બહુપતિપ્રથા : એક સ્ત્રી બે કે વધારે પુરુષો સાથે એકસાથે લગ્ન-જીવન ગાળે અને તે બધાને પતિ તરીકે સ્વીકારે તેવી પ્રથા. જ્યારે આવા લગ્નમાં પતિઓ બધા સગા ભાઈઓ હોય ત્યારે આ સંબંધને સહોદર અથવા ભ્રાતૃક-બહુપતિલગ્ન (adephic or fraternal polyandry) કહે છે. આ પ્રકારના લગ્નમાં સંતાનોનો પિતા કેવળ મોટો ભાઈ ગણાય છે. કેટલાક સમાજોમાં વિશેષ વિધિ અનુસાર, પિતૃત્વનિર્ધારણ થાય છે. ત્રીજી પદ્ધતિમાં બધા ભાઈઓને બધાં સંતાનોના સમાન પિતા માનવામાં આવે છે.
બહુપતિપ્રથાનું એક વિશિષ્ટ રૂપ એવું છે, જેને ગૌણ લગ્ન અથવા અનુલગ્ન (secondary marriage) કહે છે. તેમાં સ્ત્રી તેના લગ્નનો વિચ્છેદ કર્યા વિના અન્ય પુરુષની પત્ની બનીને રહે છે.
બહુપતિપ્રથા અને બહુપુરુષગમન વચ્ચે ભેદ છે. પારિવારિક પરંપરામાં કેટલાક સમાજમાં અનેક પુરુષો એક નિશ્ચિત સ્ત્રીની સાથે જાતીય સંબંધોની છૂટ મેળવે છે. કેટલાક સમાજમાં આતિથ્યસત્કારમાં અતિથિના મનોરંજન અર્થે પરિવારની સ્ત્રી ભોગવવાની છૂટનો પણ સમાવેશ થાય છે. શુદ્ધ અર્થમાં બહુપતિપ્રથા વિરલ છે. તે એકલવાયા સમાજોમાં વિશેષ સંજોગોમાં વિશેષ સ્વરૂપે જોવા મળે છે. તેને સાંસ્કૃતિક ઉત્ક્રાંતિમાં પ્રારંભિક બહુપતિપ્રથાવાળા સમાજના અવશેષ તરીકે ગણતો એવો આરંભકાળના સંસ્કૃતિવિદોનો મત હવે સ્વીકારાતો નથી.
બહુપતિપ્રથાનાં પ્રમુખ લક્ષણો આ પ્રમાણે છે :
(ક) સ્ત્રી એક કરતાં વધારે પુરુષોને પતિ માને છે અને સંબંધ રાખી શકે છે.
(ખ) સ્ત્રીના પતિઓ સગા ભાઈઓ હોય અથવા ન હોય; સ્ત્રી એક જ ગોળમાં અન્ય પુરુષો સાથે લગ્ન કરી શકે છે.
(ગ) પત્ની બનતી સ્ત્રી ઉપર દરેક ભાઈ પતિ તરીકેનો અધિકાર ભોગવે છે. મોટા ભાઈને વિશેષ અધિકાર હોય છે.
(ઘ) કુટુંબમાં વધારે સ્ત્રીઓ હોય તો દરેક ભાઈ બીજી દરેક સ્ત્રી જે અન્ય ભાઈની પત્ની હોય છે તેને પોતાની પત્નીની જેમ ભોગવી શકે છે.
(ચ) માતૃવંશી કુટુંબવ્યવસ્થામાં સ્ત્રી પોતાનો પતિ પસંદ કરે છે. થોડો સમય તેની સાથે ગાળી તે બીજા પુરુષને પતિ તરીકે સ્વીકારી તેની સાથે રહેવા જાય છે. આ સમયે તેના બીજા પતિઓને તેના માટેનો કશો અધિકાર મળતો નથી.
(છ) સંતાનો તથા સંપત્તિ સંબંધે મોટા ભાઈ અથવા પ્રથમ પતિને તુલનામાં વિશેષ અધિકાર હોય છે.
(જ) સ્ત્રી અને પુરુષ બંને છૂટાછેડા માટે સમાન અધિકાર ધરાવે છે.
