બાંધ ગઠરિયાં અને ગઠરિયાંશ્રેણી

January, 2000

બાંધ ગઠરિયાં અને ગઠરિયાંશ્રેણી : ચન્દ્રવદન મહેતાની શૈશવનાં સ્મરણોને આલેખતી કૃતિ. ‘બાંધ ગઠરિયાં’ બે ભાગમાં વિભાજિત છે. પ્રથમ ભાગમાં શૈશવનાં સ્મરણો ઉપરાંત તેમના કુમળા ચિત્ત પર જે વ્યક્તિઓની છાપ અંકિત થઈ છે તેમનું તાર્દશ વર્ણન છે. પહેલા ભાગમાં મૅટ્રિકની પરીક્ષામાં સફળ થયા ત્યાં સુધીનું શાળાજીવન આલેખાયું છે. વડોદરાના અભ્યાસ દરમિયાન જે આગગાડીની સચોટ છાપ તેમના મન પર પડી તેનું તાર્દશ વર્ણન તેમાં છે. તેમના પિતા  રેલવેમાં નોકરી કરતા હતા. ચં. ચી. મહેતા પાસે સચરાચરના સૌંદર્યને શોધવાની, જોવાની વિશિષ્ટ આંતરર્દષ્ટિ છે. વડોદરાના જીવનની છાપ લેખકના ચિત્તમાં પ્રબળપણે અંકાયેલી છે. વડોદરાના ફતેહસિંહરાવની સવારી, વર્ષાઋતુ વગેરેનાં મનોહર વર્ણનો આપ્યાં છે. લેખકે સૂરતના જીવનનાં સંભારણાં આલેખતાં પૂર્વે તે નગરીનું વર્ણન કર્યું છે. તેમાં તેમની ઇતિહાસર્દષ્ટિ પણ વ્યક્ત થાય છે. તેમનાં સૂરત શહેરનાં સંભારણાં વિનોદી કલમે આલેખાયેલાં છે. સૂરતના સોની મહાજન, લેખક ભણવા જતા હતા તે નિશાળ, ત્યાંના શિક્ષકો, લગ્નના વરઘોડા, હોળી અને ઉત્તરાયણના ઉત્સવો એમની રસળતી કલમે અહીં રજૂ થયાં છે.

‘બાંધ ગઠરિયાં’નો બીજો ભાગ તેમના મુંબઈના કૉલેજજીવનને લગતો છે. આ ભાગમાં તેમણે પોતાની વાત કરતાં બીજી મબલખ સામગ્રી એમાં ગૂંથી છે. એમણે કરેલા પ્રવાસો, તે દરમિયાન સંપર્કમાં આવેલી વ્યક્તિઓનાં ચરિત્રો તથા એમની લાક્ષણિકતાઓ વગેરેનું તેમાં રોમાંચક વર્ણન છે.

‘છોડ ગઠરિયાં’માં અજંટા, ઇલોરા, પૉંડિચેરી, બર્મા (મ્યાનમાર) તથા દાર્જિલિંગનો પ્રવાસ વર્ણવાયો છે. લેખકે જીવનમાં ઘણાબધા અનુભવો કર્યા, નાટકો કર્યાં, આઝાદીની ચળવળમાં ભાગ લીધો. મનભર પ્રવાસો ખેડ્યા, પત્રિકાની છૂપી પ્રવૃત્તિઓ કરી, બેકારી વેઠી, સટ્ટા કર્યા – તે બધાંની સાથે સાથે તેમના અંતરનીયે કેટલીક વાતો અહીં નિખાલસપણે જણાવી છે. એમનું અપ્તરંગી વ્યક્તિત્વ, એમની વિનોદભરી શૈલી, એમની વર્ણનકલા, એમનું અવારનવાર પ્રગટ થતું લાક્ષણિક ગદ્ય, એમના અંતરમાં ચાલેલાં ઘમસાણો, એમનું ચાંચલ્ય, એમની ઊર્મિલતા – આ બધું વાચકને આકર્ષક લાગે છે.

‘સફર ગઠરિયાં’માં યુરોપનો પ્રવાસ વર્ણવાયો છે. આ પ્રવાસ દરમિયાન જે કલાકારો, સાહિત્યકારો, નાટ્યકારો, નૃત્યકારો વગેરેને મળ્યા તેમનો તેમજ તેમણે જે નગરો અને નગરજનોને જોયાં તેમની રહેણી-કરણી, સ્વભાવ, વિશિષ્ટતાઓ, લાક્ષણિકતાઓ, સંસ્કૃતિ અને કલાનો સવિવરણ-સવિસ્તર પરિચય અહીં આલેખાયો છે, જે સાંસ્કૃતિક ર્દષ્ટિએ મહત્વનો છે.

