બાજવા, રૂપા (જ. 1976, અમૃતસર, પંજાબ) : ભારતીય અંગ્રેજી નવલકથાકાર. તેમણે અમૃતસરમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ હિંદી અને પંજાબી ભાષાના જાણકાર છે.
તેમને તેમની પુરસ્કૃત નવલકથા ‘ધ સાડી શૉપ’ (2004) બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ નવલકથાનું બ્રિટન, અમેરિકા અને ભારતમાં લાંબા સમય સુધી ધૂમ વેચાણ થયેલું. તે છ યુરોપીય ભાષાઓ ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ઇટાલિયન, ડચ, ગ્રીક અને સ્પૅનિશમાં અનૂદિત કરવામાં આવી છે. આ નવલકથા માટે તેમને ગ્રિંજેન કૉવર યુવાલેખન પુરસ્કાર, યૂરેશિયન ક્ષેત્રમાં પ્રથમ શ્રેષ્ઠ કૃતિ બદલ કૉમનવેલ્થ લેખક પુરસ્કાર (2005) એનાયત કરવામાં આવ્યા છે. કિરિયાના પુરસ્કાર તથા ઑરેંજ કથા પુરસ્કાર (2004) માટે તેનું નામાંકન કરવામાં આવ્યું છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘ધ સાડી શૉપ’ રામચંદ્ર નામના એક સેલ્સમૅનની આત્મીય અને જટિલ દુનિયામાં લઈ જાય છે, જે યોગ્ય વસ્ત્ર અને વણાટની શોધ કરતાં સ્ત્રી-પુરુષોનાં અનેક પરિવર્તનોનો પુરાવો છે. ‘સાડી’ના રૂપક દ્વારા તેઓ મધ્યમ વર્ગમાં ઝડપથી પ્રસરતા ભૌતિકવાદનો આગ્રહ દર્શાવે છે. એક નાના શહેરથી શરૂ કરીને તે વિવિધભાષી સમુદાયના રોજિંદા જીવનનાં વિધ વિધ સાંસ્કૃતિક વલણો પ્રસ્તુત કરે છે. તેમાંના વર્ગીય અને જાતીય સંઘર્ષો સાથે વિકસતા જતા ભારતનું સંવેદનપરક ચિત્રાંકન વાચકને તે કૃતિ વાંચવાની ફરજ પાડે છે. તેમાં હૃદયસ્પર્શી મનોવૈજ્ઞાનિક
ઊંડાણ, જિંદગીની કડવી વાસ્તવિકતાનું ચિત્રણ તથા સ્ત્રીઓ અને બાળકોની પીડા પ્રત્યેની સમાજની નિર્દયતા, મોંઘાંદાટ મૂલ્યોનો સામનો કરતા ભારતીયોની કિંકર્તવ્યતા વગેરેના નિરૂપણના કારણે આ કૃતિ અંગ્રેજીમાં લખાયેલ ભારતીય કથાસાહિત્યની અનોખી ભેટ ગણાય છે.
બળદેવભાઈ કનીજિયા