બાકમાન, ઇંગબૉર્ગ (જ. 25 જૂન 1926, ક્લૅજનફર્ટ, ઑસ્ટ્રિયા; અ. 16 ઑક્ટોબર 1973) : યુદ્ધ પછીના ઑસ્ટ્રિયાનાં એક સૌથી અગ્રણી લેખિકા. તેમણે વિવિધ સાહિત્યસ્વરૂપોમાં સર્જન કર્યું છે, પણ તેમની ઊર્મિકવિતા સૌથી વિશેષ જાણીતી છે.
તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘બૉરૉડ ટાઇમ્સ’(1953)થી જ તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી. તેમનાં કાવ્યો ભાષાકીય બારીક ચોકસાઈના કારણે નોંધપાત્ર બની રહ્યાં છે, તેમનું કાવ્યવસ્તુ અસ્તિત્વ સામે ઝળૂંબી રહેલી ધમકી અને સામાજિક પડકારો પરત્વે કેન્દ્રિત થયેલું છે અને ‘ધ થર્ટિએથ યર’ (1964) જેવા વાર્તાસંગ્રહમાં તેનું તીવ્રતાપૂર્વક આલેખન થયું છે. તેમની અસ્તિત્વવિષયક નિરાશા સામે તેમણે અભિનવ ભાષાની ખોજ દ્વારા મનપસંદ માનવવ્યવસ્થા રચવાની શક્યતા પરત્વે આશા ઠેરવી છે; આમ તેમનું સર્જનકાર્ય તાત્વિક રીતે ભાષાકીય સમસ્યાને સ્પર્શે છે.
મહેશ ચોકસી