બર્મન, એસ. ડી. (જ. 1906, ત્રિપુરા; અ. 31 ઑક્ટોબર 1975, મુંબઈ) : ફિલ્મ-સંગીતકાર. પિતા નવદ્વીપ દેવ બર્મન સિતારવાદક અને ધ્રુપદ-ગાયક હતા. ફિલ્મી દુનિયામાં ‘બર્મનદા’ તરીકે જાણીતા બનેલા સચિનદેવ બર્મને શાસ્ત્રીય સંગીતની પ્રારંભિક તાલીમ પિતા પાસે લીધા બાદ ઉસ્તાદ બાદલખાન અને ગુરુ ભીષ્મદેવ પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી હતી.
પહેલાં બંગાળી અને પછી હિંદી ફિલ્મોમાં સંગીત આપતા પહેલાં રેડિયો પર તેઓ જાણીતા બની ચૂક્યા હતા. પૂર્વ બંગાળ અને ઈશાન ભારતના પ્રદેશોનાં લોકસંગીતનો વ્યાપક ઉપયોગ કરીને તેઓ 1930ના દાયકાના પ્રારંભે બંગાળમાં લોકગાયક તરીકે જાણીતા બની ચૂક્યા હતા. 1935માં અલાહાબાદમાં સંગીત-સંમેલનમાં તેમણે ભાગ લીધો હતો.
બર્મનદાએ સૌપ્રથમ વાર 1933માં ‘યહૂદી કી લડકી’ ચિત્ર માટે પંકજ મલ્લિકના સંગીત-નિર્દેશન હેઠળ ગીતો ગાયાં હતાં, પણ તેમના ઉચ્ચારોમાં બંગાળી લઢણ વિશેષ જણાતાં આ ગીતો રદ કરાયાં હતાં. ગાયક તરીકે બર્મનદાનું પ્રથમ ચિત્ર બંગાળી ‘સાંઝેર પિદિમ’ (1935, દિગ્દર્શક તિનકારી ચક્રવર્તી) હતું. પ્રારંભનાં વર્ષોમાં ચિત્રોમાં અભિનય કરવાનો પણ તેમને શોખ હતો. 1935માં બંગાળી ચિત્ર ‘વિદ્રોહી’(દિગ્દર્શક ધીરેન ગાંગુલી)માં તેમણે અભિનય કર્યો હતો. 1939થી બંગાળી ચિત્રોમાં સંગીત-દિગ્દર્શક તરીકે કારકિર્દી શરૂ થયા બાદ 1944માં તેઓ મુંબઈ આવ્યા. 1946માં ફિલ્મિસ્તાનનાં બે ચિત્રો ‘આઠ દિન’ અને ‘શિકારી’માં તેમણે સંગીત આપીને હિંદી ચિત્રોમાં શરૂઆત કરી. પ્રારંભમાં તેમને જોઈએ એવી સફળતા ન મળી, પણ ‘દો ભાઈ’(1947) અને ‘શબનમ’(1949)ની સફળતા બાદ તેમને લોકપ્રિયતા મળવા માંડી.
ગુરુદત્તના દિગ્દર્શન હેઠળ પ્રથમ ચિત્ર ‘બાઝી’(1951)માં બર્મનદાનું સંગીત ખૂબ લોકપ્રિય થયું. ખાસ તો આ ચિત્રમાં ક્લબમાં ગવાયેલું ગીત ‘તકદીર સે બિગડી હુઈ તદબીર બના લે……’ તથા બીજાં બે ક્લબ-ગીતો એટલાં લોકપ્રિય થયાં કે એ પછી હિંદી ચિત્રોમાં ક્લબ-ગીતોને ખાસ મહત્વ મળવા માંડ્યું.
પોતાની લાંબી કારકિર્દીમાં બર્મનદાએ અનેક કર્ણપ્રિય ગીતો આપ્યાં છે. જરૂર પડ્યે શાસ્ત્રીય સંગીતનો અને ખાસ તો લોકસંગીતનો પોતાના સંગીતમાં વ્યાપક ઉપયોગ કરનાર બર્મનદાએ ક્યારેય તેનો દુરાગ્રહ નહોતો રાખ્યો. નવા પ્રવાહ સાથે તેઓ સતત ભળતા રહ્યા હતા. તેને કારણે તેમના સંગીતમાં છેક સુધી તાજગી જળવાઈ રહી હતી.
1954માં ‘ટૅક્સી ડ્રાઇવર’ અને 1973માં ‘અભિમાન’ ચિત્રો માટે તેમને શ્રેષ્ઠ સંગીતકારના ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યા હતા. બર્મનદાનો પોતાનો વિશિષ્ટ અવાજ હતો, પણ પોતાનાં ચિત્રોમાં તેમણે પોતાના અવાજનો સંયમપૂર્ણ ઉપયોગ કર્યો હતો.
બર્મનદાના પુત્ર રાહુલ દેવ બર્મને પણ હિંદી ચિત્રોના સંગીતકાર તરીકે નામના મેળવી.
બર્મનદાનું સંગીત ધરાવતાં નોંધપાત્ર ચિત્રો : ‘દો ભાઈ’ (1947), ‘શબનમ’ (1949), ‘અફસર’ (1950), ‘બાઝી’ (1951), ‘સજા’ (1951), ‘જાલ’ (1952), ‘ટૅક્સી ડ્રાઇવર’ (1954), ‘ઘર નં. 44’ (1955), ‘દેવદાસ’ (1955), ‘મુનીમજી’ (1955), ‘ફન્ટુશ’ (1956), ‘નૌ દો ગ્યારહ’ (1957), ‘પ્યાસા’ (1957), ‘પેઇંગ ગેસ્ટ’ (1957), ‘કાલા પાની’ (1958), ‘ચલતી કા નામ ગાડી’ (1958) ‘લાજવંતી’ (1958), ‘કાગઝ કે ફૂલ’ (1959), ‘સુજાતા’ (1959), ‘કાલા બાઝાર’ (1960), ‘બમ્બઈ કા બાબૂ’ (1960), ‘બાત એક રાત કી’ (1962), ‘ડૉ. વિદ્યા’ (1962), ‘બંદિની’ (1963), ‘મેરી સૂરત તેરી આંખેં’ (1963), ‘તેરે ઘર કે સામને’ (1963), ‘ઝિદ્દી’ (1964), ‘ગાઇડ’ (1965), ‘જ્વેલ થીફ’ (1967), ‘આરાધના’ (1969), ‘તલાશ’ (1969), ‘અભિમાન’ (1973).
હરસુખ થાનકી