બાક, એમિલી ગ્રીન (જ. 8 જાન્યુઆરી 1867, મૅસેચૂસેટ્સ, અ. 9 જાન્યુઆરી 1961, કેમ્બ્રિજ, અમેરિકા ) : અગ્રણી સમાજસુધારક તથા 1946ના શાંતિ માટેના નોબેલ પારિતોષિકનાં વિજેતા. તેઓ મૃત્યુ પામ્યાં ત્યાં સુધી તેમણે સમાજસુધારક, રાજકારણનાં વૈજ્ઞાનિક, અર્થવિદ્ અને શાંતિદૂત તરીકે કાર્ય કર્યું. અમેરિકામાં આવી વસેલી સ્લાવિક પ્રજાના પ્રશ્નો અને મુશ્કેલીઓ પ્રત્યે તેમની સક્રિય સહાનુભૂતિ રહી. પહેલા વિશ્વયુદ્ધ (1914–18) પૂર્વે અને ત્યારપછી પણ તેઓ સ્ત્રીજાગૃતિ માટેની ઝુંબેશનાં નેતા અને પ્રણેતા રહ્યાં.
તેઓ બ્રાયન મૉયર કૉલેજનાં પહેલાં સ્નાતક વિદ્યાથિર્ની હતાં. વેલેસ્લી કૉલેજમાં તેઓ ભણાવતાં તે દરમિયાન તેમણે બૉસ્ટનમાં ઉપનિવેશી વસાહતનો પાયો નાખ્યો. બહારથી આવી વસેલી પ્રજાઓને અમેરિકામાં વસાવી તેમને ઉદ્યોગોમાં કાર્યરત કરનાર મૅસેચૂસેટ્સ કમિશન માટે તેમણે નક્કર ગણાય તેવું કાર્ય કર્યું અને તે દરમિયાન તેઓ બૉસ્ટન સિટી પ્લાનિંગ બૉર્ડમાં કાર્યરત રહ્યાં. ઇંગ્લૅન્ડથી અમેરિકા આવેલા પ્રથમ હિજરતીઓ બૉસ્ટનમાં વસ્યા હતા. ઇંગ્લૅન્ડથી આવતી ચા ઉપરના કરવેરાના વિરોધમાં એક વાર બૉસ્ટનવાસીઓએ ચાનાં વહાણોમાંની ચાને દરિયામાં વહાવી દીધી હતી. બૉસ્ટન ટી પાર્ટી નામે આ ઘટના ઇતિહાસમાં ઓળખાય છે. બૉસ્ટન જાણે કે અમેરિકાનું દ્વાર બની રહ્યું હતું. એમિલી બાકના સમયમાં અમેરિકામાં અગાઉ વસેલી ગોરી પ્રજાનો હિજરતીઓ માટે હિંસક વિરોધ રહ્યો હતો અને હિજરતીઓને અમેરિકામાં કાયમી વસવાટ કરાવવા તથા ત્યાંની સ્ત્રીઓમાં જાગૃતિ આણવાનું એમિલીનું કાર્ય શાંતિ માટે અગત્યનું પુરવાર થયું હતું.
તેમને જૉન મોટ્ટ સાથે શાંતિ માટેનું નોબેલ પારિતોષિક સહભાગે મળ્યું હતું. શાંતિ અંગેનાં તેમનાં લખાણોમાં ‘એપ્રોચિઝ ટુ ધ ગ્રેટ સેટલમેન્ટ’(1918)નો સમાવેશ થાય છે.
પુષ્કર ગોકાણી