બહુપત્નીપ્રથા (polygamy) : પુરુષ દ્વારા એક કરતાં વધુ પત્ની સાથે સંસાર માંડવાની પ્રથા. સામાન્ય રીતે પ્રાચીન પ્રણાલી અનુસાર પુરુષ અને સ્ત્રી બંને માટે હિંદુ લગ્નનો આદર્શ એકસાથી લગ્નનો  હતો. આમ છતાં પુરુષ માટે ધાર્મિક અને આધ્યાત્મિક હેતુ માટે તથા કુટુંબના સાતત્ય માટે બીજી પત્નીની છૂટ અપાતી હતી. પ્રથમ પત્ની વંધ્યા હોય અથવા પ્રથમ પત્ની સંતાનોમાં ફક્ત કન્યાઓને જ જન્મ આપતી હોય તોપણ પુરુષને બીજી પત્ની કરવાની છૂટ અપાતી હતી. આવી પરિસ્થિતિમાં પ્રથમ પત્ની તેના પતિને બીજી પત્ની લાવવા વિનંતી કરે એ તેનું કર્તવ્ય લેખાતું હતું. આમ પ્રાચીન યુગમાં વિશિષ્ટ સંજોગોમાં બહુપત્નીત્વને સ્વીકૃતિ મળી હતી.

દુનિયામાં સર્વ સમાજોમાં લગ્નસંસ્થા છે, પરંતુ દરેક સમાજમાં તેનું સ્વરૂપ એકસરખું જોવા મળતું નથી. દા.ત., જનજાતિસમાજમાં લગ્ન એક સામાન્ય સામાજિક ઘટના ગણાય છે. તેમાં લગ્ન કરવાવાળા સામાજિક નિયમ અનુસાર  લગ્ન માટે કોઈ પણ એક તરીકો અપનાવી શકે છે.

હિન્દુ સમાજમાં લગ્નને ધાર્મિક સંસ્કાર માનવામાં આવે છે. હિન્દુઓની શ્રદ્ધા અનુસાર જન્મ, લગ્ન અને મૃત્યુ ઈશ્વર દ્વારા જ નક્કી થયેલ હોય છે અને તેમાં વ્યક્તિનું કાંઈ જ ચાલતું નથી.

હિન્દુઓમાં બહુપત્નીવિવાહ માન્ય છે, પરંતુ પત્નીઓની સંખ્યા સીમિત કરવામાં આવેલ નથી. જ્યારે મુસલમાનોમાં બહુપત્નીવિવાહ માન્ય છે, પરંતુ એક સમયગાળામાં ચારથી વધુ પત્નીઓ સાથે સંસાર માંડી શકાતો નથી.

આર્થિક મુશ્કેલીઓને કારણે ભારતની આદિમ જાતિઓમાં બહુપત્નીત્વનું પ્રમાણ મહદ્અંશે ઓછું છે. આદિમ જાતિઓમાં પણ જેઓ વધુ સંપન્ન હોય તેઓ બહુપત્નીત્વને આવકારે છે. નાગા, બૈગા, ગોંડ, ટોડા અને મધ્ય ભારતની કેટલીક આદિમ જાતિઓમાં બહુપત્નીત્વપ્રથા જોવા મળે છે.

સ્ત્રીઓની વધુ સંખ્યાને લીધે સમાજમાં બહુપત્નીપ્રથા પ્રચલિત બને છે. કેટલીક વાર વધુ પત્નીઓથી સમાજમાં વધુ પ્રતિષ્ઠા અને માન પ્રાપ્ત થાય છે, એ ર્દષ્ટિબિંદુથી પણ આદિમ સમાજોમાં બહુપત્નીત્વપ્રથા પ્રવર્તે છે. નાગા, ગોંડ, વારલી, નાયકડા, બૈગા અને ગુજરાતના ભીલોમાં આ પ્રથા જોવા મળે છે. ભીલ ગરાસિયામાં બાળકો માટે એક પછી એક એમ ત્રણ પત્નીઓ થઈ શકે છે. વિલાસ કે વૈભવ માટે તેઓ બીજી પત્ની કરતા નથી, કારણ કે તેમના સમાજમાં જાતીય સંબંધની છૂટ હોય છે, પરંતુ વારસદાર માટે તેઓ વધુ પત્ની કરે છે. વળી તેઓ પાસે જમીન ઓછી હોવાથી ખેતીમાં મદદરૂપ થવા માટે બીજી પત્ની કરવાનો તો પ્રશ્ન જ તેમની બાબતમાં ઊભો થતો નથી.

