બસ્તી : ઉત્તરપ્રદેશ રાજ્યનો ઈશાન ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 25´થી 27° 30´ ઉ. અ. અને 82° 13´થી 83° 18´ પૂ. રે. વચ્ચેનો 4,284 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં સિદ્ધાર્થનગર, ઈશાનમાં મહારાજગંજ, પૂર્વમાં ગોરખપુર, દક્ષિણમાં ફૈઝાબાદ અને પશ્ચિમમાં ગોંડા જિલ્લાઓની સરહદો આવેલી છે. દક્ષિણ તરફ ઘાગ્રા નદી બસ્તી જિલ્લાને ફૈઝાબાદ જિલ્લાથી અલગ પાડે છે.

ભૂપૃષ્ઠ : ભૂપૃષ્ઠરચનાની ર્દષ્ટિએ આ જિલ્લો ઘણા વિભાગોમાં વહેંચાઈ જાય છે. ઉત્તર તરફનો વિભાગ કાંપના મેદાનથી રચાયેલો છે. દક્ષિણ તરફ જતાં ઘાગ્રાની છીછરી ખીણ આવેલી છે. તે તેની શાખા કુવાના નદી સુધી તેમજ મધ્યના ઊંચાણવાળા પ્રદેશ સુધી વિસ્તરેલો છે. ઊંચાણવાળો આ ભાગ કુવાના અને રાપ્તી નદીઓ વચ્ચે આવેલો છે. ગીચ વસ્તી ધરાવતું તેમજ ખેતી માટે ખૂબ અનુકૂળ પહોળું કાંપનું મેદાન ઉત્તર તરફ વિસ્તરેલું છે. જિલ્લાનો સામાન્ય ઢોળાવ વાયવ્યથી અગ્નિ તરફનો છે. સમગ્ર જિલ્લાના ભૂમિતળની ઊંચાઈ સ્થાનભેદે 87 મીટરથી 102 મીટર વચ્ચેની જોવા મળે છે. ઘાગ્રા, રાપ્તી અને કુવાના આ જિલ્લાની મુખ્ય નદીઓ છે. જિલ્લાની ભૂપૃષ્ઠરચના નજીકના ફૈઝાબાદ જિલ્લાને મળતી આવે છે.

જંગલો : જૂના વખતમાં આ જિલ્લાનો મોટો ભાગ સાલ તેમજ અન્ય વૃક્ષોનાં જંગલોથી આચ્છાદિત હતો. આજે હવે તે જુદાં જુદાં સ્થાનોમાં સાંકડી પટ્ટીઓ રૂપે શેષ રહ્યો છે. જિલ્લામાં આંબા, મહુડા, વાંસ જેવાં વૃક્ષો જોવા મળે છે.

ખેતી-પશુપાલન : આ જિલ્લામાં ખરીફ અને રવી પાકો લેવાય છે. ડાંગર, શેરડી અને ઘઉં અહીંના મુખ્ય કૃષિ પાકો છે. ઓછા જળપુરવઠાવાળા ભાગોમાં સિંચાઈની સુવિધા અપાય છે. ગાય, ભેંસ, ઘેટાં-બકરાં અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે. ગાય-ભેંસ માટે જિલ્લામાં પશુદવાખાનાં તથા કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો વિકસાવેલાં છે.

બસ્તી જિલ્લો (ઉત્તર પ્રદેશ)