બહુપતિપ્રથા વિશેષ સમાજોમાં સ્થાનિક પરિસ્થિતિની નીપજ છે. કારણો વિશે સમાજશાસ્ત્રીઓમાં એકમતી નથી. વેસ્ટરમાર્કના મતે, પ્રમુખ કારણ સમાજમાં પુરુષોની તુલનામાં સ્ત્રીઓની ઓછી વસ્તી છે. પ્રમાણ રૂપે ભારતની તોડા આદિવાસી જાતિનું ર્દષ્ટાંત અપાય છે. તેમાં છેલ્લી ત્રણ પેઢીઓમાં દર 100 સ્ત્રીદીઠ પુરુષવસ્તીનું પ્રમાણ અનુક્રમે 256, 202 અને 171 નોંધાયું હતું. આની સામે રૉબર્ટ બ્રિફૉલ્ટ તિબેટ, સિક્કિમ, લડાખ આદિ પ્રદેશોમાં સ્ત્રીપુરુષ-પ્રમાણમાં આવું અંતર નહિ હોવા છતાં ત્યાં બહુપતિપ્રથા ચાલુ છે તે દલીલ આગળ ધરી વેસ્ટરમાર્કના મતનો અસ્વીકાર કરે છે.
કેટલાક વિદ્વાન આ સમાજોની દરિદ્રતા એટલે કે આર્થિક નબળાઈને મુખ્ય કારણ માને છે. વિશાળ પરિવાર હોય તો આર્થિક પ્રવૃત્તિ સરળ બને; ઘરનું તંત્ર સાચવવા સાથે નિર્માણકાર્ય થઈ શકે અને નિભાવખર્ચમાં કરકસર શક્ય બને એવી ગણતરી આ પ્રથાપ્રેરિત મોટા પરિવારોને સ્વીકારવાનું વલણ ઊભું કરે છે.
બહુપતિપ્રથાના ભારતમાં બે પ્રકારો જોવા મળે છે :
(ક) ભ્રાતૃકબહુપતિલગ્ન : એકથી વધારે ભાઈઓ એકસાથે એક જ સ્ત્રી સાથે લગ્ન કરે ત્યારે તે લગ્નને ભ્રાતૃકબહુપતિલગ્ન કહે છે. દક્ષિણ ભારતની ઇરવાન જાતિમાં મોટા ભાઈના લગ્નસમયે અન્ય ભાઈઓ કન્યાની જમણી બાજુ હારબંધ ગોઠવાઈ જાય છે. એ સર્વને મીઠું પીણું પાવામાં આવે છે. આ વિધિ દ્વારા તેઓ કન્યાના પતિ બને છે. મોટા ભાઈ બીજી પત્ની કરે તો તેના પર પણ બીજા બધા ભાઈઓ પતિ તરીકેના અધિકાર પ્રાપ્ત કરે છે. કુટુંબમાં મોટા ભાઈનો પ્રભાવ વધારે હોવા છતાં ઘણી વાર એવું બને છે જેમાં મોટા ભાઈને માન્ય ના હોય તોપણ અધિકાર હોવાથી નાના ભાઈઓ મોટા ભાઈની પરિણીતા સાથે સંબંધ બાંધે છે.
દક્ષિણ ભારતની બીજી મોટી તોડા જાતિમાં પણ આવી પ્રથા છે. સ્ત્રી મોટા ભાઈ સાથે લગ્ન કરે ત્યારે જ તેના બીજા ભાઈઓને પતિ તરીકે સ્વીકારી લે છે. કુટુંબમાં આ લગ્ન પછી જન્મતા ભાઈને પણ આપોઆપ પતિ તરીકે અધિકાર પ્રાપ્ત થાય છે. આ ભાઈઓ સદા સગા ભાઈઓ હોતા નથી. કેટલીક વાર તેઓ એક ગોત્રના સભ્યો હોય છે. પત્નીનું પ્રથમ સંતાન સૌથી મોટા પતિનું સંતાન મનાય છે. પિતા તરીકે મોટા ભાઈનું નામ સ્વીકારાય છે. પત્ની બીજી વાર ગર્ભવતી બને ત્યારે તે બીજા પતિથી થઈ છે તેમ માનવામાં આવે છે. આ સમયે ‘પુરુમુતપિમિ’ નામની વિધિ કે સંસ્કાર કરીને બીજા ભાઈનું પિતૃત્વ માન્ય કરાય છે. સંયુક્ત પરિવારમાંથી જે ભાઈ છૂટો થઈ જાય તે સ્ત્રી પર પતિ તરીકેના તથા સંતાનો પર પિતા તરીકેના અધિકારો ગુમાવે છે. આ પ્રકારના લગ્નમાં જોડાયેલા ભાઈને એકથી વધુ પત્ની કરવાની અનુમતિ મળતી નથી.
