બસ્તર : મધ્યપ્રદેશના દક્ષિણ ભાગમાં છેક અગ્નિકોણમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 17° 46´થી 20° 30´ ઉ. અ. અને 80° 20´થી 82° 20´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. તેનો વિસ્તાર 39,114 ચોકિમી. જેટલો છે. જિલ્લાનું મુખ્ય મથક જગદાલપુર ખાતે આવેલું છે. જગદાલપુરથી થોડે અંતરે વાયવ્ય તરફ બસ્તર ગામ આવેલું છે. આ જિલ્લાની ઉત્તરે રાજ્યના દુર્ગ અને રાયપુર જિલ્લા, પૂર્વ તરફ ઓરિસા, દક્ષિણ અને નૈર્ઋત્ય તરફ આંધ્રપ્રદેશ તથા પશ્ચિમે મહારાષ્ટ્રની સરહદો આવેલી છે. વિસ્તારની ર્દષ્ટિએ મધ્યપ્રદેશનો આ મોટામાં મોટો જિલ્લો છે. તે કેરળ રાજ્યથી પણ મોટો છે. 1948માં જૂના બસ્તર અને કાંકેરનાં દેશી રજવાડાંને એક કરીને આ જિલ્લાની રચના કરવામાં આવેલી છે. ‘બસ્તર’ નામ વસ્ત્ર શબ્દ પરથી ઊતરી આવેલું છે. એક લોકવાયકા મુજબ આ રજવાડાના પ્રથમ શાસકને દેવોએ ભેટ આપેલ કપડાના ટુકડા પરથી ‘બસ્તર’ નામ પડેલું હોવાનું કહેવાય છે.
ભૂપૃષ્ઠ : ઈશાન-નૈર્ઋત્ય વિસ્તરેલી સરેરાશ 600થી 700 મીટર ઊંચાઈ ધરાવતી બૈલાડિલા (આખલાની ખૂંધ જેવી દેખાતી) ગિરિની હારમાળા આવેલી છે. 1,251 મીટર ઊંચાઈ ધરાવતું ‘કિરાનડુલ’ તેનું સર્વોચ્ચ શિખર છે. 1,240 મીટર ઊંચું બૈલાડિલા પણ અહીંનું જાણીતું શિખર છે. જિલ્લાનું ભૂપૃષ્ઠ પશ્ચિમ તરફ આવેલી પૂર્વઘાટની ટેકરીઓથી બનેલું છે. પશ્ચિમ-તરફી ભાગ ગોદાવરીની શાખાનદીઓના ખીણપ્રદેશમાં ફેરવાયેલો છે. જિલ્લાના દક્ષિણ ભાગમાં મેદાનો આવેલાં છે.
મહાનદીની ખીણ નજીક આ જિલ્લાના કાંકેર અને ભાનુપ્રતાપપુર તાલુકાઓના ટેકરીઓવાળા ભાગોને તથા દક્ષિણે આવેલા બસ્તરના ઉચ્ચપ્રદેશને બાદ કરતાં બાકીનો બધો જ ભાગ નીચાણવાળો છે. કાંકેર અને ભાનુપ્રતાપપુર તાલુકાઓનું ભૂપૃષ્ઠ 270 મીટરની ઊંચાઈવાળું છે. ઉચ્ચપ્રદેશીય ભાગ 600 મીટરની ઊંચાઈ ધરાવે છે. કાંકેરથી અગ્નિ તરફ 29 કિમી. દૂર 8 કિમી. લાંબા કેશ્કાલ ઘાટનું ભૂપૃષ્ઠ સપાટીના ફેરફારવાળું બની રહેલું છે. કોંડાગાંવ અને નારાયણપુર તાલુકાઓનો લગભગ બધો જ ઉત્તરભાગ જંગલઆચ્છાદિત 600 મીટર ઊંચાઈવાળા ઉચ્ચપ્રદેશથી બનેલો છે. આ ઉચ્ચપ્રદેશ પર છૂટી છૂટી ટેકરીઓની શ્રેણી આવેલી છે. આ ઉપરાંત નારાયણપુરથી નૈર્ઋત્ય અને પશ્ચિમમાં અબુઝમાર ટેકરીઓનું વિશાળ જૂથ છે, તે દક્ષિણે ઇન્દ્રાવતીથી ઘેરાયેલું છે. અબુઝમાર પ્રદેશ સ્થાનભેદે 600થી 950 મીટર ઊંચો છે. બૈલાડિલા શિખર અહીં આવેલું છે. પૂર્વ તરફની તુલસીડુંગરી હારમાળા પરનું ઊંચું સ્થળ 1,180 મીટરની ઊંચાઈ પર છે.