ઉદ્યોગો-વેપાર : ઉદ્યોગોની ર્દષ્ટિએ આ જિલ્લો પછાત ગણાય છે. તેથી પરંપરાગત ચાલ્યા આવતા હસ્ત-કારીગરીના તેમજ નાના પાયા પરના ઉદ્યોગો વિકસાવવાના તથા વિસ્તારવાના પ્રયાસો ચાલે છે. તેમાંથી ઉત્પન્ન કરાતી પેદાશોની નિકાસ થાય છે. બસ્તી, ખલિલાબાદ, બંકાતી, બાઢવી, ખુનિયાનવા અને રામનગર ખાતે જેમની નોંધણી થઈ હોય એવાં 20 જેટલાં કારખાનાં આવેલાં છે. આ ઉપરાંત જિલ્લામાં 628 જેટલા નાના પાયા પરના ઔદ્યોગિક એકમો આવેલા છે. હાથસાળનો રેસાવણાટ-ઉદ્યોગ પણ અહીંનો અગત્યનો ઉદ્યોગ ગણાય છે. આ સિવાય કાગળની બે મિલો તથા એક ઔદ્યોગિક કાર્યશાળા પણ છે. ખાંડનાં 4 કારખાનાં આવેલાં છે, તેમ છતાં બીજાં વધુ કારખાનાં સ્થાપવા માટેના પ્રયાસો ચાલે છે. જિલ્લામાં સાબુ, બિસ્કિટ, ખાદી અને હાથસાળના કાપડનું ઉત્પાદન લેવાય છે તથા તેની નિકાસ પણ થાય છે. જરૂરી રેસા, કાપડ, નેતર અને લોખંડની આયાત કરવામાં આવે છે. જિલ્લાનો મોટાભાગનો વેપાર નેપાળ સાથે થાય છે.

પરિવહન-પ્રવાસન : ઈશાન વિભાગીય રેલમાર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે. જિલ્લાભરમાં રેલમાર્ગો અને સડકમાર્ગોની ગૂંથણી જોવા મળે છે. અહીંથી એક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે. જિલ્લામાં 623 કિમી. લંબાઈના રાજ્યમાર્ગો આવેલા છે. દર એક હજારની વસ્તીના વિસ્તારદીઠ 31.3 કિમી.ના માર્ગોની સગવડ છે.

જિલ્લામાં વિશેષ મહત્વ ધરાવતાં પ્રવાસમથકો આવેલાં નથી, તેમ છતાં બસ્તીથી 43 કિમી. અંતરે પૂર્વ તરફ અનુઈ નદીકાંઠે આવેલું મગાહરનગર ધાર્મિક તેમજ ઐતિહાસિક ર્દષ્ટિએ મહત્વનું સ્થળ ગણાય છે. અહીં શ્રી હરવરતે બાંધેલું એક મંદિર આવેલું છે. આ સ્થળ પર ખલીલ-ઉર્-રહેમાનના નામ પરથી ખલીલાબાદ નગર વિકસ્યું છે. અહીં તેની કબર આવેલી છે. આચાર્ય ગુરુપ્રસાદ સાહિબે બંધાવેલી સંત કબીરની કબર પણ છે. હજારો ભાવિકો અહીં દર્શને તેમજ મુલાકાતે આવે છે. વારતહેવારે અહીં જુદા જુદા મેળા ભરાય છે અને ધાર્મિક તહેવારોની ઉજવણી થાય છે.

વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 27,38,522 છે. તે પૈકી 14,29,610 પુરુષો અને 13,08,912 સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું  પ્રમાણ અનુક્રમે 25,62,696 અને 1,75,826 જેટલું છે. ધર્મ-વિતરણ મુજબ હિન્દુઓ : 22,74,743; મુસ્લિમ : 4,52,072; ખ્રિસ્તી : 745; શીખ : 1,127; બૌદ્ધ : 9,590; જૈન : 98; અન્યધર્મી : 46 તથા ઇતર 101 છે. જિલ્લામાં બોલાતી મુખ્ય ભાષાઓ હિન્દી અને ઉર્દૂ છે. જિલ્લામાં શિક્ષિતોની  સંખ્યા 7,73,749 છે; તે પૈકી 5,88,824 પુરુષો અને 1,84,925 સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ અનુક્રમે 6,86,718 અને 87,031 જેટલું છે. જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા ઇન્ટરમીડિયેટ કૉલેજોની સગવડ છે. અહીં રાજ્યની તુલનામાં તબીબી સેવાઓની સુવિધા પૂરતા પ્રમાણમાં નથી. આ જિલ્લાને વહીવટી સરળતા માટે 4 (બસ્તી, ખલીલાબાદ, ભાણપુર અને હરૈયા) તાલુકાઓમાં તથા 19 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 7 નગરો અને 4,932 (428 વસ્તીવિહીન) ગામડાં છે. જિલ્લામાંથી બે હિન્દી સામયિકો બહાર પડે છે. અહીંનાં લગભગ બધાં જ નગરો એક લાખથી ઓછી વસ્તીવાળાં છે.

