બસુ, શંકરીપ્રસાદ

January, 2000

બસુ, શંકરીપ્રસાદ (જ. 1928, હાવડા, બંગાળ) : ખ્યાતનામ બંગાળી ચરિત્રલેખક અને વિવેચક. 1950માં કલકત્તા યુનિવર્સિટીમાંથી બંગાળીમાં એમ.એ.ની પ્રથમ ડિવિઝનની પદવી પ્રથમ નંબરે પ્રાપ્ત કરી. વિવિધ કૉલેજોમાં અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ કલકત્તા યુનિવર્સિટી ખાતે બંગાળીમાં રીડર તરીકે કામગીરી કરી. તેમણે 1978 સુધીમાં 25 પુસ્તકો પ્રગટ કર્યાં છે. તેમાં મધ્યયુગીન બંગાળી વૈષ્ણવ કવિતા, સુભાષચંદ્ર બોઝ, સિસ્ટર નિવેદિતા અને ક્રિકેટ વગેરેને લગતાં તેમનાં લખાણોનો સમાવેશ થાય છે. સિસ્ટર નિવેદિતાએ લખેલા પત્રોનું તેમણે 2 ગ્રંથોમાં સંકલન કર્યું છે. ક્રિકેટથી માંડીને વૈષ્ણવ ઊર્મિગીતોના વિવેચનાત્મક અભ્યાસ સુધીના વિવિધ વિષયો સંબંધી લેખો તેમણે આપ્યા છે.

વિવેકાનંદ, તેમનો જીવનકાળ અને તેમના સમકાલીનો વિશેના ચરિત્રાંકનની તેમણે જીવનભર ઝંખના સેવી હતી. વિવેકાનંદના જીવન અને કાળ સંબંધી રાજકીય-સામાજિક પૃથક્કરણ દ્વારા તેઓ અતિ પ્રસિદ્ધિ પામ્યા હતા. પ્રશંસનીય સુસંગતતા ધરાવતી વસ્તુસંકલના દ્વારા વિવેકાનંદનું જીવન યથાર્થ રીતે દર્શાવવામાં લેખકે ઉચ્ચ પ્રકારની સૂઝ જેમાં દર્શાવી છે, એવી બંગાળી સાહિત્યમાં ઉત્કૃષ્ટ ગણાતી તેમની કૃતિ છે ‘વિવેકાનંદ અને સમકાલીન ભારતવર્ષ’. તે ત્રણ ગ્રંથોમાં પ્રગટ થઈ છે. તેમાં દોષરહિત વિદ્વત્તા, વિગતોની પ્રમાણભૂતતા અને વીતેલા યુગની જીવંતતા સાથે તેમના ઉમદા ગદ્યની પણ પ્રતીતિ થાય છે. આ કૃતિ તેમાં જોવા મળતું ધાર્મિક, સામાજિક-રાજકીય અર્થઘટન તેમજ વ્યાપક અને નિર્વિવાદ ચરિત્રાત્મક માહિતીની બુદ્ધિસંગત એકસૂત્રતા અને વિવેકાનંદ વિશેની કેટલીક અજ્ઞાત છતાં મહત્વની હકીકતોની નિર્ભીક શોધ-તપાસને કારણે તેમનું વિશિષ્ટ પ્રદાન ગણાય છે. આ કૃતિ માટે તેમને 1978નો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો.

બળદેવભાઈ કનીજિયા