બહુફળી : દ્વિદળી વર્ગમાં આવેલા ટિલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Corchorus antichorus Raensche. (બેઠી બહુફળી, ભૂફલી, હરણસુરી, નાની બહુફળી) અને C. aestuans L. syn. C. acutangulus Lam. (મોટી બહુફળી, છૂંછ, છધારી છૂંછ, જીતેલી) છે. બેઠી બહુફળી ભૂપ્રસારી હોય છે અને તેની શાખાઓ વળદાર હોય છે. તેનાં પર્ણો નાનાં, ગોળાકાર અને બહિરુદભેદરહિત હોય છે. તે કાતરાદાર અને બારીક હોય છે. તેમને છાતલાં તરીકે ઓળખવામાં આવે છે. આ છાતલાં હરણને ઘણાં સારાં લાગે છે. તેથી આ છાતલાંને ‘હરણસુરી’ કહે છે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાં તે ગરમ રેતાળ પ્રદેશમાં નદી-તળાવકાંઠે થાય છે.
મોટી બહુફળી ટટ્ટાર હોય છે. પર્ણો અંડાકાર, પર્ણાગ્ર અણીદાર અને દંતુર હોય છે. તે છૂંછ (બહિરુદભેદો) ધરાવે છે. પુષ્પો સપ્ટેમ્બર માસમાં બેસે છે. તે નાનાં અને પર્ણની વિરુદ્ધ 2થી 3ના ગુચ્છમાં પરિમિત પુષ્પવિન્યાસ સ્વરૂપે ઉદભવે છે. ફળ લગભગ 3.0થી 3.5 સેમી. લાંબું પ્રાવર પ્રકારનું અને 6 ધારવાળું હોય છે. તેના 3 ખૂણાઓ સપક્ષ હોય છે. એક સામાન્ય અપતૃણ તરીકે તે ગુજરાતમાં ઊગી નીકળે છે.
નાની બહુફળી શીતળ લૂખી, દોષશાંતકર્તા, પુષ્ટિકર્તા અને સંકોચનકર્તા છે. તે શીઘ્રસ્ખલન, સ્વપ્નદોષ, વીર્યનું પાતળાપણું, શુક્ર પ્રમેહ તથા પરમિયામાં લાભ કરે છે. મોટી (ઊભી) બહુફળી તૂરી-તીખી ને મધુર, ભારે, સ્નિગ્ધ, શીતવીર્ય, ત્રિદોષશામક, મૂત્રલ, વીર્યવર્ધક, બળ અને પુષ્ટિવર્ધક, મેધાવર્ધક તથા ઉદરશૂળ, ઝાડા, મરડો, ગ્રહણી, હરસ, રક્તપિત્ત, મૂત્રાલ્પતા મટાડનાર અને જંતુઘ્ન તથા વ્રણરોધક છે.
તેનાં બી (બળબીજ) ત્વચાનાં દર્દો, ઉદરશૂળ તથા ઉંદરના ઝેરનો નાશ કરવા સાથે બળવીર્યની વૃદ્ધિ તથા પુષ્ટિ કરે છે. તે પચવામાં ભારે અને આફરો કરનાર છે.
બળદેવપ્રસાદ પનારા