બાગાયત પાકો : બાગમાં ઉછેરાતાં ફળ ને શાકભાજીના પાકો. બાગાયતને અંગ્રેજીમાં horticulture કહે છે. હૉર્ટિકલ્ચર એ લૅટિન શબ્દો (horts)-બાગ અને (cultura)–કલ્ટર–ખેતી(culture)નો બનેલો છે. વર્ષો પહેલાં બાગાયતને પોતાના અંગત વપરાશ માટે ઘરની આજુબાજુ ઓછી જમીનમાં ઉગાડવામાં આવતી વનસ્પતિ એટલે કે બાગ તરીકે ગણતા હતા. ધાન્ય કે રોકડિયા પાક કરતાં બાગાયતી પાકો બે રીતે જુદા પાડવામાં આવે છે : (1) બાગાયતી પાકોની ખેતી ઘનિષ્ઠ (intensive cultivation) રીતે કરવી પડે છે. (2) બાગાયતી પાકો સામાન્ય રીતે ઓછા વિસ્તારમાં કરવામાં આવે છે. પરંતુ હવે વિસ્તાર માટે કોઈ બંધન રહેતું નથી. બાગાયતી પાકો અને સામાન્ય ખેતી પાકોને જુદા પાડવા ખૂબ જ અઘરા છે. દા.ત., બીટની વાત કરીએ તો જ્યારે બીટને ખાંડ માટે પકવવામાં આવે તો તે સામાન્ય પાક ગણાય, પરંતુ બીટને શાકભાજી માટે પકવવામાં આવે તો તે બાગાયતી પાક ગણાય.
બાગાયત પાકોમાં ફળપાકો, શાકભાજીના પાકો, ફૂલના પાકો, સુશોભિત ફૂલછોડ અને ઔષધીય પાકોનો સમાવેશ કરવામાં આવે છે. બાગાયત પાકોનું નીચે પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે છે.
(1) ફળ પાકો : ફળ પાકોને આબોહવા પ્રમાણે ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે. ઠંડા પ્રદેશના ફળપાકો, ગરમ પ્રદેશના ફળ પાકો અને મધ્ય ગરમ પ્રદેશના ફળ પાકો. બીજી રીતે ફળપાકોનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરવામાં આવે છે :
(ક) ફળ વૃક્ષો : (1) પાન ખેરવતા ફળ પાકો (deciduous fruit trees) – જામફળ, સીતાફળ. (2) સદાપર્ણી ફળ પાકો (evergreen fruit trees) – આંબો, ચીકુ, લીંબુ. (3) નટ વૃક્ષ ફળ પાકો – (nut trees) કાજુ.
(ખ) નાના ફળપાકો : દ્રાક્ષ, સ્ટ્રૉબેરી વગેરે.
(2) શાકભાજીના પાકો : શાકભાજીના પાકો જુદા જુદા વિભાગમાં વહેંચવામાં આવે છે. શાકભાજી તરીકે વનસ્પતિના ભાગને વાપરવામાં આવે છે. તે પ્રમાણે વિભાગ પાડેલ છે :
(1) ફળ-રીંગણ, ટામેટાં, દૂધી, ગલકાં, તૂરિયાં.
(2) ગાંઠ (tuber) – બટેટા.
(3) મૂળ (root) – શક્કરિયાં.
(4) કાંદા (bulb) – ડુંગળી, લસણ.
(5) પ્રકાંડ – શતાવરી.
(6) પાન – કોબી, પાલક, ધાણા, મેથી.
(7) પુષ્પવિન્યાસ – કોલી ફ્લાવર.
(8) બીજ-વટાણા, પાપડી.
(3) ફૂલોના પાકો – ગુલાબ, હજારી વગેરે.
(4) સુશોભિત છોડ – બાલસમ, બારમાસી.
(5) ઔષધીય અને સુગંધી છોડના પાકો – ગૂગળ, ઈસબગુલ, કરિયાતું વગેરે.
રાજેન્દ્ર ખીમાણી