જળપરિવાહ : ઓરિસામાંથી નીકળીને આ જિલ્લામાં પ્રવેશતી ઇન્દ્રાવતી નદી અહીંનું મુખ્ય જળપરિવાહ લક્ષણ છે. તે જિલ્લાના મધ્યભાગમાં પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી 384 કિમી. લંબાઈમાં પસાર થાય છે. તે આગળ જઈને ગોદાવરીને મળતા અગાઉ કેટલાક અંતર સુધી મહારાષ્ટ્ર સાથેની સરહદ રચે છે. ઇન્દ્રાવતી નદીકાંઠે ઉપરવાસમાં જગદાલપુર અને ચિત્રકૂટ વસેલાં છે. ચિત્રકૂટ નજીક ઇન્દ્રાવતી અને નારંગી નદીઓનો સંગમ થાય છે. આ કારણે ચિત્રકૂટ અહીંનું મહત્વનું ધાર્મિક સ્થળ બની રહેલું છે. જગદાલપુરથી હેઠવાસમાં આશરે 56 કિમી.ને અંતરે અને સડકમાર્ગે આશરે 40 કિમી. અંતરે ચિત્રકૂટ ખાતે 600 મીટર ઊંચા ઉચ્ચપ્રદેશની ધાર પરથી ઇન્દ્રાવતી નદી 28 મીટર નીચે ખાબકે છે અને ઘોડાની નાળ આકારનો ધોધ રચે છે. જિલ્લાની અન્ય નદીઓમાં નારંગી, તેલ, બોરડિગ, ગદ્રા, નઈ ભેરત, કોટરી, દાંતીવારા, દૂધ, મહાનદી અને સાબરીનો સમાવેશ થાય છે. દૂધ અને મહા ઉત્તર વિભાગની નદીઓ છે, બાકીની બધી જ નદીઓ ગોદાવરીને મળે છે. જિલ્લાની ઓરિસા સાથેની આશરે 123 કિમી. જેટલી અગ્નિકોણી સરહદ સાબરી નદીથી બનેલી છે.
આબોહવા : આ જિલ્લો દરિયાથી દૂર આવેલો હોવાથી ઉનાળામાં સખત ગરમી પડે છે; પરંતુ શિયાળા પ્રમાણમાં હૂંફાળા રહે છે. બૈલાડિલાની હારમાળાને કારણે વરસાદનું પ્રમાણ વધુ રહે છે.
