બસુ, મનમોહન (જ. 1831; અ. 1912) : બંગાળી કવિ-ગીતલેખક અને નાટ્યકાર. તેમણે લોકપ્રચલિત પૌરાણિક કથાઓ પરનાં નાટકોનો આરંભ કર્યો. એમાં ભક્તિની અંતર્ધારા પણ હતી. એમણે બંગાળી નાટકનો પ્રવાહ પ્રાચીન ‘યાત્રા’ તરફ વાળ્યો. તેમનું પહેલું નાટક ‘રામાભિષેક’ (1868) રામકથા પરનું ગદ્યમાં લખાયેલું મૌલિક નાટક છે. બીજું નાટક ‘પ્રણયપરીક્ષા’ (1869) બહુ-વિવાહના દોષોને આલેખતી રોમૅન્ટિક વાર્તા પર આધારિત છે. કથાવસ્તુનું નિરૂપણ જોકે નાટકને બદલે નવલકથામાં વધુ સારી રીતે થઈ શકત. ‘સતી નાટક’ (1873) તેમની કૃતિઓમાં સૌથી પ્રસિદ્ધ દુ:ખાન્ત નાટક છે, જેમાં શિવ અને સતીની કથા નિરૂપાઈ છે. તે અસાધારણ સફળતાપૂર્વક વારંવાર ભજવાયું હતું. તેની મહત્વની વિશેષતા હતી વ્યવહારમાં પાગલ, પણ વાસ્તવિક રીતે સંત એવા શાંતિરામ નામના માણસની ભૂમિકા. બે દસકા પછી ગિરીશચંદ્ર ઘોષે પોતાનાં ધાર્મિક નાટકોમાં આવાં છદ્મવેશી સંતચરિત્રો પરના કથાનકને કેન્દ્રસ્થાને રાખ્યું અને લોકપ્રિય બન્યા. બસુના ‘હરિશ્ર્ચંદ્ર નાટક’(1875)માં યાત્રા તરફનો ઝોક, ભક્તિપરક મનોરંજન અને પુરાણી શૈલી વધુ સ્પષ્ટ છે અને તેમાં નવી જાગ્રત થયેલી રાષ્ટ્રીય ચેતનાનું પણ અનુરણન છે. બસુ સુધીમાં યાત્રાએ નાટ્યરૂપ ધારણ કર્યું હતું; તેને યોગ્ય રંગમંચ નહોતો; ગીતોની અને સ્વગતોક્તિઓની ભરમાર હતી. તેમણે એમના કૌશલથી નવી ‘યાત્રા’ને જન્મ આપ્યો. તેમના બીજા એક નાટકમાં સ્થાનિક ધાર્મિક સંસ્થા પર વ્યંગ છે. તેમનું છેલ્લું નાટક ‘સતીર અભિમાન’ (1910–11) રંગભૂમિને વરેલા સામયિકમાં હપતાવાર પ્રકાશિત થયું હતું.
એક અવૈતનિક નાટકમંડળીએ – બાઉ-બજાર – થિયેટરે – તેમના ‘રામાભિષેક’ના પ્રયોગથી પોતાની કામગીરીની શરૂઆત કરી હતી. ‘સતી’ નાટક સફળતાપૂર્વક ભજવાયું, પણ બીજી આવૃત્તિમાં (1875) રૂઢિવાદી વિવેચન સમક્ષ નમીને, શિવની સાથે હિમાલયની પુત્રી તરીકે અવતરેલી સતીનું પુનર્મિલન બતાવતો એક અંક જોડવો પડ્યો હતો. તેમણે આરંભેલાં ભક્તિનો તીવ્ર અને શક્તિશાળી સૂર ધરાવતાં નાટકો ઓગણીસમી સદીના અંતભાગમાં ગિરીશચંદ્ર ઘોષમાં એની ચરમ સીમાએ પહોંચ્યાં હતાં.
અનિલા દલાલ