બાંટુ ભાષાઓ : આફ્રિકાના નાઇજર-કૉંગો ભાષાકુલની બેનુકાગો શાખાનો મુખ્ય ભાષાસમૂહ. આફ્રિકાના ઉત્તરથી દક્ષિણના મોટા વિસ્તારમાં પ્રસરેલા 6 કરોડથી વધુ લોકો દ્વારા પ્રયોજાતી 790 જેટલી ભાષાઓ, બોલીઓ. આમાંની કેટલીક રોમન લિપિમાં લખાય છે. આ બધા લોકો પૂર્વ, મધ્ય અને દક્ષિણ આફ્રિકામાં સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય રીતે વૈવિધ્ય ધરાવે છે. ‘બાંટુ’નો અર્થ ‘લોકો’ થાય છે.
બાંટુપટામાં દક્ષિણ આફ્રિકામાં ઝુલુ, સ્વાઝી, ક્ષોહ્સા, બાસુટો, વેંડા, નૅબેલ અથવા માટબેલ, પૉન્ડો, પેડી વગેરે ભાષાઓ મુખ્ય છે. જ્યારે મધ્યમાં શૉનો, બેમ્બા, લૉઝી અને પશ્ચિમમાં કિકુયુ, કંબા, શૉગ્ગા, ગંઠા વગેરે ભાષાઓનો સમાવેશ કરવામાં આવે છે. 1862માં જર્મન વિદ્વાન વિલ્હેમ બ્લીકે ‘બાંટુ ભાષાઓ’ નામાભિધાન કર્યું. એમણે આફ્રિકન ભાષાઓનું વિભાગીકરણ બુશમૅન, બાંટુ, નિગ્રો, હેમિટિક, સેમિટિક અને નુબાફૂલા તરીકે કર્યું. બાંટુ બોલનાર સાંસ્કૃતિક ર્દષ્ટિએ જુદા જુદા છે. પરંતુ કોઈક કાળે તેઓ બધા એક ખાસ જગ્યાએ વસતી એક જ ટોળીના હશે તેમ તજ્જ્ઞોનું માનવું છે. એક મત મુજબ બાંટુ લોકો મૂળ નાઇજીરિયાની બેન્યુ ખીણના પ્રદેશમાંથી આફ્રિકામાં આવ્યા હોવાનું મનાય છે. અન્ય મતે તેમનું મૂળ નિવાસસ્થાન ઉત્તરમાં મધ્ય કેમરૂન અથવા મધ્ય આફ્રિકા હશે તેવી માન્યતા છે. સૌપ્રથમ ઝેર કે લુબામાં વસવાટ કર્યા પછી બાંટુ લોકો વધારે વર્ષાવાળા પ્રદેશમાં જઈને વસ્યા હશે તેમ મનાય છે.
બાંટુ ભાષાનાં નામ (nouns) મૂળ ધાતુઓમાંથી બનેલાં છે, જેમની આગળપાછળ અવ્યય (prefix) અથવા પ્રત્યય (suffix) મૂકવામાં આવે છે. અવ્યય વચન મુજબ બદલાય છે. નામનું વિભાગીકરણ જાતિ પ્રમાણે થાય છે. આમ બાંટુ ભાષામાં વાક્યમાં વપરાતા લગભગ મોટાભાગના શબ્દોની ઓળખ તેમના અવ્યય કે પ્રત્યય પર અવલંબે છે. બાંટુ ભાષાઓમાં સૌથી વધુ જાણીતી સ્વાહિલી ટાંઝાનિયાની રાષ્ટ્રભાષાનો મોભો ધરાવે છે. આ ભાષામાં એક શબ્દમાં સંપૂર્ણ વાક્ય બનાવવાની ક્ષમતા છે. દા.ત., ‘હાતુતામપિગા’ – ‘અમે તેને મારશું નહિ’. આમાં ‘હા’થી નકારાત્મક અર્થ સૂચવાય છે. ‘તુ’ એટલે ‘અમે’, ‘તા’ ભવિષ્યકાળ સૂચવે છે, ‘મ’ એટલે ‘તેને’ અને ‘પિગા’ ‘મારવું’ અર્થ સૂચવે છે. માલ્કમ ગુથરીએ ‘કમ્પૅરેટિવ બાંટુ’ (1967–70)ના 4 ગ્રંથો યુનિવર્સિટી ઑવ્ લંડન દ્વારા પ્રસિદ્ધ કર્યા છે.
વિ. પ્ર. ત્રિવેદી