‘રંગ ગઠરિયાં’માં યુરોપના ઉત્તર, દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ ભાગના નાટ્યસંદર્ભે કરેલા પ્રવાસની, તે પ્રવાસમાં નજરે જોયેલી તેમજ જાતે અનુભવેલી હકીકતોનો સાર આપ્યો છે. નાટકના ક્ષેત્રમાં કામ કરનારા ઉત્સાહી માણસોને ઉપયોગી થાય તેવી માહિતી આ પુસ્તકમાં પીરસાઈ છે. વિધવિધ અભિનેતાઓ, અભિનેત્રીઓ, નાટકશાળાઓ, નાટ્યતાલીમ-સંસ્થાઓ, નાટ્યપરિષદો તથા તે ક્ષેત્રના પંડિતો સાથેની નાટ્યચર્ચાઓ, નાટકકારો, દિગ્દર્શકો, તેમણે જોયેલાં સંગ્રહસ્થાનો તેમજ સ્થળવિશેષો વગેરેનો રસાત્મક પરિચય અહીં મળે છે.

‘રૂપ ગઠરિયાં’માં લંડન, હૉલેન્ડ અને ફ્રાન્સમાં જોયેલાં નાટકોનો ટૂંકસાર આલેખાયો છે. લેખકની વિનોદી શૈલીમાં નાટક અને નાટ્યરસિકોનો પરિચય રજૂ થયો છે. તેમનાં તાજગીભર્યાં વર્ણનોથી આ પુસ્તક સભર છે. તેમના પ્રસન્ન વ્યક્તિત્વનો આસ્વાદ કરાવતું આ પુસ્તક રસપ્રદ છે.

‘નાટ્ય ગઠરિયાં’માં ખુલ્લી આંખે જગતને જે રીતે લેખકે જોયું-જાણ્યું અને માણ્યું-નાણ્યું છે એની રસમય વાતો રજૂ થઈ છે. માત્ર નાટ્યસૃષ્ટિ નહિ પણ રમણીય સ્થળો, વિવિધ કલાઓનાં ધામો, યુરોપનાં ભિન્ન ભિન્ન દેશોનાં સ્થળોની વિશિષ્ટતાઓનું ચિત્રણ તેમજ યુરોપને બાથમાં લઈ તેની સમગ્ર સાંસ્કૃતિક પ્રવૃત્તિનો નિષ્કર્ષ આપવાનો ઉપક્રમ અહીં છે. તેથી આ પુસ્તક માહિતીગ્રંથની ગરજ પણ સારે છે.

‘અંતર ગઠરિયાં’ 1 અને 2માં તેમનો ઇટાલીનો પ્રવાસ રસપ્રદ રીતે વર્ણવાયો છે. ‘ધ્રુવ ગઠરિયાં’માં ઉત્તરધ્રુવપ્રદેશ સુધી પહોંચતાં પૂર્વે તેમણે ખેડેલો તાશ્કંદ, સમરકંદ, મૉસ્કો, સાઇબીરિયા અને માર્ગમાં આવતા પ્રદેશોની ઐતિહાસિક, ભૌગોલિક અને સાંસ્કૃતિક માહિતી આપી છે.

‘ગાંઠ બંધનિયાં’માં પરદેશનો પ્રવાસ આલેખાયો છે. પાબ્લો પિકાસો, વૉલ્તેર, દૉન કિહોતે જેવાનાં વ્યક્તિચરિત્રો પણ આલેખાયાં છે. ‘પ્રસન્ન ગઠરિયાં’માં પ્રયોજાયેલા તળપદા શબ્દો વાચકનું ધ્યાન ખેંચે છે. ‘રેડિયો ગઠરિયાં’માં 1937થી 1952 સુધીનો ગાળો સમાવાયેલો છે. તેમાં તેમના રેડિયો ઉપરના વાર્તાલાપો વિશેની નોંધ છે. ‘આખર ગઠરિયાં : શૂન્યનો સરવાળો’માં પરદેશનો પ્રવાસ તો ખરો જ. ઉપરાંત ત્યાંની નાટકની દુનિયાના અનુભવો પણ આલેખાયા છે. સાથે સાથે અદી મર્ઝબાન અને ઝુબિન મહેતા જેવા કલાકારો પણ ત્યાં ભણેલા તેનો ઉલ્લેખ પણ આવે છે.

આમ, ચં. ચી. મહેતાની ગઠરિયાંશ્રેણી ‘વીતેલાં વર્ષોની રસળતી શૈલીમાં નિરૂપાયેલી સ્મરણકથા’ છે.

નલિની દેસાઈ