બર્નિની, જિયૉવાની લૉરેન્ઝો (જ. 7 ડિસેમ્બર 1598, નેપલ્સ, ઇટાલી; અ. 28 નવેમ્બર 1680, નૅપલ્સ) : ઇટાલિયન બરૉક શૈલીના મહાન શિલ્પી તથા સ્થપતિ. ફ્લૉરેન્સ નગરના શિલ્પી પિયેત્રો બર્નિનીના પુત્ર.

જેની સ્થાપત્યકલાની ભવ્યતામાં જ્યિૉવાની લૉરેન્ઝો બર્નિનીનું મહત્વનું યોગદાન છે તે સેન્ટ પીટર્સ ચર્ચ
આજીવન રોમમાં કારકિર્દી વિતાવનાર બર્નિનીને શિલ્પ, ચિત્ર અને સ્થાપત્ય – એમ ત્રણ ર્દશ્ય કલાઓનો સફળ સમન્વય કરવા માટેનો યશ આપવામાં આવે છે. પિતા પાસે તેઓ શિલ્પકલા શીખ્યા, પણ તરત જ સ્વતંત્ર સર્જન કરવા લાગ્યા.
રોમના સાંતા મારિયા દેલ્લ વિત્તોરિયા ચર્ચના કૉર્નેરો ચૅપલમાં આવેલ શિલ્પ ‘એક્સ્ટસી ઑવ્ સેંટ થેરેસા’ને તેમના સર્જનની પરાકાષ્ઠા ગણવામાં આવે છે.
રોમના વિનાશ પછીની કલામાં ચિત્ર, શિલ્પ અને સ્થાપત્યની એકવાક્યતા સિદ્ધ કરવાનો આ પ્રથમ સફળ પ્રયત્ન છે એમ નિષ્ણાત કલાવિવેચકોનું માનવું છે. આ શિલ્પમાં સંત થેરેસા અને દેવદૂતની આકૃતિઓને નાટકના રંગમંચની જેમ ગોખલામાં આગળપાછળ ગોઠવી છે, તેથી સમગ્ર શિલ્પ એ ચૅપલના સ્થાપત્યનો અંતર્ગત હિસ્સો હોય તેવી પ્રતીતિ દર્શકને થાય છે. બીજું, શિલ્પમાં માનવત્વચા, વસ્ત્રો, તીર અને સ્વર્ગીય પ્રકાશનાં કિરણો માટે અલગ અલગ રંગના પથ્થર અને ધાતુઓનો ઉપયોગ કર્યો હોવાથી શિલ્પ એકરંગી (monochrome) નહિ, પણ બહુરંગી (polychrome) બને છે. આ જ રીતે રોમના સેંટ પીટર્સ ચર્ચની સેંટ પીટરની કબર પરના મંડપની રચનામાં પણ તેમણે વિવિધરંગી પથ્થરો અને ધાતુઓનો ઉપયોગ કર્યો છે.
સ્થાપત્યરચનામાં પણ તેમનું યોગદાન મહત્વનું છે. રોમનું સાન્તા બિબિયાના, આરિચિયાનું સાન્તા મારિયા દેલ ઍસન્ઝિયોન અને સેંટ આન્દ્રેયા અલ કિરિનેલનાં સ્થાપત્યો તેમણે રચેલાં છે. તેમ છતાં સ્થપતિ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ તેમને મળી તે સેંટ પીટર્સ ચર્ચના ચૉકની સ્તંભમાળાની રચના દ્વારા. ગ્રીક સ્થાપત્યની ડૉરિક શ્રેણીના વિશાળ સ્તંભો દ્વારા તે સેંટ પીટર્સ ચર્ચને ભવ્યતા બક્ષવામાં સફળ થયા છે. છેક ઓગણીસમી સદીની મધ્ય સુધી યુરોપમાં શિલ્પ અને સ્થાપત્યમાં ભલે ગમે તે વલણો કે વાદે જોર પકડ્યું હોય, પણ તેમાં તેમનો પ્રભાવ તો ચાલુ જ રહેલો.
હિંમત માંગી લે તેવાં ધારદાર કટાક્ષપૂર્ણ ઠઠ્ઠાચિત્રો (caricatures) કરવા માટે પણ તેઓ જાણીતા થયા હતા.
અમિતાભ મડિયા