બાક્રે, સદાનંદ (જ. 10 નવેમ્બર 1920, વડોદરા) : ભારતમાં સ્વાતંત્ર્યોત્તર આધુનિક કળાની ચળવળ ચલાવનાર ‘પ્રોગેસિવ આર્ટિસ્ટ્સ ગ્રૂપ’ના સ્થાપક સભ્ય અને મહત્વના ચિત્રકાર. વડોદરાના કોંકણી કુટુંબમાં જન્મ. 9 વર્ષની ઉંમરે મુંબઈ ચાલ્યા ગયા અને ચિત્રો દોરવાં શરૂ કર્યાં. 1939માં સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં શિલ્પના વિદ્યાર્થી તરીકે જોડાયા; પરંતુ ચિત્રો દોરવાનું ચાલુ રાખ્યું. 1949માં ‘પ્રોગેસિવ આર્ટિસ્ટ્સ ગ્રૂપ’ના પ્રથમ પ્રદર્શનનું બૉમ્બે આર્ટ સોસાયટી સૅલોં ખાતે આયોજન કર્યું; અને આરા, ફ્રાન્સિસ ન્યૂટન સૂઝા, ગાડે, રઝા તથા મ. ફિ. હુસેનની હરોળમાં ચિત્રકાર તરીકે પ્રતિષ્ઠા મેળવી. હકીકતમાં ‘પ્રોગેસિવ આર્ટિસ્ટ્સ ગ્રૂપ’માં હુસેનને પ્રવેશ આપનાર બાક્રે જ હતા. આ વરસો દરમિયાન બાક્રેએ મુખ્યત્વે મહારાષ્ટ્રનાં નગરો અને નિસર્ગનું તૈલરંગોમાં સ્વાભાવિક તેમજ ઘનવાદી શૈલીએ ચિત્રણ કર્યું.
શિલ્પમાં પણ બાક્રેએ પૂરી હથોટી મેળવી તેનું જ્વલંત ઉદાહરણ છે. તેમણે સર્જેલી સર કાવસજી જહાંગીરની અરુણ પ્રતિમા(bust). આ શિલ્પ તે માધ્યમ પરની તેમની હથોટીની સાખ પૂરે છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ઝવેરીઓ માટે પણ બાક્રેએ ઘરેણાં અને ઝવેરાતની ડિઝાઇનો બનાવી છે.
1951માં બાક્રે ભારત છોડી લંડન ગયા; પરંતુ ત્યાંના કલાજગતમાં બાક્રેનો તુરત સ્વીકાર થયો નહિ. બાક્રેએ હૉસ્પિટલમાં કામદાર, રેલવેમાં કૂલી, કબ્રસ્તાનમાં કડિયા અને કોલસાની ખાણમાં ખાણિયા તરીકે અસુરક્ષિત નોકરીઓ કરીને પોતાનું ગુજરાન ચલાવ્યું. બ્રિટન ખાતેના તત્કાલીન ઇન્ડિયન હાઈ કમિશનર કૃષ્ણ મેનનને આ વાતની જાણ થતાં તેમણે હાઈ કમિશન માટે બાક્રેને ફોટોગ્રાફીની કામગીરી સોંપી અને આમ આ કલાકારનું ગૌરવ કર્યું. બાક્રેનાં આ પછીનાં 30 વરસ લંડન, પૅરિસ અને અમેરિકા વચ્ચે દોડધામમાં અને ત્યાં પોતાનાં થોડાં પ્રદર્શનો યોજવામાં ગયાં. 1982 પછી તે કાયમ માટે ભારત આવી ગયા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા મુરુડ નામના ગામમાં રહી ચિત્રો દોરવામાં વ્યસ્ત રહે છે.
અમિતાભ મડિયા