બર્નેટ, ફ્રૅન્ક મેક્ફારલેન

January, 2000

બર્નેટ, ફ્રૅન્ક મેક્ફારલેન (સર) (Macfarlane) (જ. 2 સપ્ટેમ્બર 1899, ટ્રેરેલ્ગોન, વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયા; અ. 1985) : ઈ. સ. 1960ના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પુરસ્કારના સર પીટર બ્રિયાન મૅડાવર(Peter Brian Madawar)ના સહવિજેતા.

સર ફ્રૅન્ક મેક્ફારલેન બર્નેટ

તેમને પ્રતિરક્ષાલક્ષી સહ્યતા (immunological tolerance) પ્રાપ્ત કરવાની પ્રક્રિયાની સંકલ્પના વિકસાવવા માટે આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેઓ ઑસ્ટ્રેલિયાના મેલ્બૉર્ન ખાતે ભણ્યા અને મોટાભાગનું જીવન પણ ત્યાં વ્યતીત કર્યું. વચમાં તેઓ 2 વર્ષ માટે જીવાણુવિદ્યાનું સંશોધન કરવા માટે લંડન ગયા હતા. ઈ. સ. 1930માં જીવાણુનિયંતા વિષાણુઓ (bacteriophage) પર સંશોધન કરતી વખતે તેઓ મરઘીના ભ્રૂણ(chick embryo)માં વિષાણુઓ ઉછેરતા હતા. તે સમયે તેમને લાગ્યું કે કોઈ પણ પ્રાણીની બહારના પ્રતિજન (antigen) સામે લડવા માટે પ્રતિદ્રવ્ય (antibody) બનાવવાની ક્ષમતા તેની અંતર્ગત ક્ષમતા નથી, પણ તેઓ તેમની ગર્ભાવસ્થામાં તે મેળવે છે. તેમની આ માન્યતાને મૅડાવરના ઉંદરડી(rat)ની ચામડીના નિરોપ (skin graft) પરના આગવા સંશોધનકાર્યથી પુષ્ટિ મળી હતી. બર્નેટે આ ઉપરાંત ઇન્ફ્લુએન્ઝા, બાળલકવો (polio), ક્યૂ-જ્વર (Q-fever) અને કૉલેરા કરતા સૂક્ષ્મજીવોના ફેલાવા અંગેની વસ્તીરોગવિદ્યા (epidemiology) અને તેમની રોગકારિતા-પદ્ધતિ અંગે પણ સંશોધન કર્યું છે. ઈ. સ. 1951માં તેમણે કોષગોત્ર-ચયનની વિભાવના(clonal selection theory)ના નામે ઓળખાતી વિચારધારા રજૂ કરી હતી. તેમાં તેમણે સ્વ (self) અને નિ:સ્વ(nonself)ની વિભાવના રજૂ કરી હતી.

શિલીન નં. શુક્લ