બવેરિયા : દક્ષિણ જર્મનીના અગ્નિકોણમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 49° 0´ ઉ. અ. અને 12° 0´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલું છે. તેનો વિસ્તાર 70,456 ચોકિમી. જેટલો છે અને વસ્તી આશરે 1,08,31,400 (1991) જેટલી છે. રાજ્યનો મોટો ભાગ પર્વતોથી ઘેરાયેલો છે. દક્ષિણ બવેરિયામાં બવેરિયન આલ્પ્સ ઑસ્ટ્રિયાની સરહદ પર તિરોલીઝ આલ્પ્સમાં ભળી જાય છે. બવેરિયન આલ્પ્સમાં આવેલું 2,963 મીટરની ઊંચાઈ ધરાવતું ઝગપિટ્ઝ શિખર જર્મનીનું ઊંચામાં ઊંચું સ્થાન છે. ડૅન્યૂબ અને મેઇન બવેરિયાની મુખ્ય નદીઓ છે.
બવેરિયા પ્રવાસીઓનો પ્રદેશ ગણાય છે. દર વર્ષે પ્રવાસીઓ હજારોની સંખ્યામાં અહીંનાં રમણીય પર્વતો અને સરોવરોની મોજ માણવા આવે છે. અહીંનાં ખેતરોમાં જવ, ઢોર માટે જરૂરી સૂકું ઘાસ, હૉપ્સ, ઓટ, બટાટા, રાય અને ઘઉં જેવા પાકો લેવાય છે. આ પૈકી હૉપ્સનો ઉપયોગ બવેરિયાની મહત્વની ગણાતી પેદાશ બિયરની બનાવટમાં થાય છે.
મ્યુનિચ અને ન્યુરેમ્બર્ગ – એ બે બવેરિયાનાં મહત્વનાં શહેરો છે. મ્યુનિચ બવેરિયાનું પાટનગર તેમજ મોટામાં મોટું શહેર છે. ત્યાં વીજાણુ-પેદાશો, પ્રકાશીય સાધનો તથા અન્ય ઘણી પેદાશોનું ઉત્પાદન લેવાય છે. તે છાપકામ અને પ્રકાશનનું પણ મથક છે. ન્યુરેમ્બર્ગ બીજા ક્રમે આવતું મોટું શહેર છે. તે રમકડાં અને જિંજરબ્રેડ માટે જાણીતું છે. મહત્વનાં અન્ય શહેરોમાં ઑગ્સબર્ગ, વુર્ઝબર્ગ અને રેગનબર્ગનો તથા નગરોમાં બાયરથ, ઑબેરમર્ગ, બર્ચતેસ્ગેડન અને ડચાઉનો સમાવેશ થાય છે.
બવેરિયાએ તેના સમગ્ર ઇતિહાસકાળ દરમિયાન એક જાગીર, સામ્રાજ્ય તથા પ્રજાસત્તાક અને રાજ્ય તરીકેના જુદા જુદા દરજ્જા પણ ભોગવેલા છે. અહીં સર્વપ્રથમ સેલ્ટ જાતિના લોકો રહેતા હતા.
છઠ્ઠી સદીમાં જર્મન જાતિઓએ આક્રમણ કરીને તેને મેળવ્યા બાદ તે જર્મનીની એક જાગીર તરીકે રહેલું. 911થી 1180 સુધી બવેરિયાના ડ્યૂકોએ આ જાગીર પર શાસન કરેલું. 1180માં તે વિટલબાક કુટુંબના હાથમાં ગયું. 1805માં નેપોલિયને બવેરિયાનું સામ્રાજ્ય બનાવેલું. 1871માં જર્મની એક બન્યું ત્યારે તે જર્મન સામ્રાજ્યનું રાજ્ય બનેલું. પ્રથમ વિશ્વેયુદ્ધ (1914–1918) પછી તે થોડા વખત માટે પ્રજાસત્તાક પણ રહેલું, પરંતુ ફરીથી તે જર્મનીનો ભાગ બનેલું. બીજા વિશ્વેયુદ્ધ (1939–1945) દરમિયાન જ્યારે જર્મની હાર્યું ત્યારે યુ.એસ.નાં દળોએ તેનો કબજો લઈ લીધેલો. ત્યારપછી તે પશ્ચિમ જર્મનીનું એક રાજ્ય રહેલું.
ગિરીશભાઈ પંડ્યા