બહુપુંજન્યુતા : આવૃતબીજધારી વનસ્પતિના ભ્રૂણપુટ(embryo sac)માં બે કરતાં વધારે પુંજન્યુઓની હાજરી. આ સ્થિતિ એક અથવા તેથી વધારે પરાગનલિકાઓના પ્રવેશને કારણે ઉત્પન્ન થાય છે.

સામાન્ય રીતે એક અંડકમાં એક જ પરાગનલિકા દાખલ થાય છે; પરંતુ Elodea, Ulmus, Juglans, Xyris, Oenothera, Boerhaavia, Beta, Acacia, Fagopyrum, Sagittaria, Cephalanthera plantanthera અને Nicotianaમાં બે પરાગનલિકાઓનો પ્રવેશ થાય છે. Statice, Gossypium અને Orchisમાં ત્રણ પરાગનલિકાઓ અને Juglansમાં પાંચ પરાગનલિકાઓનો પ્રવેશ થાય છે.

વધારાની પરાગનલિકાઓના પ્રવેશથી ભ્રૂણપુટમાં બે કરતાં વધારે પુંજન્યુઓ મુક્ત થાય છે. એક જ પરાગરજ કે પરાગનલિકામાં ક્વચિત્ બે કરતાં વધારે પુંજન્યુઓ જોવા મળે છે. આ અસાધારણતા પરાગરજમાં કે પરાગનલિકામાં ઉદભવે છે.

આકૃતિ 1 : Polygonatum canaliculatumની પરાગનલિકામાં ચાર પુંજન્યુઓ

Cuscuta epithymumમાં એક પરાગનલિકામાં ત્રણ, Helosis cayennesis, vinca herbacea, Parthenium argentatum અને P. incanum, Allium rotundum, A. zebdanense, Galanthus nivalis, Crepis capillaris અને Polygonatum canaliculatumમાં ચાર પુંજન્યુઓ જોવા મળે છે.

આકૃતિ 2 : Sagittaria gramineaના ફલિત ભ્રૂણપુટમાં દ્વિકોષીય ભ્રૂણ અને બે ભ્રૂણપોષકેન્દ્રો સાથે જોડાયેલા બે પુંજન્યુઓ.

Crepis capillarisના ભ્રૂણપુટમાં ગેરાસિમોવા(1933)એ બેથી પાંચ જોડ પુંજન્યુઓની નોંધ કરી છે. તેમના મત પ્રમાણે મૂળભૂત પુંજન્યુઓની જોડનાં વિભાજનોથી આ સ્થિતિનું નિર્માણ થયુ છે. વૉર્મ્કે (1943) Taraxacum koksaghysના એક ભ્રૂણપુટમાં આઠ પુંજન્યુઓનું; જ્યારે બીજા ભ્રૂણપુટમાં મૂળભૂત બે પુંજન્યુઓ ઉપરાંત આઠ પુંજન્યુઓનું અવલોકન કર્યું છે.

આ પ્રકારની બહુપુંજન્યુતાથી બે પ્રકારની અસાધારણતાઓ ઉત્પન્ન થવાની શક્યતા છે. વધારાના પુંજન્યુઓ પૈકી કેટલાક અંડકોષનું ફલન કરી કાં તો બહુરંગસૂત્રી (polyploid) ભ્રૂણ ઉત્પન્ન થાય છે; અથવા અંડસાધનના એક કરતાં વધારે કોષોનું ફલન થતાં એકથી વધારે ભ્રૂણ (બહુભ્રૂણતા = polyembryony) ઉદભવે છે. Monotropa hypopitys, Iris sibirica અને Gagea lutea અને Oenothera nutans [તેનું પરાગનયન O. pycnocarpa દ્વારા કરાવવામાં આવ્યું હતું.]ના અંડકોષમાં કેટલીક વાર બે પુંજન્યુઓનો પ્રવેશ થાય છે.

બે કરતાં વધારે પુંજન્યુઓના પ્રવેશથી ભ્રૂણપુટમાં અન્ય અસાધારણતાઓનો પણ ઉદભવ થાય છે. ફ્રિઝેન્ડાહ્લે (1912) Myricaria germanicaમાં બંને ધ્રુવીય (polar) કોષકેન્દ્રો સાથે બે સ્વતંત્ર પુંજન્યુઓના યુગ્મનનું નિરીક્ષણ કર્યું છે. Myricariaમાં ઉપરનું ધ્રુવીય કોષકેન્દ્ર એકગુણિત અને નીચેનું ત્રિગુણિત હોય છે. તેથી કેટલાંક ભ્રૂણપોષકેન્દ્રો દ્વિગુણિત અને કેટલાંક ચતુર્ગુણિત બને છે. Acacia baileyanaમાં ન્યુમૅન(1934)ને પ્રાથમિક ભ્રૂણપોષકેન્દ્રમાં 4n, 7n અને 8n રંગસૂત્રો જોવા મળ્યાં છે. તેના ભ્રૂણપુટમાં એક કરતાં વધારે પરાગનલિકાઓ પ્રવેશે છે. તેથી વધારાનાં પુંજન્યુકોષકેન્દ્રો દ્વિતીયક કોષકેન્દ્ર (secondary nucleus) સાથે જોડાય છે. Sagittaria gramineaમાં પ્રાથમિક ભ્રૂણપોષકેન્દ્રનાં એક કે બે વિભાજનો થયા પછી બીજી પરાગનલિકામાંથી મુક્ત થયેલા પુંજન્યુઓ કેટલાંક ભ્રૂણપોષકેન્દ્રો સાથે જોડાય છે.

બળદેવભાઈ પટેલ