બાંજુલ : પશ્ચિમ આફ્રિકામાં આવેલા ગામ્બિયા દેશનું પાટનગર, મોટામાં મોટું શહેર તથા ઍટલાન્ટિક કિનારા પરનું બંદર. ભૌગોલિક સ્થાન : 13° 28´ ઉ. અ. અને 16° 39´ પ. રે. પર ગામ્બિયા નદીના મુખ પાસેના સેન્ટ મેરીઝ ટાપુ પર સમુદ્રસપાટીથી લગભગ 27 મીટરની ઊંચાઈએ આવેલું છે તથા મુખ્ય ભૂમિ સાથે પુલથી જોડાયેલું છે. અગાઉ તે બાથર્સ્ત નામથી ઓળખાતું હતું.
શરૂઆતમાં તો તે એક લશ્કરી થાણું હતું. તેની સ્થાપના બ્રિટિશ સંસ્થાનની કચેરીના હુકમ અનુસાર ગુલામોના વેપારને ઉત્તેજન મળે તે હેતુથી કૅપ્ટન ઍલેક્ઝાન્ડર ગ્રાન્ટ દ્વારા થયેલી. તેણે ગામ્બિયા નદીના મુખ પરના આ ટાપુને પસંદગી આપી તે વખતે આ ટાપુનું નામ સેન્ટ મેરીઝ હતું. આ થાણું ફ્રાન્સમાં મોકલવામાં આવતી ચીજવસ્તુઓના વેપારનું કેન્દ્ર પણ બનેલું. પહેલાં બ્રિટિશ સંસ્થાનના મંત્રી (secretary) અને ત્યારપછી ગામ્બિયાના સંરક્ષક કે કારભારી (regent) બનેલા હેન્રી બાથર્સ્તના નામ પરથી અહીં સ્થપાયેલી નવી વસાહતનું નામ ‘બાથર્સ્ત’ રાખવામાં આવ્યું. વસ્તી વધતાં તે અહીંની બ્રિટિશ કૉલોનીનું પાટનગર બન્યું. 1947 પછી તેનો વહીવટ શહેરી સત્તામંડળ (town council) દ્વારા થવા લાગ્યો. 1966માં દેશના સ્વાતંત્ર્ય સાથે તેને નગરનો દરજ્જો મળ્યો તેમજ દેશનું પાટનગર પણ બન્યું. 1973માં તેનું ‘બાથર્સ્ત’ નામ બદલીને ‘બાંજુલ’ રાખવામાં આવ્યું.
બાંજુલનું જાન્યુઆરીનું મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 31° સે. તથા 15° સે. જેટલું રહે છે. વર્ષનો મોટાભાગનો વરસાદ જૂનથી ઑક્ટોબર સુધીમાં પડી જાય છે. કુલ વાર્ષિક વરસાદનું સરેરાશ પ્રમાણ 1296 મિમી. જેટલું રહે છે.
બાંજુલ ગામ્બિયાનું વેપારી મથક અને પરિવહન સેવાઓનું કેન્દ્ર છે. ગામ્બિયા નદીની આજુબાજના વિસ્તારને આવરી લેતા ગામ્બિયા દેશનો આકાર પૂર્વ-પશ્ચિમ લંબાયેલી નાનકડી સાંકડી પટ્ટીના સ્વરૂપનો છે. બાંજુલને આ નદીના જળમાર્ગે નિયમિત રીતે સ્ટીમરોની પરિવહન-સેવા ઉપલબ્ધ થાય છે. તે દેશના છેક પૂર્વ છેડે 387 કિમી. અંતરે ઉપરવાસમાં આવેલા બાસી સાન્ત સુ(Basse Santa Su)ને સાંકળે છે. બાંજુલની દક્ષિણે ટ્રાન્સ-ગામ્બિયા ધોરી માર્ગ પસાર થાય છે અને તેનાથી આશરે 22 કિમી. અગ્નિકોણમાં યુન્દુમ (Yundum) ખાતે દેશનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. દેશમાં થતા મગફળીના મબલક ઉત્પાદનને લીધે બાંજુલમાં મગફળી ફોલીને દાણા છૂટા પાડવાના અનેક યાંત્રિક એકમો છે તો મગફળીના તેલની મિલો પણ છે. આ બંદરેથી સિંગદાણા, સિંગતેલ તેમજ તેલતાડ(oil-palm)નાં કોચલાંની નિકાસ થાય છે. બાંજુલમાં ધીમે ધીમે પ્રવાસન-ઉદ્યોગ પણ વિકસી રહ્યો છે. બેકારીની સમસ્યાના ઉકેલ રૂપે અહીંની સરકાર તરફથી કાષ્ઠ-કોતરણીના, સોનાચાંદીના રત્નજડિત દાગીના તથા કાપડના રંગાટીકામ જેવા વિવિધ પ્રકારના હસ્તઉદ્યોગોને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. આશરે 1,50,000 (1986) જેટલી વસ્તી ધરાવતા બાંજુલની 50 % જેટલી વસ્તી વૉલૉફ (wolof) કોમના લોકોની છે. આ ઉપરાંત અહીં અકુ (Aku) – મુક્ત ગુલામોના વંશજો; મૅલિન્કે કે મૅન્ડિંગો, મૌરિટાનિયન, લેબૅનીઝ વગેરે લોકો પણ વસે છે. આ શહેર ગામ્બિયાનું મહત્વનું શિક્ષણકેન્દ્ર ગણાય છે. તે વિવિધ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ – ગામ્બિયા હાઇસ્કૂલ, મુસ્લિમ હાઇસ્કૂલ, વ્યાવસાયિક શાળા, નર્સિગ સ્કૂલ વગેરે – ધરાવે છે. આ ઉપરાંત અહીં હૉસ્પિટલો, આરોગ્યભવનો ઘરડાઘર, મસ્જિદ અને જુદાં જુદાં એંગ્લિકન, કૅથલિક અને મૅથોડિસ્ટ ચર્ચ આવેલાં છે.
બીજલ પરમાર