જંગલો : આ જિલ્લો વનસંપદાની ર્દષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ છે. અહીંનાં જંગલોને ચાર વિભાગોમાં વહેંચી નાખવામાં આવેલાં છે : (1) ઉત્તર તરફનાં મિશ્ર જંગલો : અહીંનાં મુખ્ય વૃક્ષોમાં સાગ, સાલ, સિરસા, પલાશ, મહુડો, તેન્ડુ, હારા, ઔનલા, સાજ, કૌહા, ચાર વગેરેનો સમાવેશ થાય છે; તેમ છતાં આર્થિક ઊપજ આપી શકે એવાં લાકડાં માટે તે અગત્યનાં નથી. અલબત્ત, તે જંગલની કેટલીક અન્ય પેદાશો જરૂર આપે છે. (2) સાલ વૃક્ષોનો પટ્ટો રચતો મધ્યનો ભેજવાળો વિસ્તાર : અહીં મુખ્યત્વે સાલનાં વૃક્ષો જોવામાં મળે છે. (3) સાગ-વૃક્ષોનો વિભાગ : વૃક્ષો ઓછાં વિસ્તૃત હોવા છતાં સારી ગુણવત્તાવાળું સાગનું લાકડું આ વિભાગમાંથી મળે છે. (4) મિશ્ર જંગલો ધરાવતો સૂકો પ્રદેશ ; આ વિસ્તાર પ્રમાણમાં મોટો છે. અહીં ધાવડો, ભીર, રહોણી, ચાર, તેન્ડુ, ઔનલા, હારા વગેરે જેવાં વૃક્ષો જોવા મળે છે. ખડકાળ પ્રદેશનાં વૃક્ષો બુઠ્ઠાં અને આકારમાં વાંકાંચૂકા હોય છે. ત્યાં સલાઈ, હંગુ, ખેર, હારા, પલાશ, સીમર જેવાં વૃક્ષો વધુ થાય છે. વસ્તીવાળા ભાગોમાં ઘરવપરાશ માટે ઉપયોગમાં લેવાતાં તાડનાં વૃક્ષોનું પ્રમાણ વધુ છે. લોકો તેમાંથી તાડી મેળવે છે. વળી સલ્ફી નામનાં વૃક્ષોમાંથી આહલાદક રસ મેળવાય છે. અહીં જંગલી ખજૂરી (એક પ્રકારનું તાડ વૃક્ષ) પણ થાય છે. સ્થાનિક ભાષામાં લોકો તેને ‘છિંદ’ કહે છે. તેના થડમાંથી મેળવાતી સ્વાદિષ્ટ વાનગી અહીંની કેટલીક આદિવાસી જાતિઓમાં અતિ પ્રિય છે. આ જિલ્લાનાં જંગલોમાંથી વૃક્ષો વધુ પ્રમાણમાં કપાતાં જતાં હોવાથી જમીનધોવાણની બાબત સમસ્યારૂપ બની રહેલી છે.
ખેતી : જિલ્લાનો આશરે 10 % ભૂમિભાગ ખેતીને માટે અનુકૂળ હોવાથી ખેડાણ હેઠળ છે, તેમ છતાં અહીં આદિવાસી વસ્તીનું પ્રમાણ વિશેષ હોવાથી તેઓ પ્રાથમિક કક્ષાની ખેતી કરે છે, પરિણામે ખેતીની પ્રવૃત્તિનો વિકાસ પ્રમાણમાં ઓછો થયેલો છે. ઇન્દ્રાવતી નદીનો મેદાની વિસ્તાર તથા કાંકેર અને કોટરીનો મેદાની પ્રદેશ ખેતીની ર્દષ્ટિએ વિકસેલો ગણાય છે. સિંચાઈની મદદથી આ વિસ્તારોમાં ડાંગર, ઘઉં, મકાઈ, બાજરી, ચણા જેવા કૃષિપાકો લેવાય છે. આ ઉપરાંત મધ્યપ્રદેશનું વધુમાં વધુ પાલતુ પશુધન આ જિલ્લામાં જોવા મળે છે. તેમાં ગાય, ભેંસ, ઘેટાં-બકરાંનો સમાવેશ થાય છે.
ખનિજસંપત્તિ : આ જિલ્લામાં મોટા પાયા પરના કોઈ ઉદ્યોગો વિકસેલા નથી. જંગલોનું પ્રમાણ વિશેષ હોવાથી જંગલોની પેદાશો મેળવાય છે. બૈલાડિલાનો પહાડી પ્રદેશ હેમેટાઇટ-લિમોનાઇટના વિપુલ ભંડારો ધરાવે છે. દેશના લોહખનિજોના કુલ અનામત જથ્થાનો લગભગ 10 % ભાગ આ ક્ષેત્રમાં આવેલો છે. આ ઉપરાંત આ જિલ્લામાંથી અબરખ, બૉક્સાઇટ, ચિનાઈ માટી, ક્વાર્ટ્ઝ, કોરંડમ અને ચૂનાખડકના જથ્થા પણ મળે છે; પરંતુ ખનિજ-સંપત્તિનો યોગ્ય વિકાસ થઈ શકેલ નથી. લોહઅયસ્કના જથ્થા અહીંના ખાણનગર કિરાન્ડુલમાંથી બહાર મોકલાય છે.
