બાખ, કાર્લ ફિલિપ ઇમૅન્યુઅલ (જ. 1714, વેઇમર, જર્મની; અ. 1788) : જર્મનીના નિષ્ણાત વાદક અને સંગીતરચનાકાર (કમ્પોઝર). તેઓ બર્લિન બાખ અથવા હૅમ્બર્ગ બૅચ તરીકે પણ લોકપ્રિય હતા. તેમણે લાઇપઝિગ ખાતે અભ્યાસ કર્યો હતો. ત્યાં તેમના પિતા યહૂદીઓના પ્રાર્થનામંદિરના અગ્રગાયક હતા. 1740માં તેઓ ભાવિ ફ્રેડરિક બીજા માટેના સંગીતવૃંદમાં સિમ્બૅલિસ્ટ તરીકે નિયુક્ત કરાયા અને પાછળથી તેઓ હૅમ્બર્ગ ખાતે વાદકવૃંદના સંચાલક બન્યા (1767). તેઓ ઑર્ગન અને ક્લૅવિયરના ખૂબ પ્રખ્યાત વાદક હતા.
તેમની સર્વોત્તમ સંગીતરચના આ ક્લૅવિયર વાદ્ય માટે જ તૈયાર કરાઈ હતી. 1753માં તેમણે ‘ધી આર્ટ ઑવ્ ક્લૅવિયર પ્લેઇંગ’નું પ્રકાશન કર્યું. વૈજ્ઞાનિક પદ્ધતિવાળું વાદનકલા જેવા વિષયનું આ સર્વપ્રથમ પુસ્તક હતું અને તેમણે જ ‘સોનાટા’ પ્રકારની સંગીતરચના સૌપ્રથમ પ્રચલિત કરી. એ ઉપરાંત અનેકવિધ કૉન્સર્ટ, કીબૉર્ડ સોનાટા, ચર્ચસંગીત તથા ચેમ્બરસંગીત પણ તેમણે પ્રયોજ્યાં છે.
મહેશ ચોકસી