હિમાલયના ખીણપ્રદેશોમાં વસતા ખાસા જાતિના લોકોમાં ભ્રાતૃક-બહુપતિપ્રથાનો પ્રચાર છે. મોટો ભાઈ પત્ની લાવે તે બીજી કશી વિધિ વિના બધા ભાઈઓની પત્ની બની જાય છે. અપક્વ વયના ભાઈઓ પક્વ વયે પતિ તરીકે અધિકાર ભોગવતા થાય છે. કોઈ વાર કોઈ નાનો ભાઈ લગ્ન કરીને બીજી સ્ત્રી પરિવારમાં લાવે ત્યારે તે સ્ત્રી પણ આપોઆપ બધા ભાઈઓની પત્ની ગણાય છે. એક વિશિષ્ટ નિયમ અનુસાર બધાં સંતાનો મોટા ભાઈનાં જ ગણાય છે. ખાસા જાતિમાં દિયરવટું પ્રચલિત છે. ભાભી કુટુંબની બહાર લગ્ન કરે તો કન્યાશુલ્ક ચૂકવવું પડે છે; મુક્તિપત્ર પણ લખી આપવો પડે છે. પતિના મરણ પછી સ્ત્રી દિયરને ન પરણે તો તેની સામાજિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે. વિધવા માટે લગ્ન વિના પતિના ભાઈ સાથે રહેવાની છૂટ હોય છે. તેનાં સંતાનો મૃત પતિનાં જ ગણાય છે. તેને રક્ષા અર્થે જરૂર જણાય તો બહારના કોઈ પુરુષને સાથે રહેવા આમંત્રી શકે છે. આવો પુરુષ ‘ટેકવા’ તરીકે ઓળખાય છે. મૃત પતિના ભાઈઓ હોય ત્યાં સુધી સ્ત્રી બહારના પુરુષને નિમંત્રી શકતી નથી. નિર્ધન વિધવાઓ જ આવું પગલું લે છે.
ખાસા લોકોનો પ્રદેશ પહાડી છે. કૃષિ અને પશુપાલન લોકોના મુખ્ય વ્યવસાય છે. આ વ્યવસાય ભારે પરિશ્રમ માગે છે. વળી ઉત્તરાધિકારમાં ભૂમિના ટુકડા થતાં કાર્ય વધારે વિકટ બને છે. આવા સંજોગોમાં પરિવારમાં શક્ય તેટલા વધારે સભ્યો સાથે રહીને કાર્ય કરે તો સૌને લાભ થાય. ઘરનું તથા સ્ત્રીનું રક્ષણ કરવાનું કાર્ય પણ આ ભ્રાતૃકબહુપતિપ્રથાના લગ્નથી શક્ય બને છે. આમ આ પ્રથાનું એક પ્રેરક બળ આ વિશિષ્ટ પરિસ્થિતિ પણ છે.
થોડા પરિવર્તન સાથે આ પ્રથા હિમાલયની અન્ય લોકજાતિઓ શેરપા, ભોટિયા કે ભૂતિયા અને લેપચામાં પ્રચલિત છે. શેરપાઓ માને છે કે આ પ્રથાથી ભૂમિસંપત્તિના નાના, બિનપોષણક્ષમ ટુકડા થતા નિવારી શકાય છે. વળી, ભાઈઓ વચ્ચે લાગણી ર્દઢ થાય છે. શેરપામાં મોટા બે ભાઈઓ એકસાથે પતિપદ ભોગવે છે. તે પછીના નાના ભાઈઓને આ અધિકાર પ્રાપ્ય નથી. તિબેટી, ખાસા, તોડા અને નાયર જાતિમાં ગમે તેટલા ભાઈઓ એકસાથે એક જ સ્ત્રીના પતિ બની શકે છે.
એવું જોવામાં આવ્યું છે કે સ્ત્રીઓ બહુપતિત્વ પસંદ કરે છે. આવી પસંદગીનાં કેટલાંક કારણો છે; જેમ કે, આર્થિક સુરક્ષા. એક કે વધારે પતિના અચાનક અવસાનથી સ્ત્રી નિરાધાર બની જતી નથી. બાકીના પતિઓના સહારે તે જીવનનિર્વાહ કરી શકે છે. ઘડપણમાં જ્યારે મોટા પતિઓ મરણ પામે ત્યારે તેનો નાની વયનો પતિ તેની સંભાળ રાખે છે અને, અલબત્ત, અનેક પતિના કારણે સ્ત્રી જાતીય સંબંધમાં વૈવિધ્યનો આનંદ મેળવી શકે છે. તે એક કે બે પતિઓને વિશેષ કૃપાપાત્ર બનાવી શકે છે. દ્રૌપદી ઉપર આરોપ હતો કે તે અર્જુનમાં વિશેષ પ્રીતિ રાખતી હતી.
