બાજી ઉઠલ મુરલી (1977) : મૈથિલી કવિ ઉપેન્દ્ર ઠાકુર ‘મોહન’નો કાવ્યસંગ્રહ. તેમાં મૈથિલી સાહિત્યની ઊર્મિકવિતાની સુદીર્ઘ પરંપરાનું સાતત્ય જળવાય છે. ઉપેન્દ્ર ઠાકુરની ઊર્મિકવિતા શબ્દોનું માર્દવ, પ્રાસાનુપ્રાસ, તથા લયનું માધુર્ય ઉપરાંત ગર્ભિત અર્થસંકેત, પ્રૌઢ વિચારધારા તથા ધિંગો આશાવાદ જેવી લાક્ષણિકતાઓેને કારણે નોંધપાત્ર નીવડી છે. તેમની કવિતા બુદ્ધિ તેમજ લાગણી બંનેને સ્પર્શે છે. સંગ્રહનાં 101 ગીતોમાં દેશ સમક્ષની સમસ્યા અને તેના ઉકેલ વિશેનાં કાવ્યો ઉપરાંત પ્રકૃતિગાન અને પ્રણયગાનનાં કાવ્યો છે અને તેમાં પરંપરાગત લઢણનો લહેકો અને રણકો છે, પરંતુ સૌથી મહત્વનાં કાવ્યો રચનાત્મક નિર્માણને લગતાં છે. કવિ સૂચવે છે કે પ્રગતિ તથા આબાદીના ઉજ્જ્વળ પંથે પ્રયાણ કરવા દેશ માટે આ જ અનિવાર્ય ઉપાય છે. આ કાવ્યોમાં નવી યુવા પેઢીનું અભિવાદન કરી તેમણે તરવરિયાં યુવક-યુવતીઓને પોતાની થનગનતી શક્તિ દેશના ઉત્કર્ષ માટે જોતરવા અનુરોધ કર્યો છે. દેશદાઝનાં તમામ ગીતો રાષ્ટ્રના ભાવાત્મક ઐક્યને સુર્દઢ બનાવવાની ભાવનાથી રંગાયેલાં છે; છતાં તેમાં કોઈ ‘વાદ’નો આગ્રહ કે અનુરોધ નથી. એટલે શુદ્ધ કાવ્યરસ અને આનંદ જળવાઈ રહે છે.
સંગ્રહની બીજી લાક્ષણિકતા છે તેની વિસ્તૃત પ્રસ્તાવના; તેમાં આ કવિ-વિદ્વાને મૈથિલી કવિતાની સુદીર્ઘ પરંપરાનો ઝીણવટપૂર્વક તટસ્થ ચિતાર આપ્યો છે.
આ કાવ્યસંગ્રહને સાહિત્ય એકૅડેમીનો 1978ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો.
મહેશ ચોકસી