ઇતિહાસ : ગૌતમ બુદ્ધ કપિલવસ્તુમાં જન્મ્યા હતા. આ પવિત્ર ભૂમિ ત્યારે આ જિલ્લામાં આવેલી હતી. 1898માં નેપાળની સરહદ નજીકના પિપરાવકોટ ગામે ખોદકામ દરમિયાન લોટો, પથ્થરની મોટી પેટી તથા પથ્થરની ફૂલદાનીઓ મળી આવ્યાં હતાં. તેમાંના એક પાત્ર પરનું લખાણ ઈ. પૂ. 450ના સમયનું હોવાનો વિદ્વાનોનો મત છે.

ઔધ (અવધ) પ્રાંત મોટો હતો અને બારમી સદીના અરસામાં બસ્તીનો પણ તેમાં સમાવેશ થતો હતો. મુઘલોનું સામ્રાજ્ય ઉત્તર ભારતમાં સ્થપાયું ત્યારે બસ્તી રાજપૂતોની સત્તા હેઠળ હતું. ‘આઈને અકબરી’માં જણાવ્યા મુજબ રાજા ટોડરમલે ત્યાંના જમીન-મહેસૂલની પતાવટ કરી હતી. સાદતખાન બુરહાન-ઉલ-મુલ્ક 1721માં મુઘલ સામ્રાજ્યના ઔધનો સૂબો બન્યો ત્યારે સરનેત રાજાની સત્તા હેઠળ રસૂલપુર, બુટવાલના ચૌહાણ રાજાના કબજામાં વિનાયકપુર, કલ્હણ શાસકની પાસે બસ્તી અને નવાબના નાયબની સીધી સત્તા હેઠળ મઘાર હતાં.

હમણાં બસ્તી જિલ્લાનું વિભાજન કરીને તેમાંથી ‘સિદ્ધાર્થનગર’ નામથી નવો જિલ્લો રચવામાં આવેલો છે.

બસ્તી (શહેર) : ભૌગોલિક સ્થાન : 26° 48´ ઉ. અ. અને 82° 43´ પૂ. રે. પર તે ફૈઝાબાદથી પૂર્વમાં કુવાના નદીકાંઠે વસેલું છે. અહીંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ તથા મુખ્ય રેલમાર્ગ પસાર થતા હોવાથી તે નજીકના વિસ્તારોમાં ઉત્પન્ન થતી પેદાશોનું મધ્યસ્થ કૃષિ તથા વેપારીમથક બની રહેલું છે. આ નગર ત્રણ ભાગમાં વહેંચાઈ ગયેલું છે : (1) રેલમાર્ગ અને સડકમાર્ગ વચ્ચે પૂર્વ-પશ્ચિમ  તરફ વિસ્તરેલું જૂનું બસ્તીનગર. (2) પક્કા બજાર : કચેરીઓ અને વ્યાવસાયિક આવાસોથી નૈર્ઋત્ય તરફ આવેલું એક પરું. (3) નાગરિક મથક : પક્કા બજારથી પશ્ચિમ તરફનો કુવાના નદી પર આવેલો વહીવટી વિભાગ. આ નગરમાં ગોરખપુર યુનિવર્સિટી સાથે સંલગ્ન એક કૉલેજ છે. 1865 સુધી આ સ્થળ એક નાનું ગામડું હતું, પરંતુ તે પછીથી જિલ્લામથકને કારણે તેની વસ્તી વધી છે.

ગિરીશભાઈ પંડ્યા