બસુ, સમરેશ (જ. 1924, કાલકૂટ, ઢાકા, બાંગ્લાદેશ, અ. 1988) : બંગાળી લેખક. તેમની કારકિર્દીની શરૂઆત ઈચપુર ખાતેની રાઇફલ ફૅકટરીમાં નોકરીથી થઈ હતી. તેઓ સામ્યવાદી પક્ષના કાર્યકર હતા. 1946માં તેમણે જેલવાસ ભોગવ્યો હતો. તેમનાં 100થી વધુ પ્રકાશનો પ્રગટ થયાં છે.
તેમની મુખ્ય નવલકથાઓમાં ‘વિવર’ (1966); ‘જગદ્દલ’ (1966); ‘પ્રજાપતિ’ (1967); ‘સ્વીકારોક્તિ’ (1968); ‘કોથાય પાબો તારે’ (1970) અને ‘સામ્બા’(1978)નો સમાવેશ થાય છે.
તેમને તેમની છેલ્લી નવલકથા ‘સામ્બા’ માટે 1980માં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
બળદેવભાઈ કનીજિયા