બસીરહાટ : પશ્ચિમ બંગાળ રાજ્યના ‘ચોવીસ પરગણાં’ જિલ્લાનો તાલુકો, તાલુકામથક તથા જિલ્લાના મધ્ય-પૂર્વ ભાગમાં આવેલું તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : તે લગભગ 22° 40´ ઉ. અ. અને 88° 50´ પૂ. રે. પર પશ્ચિમ બંગાળમાં વહેતી જમુના નદીના ઉપરવાસમાં આવેલી ઇચ્છામતી નદીના દક્ષિણ કાંઠા નજીકના ભાગમાં વસેલું છે. તે સડક તથા રેલમાર્ગથી બારાસત સાથે જોડાયેલું છે. આસપાસના પ્રદેશમાં થતા ડાંગર, શણ, કઠોળ, સરસવ, ખજૂર અને બટાટા જેવા કૃષિપાકોના વેપારનું મધ્યસ્થ કેન્દ્ર બની રહ્યું હોવાથી તેનું મહત્વ ઊભું થયેલું છે. અહીં ખાંડ અને ધાતુની ચીજવસ્તુઓનાં કારખાનાં પણ આવેલાં છે. કલકત્તા યુનિવર્સિટી-સંલગ્ન એક કૉલેજ પણ અહીં આવેલી છે. 1869માં સ્થપાયેલી નગરપાલિકા આ નગરનો વહીવટ ચલાવે છે.
ગિરીશભાઈ પંડ્યા