ભ્રાતૃકબહુપતિલગ્નમાં બીજી કેટલીક વિશેષતાઓ પણ નોંધપાત્ર છે. ઘણા સમાજોમાં સ્ત્રીનાં લગ્ન વિધિવત્ કેવળ મોટા ભાઈ સાથે થાય છે. અન્ય ભાઈઓ રૂઢિ અન્વયે પતિપદ પ્રાપ્ત કરે છે. તેથી મોટો ભાઈ પતિ તરીકે વિશેષાધિકારો ભોગવે છે. ઉદા., પત્ની જો મોટાભાઈની માગણી સંતોષી ના શકે તો તે તેની અપરાધી બને છે. મોટો ભાઈ આવી સ્ત્રીનો ત્યાગ કરી શકે છે. મોટો ભાઈ પત્નીને બીજા ભાઈઓ સાથે સહવાસ કરવાની ના પાડે તો સ્ત્રીએ તેની આજ્ઞા પાળવી પડે છે. લગ્નસંબંધમાં વિવાદ ઊભો થાય અને સ્ત્રીને છૂટાછેડા આપવાની માગણી ઊભી થાય તો તે નિર્ણય કેવળ મોટો ભાઈ જ લઈ શકે છે. સ્ત્રીને લગ્ન-પૂર્વે સંતાન જન્મેલું હોય તો તેના પર કેવળ મોટા ભાઈનો અધિકાર જ માન્ય રખાય છે.
સમગ્ર પરિવારનો વડો મોટો ભાઈ ગણાય છે. તેથી તે સૌથી વધારે અધિકારો ધરાવે છે અને તેનાં વચન નાના ભાઈઓએ પાળવાનાં રહે છે. સંપત્તિનું વિભાજન થાય ત્યારે મોટા ભાઈને સૌથી મોટો ભાગ મળે છે. સ્ત્રી અને સંતાનો પણ મોટા ભાઈને મળે છે. જોકે બાળકોના અધિકારો સમાન ગણાય છે. એકથી વધારે સ્ત્રી સાથે લગ્ન કરવાના સંજોગોમાં બીજી સ્ત્રી પહેલી સ્ત્રીની બહેન હોય એવો આગ્રહ રખાય છે.
(ખ) અભ્રાતૃકબહુપતિપ્રથા : આ એવો પ્રકાર છે, જેમાં સ્ત્રીને એક કરતાં વધારે પતિ હોય છે, પણ તેઓ ભાઈઓ હોતા નથી. સ્ત્રી ભાઈઓ ના હોય એવા પુરુષોમાંથી પતિની વરણી કરી શકે છે. આ પ્રકારમાં સહચાર માટે બેમાંથી એક પદ્ધતિને અનુસરવામાં આવે છે : (1) પતિઓ છૂટા પોતપોતાનાં ઘરોમાં રહે છે. પત્ની ભિન્ન ભિન્ન સમયે પતિને ઘેર જાય છે. (2) અન્ય પદ્ધતિમાં સ્ત્રી તેના ઘરે જ રહે છે. તેના પતિઓ ભિન્ન ભિન્ન સમયે તેની સાથે રહેવા આવે છે. આ પદ્ધતિઓની વિશેષતા એ છે કે તેમાં બહુપતિલગ્ન છતાં નિશ્ચિત સમયે તો એક જ યુગલનો હોઈ શકે એવો દાંપત્ય-વ્યવહાર હોય છે, એટલે કે સ્ત્રીનો સહચાર એક પુરુષ સાથે જ હોય છે. કેરળમાં મલબાર મંડલમાં અભ્રાતૃકબહુપતિપ્રથા પ્રચલિત છે. તે માતૃસત્તાક બહુપતિપ્રથા છે. આ લોકોમાં કુટુંબના વડા તરીકેની બધી સત્તા માતા અથવા વડીલ મહિલાની હોય છે.