પરિવહન-પ્રવાસન : આ જિલ્લો નજીકના રાયપુર જિલ્લા સાથે સડકમાર્ગોથી સંકળાયેલો છે. રાયપુર–વિશાખાપટ્ટનમને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 43 જિલ્લામથક જગદાલપુરમાંથી પસાર થાય છે. દક્ષિણ-પૂર્વીય રેલવિભાગમાં આવતો જગદાલપુર–દાંતેવાડાને જોડતો રેલમાર્ગ પણ છે. જગદાલપુર–દાંતેવાડાને જોડતો એક સડકમાર્ગ ઇન્દ્રાવતી નદીની દક્ષિણેથી પસાર થાય છે અને તે જગદાલપુર તથા કોંડીગાંવને સાંકળે છે. આ આદિવાસી પ્રદેશનો વધુ વિકાસ થાય તે માટે રાજ્ય સરકારે નવા માર્ગોના નિર્માણનું આયોજન કર્યું છે.
આ જિલ્લામાં કાંકેર, બરસુર, દાંતેવાડા, ભૈરામગઢ, નારાયણપાલ, કુરુસપાલ અને ધાનેરા જેવાં પુરાતત્વીય ર્દષ્ટિએ અગત્યનાં સ્થળો આવેલાં છે. કાંકેર નગરની દક્ષિણે પથ્થર અને ઈંટોથી બાંધેલા જૂના રાજવીઓના મહેલોનાં ખંડિયેરો આવેલાં છે. આ ઉપરાંત શિવમંદિર, પાષાણમાંથી બનાવેલું પ્રવેશદ્વાર, બે તળાવો અને ગુફાઓ આવેલાં છે. ટેકરીની પૂર્વ તરફ એક તળાવ તથા એક જોગીગુફા આવેલાં છે. કાંકેર ઉપવિભાગમાં તહનકાપર ગામ ખાતેથી બે તામ્રલેખો મળી આવેલાં છે. મડપર ગામમાં એક જૂના મંદિર અને બાવલાના ભગ્નાવશેષો મળી આવેલા છે. પુરાતત્વીય ર્દષ્ટિએ જિલ્લાનું વધુ મહત્વનું સ્થળ બરસુર છે. ત્યાં શિવમંદિર તથા ગણેશમંદિરના અવશેષો મળે છે. બીજું એક શિવમંદિર છે, જ્યાંથી કૅપ્ટન ગ્લાસફર્ડને 1109ની તવારીખવાળો તેલુગુ ભાષામાં લખાયેલો એક લેખ મળેલો. કુરુસપાલમાંથી પણ ઘણા લેખો મળેલા છે. મામા-ભાણેજનું એક મંદિર હજી સારી સ્થિતિમાં જળવાયેલું છે. ધાનેરા ખાતે 20 જેટલાં તળાવો તથા આશરે 25 જેટલા ટેકરાઓ આવેલા છે. નારાયણપાલ ખાતે આવેલું વિષ્ણુમંદિર પણ જોવાલાયક છે. આ જિલ્લામાં દશેરાનો તહેવાર વિશેષે કરીને પ્રવાસીઓ માટે ખૂબ જ મહત્વનો બની રહેલો છે.
વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 22,71,314 જેટલી છે, તે પૈકી આશરે 50 % પુરુષો અને 50 % સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીપ્રમાણ અનુક્રમે 21,09,431 અને 1,61,883 જેટલું છે. વસ્તીની ગીચતાનું પ્રમાણ દર ચોકિમી. પ્રમાણે 32 વ્યક્તિનું છે. વાયવ્ય ભાગ વધુ ગીચ છે. જિલ્લામાં હિન્દી, મરાઠી, બંગાળી, ઊડિયા અને તેલુગુ ભાષાઓ બોલાય છે. ધર્મવિતરણ મુજબ અહીં હિન્દુઓ : 22,29,020; મુસ્લિમ : 15,248; ખ્રિસ્તી : 14,031; શીખ : 2,235; બૌદ્ધ : 2,094; જૈન : 4,726; અન્યધર્મી : 2,083 તથા ઇતર 1,875 જેટલા છે. જિલ્લામાં શિક્ષિતોની સંખ્યા 4,51,647 જેટલી છે; તે પૈકી 3,12,642 પુરુષો અને 1,39,005 સ્ત્રીઓ છે; ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ અનુક્રમે 3,55,130 અને 96,517 જેટલું છે. જિલ્લામાં 7,221 પ્રાથમિક શાળાઓ, 1,969 માધ્યમિક શાળાઓ, 1,491 ઉચ્ચ/ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, 165 કૉલેજો અને 23 વ્યાવસાયિક તથા અન્ય શિક્ષણ-સંસ્થાઓ છે. જિલ્લામથક જગદાલપુરમાં જિલ્લા-કક્ષાની હૉસ્પિટલ છે. કાંકેરમાં પણ એક હૉસ્પિટલ છે. જગદાલુપર ખાતે આકાશવાણી મથક છે. ભારતની મૂળ આદિવાસી ગોંડ જાતિ તથા મારિયાસ અને મુરિયાસ જાતિઓ અહીં વસે છે. વસ્તીના મોટાભાગના લોકોનો વ્યવસાય પશુપાલન, જંગલની પેદાશો મેળવવાનો, ખાણકાર્ય કરવાનો તથા થોડા પ્રમાણમાં ખેતી કરવાનો છે. આ ઉપરાંત આશરે 10 % લોકો ચર્મઉદ્યોગમાં રોકાયેલા છે. વહીવટી સરળતા માટે જિલ્લાનું 13 તાલુકાઓ અને 32 સમાજવિકાસ-ઘટકોમાં વિભાજન કરેલું છે. અહીંનાં મુખ્ય નગરો પણ એક લાખથી ઓછી વસ્તીવાળાં છે.
બસ્તર (ગામ) : બસ્તર જિલ્લાના જિલ્લામથક જગદાલપુર નજીક આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : 19° 14´ ઉ. અ. અને 80° 50´ પૂ. રે. પર તે આવેલું છે. સમુદ્રસપાટીથી તેની ઊંચાઈ 535 મીટર જેટલી છે. ગામની વસ્તી પ્રમાણમાં ઓછી છે. અહીં વસતા આદિવાસીઓ જંગલની પેદાશો પર તેમનો જીવનનિર્વાહ કરે છે. ગામમાં પોસ્ટ-ઑફિસ તેમજ પ્રાથમિક આરોગ્યકેન્દ્રની સુવિધા છે. ગામની ભાગોળે એક નાનું તળાવ છે. અહીં દર મંગળવારે અને ગુરુવારે લોકોની જરૂરિયાત માટે બજાર ભરાય છે. સ્થાનિક તથા આજુબાજુનાં ગામોના લોકો પોતાની જરૂરિયાતની ચીજવસ્તુઓ આ બજારમાંથી મેળવે છે. અહીં આજે પણ વિનિમય-પ્રથા જોવા મળે છે.
ઇતિહાસ : રામાયણમાં જે દંડકારણ્યનો ઉલ્લેખ કરાયેલો છે તે જ આ પ્રદેશ એમ મનાય છે. પંદરમી સદીમાં ચાલુક્ય રાજાએ બસ્તરને એક રજવાડાનો દરજ્જો આપેલો. રાજા અનામે સર્વપ્રથમ વાર બસ્તર શબ્દનો ઉપયોગ કર્યો હોવાનું કહેવાય છે; અંગ્રેજોએ પણ વહીવટી સરળતાને ધ્યાનમાં લઈને બસ્તરને એક રાજ્ય તરીકે સ્વીકાર્યું હતું.
નીતિન કોઠારી