1947ના આંકડાઓ પ્રમાણે રાજપીપળામાં 327 આદિવાસી કુટુંબોમાંથી 7 % આદિવાસી કુટુંબોમાં બહુપત્નીત્વ હતું. ઊંચા સામાજિક દરજ્જા અને પ્રતિષ્ઠા માટે તેઓ વધુ પત્નીઓ કરતા હતા. જેમની પાસે ઓછા પૈસા હોય તેમના જીવનમાં પણ એ અભિલાષા રહે છે કે જ્યારે વધુ પૈસા મળશે ત્યારે તેઓ પણ બીજી પત્ની કરશે.

થાસ લોકોમાં બહુપત્નીપ્રથા છે. સ્ત્રીઓની વધુ સંખ્યા, દ્વિપત્નીમાં ઈર્ષાનો અભાવ, કન્યાશુલ્કને ઊંચો દર વગેરે કારણોસર આ પ્રથા પ્રચલિત બની હોય તેમ જણાય છે. પુરુષોની ઓછી સંખ્યા અને તેમનો વિવિધતા માટેનો શોખ પણ બહુપત્નીત્વપ્રથા માટે કારણભૂત હોઈ શકે છે.

જેમ પિતૃસત્તાક સમાજમાં પુત્રની મહત્તા હોય છે, તેમ આદિમ જાતિસમાજમાં પણ પુત્રની સવિશેષ મહત્તા ર્દષ્ટિગોચર થાય છે. અનેક પત્નીઓ કરીને પણ પુત્રપ્રાપ્તિ કરવાની તેમની મહેચ્છા હોય છે. ખેતીમાં ઘણી વાર એકથી વધુ પત્નીઓ મદદરૂપ બને છે. તેથી પણ તેઓ એક કરતાં વધુ પત્નીઓ સાથે સંસાર માંડતા હોય છે.

આમ, આદિમ જાતિઓમાં સામાજિક દરજ્જા માટે, પુત્ર-પ્રાપ્તિ માટે, ખેતી તેમજ અન્ય કાર્યોમાં મદદરૂપ બની શકે તે માટે પુરુષો એક કરતાં વધુ પત્નીઓ કરતા હોય છે.

બહુપત્નીપ્રથાના કેટલાક લાભો  છે; દા.ત., એક કરતાં વધુ સ્ત્રીઓ બાળકોની સારસંભાળ ઘણી સારી રીતે રાખી શકે છે; અધિક કામવાસના ધરાવતા પુરુષોને પોતાના કુટુંબમાં જ એક કરતાં વધુ સ્ત્રીઓ મળી રહે છે; અધિક ધનવાન અને શક્તિશાળી વ્યક્તિ જ આવાં લગ્ન કરે છે અને તેથી તેમનાં સંતાનો સારાં હોય છે.

બહુપત્નીપ્રથાના ગેરલાભો પણ છે; દા.ત., કુટુંબ પર આર્થિક બોજ વધુ પડે છે; કુટુંબમાં એક કરતાં વધુ સ્ત્રીઓને કારણે ઈર્ષા, દ્વેષ તેમજ ક્લેશમય વાતાવરણ પેદા થાય છે; બહુપત્નીત્વપ્રથાને કારણે સ્ત્રીઓની સ્થિતિ અને તેમનો દરજ્જો નીચો ઊતરે છે.

નિરંજના પટેલ