બહુપતિપ્રથાના કેટલાક લાભો પણ છે; જેમ કે, સંપત્તિ એકત્ર રાખી શકાય છે; તેના વિભાજનથી થતી હાનિ નિવારી શકાય છે; આર્થિક રીતે નબળા પરિવારો ભીડના સમયમાં પણ નિર્વાહ કરી શકે છે; જ્યાં સ્ત્રીઓની સંખ્યા ઓછી હોય ત્યાં પરિવારના અન્ય પુરુષ સભ્યો માટે વિજાતીય સાથીની વ્યવસ્થા કરી શકાય છે; પુરુષોમાં સ્પર્ધા કે જાતીય ઈર્ષા ટાળી શકાય છે; સ્ત્રીને જાતીય સુખમાં વિવિધતાનો આનંદ મળે છે; તે વિધવા થવાના ભયથી મુક્ત રહે છે; ઘડપણમાં સારસંભાળનો લાભ પામે છે, આની સામે આ પ્રથાના ગેરલાભો પણ છે. દા.ત., પરિવારમાં એક જ સ્ત્રી હોવાથી સંતાનોની સંખ્યા મર્યાદિત રહે છે. આને કારણે, લુપ્ત થતી જાતિઓમાં વસ્તી જાળવવાની સમસ્યા ઊભી થાય છે. જાતીય સંબંધમાં વિવિધતાને કારણે જાતીય અને એ પ્રકારના અન્ય રોગોનો ઉપદ્રવ વધારે જણાય છે. આવાં લગ્નોમાં સંશોધકોને જોવા મળ્યું છે કે સંતાનોમાં જાતિપ્રમાણ સચવાતું નથી. છોકરીઓ ઓછી અને છોકરાઓ વધારે જન્મે છે. બીજા એક તારણ પ્રમાણે આવા સંબંધોમાં લગ્નવિચ્છેદનું પ્રમાણ ઊંચું જોવા મળે છે.
પુરાણોમાં દ્રૌપદીના પાંચ પાંડવપતિના પ્રસંગ જેવા અપવાદો બાદ કરતાં સવર્ણ સમાજમાં બહુપતિપ્રથાનો પ્રચાર નથી.
વર્તમાન સમયમાં પશ્ચિમના કેટલાક દેશોમાં રૂઢિનાં બંધનો ઢીલાં પડતાં સ્ત્રીપુરુષસંબંધમાં ચિત્રવિચિત્ર પ્રયોગો થતા જોવા મળે છે. સ્વિડનમાં સમૂહલગ્નો થાય છે. તેમાં પુરુષોનું એક જૂથ સ્ત્રીઓના બીજા જૂથ સાથે એક જ ઘરમાં એક પરિવારની જેમ રહે છે. તેમાં બધા પુરુષો એકસાથે બધી સ્ત્રીઓના પતિઓ તરીકે અને બધી સ્ત્રીઓ એકસાથે બધા પુરુષોની પત્નીઓની જેમ રહે છે. કોઈ પણ પુરુષ અન્ય કોઈ પણ સ્ત્રી સાથે સંગ કરી શકે છે. સંતાનો એકસાથે બધાં સ્ત્રીપુરુષોનાં ગણાય છે. યુરોપ-અમેરિકાના કેટલાક સમાજોમાં યુવાન સ્ત્રી-પુરુષો લગ્ન વિના, ઇચ્છા પ્રમાણે, સાથે રહે છે અને સાથી બદલે છે. સંતાન સંબંધી પણ નિશ્ચિત નિયમો નથી.
ઇતિહાસમાં બહુપતિપ્રથાનાં કેટલાંક ઉદાહરણો નોંધપાત્ર છે : બર્બર લોકોની રાણી કાહેના તેની ઇચ્છા પ્રમાણેના પુરુષને પતિ તરીકે પસંદ કરતી હતી. આ રીતે તેના પતિવાસમાં 400 પતિઓ હતા ! યુનાઇટેડ સ્ટેટ્સની ઍન્ડરસન નગરની લિન્ડા લુઇસૅક્સે 1957થી આશરે પ્રતિવર્ષ લગ્ન કરતાં રહી, 21 પતિઓ કર્યા હતા ! બેલ્જિયમના બ્રુજેસની એડ્રિયન કૂંયોએ 652 વિવાહ અને 53 લગ્ન કર્યાં હતાં ! ઇંગ્લૅન્ડની ટેરેસા વૌન(જ. 1898)ને પાંચ વર્ષમાં 62 પતિઓ કરવાના અપરાધ માટે શેફીલ્ડના ન્યાયાલયે અપરાધી ઠરાવી હતી !
નિરંજના પટેલ