બર્બરક : ગુજરાતના સોલંકીકાલીન રાજા સિદ્ધરાજ જયસિંહ(ઈ. સ. 1094–1143)નો શક્તિશાળી સરદાર. હેમચંદ્રસૂરિએ ‘દ્વયાશ્રય’ મહાકાવ્યમાં સિદ્ધરાજ જયસિંહનાં પરાક્રમો વર્ણવ્યાં છે; તેમાં સૌથી પહેલું પરાક્રમ બર્બરકના પરાભવ અંગેનું છે. આ મહાકાવ્યમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, આ બર્બરક (આજના સિદ્ધપુર પાસે સરસ્વતી નદીના તીરે આવેલા) શ્રીસ્થલના ઋષિઓને હેરાન કરતો હતો. તે અંગેની ફરિયાદ મળતાં, જયસિંહે તેના પર લશ્કર સહિત આક્રમણ કર્યું તથા દ્વંદ્ધયુદ્ધમાં બર્બરકને પરાભૂત કરીને કેદ કર્યો; પરંતુ છેવટે બર્બરકની પત્ની પિંગલાની વિનંતીથી તેને મુક્ત કર્યો. બર્બરકે પણ જયસિંહદેવને રત્નાભૂષણોની ભેટ આપી અને તેની સેવામાં રહેવાનું સ્વીકાર્યું. પાછળથી સૌરાષ્ટ્ર અને માળવા સાથેના યુદ્ધમાં તે જયસિંહને સહાયભૂત બન્યો. બર્બરક પર વિજય મળવાથી લોકો જયસિંહદેવને, દૈવી સિદ્ધિઓ ધરાવતો માનવા લાગ્યા; આ વિજય મળતાં તેણે ‘બર્બરક-જિષ્ણુ’ નામે બિરુદ પણ ધારણ કર્યું.
બર્બરક, સમય જતાં, ગુજરાતી પ્રજાના માનસમાં ‘બાબરા ભૂત’ તરીકે જાણીતો થયો. તે અલૌકિક શક્તિઓ ધરાવતો હતો એવી માન્યતા પ્રજામાં પ્રચલિત થઈ. જયસિંહદેવે આવા અલૌકિક શક્તિ ધરાવતા બાબરા ભૂતને વશ કરીને પ્રજાનું રક્ષણ કર્યું હતું. હેમચંદ્રસૂરિ પછીના લેખકો, અરિસિંહ અને સોમેશ્વરે પણ બર્બરક પાસે અદભુત શક્તિઓ હોવા અંગેનાં વર્ણનો કર્યાં છે. સોમેશ્વર જણાવે છે તે મુજબ, જયસિંહદેવે સ્મશાનમાં આ બર્બરકને બાંધ્યો, જેથી તે ‘સિદ્ધરાજ’ તરીકે પ્રખ્યાત બન્યો. જનમાનસમાં પ્રચલિત આવી કલ્પનાઓને છોડીને તપાસીએ તો આ બર્બરક કોઈ અનાર્ય જાતિનો બળવાન સરદાર હશે એવું લાગે છે. ડૉ. રાજબલી પાંડેય સી. વી. વૈદ્યના મતને ટાંકીને લખે છે કે તે કોઈ તુર્ક કે અરબ સેનાપતિ હશે. જોકે આ મત સ્વીકાર્ય જણાતો નથી. ડૉ. ઉષાબેન કાન્હેરે બર્બરકને કાઠીઓની એક પેટા-શાખાનો માને છે. સૌરાષ્ટ્રનો બાબરિયાવાડ પ્રદેશ, આ બાબરિયા કાઠીઓેના નામ પરથી પડ્યો હોવાનું સંભવિત જણાય છે.
ઉષાકાન્ત શાસ્ત્રી