે રંગાયેલા બાઝેં મૂળ તો શિક્ષક થવા માંગતા હતા. પણ બોલતી વખતે તેમની જીભ ઝલાતી હોવાથી આ વ્યવસાય માટે તેમને પસંદ કરવામાં આવ્યા નહોતા. જોકે ચલચિત્રજગત માટે તે એક મોટો ઉપકાર બની રહ્યા. સમય જતાં વિશ્વસિનેમાના તેઓ શિક્ષક બની રહ્યા. ચિત્રનિર્માણ સાથે તેમનો કોઈ સીધો સંબંધ નહોતો, પણ વાસ્તવવાદી ચિત્રનિર્માણ સંબંધી તેમના સિદ્ધાંતો આજે પણ સર્જકોને પ્રભાવિત કરી રહ્યા છે. ભારતને ચલચિત્રજગતમાં પ્રતિષ્ઠા અપાવનાર સત્યજિત્ રાયનું ‘પથેર પાંચાલી’ ચિત્ર કેન્સ (કાન) ચલચિત્ર મહોત્સવમાં રજૂ થયું, ત્યારે બાઝેંએ જ સૌપ્રથમ વાર આ ચિત્રને વખાણતો લેખ લખ્યો હતો.
બીજા વિશ્વયુદ્ધ પછીના સમયગાળામાં થયેલા અગ્રણી સમીક્ષકોમાંના એક ગણાતા બાઝેંએ યુદ્ધ દરમિયાન એક ફિલ્મ-ક્લબની સ્થાપના કરી હતી. આ ક્લબમાં તેઓ રાજકીય ર્દષ્ટિએ પ્રતિબંધિત ફિલ્મો બતાવતા. 1947માં તેઓ ફ્રેન્ચ સામયિક ‘લ પૅરિશિયન લાઇબર’માં સમીક્ષક તરીકે જોડાયા. સાથોસાથ અન્ય ફ્રેન્ચ સામયિકોમાં પણ તેઓ લખતા હતા. એ જ વર્ષે ‘લા રિવ્યૂ દ સિનેમા’ સામયિક તેમણે શરૂ કર્યું. 1951માં જેક્સ ડૉનિયલ વેલક્રોઝ સાથે મળીને તેમણે ‘લે કેહિયર્સ દ સિનેમા’ સામયિક શરૂ કર્યું હતું. બાઝેંની દેખરેખ હેઠળ આ સામયિક વિશ્વસિનેમામાં પ્રભાવશાળી સામયિક બની રહ્યું. પ્રૂફો, ગોદાર, પિયરે, કાસ્ટ, એરિક રોહમર, શાબરોલ વગેરે લેખકોના લેખો તેમાં પ્રગટ થતા હતા. આ બધા લેખકોએ સમય જતાં ચિત્રસર્જક તરીકે પણ નામના મેળવી. ફ્રાન્સના ‘ન્યૂ વેવ સિનેમા’નો જન્મ પણ અહીં જ થયો. સિનેમામાં વાસ્તવવાદના સિદ્ધાંતોનું પ્રતિપાદન કરતા અનેક લેખો બાઝેંએ લખ્યા. તેમાંના કેટલાક ચૂંટેલા લેખોનું સંકલન ચાર ખંડના એક ગ્રંથમાં કરવામાં આવ્યું છે. અંગ્રેજીમાં તે ગ્રંથ 1967માં ‘વૉટ ઇઝ સિનેમા’ નામે પ્રગટ થયો હતો. સિનેમાના ર્દશ્યફલકમાં ભૌતિક વાસ્તવિકતાને બાઝેં મહત્વની લેખતા હતા. સિનેમાના સંપાદનમાં પણ કોઈ ર્દશ્યનું અર્થઘટન દિગ્દર્શકની ર્દષ્ટિએ થાય એના કરતાં તે પ્રેક્ષક પર છોડી દેવામાં આવે એ શૈલીને તેઓ મહત્વની માનતા હતા.
હરસુખ થાનકી